પુષ્ટિમાર્ગમાં સેવાજ ફલ છે
spacer
spacer

- કંચનભાઈ ગાંધી, વડોદરા

ભક્તિમાર્ગમાં મોટે ભાગે સાધન અને ફલ જુદા હોય છે. મર્યાદામાં જેટલું સાધન કરો તેના અનુરૂપ ફલ પ્રાપ્ત થાય છે. પુષ્ટિમાર્ગમાં તેમ નથી. શ્રીગીતાજીના શરણમાર્ગથી પુષ્ટિ શરણમાર્ગ પૃથક છે. શ્રીસર્વોત્તમજીમાં આપશ્રી વલ્લભનું નામ છે. ‘પૃથક શરણ માર્ગોપદેષ્ટા’ પુષ્ટિમાર્ગ ફલરૂપ, ભાવાત્મક છે. પ્રભુનું સ્વરૂપ ભાવાત્મક છે. લીલા ભાવાત્મક છે, ગદ્યમંત્ર ભાવાત્મક છે. આમ અહીં જે કાંઈ છે તે સર્વ ભાવાત્મક છે.
 
બ્રહ્મસંબંધ દીક્ષા લીધા પછી જ સેવા કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. નિવેદનનું સાચું સ્વરૂપ સેવા દ્વારા જ સમજાય છે. ઘરમાં સેવાનું સ્વરૂપ પધારે ત્યારથી જ પુષ્ટિજીવનું જીવન નૂતન બની જાય છે. જેમ કે રહેવાનું ઘર પ્રભુનું ધામ (મંદિર) બની જાય છે.ઘરનો પરિવાર સેવાનું અંગ બની જાય છે. આપની જરૂરિયાતની વસ્તુઓ સ્વરૂપાત્મક બની જાય છે. દા.ત. ચોખા, દાળ, લોટ, મસાલા વિ બધું સામગ્રી કહેવાય છે. શાક-ટોકરી, ફલ-મેવા, ચપ્પુ-સમાની, આમ જોઇએ તો એક સેવા દ્વારા કેટલું મોટું પરિવર્તન થાય છે. સેવા જીવનમાં વણાય જાય, આપણું દરેકકાર્ય પ્રભુ અર્થે બને, જેમ વ્રજમાં પ્રભુ પ્રાગટ્ય થયું ત્યારે સકલ વ્રજવાસીઓનું જીવન પ્રભુમય બની ગયું. તેઓ દરેક કાર્ય પ્રભુના નિમિત્તે જ કરતા હતા. જેથી તેઓનો નિરોધ જલ્દી સિદ્ધ થયો. સેવા જ સાચું પુષ્ટિ જીવન છે.
 
પુષ્ટિમાં બે પ્રકારની સેવા છે (1) સ્વરૂપ સેવા (2) નામ સેવા. બંને સેવાનું ફળ એક જ છે. સેવામાં પ્રેમ, આસક્તિ, વ્યસન, ફલ ઉત્તરોત્તર થાય છે. તેમ નામ સ્મરણમાં નામની ભીતર ધર્મિ પ્રભુનું સ્વરૂપ જ બિરાજે છે. તાપાત્મક ગુણગાનનું ખૂબ મહત્વ છે. નામ સીધું જીવને વ્યસન અવસ્થામાં મુકી દે છે. બંને સેવામાં પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક મન-ચિત્તના પ્રવણથી કરવાથી ફલરૂપ છે. ચંચળ મનને વશ કરવાનું અમોઘ શસ્ત્ર ભગવદ નામ છે. ભગવદ નામમાં અગ્નિ છે. જીવની જન્મો જન્મની વાસનાના ઉકરડાને દગ્ધ કરી નાખે છે. તેથી જ અષ્ટાક્ષરનું સતત સ્મરણ કરવાની પ્રભુચરણ શ્રીગુસાંઇજી આજ્ઞા કરે છે. શ્રીવલ્લભ પ્રભુ શરણે આવેલા જીવોને સૌ પ્રથમ સેવાની જ આજ્ઞા કરતા આપ સેવા પ્રકાર સમજાવી કહેતા કે, ‘આ મારૂ સર્વસ્વ, તમને સોંપુ છું.’ તે જીવો પણ આજ્ઞા પાળી પ્રભુને સાક્ષાત અને સર્વસ્વ માની સેવતા સ્વરૂપાનંદનો અનુભવ કરતા હતા.
 
સેવામાં ભાવનું જ પ્રાધાન્ય છે. ભાવ જ ફલરૂપ છે. બસો બાવન વૈષ્ણવની વાર્તામાં એક ડોસી શ્રીમદનમોહનજી સેવતા હતા. એમાં જ અનન્ય આસક્તિ, આ સિવાય બીજા સ્વરૂપને કદી ડોસીમાએ નિરખ્યું જ નથી. આપણી જેમ ડોસીમાં બધાં જ મંદિરોમા દર્શન કરવા નહોતા દોડી જતા. એકવાર એક વૈષ્ણવ પોતાના બાલકૃષ્ણજી પધરાવી ત્યાં આવ્યા. ડોસીએ બાલકૃષ્ણજી નીરખતાં જ કહ્યું, ‘અરે, આ ઠંડીમાં પ્રભુ કેવા ઠુઠવાઈ ગયા છે !’ ગરમ ઉપચારો કર્યા. બાલકૃષ્ણજીએ જાણ્યું. કે હવે જો આ માજીને હું મદનમોહન બની દર્શન નહિ આપું તો એ મારો કેડો છોડવાની નથી. આમ ડોસીના ભાવે આપશ્રી મદનમોહની થયા.
 
શ્રીવલ્લભે વ્રજ ભક્તોના ભાવની સેવા કરવાની આજ્ઞા કરી છે. માર્ગના ગૂરૂ શ્રીગોપીજનો છે. સેવા દ્વારા જ સર્વ ફળનો અનુભવ કરવાનો છે. ‘સર્વદા સર્વ ભાવેન ભજનિયો વ્રજાધિપ’ ભાવનું દાન શ્રીવલ્લભ કરે તો જ થાય. પ્રભુને જે ભાવે ભક્ત સાથે વિલસવું હોય તે ભાવનું દાન આપ કરે છે. દા.ત. વાત્સલ્યભાવ, સખ્યભાવ, માધુરીભાવ, વિ. તેથી આપે ‘સર્વભાવેન ભજનિયો’ કહ્યું છે. સેવામાં દરેક ઇંદ્રિયોનો વિનિયોગ છે. સિદ્ધાંત મુક્તાવલીમાં આજ્ઞા કરે છે, ‘કૃષ્ણ સેવા સદા કાર્યા, માનસી સા પરામતા’ કૃષ્ણસેવા સદા મન લગાવી કરવાથી માનસી સિદ્ધ થાય છે. ‘ચેતસ્તત પ્રવણ સેવા.’ ભગવાનમાં મનનું એકતાન થઈ જવું તે સેવા. શ્રીમહાપ્રભુજી સેવાફળ ગ્રંથમાં ‘સેવાયામ્ ફલ ત્રયમ્’ કહે છે. (1) અલૌકિક સામર્થ્ય (2) સાયુજ્ય (3) વૈકુઠાદિષુ, અલૌકિક સામર્થ્યમાં એવું બતાવ્યું છે કે અલૌકિક ભજનાનંદ જ અનુભવમાં સ્વરૂપ યોગ્યતા. (2) સાયુજ્ય એટલે પ્રભુ સાથે સર્વાધિક સંયોગ રસાનુભવ રૂપ સતત સ્થિતિ. (3) વૈકુંઠાદિષુ-એટલે સેવા ઉપયોગી આધિદૈવિક દેહ. સેવા ફલરૂપ થતાં જ લીલા મધ્યપાતિ દેહ સિદ્ધ થાય છે. સેવા અને પ્રભુના અધરામૃતના સેવનથી જ આધિદૈવિકતા સિદ્ધ થાય છે. આ જ સેવા અને તે જ ફલ. ફલ જુદુ નહિં.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.