પુષ્ટિમાર્ગ પરોક્ષ ફલાત્મક છે.
spacer
spacer

- કંચનભાઈ ગાંધી, વડોદરા

પુષ્ટિ પ્રભુ પરોક્ષપ્રિય છે. પુષ્ટિમાર્ગીય સેવાનો અંગીકાર શ્રીપૂર્ણ પુરૂષોત્તમ જ કરે છે. શ્રીવલ્લભ પૂર્ણ પુરૂષોત્તમનાં મુખારવિંદ રૂપ છે. આમ શ્રીવલ્લભ પરોક્ષ રૂપે ભૂતલસ્થ જીવની સેવા સ્વીકારે છે. જીવને જ્યાં સુધી આધિદૈવિક દેહ (સ્વરૂપ) પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શ્રીવલ્લભની પ્રત્યક્ષ સેવા કરવાનો અધિકાર નથી. તમે પૂર્ણ પુરૂષોત્તમમાં શ્રીવલ્લભનો ભાવ કરી સેવા કરી શકો છો. શેઠ પુરૂષોત્તમદાસ શ્રીમદનમોહનજીની સેવા શ્રીવલ્લભમાં પણ પૂર્ણ પુરૂષોત્તમનો ભાવ થઈ શકે છે. પુષ્ટિમાં ભાવ જ સાકાર, વ્યાપક સ્વરૂપાત્મક મનાયો છે. શ્રી વલ્લભ ‘વસ્તુતઃ કૃષ્ણએવ’ છે. જે શ્રીવલ્લભ અને શ્રીજીમાં ભેદ જૂએ છે તે આસુરભાવવાળો જાણવો. બંને સ્વરૂપ તો અભેદ્ય છે. જેમ પુષ્ટિમાં ધર્મ અને ધર્મિનો અભેદ્ય મનાયો છે તેમ ભેદ સહ અભેદ્ય છે. પુષ્ટિ પ્રભુ વિરૂદ્ધ ધર્માશ્રયી છે. આધુનિક સમયમાં જીવોને શ્રીમહાપ્રભુજીની આજ્ઞાનું જ્ઞાન નહિં હોવાથી મનસ્વી દેખાદેખી કરે છે. આપે ‘સિદ્ધાંત મુક્તાવલી’ માં ‘કૃષ્ણસેવા સદાકાર્યા’ ની આજ્ઞા કરી. અહીં સમસ્ત જગતના લોકો માટે કૃષ્ણ તત્વની સેવા શાસ્ત્ર સંમત બતાવી. પરંતુ ચતુઃશ્લોકીમાં આપે સ્વકીયજનોને ‘સર્વદા સર્વભાવેન ભજનિયો વ્રજાધીપ.’ અહીં આપે વ્રજના અધિપતિ શ્રીગોપીજનવલ્લભની સેવા બતાવી. શ્રીમહાપ્રભુજીએ હનુમાન ઘાટે તિરોધાન લીલા સમયે 3।। શ્લોકથી શિક્ષાશ્લોકી પ્રગટ કરી નાદ-બિંદુ સૃષ્ટિને આદેશ આપ્યો. પછીથી સ્વયમ્ પૂર્ણ પુરૂષોત્તમે પ્રગટ થઈ 105 શ્લોકી પ્રગટ કરી. ત્યાં આપે પોતાનો પરિચય આપતાં આ પ્રમાણે જણાવ્યુઃ
 
મયી ચેદસ્તિ, વિશ્વાસઃ શ્રીગોપીજન વલ્લભે ।
તદા કૃતાર્થા યુયં હિ, શોચનીંય ન કર્હિચિતં ।।
 
અહીં ધ્યાનથી સાંભળો. આપે પોતાનો પરિચય – કૃષ્ણ વ્રજાધીપ – સદાનંદ તરીકે નહીં, પરંતુ શ્રીગોપીજનવલ્લભ તરીકે આપ્યો. કેમ ? ગોપી અને પ્રભુ એકરૂપ થઈ શ્રીગોપીજનવલ્લભ થયા. ગોપીજનોને પ્રિય છે જે તે અને પ્રિયને ગોપીજનો પ્રિય છે તે, અદ્ધૈત રૂપ ગદ્યમાં પણ શ્રીગોપીજન વલ્લભનો ઉલ્લેખ શ્રીગોકુલનાથજી દ્વારા આજ્ઞાથી કરાવ્યો છે. મહત્ સ્વરૂપોની વાણી – પરોક્ષ – નિગૂઢ અને રહસ્યયુક્ત હોય છે. વાકપતિ શ્રીવલ્લભની કૃપાથી જ સમજી શકાય, અન્યથા નહિં.
 
નિબંધ શાસ્ત્રાર્થ પ્રકરણમાં એક કારીકામાં શ્રીમહાપ્રભુજી આજ્ઞા કરે છે, ‘શાસ્ત્રમ્ અવગત્ય મનોવાગ દેહૈ હી, શ્રીકૃષ્ણ સદા સેવ્ય સ્મર્તવ્ય શ્ચ ।’આપશ્રી આજ્ઞા કરે છે જીવે સૌપ્રથમ શાસ્ત્રનો અભ્યાસ કરી પ્રભુના સ્વરૂપને જાણી પછી એની સેવા મન, વાણી, દેહથી કરવી. શાસ્ત્ર પ્રમાણે છે. આપે ચતુર્થ પ્રમાણ માન્ય કર્યા છે. વેદ, બ્રહ્મસૂત્ર, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને શ્રીભાગવતજી, પ્રમાણ જે સિદ્ધ કરી આપે તે પ્રમેય – પ્રભુનું સ્વરૂપ. એ સ્વરૂપને જાણી પ્રાપ્ત કરવા તેનું નામ સાધન – સેવા અને તે સ્વરૂપાનંદનો અનુભવ કરવો તે ફળ. આમ પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલનું નિરૂપણ આપે કર્યુ છે. આપે ફક્ત મન, વાણી અને દેહ, ત્રણથી જ સેવા કરવાની આજ્ઞા કરી છે. ધનની વાત નથી કરી. ધન ગૌણ છે. ધનથી થતી સેવામાં અહંતા–મમતા જલ્દી છૂટતી નથી. અહંમની ધનથી જલ્દી નિવૃત્તિ થતી નથી. આધુનિક જીવો ધનથી સેવા કરાવશે અને કરશે તેથી ધનની વાત નથી કરી. શ્રીમહાપ્રભુજી કહે છે, પ્રથમ સેવ્ય સ્વરૂપને જાણો પછી સેવા કરો. પ્રથમ ગ્રંથ, પછી પંથ અને છેલ્લે કંથ (કૃષ્ણ). શ્રીવલ્લભની કૃપા હોય તે જ એમની વાણીનું રહસ્ય સમજે. કોઈ વિરલા જ. એવા જ એક ભગવદીય શ્રીવલ્લભના અનન્ય શ્રીભાગવતના મર્મજ્ઞ પૂ. નવનીતપ્રિય શાસ્ત્રીજીએ ઉપરોક્ત કારીકા પરથી (શાસ્ત્રમ્...) એક પુષ્ટિ પુલીન નામે અદભૂત ગ્રંથ રચ્યો છે. શ્રીવલ્લભે તેમનાં હદયમાં બિરાજી લખાવ્યો છે. જેમાં (1) શાસ્ત્ર તટ (2) શ્રીકૃષ્ણ તટ (3) આચાર તટ અને (4) સેવા તટ. આમ માર્ગનું રહસ્ય બતાવ્યું છે. આવા વિરલ ભક્તમાં શ્રીમહાપ્રભુએ દર્શાવેલા પુષ્ટિગુરૂના બધાં લક્ષણો જોવા મળે છે. જેની ભગવદીય ભાવવાળી દષ્ટિ હોય તે જ જોઈ શકે અન્યથા નહિં. ભગવાન અને ગુરૂને ઓળખવા ખૂબ સરલ સહેલા છે, પરંતુ શ્રીવલ્લભના જન ભક્તને ઓળખવા કઠીન છે. કારણ લૌકિક દ્રષ્ટિથી તે આપણા જેવા મનુષ્ય દેખાય છે માટે. શ્રીવલ્લભના અનન્ય રામદાસજી એવા ભક્તના લક્ષણ બતાવી આપણા જેવા મૂઢ જીવોને બતાવે છે,‘શ્રીવલ્લભજન કી યહ પહચાન । મિલત હરત દુઃખ જન્મ જનમ કે, સહજ પડી પહચાન ।। અપને સો કર લેત છિનક મેં,હદય ભરે રસખાન, રામદાસ શ્રીવલ્લભ કૃપાતે દેત અભય પદ દાન ।।
 
શ્રીમહાપ્રભુજીએ એવા પણ જીવના વરણઅધિકાર, જ્ઞાન, શક્તિ, અનૂકુળતા, દેશ કાલની પરિસ્થિતિ પ્રમાણે નિરુપી છે. બધા માટે એકસરખી નથી. અધિકાર પ્રમાણે છે. સેવા અહંતા-મમતા રહિત થઈ, ભાવથી આપશ્રીની આજ્ઞા મુજબ કરવાની છે. મનસ્વી રીતે નહિં. અહીં વૈભવ – સાધનની આવશ્યકતા નથી. ભાવની જ મુખ્યતા છે. પ્રમાણરૂપે શ્રીમહાપ્રભુજીએ શ્રીનવનીતપ્રિયાજીને નંદ ઉત્સવમાં ચાદરના ચાર છેડા પકડાવી – પાલનાના ભાવે પધરાવી શ્રીગોકુળમાં નંદોત્લવ કરી બતાવ્યો છે. તે ઉપરાંત 1। શેર સખડીનો અન્નકુટ પણ આપે કરી બતાવ્યો છે. ‘આપ સેવા કરી શીખવે શ્રીહરિ,’છતાં આજના વૈષ્ણવો દેખાદેખી મંદિરનું આંધળું અનુકરણ કરી, નાવ, રથ, હિંડોળા, ઝૂલા, ફુવારા વિગેરેનો ઠાઠમાઠ ઘરમાં શરૂં કરી દે છે. ભાવ સમજવાની કોશિષ કરતા નથી. સારાસારનો વિવેક નથી. અરે ભાઈ, 84/252 ની વાર્તાઓ ધ્યાનથી શ્રવણ કરો.
 
એક વૈષ્ણવે હથેળીમાં ડોલ ઝૂલાવ્યો છે. એક નિર્ધન વૈષ્ણવે માટીના ઘડામાં જલ ભરી તેમાં ગુલાબનું ફૂલ પધરાવીને ગુલાબજલની ભાવના કરી. શ્રીજીને ત્યાં બધે ગુલાબજળની મહેંક વ્યાપી ગઈ. શ્રીગુસાંઈજી શ્રીજીને પૂછે છે, ‘બાબા, આ ગુલાબજળ કોનું અંગિકાર કરી લાવ્યા ?’ આપે કહ્યું, ‘ તમારા એક નિશ્ર્કિંચન વૈષ્ણવે મને સમર્પ્યું છે.’આપે તપાસ કરાવી. તે વૈષ્ણવને પૂછાવ્યું. પ્રભુ તો સમજપૂર્વક ભાવથી કરેલી સેવાનો અંગીકાર કરે છે. નિઃસાધનજીવો માટે તો આ કૃપા માર્ગ છે. આપે સેવા માટે ફક્ત અસમર્પિતનો ત્યાગ કરવાની આજ્ઞા કરી છે. શક્તિ પ્રમાણે તમે જે કરો તે પ્રભુને ધરીને લો. એમ નથી કહ્યું કે, દુધગર, અન્ન સખડી, નાગરી, સખડીમાં બધી સામગ્રઓ ધરો. સ્થિતિ, શક્તિ, અનુકૂળતાનો વિચાર કરી સેવા કરો. સેવા સહજ ભાવે કરો તો જરૂર સિદ્ધ થાય. ‘સહજ પ્રિતિ ગોપાલ સોં ભાવે.’પ્રેમ જેમ કરવાથી થતો નથી સહજ થઈ જાય તેનું નામ પ્રેમ. તેમ સેવાનું. આજે વૈષ્ણવોમાં માર્ગિય ગ્રંથોનું શ્રવણ-મનન નથી. અધિકારીજનોનો સત્સંગ નથી. દિશાશૂન્ય સ્થિતિ છે.

શ્રીવલ્લભ શરણ થકી સૌ પડે સહેલું (શ્રીદયારામ)

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.