ભગવદીય કો સંગ સર્વદા કરનો...
spacer
spacer

- શ્રીકંચનભાઇ ગાંધી, વડોદરા

ભગવદ્ ભક્તોમાં પ્રભુનું સામર્થ્ય બિરાજે છે. દૈવીજીવ શ્રીમહાપ્રભુજીના શરણે આવે છે, તેનું સ્વરૂપ અલૌકિક જાણવું. દેહ મનુષ્યનો લાગે છે, પરંતુ ભિતર સાક્ષાત્ વ્રજભક્ત છે. ભગવદીયની દ્રષ્ટિ પડતાં જ જીવ કૃતાર્થ થઇ જાય છે. કૃષ્ણદાસજીએ વેશ્યાની છોકરીને શ્રીને અંગીકાર કરાવી. આપશ્રીની દ્રષ્ટિ પડતાં જાણી લીધું કે આ જીવ પ્રભુલાયક છે. એને નથી નામ દીક્ષા કે નિવેદન દીક્ષા, છતાં પ્રભુનો સંબંધ કરાવ્યો ! ભગવદીયમાં ગુરૂ તથા પ્રભુનું સામર્થ્ય છે. ભક્તમાં ભગવાને સર્વરસનું સ્થાપન કર્યું છે. “તદીયેઃ તત્પરેઃ” તદીય જે ભગવદીય છે, તેના વિશે સદા તત્પર રહેવું. જે દૈવી – પુષ્ટિ જીવ છે તેને જ આમાં ઋચિ થશે.
 
રાજા સહુગણે દસ હજાર વર્ષ પર્યંત દત્તાત્રેય પાસે જ્ઞાન પ્રાપ્ત કર્યું, પરંતુ ફલ પ્રાપ્તિ ના થઇ. જ્યારે જડભરતજી જેવા ભક્તનો સંગ થયો ત્યારે ભગવદ્ પ્રાપ્તિ થઇ. જડભરતજીએ ભક્તનું મહાત્મ્ય રાજાને કહ્યું “હે રાજા ! તપ, જ્ઞાન, યજ્ઞ, દાન આદિથી પ્રભુ પ્રસન્ન નથી થતાં પરંતુ ભક્તના સંગથી, તેની સેવા કરવાથી, તેની કૃપાથી જ પ્રાપ્ત થાય છે.” ઉદ્ધવજીએ પ્રભુને વિનંતી કરી કે, “હે પ્રભુ ! આપ મને વ્રજમાં ગુલ્મલતા ઔષધી તરીકે સ્થાન આપો, જેથી મને સદા વ્રજ ભક્તોના ચરણની રજ પ્રાપ્તિ થાય.” સૂરદાસજી પણ ગાય છે. : “ભક્ત વિરહ કાતર કરુણામય ડોલત પાછે લાગે.” સૌપ્રથમ સત્સંગ મુખ્ય છે. પ્રભુની કૃપા વિના સત્સંગ પણ દુર્લભ છે. પ્રભુ જ્યારે જીવ પર કૃપા કરવા વિચારે છે ત્યારે તેને ભગવદ્ ભક્તનો સંગ પ્રાપ્ત કરાવી દે છે. અત્યારના યુગમાં એવા ભગવદ્ ભક્તો દુર્લભ છે, તો તેના અભાવમાં શ્રીઆચાર્યચરણોનાં ગ્રંથોનું શ્રવણ-મનન માત્ર એક ઉત્તમ ઉપાય છે. અષ્ટ સખાનાં કિર્તનો, 84/252 ની વાર્તાઓનું શ્રવણ-મનન શ્રદ્ધાપૂર્વક કરવાથી પુષ્ટિમાર્ગના સિદ્ધાંતોનો અને સ્વરૂપ તથા લીલાનું જ્ઞાન પ્રાપ્ત થશે.
 
સતત શ્રીસર્વોત્તમજી કરવાથી પણ આપ વાક્પતિની કૃપા પ્રાપ્ત થતાં દુર્બોધ વાણી સુબોધ થઇ જાય છે. સ્વરૂપ અનુસંધાન સહિત નામ સ્મરણ જરૂરી છે. સર્વત્યાગ પૂર્વક પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક લીધેલ નામ જ ફળરૂપ છે. અન્યથા નહિ. ભગવદ્ ભક્તની વાણી હ્યદયમાં પ્રવેશ કરીને ભૂમિ તૈયાર કરે છે જેથી પ્રભુના ગુણો તેમાં પધારે પછી પ્રભુ સ્વયં પધારે છે. શ્રીમહાપ્રભુજી આજ્ઞા કરે છે, “વાક્ શબ્દને હિ શરીર સંબંધઃ” વાણીના સંબંધથી સ્વરૂપનો સંબંધ થાય છે. પ્રભુ શ્રીગોપીજનો પાસેથી અંતરધ્યાન થયા પછી જ્યારે તાપાત્મક-વિરહ ભાવે ગોપીગીતનું ગાન કર્યું, ત્યારે પ્રભુ ત્યાં જ તેઓની મધ્યમાં પ્રગટ થઇ ગયા.
એક સમયે શ્રીગુસાંઇજી ચાચાજી સાથે શ્રીદ્વારિકા પધારી રહ્યા હતા. માર્ગમાં એક સાત કોસનો પર્વત આપે જોયો. ત્યારે આપે ચાચાજીને આજ્ઞા કરી. “જુઓ ! આ પર્વત જોઇ મને શ્રીગિરિરાજજીની યાદી આવે છે.” આ વાત સાંભળી ચાચાજીએ તે પર્વત પર લીલાદ્રષ્ટીથી જોયું. તત્કાલ પર્વત પરનાં સઘળા પદાર્થો લતા, વૃક્ષ, પશુ-પક્ષી અલૌકિક થઇ વિજળીની જેમ ચમકી – ગોલોકધામમાં જઇ શ્રીગિરિરાજજીની મધ્યમાં બ્રહ્મ શીખરમાં પ્રવેશ કરી ગયો ! શ્રીગુસાંઇજીએ કહ્યું. “ચાચાજી તમે આ શું કર્યું ? મહારાજ એ પર્વત જોઇ આપશ્રીને ગિરિરાજજીની સુધિ થઇ, તેથી તે ભૂમિ પર રહેવા યોગ્ય ન રહ્યો ! આ સાંભળી શ્રીગુસાંઇજી હસીને ચૂપ કરી રહ્યાં.
 
ભગવાન એકલા કદી ન ઓળખી શકાય. ભક્તોના ચરિત્રોથી જ ભગવાનનાં સ્વરૂપને ઓળખી શકાય છે. માટે જ શ્રીશુકદેવજીએ નવમ સ્કંધમાં ભક્તોના ચરિત્રની કથા પરિક્ષીત રાજાને સંભળાવી.પછી દશમ સ્કંધમાં પ્રભુ અને પ્રભુની લીલાઓનું શ્રવણ કરાવ્યું. 84 નિર્ગુણ ભક્તોનું શ્રવણ-મનન દઢ વિશ્વાસથી કરવાથી જ શ્રીમહાપ્રભુજીના સ્વરૂપને કંઇક અંશે જીવ સમજી શકશે. શ્રીવલ્લભ સ્વરૂપ નિગૂઢ છે. કેવલ અંતરંગ નીજ ભક્તોને જ વેદ્ય છે. એવું વિલક્ષણ, અનિર્વચનિય શ્રીવલ્લભનું સ્વરૂપ છે. સત્સંગ દ્વારા, ભગવદ્ ભક્તોના શ્રવણ-મનનથી જ કંઇક પુષ્ટિમાર્ગમાં સ્વરૂપ અને સેવાનું સ્વરૂપ જાણી શકાય છે. ભગવદ્ પ્રાપ્તિ માટે (1) નિર્મળ હ્યદય (2) તિક્ષ્ણબુદ્ધિ અને (3) મન-ચિત્તની તંદુરસ્તી-નિર્મળતા જરૂરી છે. લોકત્યાગ- લોકાનુંગત વસ્તુઓનો ત્યાગ, પરસ્પર ગુણગાનમાં દેહનું અનુસંધાન ન રહેવું અને પ્રભુમાં અનન્ય સ્નેહ આ લક્ષણ જેનામાં હોય તેવાઓનો સંગ પુષ્ટિમાં ફળ રૂપ ગણાયેલ છે.
 
શ્રી વલ્લભ શરણ થકી સૌ પડે સહેલું રે.(શ્રીદયારામ)

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.