એક વાર આવો શ્રીવલ્લભ !
spacer
spacer

- શ્રી કંચનભાઈ ગાંધી, વડોદરા

કીયા ન હમને ગ્રાસ એક કમ,
રખે સેવ્યકો મીશ્રી પર હમ,
કૌન ગ્રંથ મેં લીખી યહ બાત,
કુછ તો સમજ જાઓ શ્રીવત્સ !
એક બાર આવો શ્રીવલ્લભ !
 
આજે મોટા ભાગે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો ગુરૂદેવ પાસેથી નામ દીક્ષા, નિવેદન દીક્ષા લઈને પણ ગૃહ સેવા કરતા નથી. સંપ્રદાય કે જ્યાં ગુરૂ દ્વારા શિષ્યને દીક્ષામંત્ર અને ભગવદ્ પ્રાપ્તિનું જ્ઞાન કરાવે છે. પછી શિષ્યે ભગવત્ માર્ગે ચાલીને ભગવદ્ પ્રાપ્તિ કરવાની છે. પુષ્ટિ ભક્તિમાર્ગ સર્વથી અલગ પૃથક છે. શ્રીમહાપ્રભૂજીએ પ્રેમલક્ષણા ભક્તિમાર્ગ પ્રગટ કર્યો છે. કૃપામાર્ગ-અનુગ્રહમાર્ગ છે. નારદ ભક્તિસૂત્ર કે સાંડિલ્ય ભક્તિસૂત્રોમાં બતાવેલા ભક્તિમાર્ગો કરતાં આ વિલક્ષણગોપીજનોનો માર્ગ છે. આ માર્ગ એ જ ફળ છે. સંપ્રદાય એ સાધન છે. પુષ્ટિ ફલ પુષ્ટિમાર્ગમાં રહીને સેવા, સ્મરણ, ગુણગાન, ધ્યાન દ્વારા માર્ગમાં જ, ગૃહમાં રહી, સેવ્ય નિધિની સેવાનો માર્ગ છે. જે માર્ગ પર ચાલી પૂર્ણ જે માર્ગ પર ચાલી પૂર્ણ પૂરૂષોતમ સાક્ષાત ભક્ત પાસે પધારે તે પુષ્ટિમાર્ગ. જ્યાં ભક્ત સાધન કરીને ભગવાન પાસે પહોંચે એ મર્યાદામાર્ગ છે. માર્ગમાં રહેવાથી જ ફલ પ્રાપ્તિ, તેનાથી વિરૂદ્ધ રીતે રહેવાથી કશી પ્રાપ્તિ નથી. અસમર્પિત, અન્યાશ્રય, દુઃસંગ, વાણીનો નિરોધ, પાયાના સિદ્ધાંતોનો અમલ કરનાર જ પુષ્ટિ વૈષ્ણવ છે. જો અસમર્પિત ત્યાગ નથી કર્યું. પ્રભુને મીશ્રી ભોગ અને આપણે બધા જ મિષ્ઠાન – દાળ – ભાદ, રોટલી, ટેસ્ટથી આરોગીએ. તો પછી ક્યાં પુષ્ટિ માર્ગ રહ્યો ? પુષ્ટિ વૈષ્ણવના લક્ષણમાં શ્રીવલ્લભ આજ્ઞા કરે છે : (1) લોક ત્યાગ, (2) લોકાનુગત પશુનો ત્યાગ, (3) પરસ્પર ભગવદ્ ગુણગાનમાં દેહાનુંસંધાન ન રહેવું, (4) એક અનન્ય સ્નેહ સેવ્યમાં જ. આ ચાર લક્ષણો હોય તે જ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કહેવાય. આજે તો અસમર્પિત ત્યાગ કર્યા વિના રહેતા સામાન્ય વૈષ્ણવ પણ પ.ભ. કહી નવાજીએ છીએ !
 
મંદિરોમાં દર્શનની ભીડ વધી છે. મંગલાના દર્શનના નિયમવાળા લાખો જોવા મળે છે. તેઓને પૂછો કે ઘરમાં સેવ્ય સ્વરૂપની સેવા – સમર્પિત રીતે કેટલા કરે છે ? પુષ્ટિમાર્ગ ટોળાંનો નથી, સિંહના ટોળાં ન હોય. પુષ્ટિમાર્ગ દુનિયા માટે નથી, કેવલ અધિકારી દૈવી જીવો માટે જ છે. શુદ્ધ દૈવી દીવો કે જેઓ મૂલધામથી ભૂતલ આવ્યા છે. જેઓને ભગવદ્ પ્રાપ્તિનો વિરહ છે. સત્સંગની ભૂખ છે, માર્ગમાં રૂચિ છે. પ્રભુમાં નિષ્ઠા છે. આ લક્ષણો જેનામાં છે તેને જ બ્રહ્મસંબંધ થાય છે ! બ્રહ્મસંબંધ થયું ત્યારથી મારો શ્રીવલ્લભને પૂર્ણ પૂરૂષોત્તમ સાથે સંબંધ કરાવ્યો, સર્વનું સમર્પણ કરાવ્યું છે. હું દાસથયો, મારું પોતાનું કશું જ નથી. હું સર્વ કંઈ પ્રભુનો જ બની ગયો, હું સમાપ્ત થઈ ગયો. આ ભાવ દ્રઢ થાય ત્યારે જાણવું બ્રહ્મસંબંધ થયું. જે કાંઈ થાય છે તે કેવલ પ્રભુની ઈચ્છાથી થાય છે. “જીવ તુ શિદને ચિંતા કરે, કૃષ્ણને કહ્યું હોય તે કરે !” (શ્રીદયારામભાઈ) જીવની ઇચ્છાથી કશું જ બનતું નથી. તો પછી ભગવદ્ ઇચ્છાને સર્વોપરી સ્વિકારી જીવવામાં શું વાંધો આવે ? આમ વિચાર નથી આવતો. મન આસુર ભાવવાળું હોય તો ભગવદ્ માર્ગ પર ચાલવાનો દુઃસંગ પહાડ જેવો અંતરાયો છે. અન્નથી મન બને છે. ભગવદ સ્વરૂપને અર્પણ કરીને લેવાનું મૂલ કારણ આ જ છે. હું અને મારું નિકળી જાય. બ્રહ્મ ભાવ જાગૃત થાય એ જરૂરી છે.
 
આજે માર્ગીય જ્ઞાન – સત્સંગ નથી મળતો. દીશા શૂન્ય સ્થિતિ છે. માર્ગીય ગ્રંથોનું શ્રવણ – મનન નથી. હું ક્યાંથી આવ્યો ? ક્યાં જવું છે ? ધ્યેય પ્રાપ્તિ માટે મેં શું કર્યું ? પશુ જેમ જીવન જાય છે – વહી રહ્યું છે ! આ વિશે જરા પણ ચિંતન થાય તે જરૂરી છે. મંદિરો થોડાં ઓછા બને તો ચાલશે ! પરંતુ માર્ગીય ગ્રંથોનું શ્રવણ – મનન સારી રીતે થાય તેવા સત્સંગ ભવનોની જરૂર છે. જ્યાં માર્ગનાં જાણકાર વિદ્વાનોનું માર્ગદર્શન મળે. આચાર્ય બાળકો દ્વારા પ્રવચનો થાય. ગૃહસેવામાં યથાશક્તિ – પુષ્ટિ રીતે સેવા સ્નેહયુક્ત, સંસાર આસક્તિ રહીત થઈ કરવાથી પ્રભુ રીઝશે.
 
પુષ્ટિ પ્રભુ સાધન સાધ્ય નથી, કૃપા સાધ્ય છે. નિઃસાધનતાનો માર્ગ છે. શ્રીવલ્લભે બતાવેલ માર્ગ ચાલવાથી જ ફલ પ્રાપ્તિ છે. આચાર – વિચાર, મેંડ-મર્યાદા જરૂરી છે. આજે તો પુરૂષો ધોતી પહેરતા – તિલક કરતાં શરમાય છે. બહેનો પંજાબી ડ્રેસ અને ગાઉન પહેરી સેવા કરે છે. ક્યાં છે પુષ્ટિ ? જેવો વેશ તેવો આવેશ. દયા ભવૈયાએ વૈષ્ણવનો વેશ પહેરી ભવાઈ કરી. તેના શરીરમાં ચાર હત્યા હતી તે બહાર નીકળી ગઈ. તેણે વિચાર્યુ કે “ફક્ત થોડીવાર વૈષ્ણવી વેશથી આ ફલ મળે તો વૈષ્ણવ થાઉં તો શું નામ મળે !”તે પછી એ શ્રીગુસાંઇજીનો સેવક થયો. આજે પુષ્ટિમાર્ગના મંદિરોમાં એક નિયમ કરો કે દર્શને આવનાર પુરૂષો ધોતી-બંડી અને તિલક કરીને જ આવે તો જ દર્શન કરી શકશે અને પૂ. મહારાજશ્રીના ચરણ સ્પર્શ કરી શકશે. અન્યથા નહીં ! પછી જુઓ મંગલામાં કેવી ભીડ જામે છે ! આ કરવા જેવો પ્રયોગ છે. હજ કરવા જનાર મુસ્લિમોએ સીવેલાં વસ્ત્ર પહેરવાના નહિ, માથે દેવું ના હોય. અરે એમના નાના નાના છોકરાઓ માથે ટોપી પહેરીને મસ્જિદમાં જાય. અને આપણે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો, કોઈ બંધન નહિ ! ક્યાં છે પુષ્ટિમાર્ગ ? જરા બતાવશો ? આ ત્યાગનો માર્ગ છે, કંઇક પ્રાપ્ત કરવું છે તો કંઇક ભોગ આપવો જ પડે.
 
“શ્રીવલ્લભ શરણ થકી સૌ પડે સહેલું રે” (શ્રીદયારામભાઈ)

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.