દીનતાની ભાવના
spacer
spacer

શ્રીહરિરાયચરણે ‘દૈન્યાષ્ટક’ નામનો એક નાનો ગ્રંથ લખ્યો છે. દીનતા એ જ આ માર્ગમાં સાધન છે. પ્રભુને પ્રસન્ન કરવાને સાધનરૂપી સંપત્તિઓ કાંઇ મદદગાર થઇ પડતી નથી. ગરીબોનો બેલી કાંઇ ધનવાનોથી અંજાઇ જાય ? એ તો એક જ વસ્તુથી રીઝે. તે વસ્તુ દીનતા છે. દીનતા ભરેલા હૃદયમાં અનેક ભાવો ઉઠે છે. એ ભાવો જુદા જુદા ગ્રંથોમાં શ્રીહરિરાય પ્રભુએ આલેખ્યા છે. દૈન્યાષ્ટક ગ્રંથ પણ દીનતા-ભાવનો પરિચય આપનાર સુંદર ગ્રંથ છે. એ ગ્રંથમાં શ્રીમહાપ્રભુજીના ચરણકમલને પોતાના મસ્તક પર સ્થાપવાની ભાવના છે.

શ્રીગુરુદેવના ચરણસ્પર્શની મર્યાદા આપણા સંપ્રદાયમાં છે. હંમેશા પોતાના બ્રહ્મસંબંધ દાતા શ્રીગુરૂદેવના ચરણસ્પર્શ કરવા જ જોઇએ. એ સદભાગ્ય ન હોય તો પછી અન્ય કોઇ પણ શ્રીગોસ્વામિબાલકના, તેમાંએ મુખ્યત્વે શ્રીગુરૂદેવની ગાદી પર બિરાજતા બાલકના-ચરણસ્પર્શ કરવા જ જોઇએ. આ મર્યાદામાં દીનતાનું પોષણ છે. ચરણસ્પર્શ જ દીનતાની તાલીમ છે. જીવને જ્યારે એમ થાય કે હું અધમ છું, દોષથી ભરેલો છું ત્યારે તેનામાં દીનતા આવે છે. દીનતા સિદ્ધ થતાંની સાથે પોતાનાં સેવ્યસ્વરૂપ, શ્રીગુરૂદેવ, શ્રીગોસ્વામિબાલકો, ભગવદીયો તરફ ઉત્કૃષ્ટ ભાવ-ઉચ્ચ-ભાવ થાય. એ બધાં તરફ પૂજ્યભાવ પ્રવર્તે કે હું દોષથી ભરેલો છું, આપણે શરણે છું, આપને ચરણે માથું મુકું છું, હવે મને તારો કે ડુબાડો, રૂચે તેમ કરો, આ ભાવના જ દંડવત્ પ્રણામમાં અને ચરણસ્પર્શમાં છે. દીનતાનું ખરૂં સ્વરૂપ જ આ છે. દંડવત્ પ્રણામ અને ચરણસ્પર્શ એ દીનતાની દરરોજની તાલીમ છે. દીનતા વિના પ્રભુપ્રાપ્તિ થઇ શકતી નથી.
 
શ્રી હરિરાયપ્રભુ આ ગ્રંથમાં દીનતાની ભાવનાને કેવી રીતે આલેખે છે તે જોઇએ. શ્રીહરિરાયજી આજ્ઞા કરે છે કે :-
હે શ્રીમહાપ્રભો ! આપશ્રીનું ચરણકમલ મારે માથે ક્યારે ધરશો ? એ ચરણકમલ કેવું છે ? શ્રીવૃંદાવનની રજ જેના ઉપર લાગેલી છે. જે રજને પ્રભુના ચરણનો સાક્ષાત્ સંબંધ છે, જે રજને શ્રીસ્વામિનીજી અને વ્રજભક્તોના ચરણોએ રસરૂપ કરી છે, જે રજ નવતનું-અલૌકિક દેહ-કરી દેવાનું અદભૂત સામર્થ્ય ધરાવે છે, એ રજ અને વળી તે શ્રીવલ્લભચરણ પર લાગેલી. સૌભાગ્યની સીમા ! જે ચરણકમલ સંપ્રદાયનું મૂલ, જેનું અવલંબન દઢ થતાં અન્ય કશાની ઇચ્છા જીવે કરવાની નથી, તે ચરણકમલ ! વળી તે ચરણતલ શ્રીયમુનાજલવાળા પંકથી લિપ્ત. સ્થલવિહાર પછી જલવિહારનું સૂચન ! શ્રીયમુનાજીમાં આપશ્રી પધારે ત્યાં શ્રમજલથી યુક્ત શ્રીયમુનાજલથી ભીંજાયેલી વ્રજરજ ચરણ પર લાગી જ જાય.
 
ભીંજાયેલી રજવાળા ચરણની છાપ તે મહોર છાપ જ થઇ પડે. પછી તે કદી જાય જ નહિ. માટે જ શ્રીહરિરાય પ્રભુ તેવાં ચરણતલને પોતાના મસ્તક ઉપર ધરવાની પ્રાર્થના ‘શ્રીવલ્લભ’ ને કરે છે. ‘શ્રીવલ્લભ’ ના નામમાં બે અર્થની સ્ફુર્તિ થાય. શ્રીહરિરાયજીના બ્રહ્મસંબંધદાતા ગુરૂદેવ શ્રીગોકુલેશ છે. શ્રીગોકુલેશ શ્રીગોકુલનાથજીનું બીજું નામ શ્રીવલ્લભ છે.
શ્રીમહાપ્રભુજી પણ શ્રીવલ્લભ જ છે. એ રીતે પોતાના શ્રીગુરૂદેવ અને શ્રીવલ્લભાધીશ્વરની એકતા બનાવી. આ વાત સર્વેએ ધ્યાનમાં રાખવી. પોતાના શ્રીગુરૂદેવને શ્રીમહાપ્રભુરૂપ જ ગણવા.
 
વળી એ ચરણ કમલ જેવાતેવા હૃદયમાં ન જ બિરાજે. જે હૃદય રસભર્યુ હોય, જેમાં પ્રેમ વ્યાપ્ત રહેલો હોય, જેમાં આદ્રર્તા હોય, જે ભીંજાયેલું હોય, એનું હૃદય જ શ્રીવલ્લભચરણનું સ્થાન છે. પ્રેમભર્યા ભીંજાયેલા હૃદયમાં જ એ ચરણની સદા ભાવના થાય. શ્રીમહાપ્રભો ! એવું ચરણતલ મારા મસ્તક પર ક્યારે ધરશો ?
 
જે ચરણનું ચરણામૃત તે વાસ્તવિક અમૃત જ છે. અમૃતનો સ્વભાવ જીવન ટકાવવાનો છે. મરેલાને સજીવન કરવાનો છે. જીવતાને સુંદર જીવન અર્પવાનો છે. શ્રીવલ્લભાગ્નિના ચરણ પ્રક્ષાલનનું જલ-ચરણામૃત પણ તેવું જ છે. શરણે આવેલાને એ પ્રભુભક્તિનું દાન કરે છે. ભક્તિ વિનાનું જીવન તે જીવન કહેવાય ? ભક્તિરહિત મનુષ્યો તો જીવતા મર્યાજ સમજવા. એનામાં જીવન રેડનાર શ્રીવલ્લભચરણામૃત છે. શરણે આવેલા ભક્તો પણ કોઇને સુખી રહેતા નથી. અગ્નિ પાસે વળી શાંતિ કેવી ? તેમાંએ વળી વિરહાગ્નિ, પેલો અગ્નિતે શરીર બાળે. આતો દેહને, ઇન્દ્રિયોને બધાને વિરહભાવથી પ્રભાવિત કરે. આવા વિરહ વ્યાકુલ ભક્તોના દેહને ટકાવી રાખવા માટેનું અમૃત તુલ્ય ઔષધ ચરણામૃત જ છે. હે વલ્લભ આવું ચરણતલ મસ્તક પર ક્યારે ધરશો ?

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.