પુષ્ટિમાર્ગમાં સેવાની મેંડનું સ્વરૂપ
spacer
spacer

 શ્રીકંચનભાઈ ગાંધી, વડોદરા

આપણા શ્રીમહાપ્રભુએ પ્રગટ કરેલા ભાવાત્મક પુષ્ટિમાર્ગમાં જે છે તે સઘળું ભાવાત્મક જ છે. સેવ્ય સ્વરૂપ, ગદ્યમંત્ર, સેવકનુ સ્વરૂપ, સેવા માટેના ઉપકર્ણો, સેવામાં જ્યાં સેવ્ય સ્વરૂપ બિરાજે છે તે ઘરમંદિર બધું જ ભાવાત્મક છે. શ્રીવલ્લભના માર્ગમાં સ્વરૂપાત્મક-ભાવાત્મક-રસાત્મક અને ફલાત્મકનું જ પ્રાધાન્ય છે. સેવાની મેંડનું સ્વરૂપ આધિદૈવિક છે. તેથી જ 84-252 ભક્તો શરણે આવી મેંડ-મર્યાદાથી ગૃહ સેવા કરતાં હતાં. થોડાક જ સમયમાં સેવ્યનો સ્વાનુભવ થતો હતો ! આજે એ જ ગદ્યમંત્ર છે, સેવ્ય સ્વરૂપ સાક્ષાત ગોલોકધામસ્થ ભાવાત્મક બિરાજે છે, છતાં 20-25 વર્ષથી સેવા કરતા – ભોગ ધરીને લેતા વૈષ્ણવોને પૂછો, પ્રભુનો કાંઈ અનુભવ થાય છે ? કદી સેવ્ય સ્વપ્નમાં દર્શન આપે છે ? તમારામાં કંઈક બદલાવ આવ્યો ? કંઈક આધિદૈવિક અનુભવની છાંટ પ્રાપ્ત થઈ ? આત્મખોજ કરો. વિચાર માગી લેતો મુદ્દાનો પ્રશ્ન છે. જો તમે જેમ હતાં તેવા જ ધોયેલા માંઢા જેવા જ છો તો શો અર્થ ? બાવાના બેઉ બગડ્યા. ના પામ્યા સંસાર કે ના મળ્યા સર્વેશ્વર પુષ્ટિ પ્રભુ ! સાચું પૂછો તો સેવાને એક ક્રિયાવત કરવામાં આવે છે. પુષ્ટિમાં સેવા જ ફલરૂપ છે. સેવા દરમ્યાન તમને એ ફલનો અનુભવ થાય છે. પ્રત્યેક સેવાના ક્રમમાં બુહારીથી માંડીને રસોઈ-ભાગ, પાત્રો માંજવા, સામગ્રી સિદ્ધ કરવી- બધામાં જો તમને આનંદ-આનંદ થયા કરે તો જાણવું કે હવે હું માર્ગમાં ચાલી રહ્યો છું. આવું કાંઇપણ નથી થતું તો એ મહારોગ-ભવરોગનો ઈલાજ શોધવો જ રહ્યો. સત્સંગનો અભાવ છે.
 
સેવાની પાકી અપરસ-મેંડ નથી. પ્રભુ પ્રત્યે નિષ્ઠા અને સ્નેહ જ નથી થયો ! કંઈક અનુભવ અને આનંદ પ્રાપ્તિ માટે તમારૂં મન મંદિરો-તિર્થો વિગેરેમાં દોડે છે. તેથી સેવ્ય સ્વરૂપ પ્રત્યેની અનન્યતા – પતિવ્રતા ધર્મ ભંગ થાય છે. અને સેવ્યની મુખ્ય સેવા છોડી બીજે દોડવાથી સેવ્ય સ્વરૂપ ગૌણ બની જાય છે. પછી પુષ્ટિ ફલથી વંચિત થવાય તેમાં શું નવાઈ ? સેવા કરી તે અગત્યનું છે. શ્રીમહાપ્રભુજી, શ્રીગુસાંઈજી દૈવી જીવોને શરણે લઈ, સેવાની રીત, મેંડ-મર્યાદા શીખવતા પછી સેવ્યને પધરાવી આપતા. કહેતા, “આ મારૂં સર્વસ્વ તમને સોંપુ છું. ઘેર જઈ સેવા કરો.” 84/252 વૈષ્ણવોએ સેવ્યને સર્વસ્વ માની સેવ્યા તેથી ફલ પ્રાપ્તિ કરી છે. એટલું જ નહિ જીવોને સંગ કોનો કરવો તેનું માર્ગદર્ળન આપતા. ઉજ્જૈન જાઓ તો કૃષ્ણ ભટ્ટને મળજો. આગ્રા જાઓ તો સંતદાસજીને મળજો, અમદાવાદ જાઓ તો ભાઈલા કોઠારી અને એક સ્ત્રી-પુરૂષને જરૂર મળજો. ચાચાજી જેવા પરમ ભગવદીય ગામે-ગામ જઈ સત્સંગ કરાવતાં. આ પ્રથા-પરંપરા લુપ્ત થઈ ગઈ. હાલ પણ 50-60 વર્ષ પહેલાં વૈષ્ણવો ભોગ ધરવાની આજ્ઞા લેવા શ્રીગોસ્વામી બાળકો પાસે આવતા, તો આપશ્રી પોતાના નિજખવાસ કે બીજા ભગનદીયોને મોકલી વૈષ્ણવને સઘળી માહિતી પ્રાપ્ત કરાવી પછી સખડી ભોગની આજ્ઞા મળી જાય. અપરસ શું કે મેંડ શું ? કશું જાણવાની જરૂર જ ના પડે, પ્રાચીન મેંડ-મર્યાદાથી ભોગ ધરી સેવા કરનારાની સંખ્યા દિવસે-દિવસે ઓછી થતી જાય છે અને નવી પેઢીની સંખ્યા વધી રહી છે. જેમને અપરસ શું, જુઠન શું, પ્રસાદી-ખાસા-સેવકીનું જ્ઞાન નથી. માસિક ધર્મમાં ત્રિજે દિવસે સ્નાન કરી, શ્યામ સ્વરૂપની સેવા કરતાં બ્હેનો પણ આજે જોવા મળે છે. ક્યાં છે પુષ્ટિમાર્ગ ? વૈષ્ણવોની ભીંડ-સંખ્યા વધી છે, ઊંડાઈ ઘટી ગઈ છે. સેવાની મેંડમાં રહેનારને જ ફલ મળે છે. પુષ્ટિ પુરૂષોત્તમ રસાત્મક પ્રભુ પણ શ્રીવલ્લભની મેંડમાં જ રહે છે. સારસ્વત કલ્પમાં 11 વર્ષ, 52 દિવસ વ્રજમાં બિરાજ્યાં, શ્રુતિરૂપા-ઋષિરૂપા શ્રીગોપીજનોનો ઉદ્ધાર પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ દ્વારા કર્યો. વ્રજની મેંડ છોડી બીજે ચરણ નથી ધર્યો. મેંડનું આવું જ 2% વૈષ્ણવો શુદ્ધ પુષ્ટિની અપરસથી સેવા કરતા જોવા મળે છે. આજે અપરસનું નામ નથી. બાથરૂમમાં ડોલના પાણીથી ન્હાઈ સેવા કરે છે. કપડાં પણ બહારથી સુકવેલા જ પહેરવાના. પરનાળાથી સ્નાન નહિ, કે ન્હાયા પછી ઉપર જલ રેડાવવું નહિં. આ કઈ જાતની અપરસ ? અને કહે છે, “અમે સખડી ભોગ ધરીએ છીએ – આજ્ઞા લીધી છે.” ધન્ય છે. આજ્ઞા કયા સંજોગોમાં – કેવી અપાઈ હશે તે તો શ્રાવલ્લભ જાણે Ő પરંતુ આ બાબતમાં જો કોઈ સર્વે કરવામાં આવે તો જરૂર ખબર પડે કે કયાં પ્રકારની પુષ્ટિની સેવા વૈષ્ણવો કરી રહ્યાં છે.
 
મહાપ્રસાદ પણ કેમ લેવો- લેવડાવવો તે પણ ખબર નથી. ભોગ સરાવી પાત્રો ડાઈનીંગ ટેબલ પર મૂકી દેવાના. ખાનારા ત્યાં જ બેસી ખાય. વચ્ચે કોઈ મેંડ નહિ. વાહ રે પ્રભુ ! આ બુફેના જમાનામાં બધા વૈષ્ણવો બુફેની ફેશનમાં પ્રસાદ લેતા થઈ ગયા છે ! મોટેભાગે આજના વૈષ્ણવો અન્નદોષ અને દુઃસંગથી બચે તે જરૂરી છે. સેવા કરવી છે તો પ્રથમ સેવાનું સ્વરૂપ સમજી લેવું જરૂરી છે. આંધળું – દેખાદેખી કરવામાં દોષ લાગે – અપરાધ પડે. થોડું કરો પણ માર્ગની રીત સમજીને કરો. ના થાય તો વાંધો નહીં. તમારા અધિકાર પ્રમાણે જ તમે સેવા કરી શકશો. આ માર્ગ બધા માટે નથી, કેવલ અધિકારી, પુષ્ટિ-દૈવી જીવો માટે જ છે. આ વાત ધ્યાનથી સમજી લો. તમને ભગવદ્ પ્રાપ્તિનો તાપ છે, શ્રવણ – મનનમાં રૂચિ છે, સંસાર પ્રત્યે કંઈક અભાવ છે, નથી થતું તેનું દુઃખ છે ! જો આવું કંઈ થાય છે તો જાણજો કે તમે દૈવી જીવ છો ! પરંતુ મન કે દેહ આસુરી હોવાથી સેવા કરી શકતા નથી.
 
આજે વૈષ્ણવો ફલથી વંચિત કેમ રહે છે ? કારણકે, અન્નદોષ, દુઃસંગ દોષ અને વાણી દોષ મુખ્ય છે. તેનાથી બચીને ચાલવાનું છે. કોઈ વૈષ્ણવ કુટુંબમાં કોઈ હરિશરણ થાય, તો તેની પાછળ કે તેના નિમિત્તે કદી કોઈને પ્રસાદ ના લેવડાવી શકાય. લેનાર અને લેવડાવનાર બંનેને દોષ લાગે. લગ્ન-સીમંત-જન્મદિન આવું કોઈ નિમિત્ત હોય તે સામગ્રી મંદિરના પ્રભુ નથી આરોગતા. કારણ તે-તે પ્રસંગનું નિમિત્ત થઈ ગયું. તમારા ઘેર બનાવી સમર્પિત કરો. બિચારા ઠાકોરજીને એ નિમિત્તે શા માટે આરોગાવવું ? આજે આવી સમજ નથી !
 
(શ્રીવલ્લભ શરણ થકી સૌ પડે સહેલું...)

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.