ભગવદ પ્રાપ્તિમાં વિલંબ કેમ ?
spacer
spacer

- શ્રી કંચનભાઈ એમ. ગાંધી, વડોદરા

શ્રીમહાપ્રભુજીએ પ્રગટ કરેલ પુષ્ટિમાર્ગ ભાવાત્મક-ફલાત્મક છે. જે માર્ગમાં સ્વયં પુષ્ટિ પ્રભુ ચાલીને અધિકારી ભક્ત પાસે તે પુષ્ટિમાર્ગ. મર્યાદામાં ભક્ત સાધન-ભક્તિ કરી ભગવાન પાસે જાય છે. આમ પુષ્ટિમાર્ગ વિલક્ષણ-પૃથક અને વિરુદ્ધ ધર્માશ્રયી છે. સૌથી પહેલા માર્ગને સમજવો જરૂરી છે. પુષ્ટિમાર્ગ અને પુષ્ટિસંપ્રદાયકને સમજો. સંપ્રદાય એટલે ગુરૂ-શિષ્ય પરંપરા દ્વારા શિષ્યને મંત્ર દિક્ષા અપાય છે. પછી તે ભગવદ માર્ગે ચાલવાને અધિકારી બને છે. તેમ પુષ્ટિસંપ્રદાય કે જ્યાં શ્રીવલ્લભકૂલ દ્વારા નામ-નિવેદન બે દીક્ષા પ્રાપ્ત કરવાથી પુષ્ટિ પ્રભુની સેવાનો અને પુષ્ટિમાર્ગ પર ચાલવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. સંપ્રદાય એ સાધન છે. જેમાં બ્રહ્મસંબંધ લઈ તુર્ત જ સેવા માટે સાક્ષાત પુર્ણ પુરૂષોત્તમ પ્રાપ્ત થઈ જાય છે. પછી આ પ્રાપ્ત થયેલ સેવ્ય સ્વરૂપ દ્વારા પુષ્ટિ ફલનો સ્વરૂપાનંદનો અનુભવ પુષ્ટિ જીવે કરવાનો છે. પ્રભુ ભાવાત્મા છે. વૈષ્ણવનું સ્વરૂપ-માર્ગનું સ્વરૂપ-ગદ્યમંત્ર સર્વે કાંઈ ભાવાત્મક છે. આમ સર્વ કાંઈ હોવા છતાં હાલમાં ભગવદ પ્રાપ્તિમાં વિલંબ કેમ ? કારણ આપણી સમક્ષ જ છે. પુષ્ટિ જીવ માર્ગને અનુસરતો નથી. માર્ગના સિદ્ધાંતો અને શ્રીમહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે અનુસરતો નથી તેથી ફલથી વંચીત રહી આવે છે. બાકી શ્રીવલ્લભે અઢળક કૃપા જીવ પર વરસાવી જીવને શરણે લઈને સેવા સોંપી છે. જીવના વિલંબે ફળમાં વિલંબ છે.
 
માર્ગની મેંડ-મર્યાદા અને સિદ્ધાંતો સારી રીતે જીવનમાં ઉતારવા જોઈએ. આજ્ઞા અને સિદ્ધાંતો વિરુદ્ધ કાંઈપણ કરવું તે બાધક છે.
 
1)અસમર્પિત, 2) અન્યાશ્રય, 3) અસત આલાપ, 4) દુસંગ, આ ત્યાગ કરવાનો છે. સતત અષ્ટાક્ષરના રટનની આજ્ઞા છે. નામ પ્રપંચ અને રૂપ પ્રપંચનો ત્યાગ કરવાથી જ પુષ્ટિપ્રભુની પ્રાપ્તિ છે. પ્રભુના સંબંધ વિનાની વસ્તુ, ક્રિયા-વિચારનો ત્યાગ કરવાનો છે. ઉત્તમ ફલ પ્રાપ્ત કરવું છે તો કંઈક ત્યાગ કર્યા વિના શું પ્રાપ્ત થાય ? જ્યા મૂળ પાયાના સિદ્ધાંતોનું જીવ પાલન ન કરે પછી બીજુ શું કરી શકવાનો ? શ્રીહરિરાયજી આજ્ઞા કરે છે કે વૈષ્ણવ થઈને જેને શ્રીસ્વામીનીજીના પ્રિયતમ પ્રભુની સેવા નથી કરી અને શ્રીસુબોધિનીજી જોયા નથી, અવલોકન નથી કર્યું તેનો જન્મ ભૂતલ પર નિષ્ફળ સમજવો. આપણે કદી વિચાર કરીએ છીએ ખરા કે વૈષ્ણવ બની મેં શું પ્રાપ્ત કર્યું ? કેમ નથી કર્યું ? એવો વિચાર આવે તો સમજો કે તમે માર્ગમાં ચાલવાને અધિકારી છો. બાકી આમાંનું કશું તમને નથી થતું તો જાણો કે હું અનાધિકારી-આસુરી ભાવવાળો જીવ છું.
 
જાન્યુઆરીના સત્સંગ માસીકમાં એક લેખ “પુષ્ટિમાર્ગ અને દેવદેવીઓના દર્શન-પ્રસાદ” આ વાંચીને ઘણું દુઃખ થયું-આશ્ચર્ય પણ, આવું માર્ગના સ્વરૂપનુ ઘોર અજ્ઞાન, હાલના સામાન્ય જીવો વાંચી ગેરમાર્ગે દોરવાઈ જાય. આમ ન બને તેથી તેની થોડી ચર્ચા અહીં રજૂ કરી છે. તેમાં લખે છે કે (1) બીજા સંપ્રદાયોના ઈષ્ટ દેવનાં દર્શનથી વિમુખ રહેવાથી અપરાધ થતો હોય છે. કેટલી મોટી ભૂલભરેલી વિરૂદ્ધ માન્યતા છે. શું એમ કહેવા માગો છો કે પુષ્ટિ જીવે અન્ય દેવ-દેવીનાં દર્શન કરવાં ? બીજું અન્ય દેવનો પ્રસાદ નથી લેતા પણ બજારની મિઠાઈ ખાઈ શકે છે. તો શું તમે એમ માનો છો કે બજારની મીઠાઈથી દેવ દેવીનો પ્રસાદ સારો ? અરે, બજારની મીઠાઈ ખરીદેલી છે તે તમારા હક્કની છે તો ખાઈ શકાય, જ્યારે દેવ-દેવીનો પ્રસાદ અન્ય દેવનું ઉચ્છીષ્ટ છે. તે પુષ્ટિ વૈષ્ણવ કેમ લઈ શકે ? અરે,પુષ્ટિના સિદ્ધાંતને જાણો. પુષ્ટિમાર્ગમાં અનન્યતા અને નિષ્ઠા પ્રાણ છે. નિષ્ઠા એટલે અચલતા-ર્દઢતા છે. પુષ્ટિ જીવે તો પોતાના સેવ્ય સ્વરૂપ સિવાય અન્ય પુષ્ટિ સ્વરૂપના દર્શનની ઇચ્છા પણ કરતો નથી અને કરે છે તો તે ભાવ વ્યભિચાર છે. તેથી ફલમાં વિલંબ છે. પછી પ્રસાદ લેવાની વાત જ ક્યાં રહે છે. પતિવ્રત ભાવ પુષ્ટિમાં છે. સેવ્ય સિવાય અન્યને ધરેલું કશું ન લેવાય. લોકાતિત અને વેદાતિત થયા વિના પુષ્ટિમાર્ગને પંથે ચાલી નહી શકાય. બ્રહ્મભાવ કેળવવાનો છે. નિંદા-સ્તુતિથી પર જે કાંઈ છે તે સર્વ પ્રભુની લીલા છે. પુષ્ટિમાર્ગ બધા માટે નથી, કેવળ અધિકારી દૈવીજીવો માટે જ છે.
 
બીજી વાત લખે છે કે, “તમે પણ અન્ય દેવ દેવીઓનાં દર્શને જાવ ત્યારે શ્રીનાથજી પ્રત્યે તમારી શ્રદ્ધા હશે તો તમને દેવ-દેવીઓમાં શ્રીજીના દર્શન થશે !” આ તો ઘોર અજ્ઞાન છે. શું ચાર આની કદી રૂપિયો બની શકે ? એક રૂપિયામાંથી ચાર ચાર આની બને, શું અંશ- કલા- વિભૂતિ- દેવ –દેવીઓ પૂર્ણ પુરૂષોત્તમના સ્વરૂપને ધારણ કરી શકે ? આજના સામાન્ય વૈષ્ણવોને આ વાત ગેરમાર્ગે દોરી જાય. “આપણે ચોકો જુદો રાખવાની જરૂર નથી” એમ લખે છે. અરે ભાઈ ! પુષ્ટિમાર્ગ પૃથક શરણ માર્ગ છે. ગીતાના શરણ માર્ગથી જુદો છે. ગીતાનો શરણ માર્ગ મર્યાદા છે એ સમજો.
 
તમે પુષ્ટિમાર્ગમાં નિષ્ઠા-શ્રદ્ધા રાખી ચાલો. અન્ય શું કહેશે તે જોવાની જરૂર જ નથી. અન્યના વચન સાંભળવા બાધક છે, દુઃસંગ છે.તે જ “દુઃસંગ જે પ્રભુને વિસરાવે – સ્મરણ કરાવે તે સંગ.” પુષ્ટિ વૈષ્ણવનું સ્વરૂપ તો દેવ-દેવીઓથી પણ પર છે. ઉંચું છે. વાર્તામાં જુઓ. એક ચોતરા પર શ્રીચાચાજી અને બીજા વૈષ્ણવો સુતા હતા – ત્યાં દેવી આવી, વૈષ્ણવોને આળંગીને કેવી રીતે જાય. ઉષ્ણકાલ હતો. દેવીએ ચાર રૂપ ધારણ કરી વૈષ્ણવોને પંખો કર્યો. શિક્ષાપત્ર અને 84-252 વાર્તાઓમાં માર્ગનું બધું જ જ્ઞાન આપી દીધું છે. બીજે જવાની જરૂર નથી. દેવીના મંદિરનું બારણું ઉપાડી લાવી ચુલામાં નાખી સામગ્રી સિદ્ધ કરી વૈષ્ણવોને પ્રસાદ લેવડાવ્યો છે. દેવી એના પર કોપી નથી. જ્યારે દેવી તો ભક્ત લેવા ગયો તો દંડ દીધો. શ્રીમહાપ્રભુજી હનુમાનજી રામચંદ્રજીના સ્વરૂપે દર્શન આપે છે.હનુમાનજી રામજીને પૂછે છે આમ કેમ ? શ્રીરામજી કહે છે, “શ્રીમહાપ્રભુજી મારા સ્વરૂપને ધારણ કરી દર્શન આપી શકે, હું એમના સ્વરૂપનાં દર્શન ન કરાવી શકું.” પદ્મા રાવલને શ્રીમહાપ્રભુજીએ શ્રીરણછોડજી રૂપે દર્શન આપ્યા છે, અને શ્રીદમલાજીને સાક્ષાત પુર્ણ પુરૂષોત્તમ તરીકે દર્શન કરાવ્યા છે. પુરૂષોત્તમ ચાહે સો કરી શકવા સમર્થ છે. સર્વશક્તિધૃક છે. વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી ગાય છે. “પૂર્ણ બ્રહ્મ શ્રીલક્ષ્મણ સુત પુરૂષોત્તમ વિઠ્ઠલનાથ.” અહીં શ્રીવલ્લભ શ્રીવિઠ્ઠલનાં સ્વરૂપો દર્શાવાયાં છે. જયાં સુધી માર્ગ અને પુષ્ટિ સ્વરૂપનું જ્ઞાન નથી ત્યાં કાંઈ પ્રાપ્તી નથી. એવા ક્રિયા રૂપ બની જાય છે. સ્વરૂપ જ્ઞાન અત્યંત જરૂરી છે, ફલ રૂપ છે.
 
“શ્રીવલ્લભ શરણ થકી, સૌ પડે સહેલું.” (દયારામ)

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.