પ્રભુ પ્રાપ્તિ માટેનું એકમાત્ર સાધન વિરહાર્તિ
spacer
spacer

લેખક : ચિ. ગો.૧૦૮ શ્રી ગોકુલેષજી મહારાજ (જુનાગઢ)

જગતગુરૂ શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ સમગ્ર શાસ્ત્રોનું મંથન કરી કઠોર પરિશ્રમ ઉઠાવીને દૈવી જીવ ઉદ્ધારાર્થે પુષ્ટિમાર્ગ પ્રક્ટ કર્યો. આ માર્ગના સિદ્ધાંતો અત્યત ગૂઢ તથા અલૌકિક છે. એક એક સિદ્ધાંતમાં અનોખુ તત્વજ્ઞાન ભરેલું છે. આજે શ્રીમદ્ આચાર્યચરણનાં દિવ્ય સિદ્ધાંતો એક જુદા જ સ્વરૂપમાં જોવા મળે છે. આ માર્ગ અત્યારે એક રૂઢી સ્વરૂપે પ્રચલિત થઈ ગયો છે. એટલું જ નહીં પણ એક ફેશન સ્વરૂપે મોટા ભાગે દેખાય છે. લખતાં અત્યંત દુઃખ થાય છે તો પણ લખવું પડે છે કે આ જ કારણે પુષ્ટિમાર્ગનું વાસ્તવિક સ્વરૂપ તિરોહિત થતું જાય છે. આ માર્ગની ઓજસતા, અલૌકિક સામર્થ્ય અને રસાનંદની અનુભૂતિ કરનારા આજે ગણ્યાગાંઠયા વૈષ્ણવો જ છે. નવી પેઢી આપણાં સંપ્રદાય પ્રત્યે આકર્ષાતી નથી એનું કારણ છે માર્ગમાં ઊભી થયેલી વિસંગતાઓ આજે વૈજ્ઞાનિક યુગ છે. લોકોમાં સાક્ષર ચેતનાનો વિકાસ થઈ રહ્યો છે. અને તેથી જ નવી પેઢી સૈદ્ધાંતિક સ્પષ્ટિકરણ માગે છે. પણ આજે માર્ગના સિદ્ધાંતો વહેંચાઈ ગયા છે. અને તેથી ઘણો ગૂચવાડો ઊભો થયો છે. પરિણામે સંતોષકારક પ્રત્યુત્તર મળતો નથી. તેથી મનમાં ઉદ્વેગ રહે છે.
 
આવી સ્થિતિમાં બે જ રસ્તા હોય છે. એક માર્ગથી વિમુખ થઈ જવું અને બીજો ગાડરિયા પ્રવાહમાં જોડાઈ જવું. આપણાં પુષ્ટિમાર્ગમાં આપણે રસમય સ્વરૂપની અનુભૂતિ કરવી છે. પણે આજે તો આપણે આ ભૌતિક આનંદમાં જ સંપૂર્ણ પરમાનંદની અનુભૂતિ કરવા લાગ્યા છીએ. પછી પરમાનંદની અનુભૂતિ સુધી કેવી રીતે પહોંચી શકાય ? દિવ્ય પરમાનંદની શોધમાં નીકળેલા આપણે જો અલ્પ આનંદમાં સંતોષ માની લઈએ તો તો આ પુષ્ટિરસનો વાસ્તવિક આનંદ લઈ શકશું ખરા ? અરે, છેલ્લા થોડા વર્ષમાં પુષ્ટિમાર્ગ એક વર્તુળમાં જાણે કેદ થઈને રહી ગયો છે. પ્રણાલિકાઓ અને રૂઢિઓમાં બદ્ધ થઈ ગયો છે, આ કારણે આજે આપણે એનો વાસ્તવિક આનંદ ભોગવી શકતા નથી. આજે આપણે ક્રિયાત્મક સેવા પ્રકારમાં મળતા આનંદથી જ સંતોષ અનુભવીએ છીએ થોડો. વિચાર કરીએ તો આ વાત સમજી શકાશે.
 
પુષ્ટિમાર્ગનું હાર્દ સેવા છે. પણ આજે મોટા ભાગે સેવા ભાવનાત્મક કરતાં ક્રિયાત્મક ઢબે વધુ જોવામાં આવે છે. ખરી રીતે જોઈએ તો સેવા એટલે પ્રભુમાં તલ્લીનતા મેળવી પ્રભુની વધુને વધુ નિકટ જવું તે (ચેતસ્ત પ્રવણ સેવા) સેવા દ્વારા પ્રેમ, આસકિત અને વ્યસનની ભાવનાને વેગ મળે છે. અને જેથી નિરોધ પ્રાપ્ત થાય છે. આ નિરોધ જ માર્ગનું કેન્દ્રબિંદુ છે. પ્રભુમય બનીને પ્રભુનાં સેવા કિર્તન અને સ્મરણ સિવાય એક ક્ષણ પણ ન જાય અને ફલરૂપ વિપ્રયોગની અવસ્થાની અનુભૂતિ થાય. ત્યારે જ પ્રભુનો સાક્ષાત્કાર અનુભવી શકાય. આ માટે સૌથી વધુ જરૂરી છે તીવ્ર આર્તિ. પણ આજે તો વૈષ્ણવ વ્યસન અવસ્થા સુધી પહોંચી શકવામાં જ અસમર્થ બની ગયા છે. પ.ભ. દામોદરદાસજીએ પણ શ્રીગુસાંઈજીને વિનંતી કરેલી ‘‘જે યહ માર્ગ હાંસી ખેલકો નાહીં તાપ કલેશ કો હે.’’
આજે પ્રભુનાં સ્વરૂપાનંદ માટે જરૂરી સ્નેહાર્તિ ન થવાનું પાયાનું કારણ છે ક્રિયાત્મક સેવા આજે સેવા કરવામાં સ્વસુખ એટલે સ્વાનંદનું પ્રમાણ કંઈક અંશે વધુ રહે છે. અલબત, ભાવના જરૂર છે. પણ સેવા દ્વારા જે વસ્તુ મળવી જોઈએ એ નથી મળતી. એ છે વિરહની ભાવના. મંગલાથી શયન પર્યંત સેવા પહોંચતા કોઈ ભગવદીય વૈષ્ણવ જ્યારે સાંજે પ્રસાદ લેતા હોય ત્યારે તેમની મનોસ્થિતિનું અવલોકન કરીએ તો એમનામાં એક દૈનિક કાર્યાવિધિ પુર્ણ કર્યાંનો આંશિક આનંદ અને સંતોષ હોય છે. મોટા ભાગે આવી પરિસ્થિતિ છે. અનાયાસે પણ આ વસ્તુ અત્યંત સુક્ષ્મ પણે જણાઈ જ આવે છે. આ માટે સૌથી મહત્વની બાબત છે પ્રભુમાં દ્રઢતા અને તાલાવેલી. સ્મરણ અને કિર્તન આધિદૈવીક સેવાની સિદ્ધિ માટે છે. તાપ ભાવપૂર્વક સેવા થતી હોય તો, પ્રભુના સાક્ષાત્કારની ભાવનાનો આંતરિક પ્રવાહ અસ્ખલિત રીતે વહ્યા કરે છે એ પ્રભુ મિલનની ઉત્કટ આર્તિનો ઉદય થાય છે, અને ઉત્તરોત્તર પ્રેમ-આસકિત અને વ્યસન અવસ્થાની પ્રાપ્તિ થાય છે અને ત્યાર પછી થતી અલૌકિક દિવ્ય અનુભુતિનું વર્ણન કરવું મુશ્કેલ છે. એતો પ્રભુ જેને કૃપા કરી દાન કરે એજ અનુભવી શકે. આ છે પુષ્ટિમાર્ગની ફલરૂપ અવસ્થા સેવામાં ક્યારેક પ્રતિબંધો પણ આવે છે. પરંતુ પ્રભુ પોતે જ તેની નિવૃત્તિ કરે છે. સેવામાં ત્રણ પ્રકારના પ્રતિબંધો આપે બતાવ્યા છે. ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ આ પ્રતિબંધોનું નિવારણ અનુગ્રહની રીતે શ્રીવલ્લભ પોતેજ કરે છે.
 
મુખ્ય વાત તો એજ છે કે પ્રભુમાં સ્નેહ થાય ત્યારથી ફલરૂપ સ્વરૂપાનંદની પ્રાપ્તી સુધી વિરહાગ્નિ પ્રબળ રહેવી જોઈએ. પ્રભુદર્શનની તાલાવેલી અસ્ખલિત વહેવી જોઈએ તીવ્ર તાપ દ્વારા જ સ્વરૂપાનંદનો અનુભવ મેળવી શકાય તેમજ પ્રભુનો સાક્ષાત્કાર પ્રાપ્ત કરી શકાય.

ઉપરની વાતો લક્ષમાં રાખીને આપણી સેવા ક્રિયાત્મક નહી પરંતુ તાપભાવ પૂર્વકની અને પ્રભુ સાક્ષાત્કારની ભાવના વાળી હોવી જોઈએ.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.