પુષ્ટિ માર્ગમાં તાપાત્મક ગુણગાન ફલ રૂપ છે
spacer
spacer

આધુનિક સમયમાં પુષ્ટિ જીવોનો ઉદ્ધાર પ્રભુના નામ દ્વારા થાય છે. નામ ધર્મરૂપ છે. તેમાં નામી ધર્મિ પ્રભુ બિરાજે છે. જેમ બીજમાં વૃક્ષ તેમ. કલિકાલમાં સેવા માટે કોઈ સાધન શુદ્ધ નથી. દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ છએ શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત નથી એમ શ્રીમહાપ્રભુજી આજ્ઞા કરે છે. નામ સ્મરણ કરનારના હદયમાં સ્મરણ અને સ્વરૂપધ્યાનથી પ્રભુના ગુણો પધારે છે. તે અવળા ક્રમથી, જેમકે પહેલાં વૈરાગ્ય ગુણ આવે, પછી જ્ઞાનગુણ. ગુણો એ પ્રભુની ભાર્યાઓ છે. તેથી ગુણોના પ્રવેશ દ્વારા પ્રભુ સ્વયં બિરાજે છે. નામ સ્મરણ પણ શુદ્ધ મન-ચિત્તના નિરોધ સહ લેવાય તો તે ફલરૂપ છે. પ્રપંચ જગતના આવેશથી મુક્ત થઈ અલૌકિક નામ સ્મરણ કરવું. લોકાકિત થયા વિના અલૌકિક ફલ દુર્લભ છે. નામની ભીતર અલૈકિક અગ્નિ રહ્યો છે, તેથી તે જીવના જન્મ જન્મોના પાપના ઉકરડાને બાળી નાખી હદય શુદ્ધ કરે છે. તેથી જ નિરોધ લક્ષણ ગ્રંથમાં આપશ્રી વલ્લભે ગુણગાનની આજ્ઞા કરી છે.

શ્રીમહાપ્રભુજી આપ તાપાત્મક સુધાસ્વરૂપ વિપ્રયોગ ભાવાત્મક છે. એજ જીવને વિરહ ભાવનુ દાન કરે છે, ત્યારે જીવ ફલરૂપ ગુણગાન પણ કરી શકે છે. જીવ સ્વયં કાંઈ પણ કરવા અસમર્થ છે. “તસ્માત સર્વ પરિત્યજ્ય નિરૂદ્ધૈઃ સર્વદા ગુણાસદાનંદ પરૈર્ગેયાઃ ,સચ્ચિતાનંદતા તતઃ” સર્વદા ગુણગાન દ્વારા આપણો અલૌકિક દેહ સિદ્ધ થાય છે. માટે જીવે પ્રભુને સામગ્રી ધરાવી અધરામૃત લેવું અને ગુણગાન કરવા. અધરામૃતના સેવનથી હદય-બુદ્ધિ નિર્મળ થાય છે. જે ગુણગાનમાં ફલરૂપ છે. ગુણગાન દ્વારા વિપ્રયોગાત્મક ચાર સિદ્ધઓ પ્રાપ્ત થાય છે. તેનું નિરૂપણ શ્રીહરિરાયજીએ શ્રીમુનાજીની ટીકામાં કરેલું છે. (1) પરાવૃત ચક્ષુષદન્તરા વિર્ભૂત પ્રભુલીલા અવલોકન શક્તિ, (2) ભાવાત્મક સ્વરૂપેણ તદાત્મક તદ્ રસાનુભવ સિદ્ધિઃ, (3) વિરહ સામયિક સર્વાત્મભાવ સિદ્ધિઃ, (4) સ.ચિ.બહિ ભગવદ પ્રાગટ્યાપેક્ષા રહિત્યેનાડન્તર તદ્ ભાવના રૂપા વેદ્યઃ શ્રીમહાપ્રભુજી નીજ જનોને વિપ્રયોગ ભાવનુ દાન કરી તેના નિત્ય સિદ્ધ લીલા મધ્યપાતિ દેહને સિદ્ધ કરવામાં ગુણગાનમાં સ્થિત કરે છે. શ્રીમદાચાર્યના ધર્મિ વિપ્રયોગાત્મક સ્વરૂપમાં જે સ્વકીયોનું વરણ થયું છે, તેના વરણના સ્વભાવનુસાર તેના હદયમાં ગુણગાન દ્વારા વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપનો પ્રાદુર્ભાવ થાય છે. જેમ ગોપીજનોએ પ્રભુ વિયોગમાં ‘ગોપીગીત’ ગાયું જેથી તાપાત્મક ગુણગાન દ્વારા તેમના અસ્તિત્વનુ (અહંમ)નું વિસ્મરણ થયું, ત્યારે તેમનું મૂળ સ્વરૂપ નિત્ય સિદ્ધ ભાવવાળું અગણિતાનંદને ધારણ કરનારું, સ્વયં પ્રકાશ, સ્વયં સૃષ્ટા અપરિચ્છિ સત્તાવાળું સ્વરૂપ પ્રાપ્ત કર્યું. શ્રીગોપીજનોએ ઉપરોક્ત ભગવાન સમાન ઐશ્વર્યવાળા સ્વરૂપને ગુણગાન દ્વારા પ્રાપ્ત કર્યું. તેમ સ્વકીયોને તેવાજ પુષ્ટિ પુરૂષાર્થને સિદ્ધ કરવા નિ. લિ. માં ગુણગાન અને સ્વરૂપ ધ્યાનની આજ્ઞા કરી છે. ગુણગાન માનસી સેવામાં પ્રવેશ કરાવે છે.
 
એક સાત્વિક ગોપી કહે છે,”તવ કથામૃતમ... હે પ્રભુ અમારું જીવન જે ટકી રહ્યું છે તે અમારી કૃતિથી નહિ, પરંતુ આપનું કથામૃત અમારા જીવનને ટકાવી રાખે છે. જેવું આપનું સામર્થ્ય ઐશ્વર્ય, વિર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, એમ ષડગુણયુક્ત છે, તેમ આપની કથા પણ ષડગુણયુક્ત છે. આપના નામકથામાં એટલું બધું અલૌકિક સામર્થ્ય છે કે તે સર્વત્ર વ્યાપ્ત થઈ રહે છે. આ પ્રકારે શ્રીસુબોધિનીજીમાં ભગવદ કથા પણ ષડગુણયુક્ત હોઈ ભગવદ રૂપ છે, તેથી જ ભક્તજનોના પ્રાણ ટકાવી રાખે છે એવું નિરૂપણ કર્યું છે. આટલું ગુણગાનનું મહત્વ આપ શ્રીવલ્લભ દર્શાવી રહ્યા છે, છતાં જીવથી એ પણ બનતું નથી. નામ-ગુણગાન કરવા માટે પણ પ્રભુ કૃપા અને અધિકાર જરૂરી છે. દુઃસંગ અને દુષ્ટ અન્નતા ત્યાગ વિના નામ સ્મરણ દુર્લભ છે.
 
- શ્રી કંચનભાઈ ગાંધી, વડોદરા

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.