વિદ્યમાન આનંદ તજ કયોં ચલત અપાથે
spacer
spacer

કંચનભાઈ ગાંધી, વડોદરા

પુષ્ટિમાર્ગમાં જીવને પોતાના કર્તવ્યનો બોધ કરાવવા માટે અનેક નાના-મોટા ગ્રંથો બિરાજે છે. માર્ગના સમર્થ આચાર્યોએ ઘણોજ પરિશ્રમ લઈને પુષ્ટિ પોષણનું વિપુલ સાહિત્ય પ્રગટ કર્યું છે. શ્રીવલ્લભે રસાત્મક-ફલાત્મક-ભાવાત્મક પુષ્ટિમાર્ગ પ્રગટ કરીને તે માર્ગે ચાલવાનો સરળ ઉપાય બતાવ્યો છે. એ છતાં જીવ મૂઢમતિને લીધે મૂલ માર્ગથી વિપરીત કૃપાથે ટકે છે. પુષ્ટિ ફલથી વંચીત રહી આવે છે. આમાં સત્સંગનો અભાવ અને ગ્રંથાવલોકનથી વિમુખ આ કારણ છે. દરેક પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સેવામાં દાખલ થઈ, સૌ પ્રથમ શ્રીયમુનાજી, શ્રીજી, શ્રીવલ્લભ, શ્રીવિઠ્ઠલના પદો બોલે છે. ફક્ત બોલી જાય છે. કદી એના શબ્દોમા અર્થનો વિચાર નથી કરતા. આવું જ એક પદ મર્મજ્ઞ શિરોમણી, શિક્ષા સાગર, ભક્તવત્સલ શ્રીહરિરાય મહાપ્રભુનું જોઈએ.
 
જય જય શ્રીવલ્લભ પ્રભુ શ્રીવિઠ્ઠલેશ સાથે ।
નિજજન પર કરત કૃપા, ધરત હાથ માથેં ।।
દોષ સબે દુર કરત, ભક્તિ ભાવ હિયે ધરત ।
કાજ સબ સરત સદા, ગાવત ગુણ ગાથે ।।1।।
કાહેકો દેહ દમત, સાધન કર મુરખ જન ।
વિદ્યમાન આનંદ ત્યજ, ચલત કયોં અપાથે ।।
રસિક ચરણ શરણ, સદા રહત બડભાગીજન ।
અપનો કર શ્રીગોકુલપતિ, ભરત તાહિ બાથે ।।2।।
 
આમાંથી ફક્ત ‘વિદ્યમાન આનંદ ત્યજ’ આ જ ટુંકનો વિચાર કરીએ. રસિક-વિરહી એવા શ્રીહરિરાયજી જીવને ટેરી ટેરીને કહી રહ્યાં છે. સ્વકીયોને સમજાવી રહ્યા છે કે, ‘વિદ્યમાન આનંદ’ શ્રીવલ્લભની કૃપાથી જીવના ઘરમાં જ સેવ્ય સ્વરૂપે બિરાજે છે, એને પીઠ દઈ-છોડીને બીજે આનંદની આશાએ શા માટે તું ભટકે છે ? વૃથા દેહ દમન શા માટે ? બહાર શા માટે ભટકે છે ?
જે કાંઈ પ્રાપ્ત કરવાનું છે તે સેવ્ય પ્રભુ સકલ ગોલોકધામને સાથે લઈને બિરાજે છે. એ સ્વરૂપને સાક્ષાત અને સર્વસ્વ માની પ્રેમ પૂર્વક માર્ગની મેંડ-મર્યાદાથી અષ્ટપ્રહર સેવા કરો. સકલ લીલા અને સ્વરૂપનો અનુભવ આપ કૃપા કરીને કરાવશે. કૃપા કરવા તો બિરાજે છે 84-252 ભગવદીયોને સ્વરૂપાનંદનો અનુભવ પોતાના ઘરના સેવ્ય દ્વારા જ થયો છે, તે આપણે રોજ રાત્રે સત્સંગમાં વાંચી જવા માટે નથી. એને મનન કરી, આચરવાનો છે. જીવનમાં ઉતારવાનો છે.
 
ઘરની બહાર જે આનંદ માટે ભટકીયે છે તે ખરો આનંદ જ નથી, તે ક્ષણિક છે. થોડા સમય પછી તિરોહિત થઈ જાય છે. નિત્ય નથી નિત્ય આનંદ તો આનંદ સ્વરૂપ માથે બિરાજ-રાજતા સેવ્ય પ્રભુ જ છે. બહારનો આનંદ એ તો ફક્ત આનંદનો આભાસ છે. કદી મૃગજળથી તૃષા છીપાતી નથી. સેવ્યને બીજાને ઘેર સોંપી વૈષ્ણવો તિર્થયાત્રાએ જાય છે. આ પુષ્ટિમાર્ગની મર્યાદાની વિરૂદ્ધ છે. ગૃહમાં બિરાજતા પ્રભુને સાથે લઈને જાવ તો કાંઈ ઠીક છે. તે પણ જવાથીશું ફાયદો ? જે બહાર સુખ-આનંદ લેવો છે, તે તો તમારી સાથે ઝાંપીજીમાં જ બિરાજે છે. છતાં કસ્તુરી મૃગની જેમ બહાર દોડે છે. ગૃહસેવા જ સ્વધર્મ છે પુષ્ટિમાં સેવા એ જ ફલ કહેયું છે. કેમ ફળ કહ્યું ? સેવા દરમ્યાન જીવની સકલ ઈંદ્રિયોને  જ્યારે જીવ ખરેખર ભગવદ આવેશયુક્ત બની સેવા કરવા લાગે છે, ત્યારે ખરેખર એની સેવાનો અંગીકાર થાય છે. સેવામાં દરેક વસ્તુ સ્વરૂપાત્મક, ભાવાત્મક છે. કીર્તનોની સંગતીથી પ્રભુના સ્વરૂપનું લીલાનું જ્ઞાન થાય છે. અને રાગમાં ભાવથી જો પ્રભુ સન્મુખ કીર્તન કરવામાં આવે તો જીવના રોમે રોમમાં પ્રભુના સ્વરૂપાનંદનો અનુભવ થાય છે. સ્વકીયને ‘રાગ’ સ્વરૂપમાં તલ્લીન બનાવી મુકે છે. જેમ વેણુનાદના શ્રવણથી જડ મૃગલીઓ દોડીને પ્રભુ સન્મુખ બિરાજે છે. નાદ સુધા સ્વરૂપ છે. પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન દીનતા અને નાદગાન છે. ગોપીગીતના વિરહગાનથી પ્રભુને ગોપીઓની મધ્યમાં પ્રગટ થવું પડ્યું. આવું આ રાગ-ગાન નાદનું સ્વરૂપ છે. દેહભાવ પ્રપંચ રહિત થયેલ સેવા જ ફલ રૂપ છે. સેવા દ્વારા જ પુષ્ટિ જીવને ફલની પ્રાપ્તિ છે, બીજા કોઈ સાધનથી પુષ્ટિ પ્રભુને રીઝવી શકાય તેમ નથી.
 
કેવલ શ્રીવલ્લભના ચરણકમલનો દ્રઢ આશ્રય કર્યા વિના, અનન્ય ભાવે શરણ ગ્રહણ કર્યા વિના પુષ્ટિ પ્રભુના સ્વરૂપાનંદનો અનુભવ થવો દુર્લભ છે. શ્રીગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં પણ આ જ ગાય છેઃ ‘ એ ચરણ શરણ વિના લોક દસ ચારમાં કહોને કોનો કાંઈ અર્થ સીધ્યો ? કેવલ ચરણનું શરણ જ બતાવ્યું. શ્રીવલ્લભે ચરણમાં ચિન્હો ધારણ કર્યા છે તે પુષ્ટિ જીવોને ફલરૂપ છે. તે ભક્તોને ભજનાનંદનો અનુભવ કરાવવા માટે છે. આપણે બધે દોડીએ તેનો અર્થ શો ? શ્રીદયારામભાઈ પણ જીવને ટકોર કરે છે. ‘મનજી મુસાફર રે,ચાલો નીજ દેશ ભણી, મલક ઘણા જોયા રે, ન મળ્યા શ્રીજી કહીં.’બ્રહ્મસંબંધ વખતે જ શ્રીવલ્લભે જીવને તેના હદયમાં ધર્મિ પ્રભુનું ભાવાત્મક સ્વરૂપ પધરાવી આપ્યું છે, જીવને આની પહેચાન નથી. ‘વિદ્યમાન’ એજ સેવ્ય સ્વરૂપ અને હદયમાં બિરાજતું સ્વરૂપ એ બેને ઓળખી સેવા – સ્મરણ કરો તો બેડો પાર છે.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.