પુષ્ટિ માર્ગમાં ભાવ જ પરમ ફલરૂપ છે.
spacer
spacer

- શ્રી કંચનભાઈ ગાંધી, વડોદરા

અનુગ્રહ : પુષ્ટિમાર્ગે નિયામક :
 
આ માર્ગ પરમ ફલરૂપ અને ભાવાત્મક છે. “માર્ગ સ્વરૂપ નિર્ણય”માં શ્રીહરિરાયજીએ એ વસ્તુ બતાવી છે. આ ભાવ માત્ર ભાવનાથી સિદ્ધ છે. આ ભાવના ત્રણ પ્રકાર છે. (1) સ્વરૂપ ભાવના (2) લીલા ભાવના (3) ભાવ ભાવના. સ્વરૂપ ભાવના પ્રથમ દશામાં જે જનોએ સ્વરૂપનો કાંઇ પણ અનુભવ કર્યો નથી, સ્વરૂપનું માત્ર શ્રવણ કર્યું છે, તેમણે યોગીની માફક સ્વરૂપનો વિચાર કરવો. આ સ્વરૂપ ભાવન કરતાં જ ભગવાનનો અનુભવ થાય છે. ત્યારે પ્રભુ સાક્ષાત સમગ્ર લીલાએથી સમન્વિત થઈ ભક્તનાં હૃદય આકાશમાં પ્રગટ થાય છે. તે પછી લીલા ભાવના. લીલા ભાવનામાં ભક્ત સ્વયં લીલા રૂપ બની જાય છે. એટલે કે લીલાની આસક્તિથી દેહાદિકની સર્વક્રિયામાં, જ્ઞાનમાં, સર્વ પદાર્થમાં અન્યથા રૂપ પ્રતિતિ થતી હોય, તેમાં પણ પ્રભુની લીલાનું જ ભાન થઈ જાય. આ પછી તે ભાવ ભાવના. આ પ્રકારની ભાવનામાં તાપ કલેશ મુખ્ય વસ્તુ છે. જો તાપ કલેશ ન થાય તો દેહાદિની નૂતનતા (તનુનવત્વ) સંભવી શકતી નથી. બ્રહ્મસંબધમાં આ જે ભાવ ‘તાપકલેશાનંદ’ તિરોભાવ થયો છે, તેની વાત કરી છે. સેવ્યની તત્સુખાત્મક સેવા દ્વારા જ અને શ્રીવલ્લભના તાપાત્મક ગુણગાન દ્વારા જ એ સિદ્ધ થાય છે.
 
બધી ઇન્દ્રિયોનો તેમજ દેહાદિ સર્વનો ભગવાનમાં જે આત્મભાવ-અનન્યભાવ તે સર્વાત્મ ભાવ છે. પોતાનો બીજામાં જે સંબંધ તેનો જે વિચાર અને આ ‘અમારા ભગવાન’એવી જાતનું જે સંબંધીપણું તેની અસ્ફૂર્તિ તેનું નામ સર્વાત્મ ભાવ. એમાં દેહાદિની સ્ફુરણા ન હોવી જોઇએ. ઇન્દ્રિયોના વિષયનો ત્યાગ આવા સર્વાત્મ ભાવની સિદ્ધિ માટે જ છે. હૃદયમાં જો કામ ભાવની સ્થિતિ હોય તો સર્વાત્મ ભાવ સિદ્ધ ન થાય. સકામતામાં દ્વિધા ભાવ છે. તેથી અનન્યતાનો પોષક જ સર્વાત્મ ભાવ તે સિદ્ધ થતો નથી. સેવામાં પુષ્ટિ જીવ સ્વયં કોઈ ભાવકરી શકતો જ નથી. પ્રભુ જ્યારે ભાવનું દાન કરે તો જે તે ભાવકરી શકે. પ્રભુને જે ભાવે જીવ સાથે વિલસવું હોય તે ભાવનું દાન પોતે કરે છે. સૌ પ્રથમ બ્રહ્મસંબંધ વખતે જીવને દાસ્ય ભાવનું દાન કર્યું છે. દાસ્ય અને દીનતા સિદ્ધ થયે અધિકાર પ્રમાણે પ્રભુ બીજ ભાવોનું દાન કરશે. આધુનિક જીવો ભાવાવેશમાં આવી જઈ ઘણી વાર પતિ ભાવે સેવા કરવા લાગે છે. આ નરી ગેરસમજ અને અનુચીત ચેષ્ટા છે. “સેવા રીત પ્રિત વ્રજ જનકી, જનહીત જગ પ્રગટાઈ” સેવામાં શ્રી વલ્લભે કરેલી છે. ભાવના માલિક શ્રીગોપીજનો છે. શ્રીદયારામભાઈ કહે છે, “પુંભાવ, સ્ત્રી ભાવ, ન્યોછાવર કરી મધૂરને ભેટ ધરશોજી” સેવામાં હું પુરૂષ છું કે સ્ત્રી છું એ દેહભાવ જ ન રહે ત્યારે ગોપીભાવ પ્રગટ થાય. જાર ભાર રાખનાર ગોપીજનો વેણુનાદ શ્રવણ કર્યા છતાં, પ્રતિબંધથી રાસમાં ન આવી શક્યા. જારભાવે પ્રતિબંધ થયો. સેવામાં વિપરીત ભાવના પણ ન કરવી. જેમને શૈયા મોટી જોઈએ, જારીજી પર લાલ વસ્ત્ર નેવડો નહિ, મોટી લોટી જળની ભરવી, આ બધુ મનસ્વી છે.
 
“સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધીપ” શ્રીવલ્લભની આજ્ઞા છે. મુખ્ય ચાર ભાવ (1) વાત્સલ્ય (2) સખ્ય (3) દાસ્ય (4) કાંત-માધુરી ભાવ. લૌકિકમાં પણ એક પતિવ્રતા સ્ત્રી આ ચાર ભાવે પતિને રીઝવી શકે છે. તે જોઈએ (1) ‘ભોજનેષુ માતા’ પતિને જમાડતી વખતે વાત્સલ્ય ભાવ, ‘કાર્યેષુ મંત્રી’ કામકાજમાં સલાહ આપે મંત્રી-સખ્યભાવ, ‘કરણેષુ દાસી’ આજ્ઞા પાલનમાં દાસ્ય ભાવ, ‘શયેનષુ રંભા’ શયનમા કાંત ભાવ. આ જ પ્રકાર પુષ્ટિમાં થઈ શકે છે. પરંતુ તે ભાવનું દાન સેવ્ય સ્વરૂપ કરે ત્યારે જ થાય. પ્રેમ અને ભાવ સહજ થઈ જાય, કરવો ન પડે, ત્યારે જ સેવા ફલરૂપ થાય. દેહભાવ રહિત થયે સેવા ફલરૂપ થાય છે. જે ભાવની મુખ્યતા હોય ત્યારે તે ભાવ પ્રગટ થઈ જાય અને સેવ્યને સેવા દ્વારા રીઝવે. બાકીના ત્રણ ભાવો હૃદયમાં જ બિરાજે. આને બીજી રીતે જોઈએ. જેમ કે ચાર સખીજનો છે. એક સખી બાલભાવથી પ્રભુને રીઝવે છે. તે એવી રીતે રીઝવી રહી છે, ત્યારે પેલી ત્રણ ઝાડની ઓટમાં છૂપાઈ જાય છે. કેમકે એમના સાનિધ્યથી સ્નેહમાં ક્ષતી-અસુખ ઉત્પન્ન થાય. આમ ચાર ભાવ ચાર ગોપીનું સ્વરૂપ બની ભક્ત હૃદયમાં બિરાજે છે.
 
પુષ્ટિમાર્ગમાં સેવાનો અંગીકાર પૂર્ણપુરૂષોતમ જ કરે છે. આ ભાવ દ્રઢ થવો જોઈએ. ‘શ્રીવલ્લભ વસ્તુતઃ કૃષ્ણ એવ’ છે. હરિવદનાનલ છે. આ ભાવ દ્રઢ કરી ગ્રહણ કરવો જરૂરી છે. શ્રી વલ્લભે કૃપા કરી સેવ્ય સ્વરૂપ, રીત-પ્રિત, માર્ગ મર્યાદા બધું નક્કી કરીને આપ્યું છે. ન સમજાય તો ગુરૂઘરની આજ્ઞા લઈ તે પ્રમાણે ચાલવું. પણ મનસ્વી કે દેખાદેખી ન કરવું. અપરાધ પડે. સ્વરૂપ સેવા અને નામ સેવા લોકાતિત બનીને કરાય તો ફલરૂપ છે. રૂપ સેવામાં સાક્ષાત સ્વરૂપનો સંબંધ છે. ત્યાં અપરસ જરૂરી છે. નામ સેવામાં નામ ધર્મરૂપ છે, તેમાં ધર્મિ પ્રભુ પરોક્ષ બિરાજે છે તેથી અપરસની જરૂર નથી રહેતી. શ્રી ગુસાંઇજીએ આજ્ઞા કરી છે અષ્ટાક્ષરના સતત સ્મરણની. 84/252 વાર્તાઓમાં બધા સિદ્ધાંતો આવી જાય છે. તે સેવા માટેનું બંધારણછે. તેમાં પ્રમાણ સાથે સમજાવ્યું છે. તેની વિરૂદ્ધ હોય તે કદી માનવું નહિ. સાચા સત્સંગના અભાવે જીવ મનસ્વી ક્રિયા કરવા લાગે છે. જેથી પુષ્ટિ ફલથી વંચીત રહી જાય છે.
 
“શ્રીવલ્લભ શરણ થકી સૌ પડે સહેલું.” (શ્રીદયારામભાઈ)

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.