ભગવદીયનો ધર્મ
spacer
spacer

- ચિ. ગો.૧૦૮ શ્રી ગોકુલેષજી મહારાજ, જુનાગઢ

ભગવદીયે કેવી ભાવના રાખવી જોઈએ ? તો કહ્યું છે ભગવદીયે પૃથ્વી સમાન બનવું જોઈએ. પૃથ્વી કેટલું દુઃખ વેઠે છે ! કોઈ ખાડો ખોદે, કોઈ છિદ્રો કરે, કોઈ કંઈ બનાવે, કોઈ કંઈક કરે, આમ છતાં પૃથ્વી બધું જ સહન કરી લે છે. તેને સહેજે રીસ ચડતી નથી. ભગવદીયમાં પણ એવો ગુણ હોવો જોઈએ. વળી કહ્યું છે કે ભગવદીયે ઝાડ સમ બનવું જોઈએ. ઝાડ ડાઢ વેઠે છે, તડકો વેઠે છે ને વરસાદ પણ સહન કરે છે. કોઈ ઢેફું મારે તો ઉલ્ટું ફળ આપે, ભગવદીયમાં પણ આવા ગુણ જોઈએ.
 
વળી, કહેવાયું છે ભગવદીયે સમુદ્ર જેવું બનવું. એક તો સમુદ્ર સદા માટે પ્રસન્ન રહે છે. તેમાં સદાકાળ પ્રસન્નતાના મોજા ઉછળ્યા કરે છે. ને ઉનાળામાં સમુદ્રમાં કંઈ ઘટે નહીં, ને ચોમાસામાં કંઈ વધે પણ નહીં. તેમ ભગવદીયે લાભ થાય તો પ્રસન્ન ન થવું ને હાનિ થાય તો દુઃખી ન થવું. નિર્લેપભાવે રહેવુ. પ્રભુ જે કરશે તે ખરૂં છે એમ માની કશો વિચાર કરવો નહિ.
 
વળી, ભગવદીયે ભ્રમર પાસેથી પણ એક અગત્યનો ગુણ ગ્રહણ કરવો. ભ્રમર સર્વ ફુલ પર બેસે પણ ક્યાંય લપેટાય નહીં. માટે તેમાંથી એ ગુણ લેવો કે બધામાંથી સાર ગ્રહણ કરવો ને સંસારમાં લપેટાવું નહીં.
 
મધમાખીનું દ્રષ્ટાંત છે. મધમાખી બધા ઝાડનો રસ લાવે છે. ત્યારે પારધિ ધુણી કરી મધપૂડામાંથી મધ લઈ જાય છે. તેમ જે સર્વ લોભ કરીને એકઠું કરીએ તો તેનો સર્વનાશ જ થાય. માટે લોભ કદી કરવો નહીં.
 
વળી, માછલીનું દ્રષ્ટાંત છે. જેમ માછલી કણક ખાવાના મોહે આવે છે અને તેથી તેનો જીવ જાય છે, તેમ મોહ, કામ, ક્રોધ પણ એવા જ લલચાવનારા છે. માટે તેથી બચવું.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.