પુષ્ટિમાર્ગનો શિખર સિદ્ધાંત
spacer
spacer

- શ્રી કંચનભાઈ ગાંધી, વડોદરા

વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપનો અનુભવ, તે પ્રભુ પ્રેમની સર્વોત્કૃષ્ટ અવસ્થા છે. એ ચરમ પુરૂષાર્થ રૂપ છે. પુષ્ટિ ફલથી આ પૂરૂષાર્થ ઉંચો મનાયો છે. આ અવસ્થામાં ભક્ત પોતાના હૃદયાકાશમાં પ્રભુની અનંત લીલાઓનો અનુભવ ભાવ દ્વારા કરી શકે છે. અહીં રસાત્મક ભાવ જ મુખ્ય છે. પછી તેને બહાર પ્રભુના સ્વરૂપ કે લીલાની પણ અપેક્ષા રહેતી નથી. સર્વથી એ નિરપેક્ષ બને છે. કારણ કે વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપ શ્રીવલ્લભનું જ મધુર તાપાત્મક સુધા સ્વરૂપ છે. સુધા જ આધાર અને આધેય છે. આનું નામ જ સ્વતંત્ર પુષ્ટિ ભક્તિ, સર્વાત્મભાવની સિદ્ધિ, ફલરૂપ નિરોધનું સ્વરૂપ. ભગવાન અને ભગવાનના પરમ પ્રિય ભક્તોનાં સુખમાં જ પોતાનું સુખ આ પુષ્ટિનો શિખર સિદ્ધાંત. તત્સુખ ભાવ આવા દાસ્યભાવ અને દીનતાથી શ્રીવલ્લભની કૃપા થાય છે. એ જ પરમ ફલરૂપ, જે પ્રાપ્ત કર્યા પછી શેષ કશું જ પ્રાપ્ત કરવું પડતું નથી. આ અવસ્થા શ્રીવલ્લભ વરણીય વિપ્રયોગ ભાવવાળા જનોની છે.
 
પુષ્ટિમાર્ગમાં જે બાધક તત્વો સ્વાદ-વિવાદ, હર્ષ-આતુરતા વિગેરેનું નિવારણ તેમનો પ્રભુમાં વિનિયોગ કરી કરવાનું. સાથે જે જે સાધક તત્વો, કોમલ, વચન, દીનતા, દાસ્ય અને પ્રફુલીતા તેનો વિકાસ સાધવાનો છે. સેવા, સ્મરણ, ગુણગાન, ધ્યાન દ્વારા પુષ્ટિ પ્રભુ જીવની સેવા શ્રીવલ્લભની કૃપાથી અંગીકાર કરે છે. ભક્તને આધિદૈવિક દેહનું દાન કરી. ભાવાત્મક સ્વરૂપે ભક્તના હૃદયમાં પ્રવેશી સ્વરૂપાનંદનો અનુભવ કરાવે છે. દીનતા, તાપાત્મક શ્રીવલ્લભના યશોગાન માધુર્યરસની જનની છે. મધુરભાવની નિષ્કામ, પરમ સીમાએ આ રસ નિષ્પન્ન થાય છે.
 
આ રસનું દાન રસનિધિ શ્રીવલ્લભ દ્વારા સ્વકીયોને થાય છે. આવું દિવ્ય પ્રેમ સ્વરૂપ – જીવન શ્રીગોપીજનોની ચરણરજમાંથી શ્રીઉદ્ધવજીએ પ્રાપ્ત કર્યું. આવા ભક્તો હરિના પણ હરિ બને છે. હરિ બનવું એટલે તત્સુખાત્મક સેવા દ્વારા પ્રભુના શ્રમની નિવૃત્તિ કરવી. મારો ઉદ્ધાર કરવા શ્રીવલ્લભે સેવ્ય સ્વરૂપ મારા ઘરમાં પધરાવી આપ્યું છે. જે સાક્ષાત અને સર્વસ્વ છે. સ્નેહમયી સેવાથી તેને બહાર પ્રગટ કરી 84/252 ભગવદીયોની જેમ સ્વરૂપાનંદનો અનુભવ કરવાનો રહે છે. તે માટે જ ગૃહસેવા જ ઉત્તમ બતાવી છે. પ્રપંચ જગતની આસક્તિ છોડી નિર્મળ હૃદયથી સેવા કરવાથી ફલ પ્રાપ્તિ છે. સેવામાં જ ફલ નિહિત છે.
 
પ્રાયઃ શ્રીવલ્લભે પોતાના ગ્રંથોમાં “હરિ” શબ્દનો પ્રયોગ કર્યો છે. હરિ શબ્દ રસમય, સ્મરણ કરતાં જ હૃદયમાં ઉતરી જાય તેવો મધુર છે. હરિ ભક્તનાં ત્રણે પ્રકારના દુઃખો દૂર કરે છે. (1) ભૌતિક (2) આધ્યાત્મિક – ઇન્દ્રિયો અને અંતઃકરણનું દુઃખ – આસુર ભાવના આવેશથી થતું. (3) આધિદૈવિક દુઃખ – દૈવી જીવને પોતાના આત્મા – પ્રિય સખા – પ્રભુની પ્રાપ્તિના વિયોગનું દુઃખ છે. આ ત્રણે દુઃખ હરે તે હરિ.- શ્રીવલ્લભ જ છે. શ્રીવલ્લભની કૃપા વિના ગોલોક ધામમાં પ્રવેશ શક્ય નથી. માટે જ શ્રીવલ્લભનાં ચરણકમલનો દ્રઢ આશ્રય કરવાની શિક્ષાપત્રમાં શ્રીહરિરાયજી પ્રભુ આજ્ઞા કરે છે. શ્રીમહાપ્રભુજી વૈશ્વાનર અલૌકિક અગ્નિ સ્વરૂપ છે. જે સકલ પ્રતિબંધોનો નાશ કરી સત્વરે પ્રભુ પ્રાપ્તિ કરાવે છે.
 
“શ્રીવલ્લભ આશ્રય વિના સાધન ધર્મ અશેષ,
સાઘે હરિ કેવલ ભજે, લીલામાં ન પ્રવેશ.”(શ્રીદયારામભાઈ)
 
શ્રીમહાપ્રભુજી અન અવતારકાલનાં પ્રભુ છે. અંગીકૃત સ્વકીયજનોનાં હિતનું નિરંતર ચિંતન કરનાર છે. જે હરિના નામે ઓળખાય છે. તેથી શ્રીસર્વોત્તમજીમાં આપશ્રીનું નામ શ્રીગુસાંઇજી કહે છે : “હિતકૃત સતામ.” પુષ્ટિ જીવો નિઃસાધન છે. એવા જીવોના ઉદ્ધાર અર્થે આપશ્રી વલ્લભ ભૂતલ પર પ્રગટ થયા છે. બ્રહ્મસંબંધ કરાવી આપે દૈવી જીવનાં હૃદયમાં વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપનું દાન કરેલ છે. એજ અદેયદાન છે. “શ્રીમદાચાર્ય જિકો દયા તુતો હોય રહે, અનાયસે અભયદાતા એ પ્રભુ અનલ હે.” કેવલ શ્રીવલ્લભ નામ સ્મરણથી આપણાં ધર્મિ સ્વરૂપનું શરણ સિદ્ધ થઈ જાય છે. લેત શ્રીવલ્લભ નામ, સો હરિ સેવા માને, આવું અલૌકિક શ્રીવલ્લભનું શરણ હે જીવ તું દ્રઢ થઈને ગ્રહન કર.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.