પુષ્ટિમાર્ગમાં ગૃહસેવાનું મહત્વ
spacer
spacer

- કંચનભાઈ ગાંધી, વડોદરા

શ્રીઆચાર્યજી શ્રીમહાપ્રભુજીએ ‘ભક્તિ વર્ધિની’ ગ્રંથમાં આજ્ઞા કરી છે કે, “ગૃહે સ્થિત્વા સ્વધર્મઃ” પુષ્ટિજીવે સ્વધર્મનું પાલન ઘરમાં રહીને જ ગુપ્ત રીતે એકાંતમાં સેવ્યની સેવા કરવાનું છે. સેવા વ્યક્તિગત રીતે કરવાની, સામુહિક રીતે નહીં. ઘણા વૈષ્ણવો પોતાના ઠાકોરજીને ભેગા કરી મનોરથો-ઉત્સવો કરે છે. એ રીતે પુષ્ટિમાર્ગમાં નથી. 84/252 ની વાર્તાઓ જુઓ. કોઈએ આ પ્રમાણે ભેગા થઈ ઉત્સવ-મનોરથ કર્યા જ નથી. સેવ્યનાં કોઈને દર્શન કરાવવાની પણ રીત નથી. સેવ્ય એ પ્રેમ સ્વરૂપ છે,પ્રેમ ને ગુપ્ત રખાય, પ્રગટ કરવાથી રસ ન રહે – રસાભાસ થાય. ભાવ અને પ્રેમ ગુપ્ત રાખવા. જતન કરી હૃદયમાં રાખવાની શ્રીહરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે.
 
આજે વૈષ્ણવો સેવ્ય અને સેવાના સ્વરૂપ વિશે દિશાશૂન્ય છે. અજ્ઞાન અને અન્યથાજ્ઞાન, અંધશ્રદ્ધાથી ગ્રસીત છે. આજે સ્વરૂપ જ્ઞાનથી વંચિત છે, મંદિરો – બેઠકોમાં દોડાદોડી ખૂબ વધી ગઈ છે. શું પ્રાપ્ત કરવાનું છે તેનું જ્ઞાન નથી. ગૃહસેવાનું સ્વરૂપ સમજાતું નથી. સેવ્ય જ જીવનો ઉદ્ધાર કરવા તેના ઘરમાં બિરાજી શ્રીવલ્લભની કૃપાથી સેવકની સેવા અંગિકાર કરી રહ્યા છે. સેવા ફક્ત શ્રીજી-શ્રીકૃષ્ણની જ થાય, શ્રીવલ્લભની કે શ્રીયમુનાજીની સેવા ના કરાય. શ્રીવલ્લભની આજ્ઞા છે, “કૃષ્ણ સેવા સદા કાર્યા.” સિદ્ધાંત મુક્તાવલીમાં કહ્યું છે, “સર્વદા સર્વ ભાવે ભજનિયો વ્રજાધીપ” વ્રજના અધિપતિ – સદાનંદ – રસાત્મક કૃષ્ણ –શ્રીજીની જ સેવા બતાવી છે. આપે આજ્ઞા કરી છતાં તેનું ઉલ્લંઘન કરી વૈષ્ણવો બીજાની સેવા કરે તો ગૂરૂ અપરાધ જરૂર લાગે છે. આજ્ઞાનું ઉલ્લંઘન એ અપરાધ છે. “શ્રીવલ્લભ વસ્તુતઃ કૃષ્ણ એવ” શ્રીવલ્લભ અને શ્રીજીમાં કોઈ ભેદ નથી જ. આ વાત શ્રીગુસાંઈજી “વલ્લભાષ્ટક”મા કહે છે.
 
આજે વૈષ્ણવો મંદિરોના મનોરથો – ઉત્સવો અને ઘરવાદમાં અટવાઈ ગયા છે. અમે તો અમૂક ઘરના, પેલા બીજા ઘરનાં. બીજા ઘરના ગો. બાલકોના ચરણસ્પર્શ કે પધરામણી ન થાય. અનન્યતા એક ઘરની. આ કેટલું મોટું અજ્ઞાન છે. ઘર એક જ શ્રીવલ્લભનું છે. બધા વલ્લભકૂળ સરખા. ઘરવાદમાં બીજા બાલકોનો અનાદર કરી રહ્યાં છે. ગોલોકધામમાં કંઈ સાત ઘરના વૈષ્ણવો માટે સાત દ્વાર બનાવી રાખ્યા નથી. આ ભ્રામક માન્યતાથી છૂટ્યા વિના અંધારામાં ભટકશે. તેમાંય વૈષ્વોની માન્યતાને ઉપરથી પોષણ પણ અપાઈ રહે છે તે દુઃખની વાત છે. એમાં ક્યાં પુષ્ટિ જોવા મળે છે ? ભગવદ મંડળીમાં વૈષ્ણવો બોલે છે : “અપને અપને ગુરૂદેવ કી જય.” મને હસવું આવે છે, શું બધા વૈષ્ણવોના પુષ્ટિમાર્ગીય ગુરુ જુદા-જુદા છે ? બિંદુ અને નાદસૃષ્ટિ બંનેના ગુરુ શ્રીવલ્લભ એક જ છે. વલ્લભકૂળ બાલકો દ્વારભૂત ગુરુ રૂપે છે. પોતાના સેવ્ય પ્રભુને શું સામગ્રી – શૃંગાર ધરવા તે સેવક જ નક્કી કરે, કે બહારથી કોઈ નક્કી કરી આપે તે જ કરવાના. 84/252 વૈષ્ણવોએ કોઈની રીતનું અનુકરણ નથી કર્યું. અડેલમાં આપશ્રી મહાપ્રભુજી સેવા કરતા, શ્રીગુસાંઈજી ગોકુળમાં સેવા કરતા. તેઓનું અનુકરણ નથી કર્યું. આજે તો દરેક ઘરની પુસ્તિકા પ્રગટ થઈ છે. તેમાં જાતજાતની સામગ્રી શૃંગાર જોઈ વૈષ્ણવો ભ્રમમાં પડી જાય છે. અરે ભાઈ ! એ બધુ બાળકોને ત્યાં અને મંદિરો માટે છે, વૈષ્ણવો માટે નથી. આ સમજ નથી. કેટલું અજ્ઞાન પ્રવર્તે છે.
 
શ્રીજીને પાટે બેસાડી રામદાસને શ્રીમહાપ્રભુજીએ સેવા સોંપી. આજ્ઞા કરી, “રામદાસ શ્રીજીની સેવા નીકો રીતે કરજો.” “મહારાજ ! સેવા વિસે હું કશું નથી જાણતો.” આપે કહ્યું, “શ્રીજી બધુ શિખવાડી દેશે” આ આજ્ઞા આધુનિક વૈષ્ણવો માટે પણ છે જ. સાચુ જ્ઞાન નહીં હોવાથી વૈષ્ણવો ફળથી વંચિત રહે છે.
 
સેવ્યને સાક્ષાત અને સર્વસ્વ માનીને સેવતા નથી, સેવ્યને છોડી મંદિરોમાં સેવા કરવા દોડે છે. સેવ્યને ગૌણ કર્યા એટલે તમે પુ્ષ્ટિમાંથી દૂર ફેંકાઇ ગયા સમજો. સેવ્યની સિવાયની સેવા ગૌણ છે.
 
પુષ્ટિમાર્ગીય સેવા જીવન વરણ – અધિકાર, શક્તિ અને પરિસ્થિતિ પર નિર્ભર કરે છે. બ્રહ્મસંબંધ વલ્લભકૂળના કોઇપણ બાલક પાસે લઈ શકાય તે સેવ્ય પુષ્ટ કરાવી શકાય છે. આ ધ્રુવ સત્ય સમજો. બ્રહ્મસંબંધ આપ્યા પછી વૈષ્ણવને કહેલું કે, “સખડી ભોગ ધરો તો જ ઠાકોરજી પુષ્ટ કરી આપું ? શા માટે ? બ્રહ્મસંબંધ પહેલા આ કરવું જોઇતું હતું. હવે જીવને સેવાથી વંચિત કેમ રાખી શકાય ? એવી પરિસ્થિતિ – શક્તિ મુજબ દુધગર, અનસખડી વિ. ધરે. પછી ધીમે ધીમે અધિકારી જીવ હશે તો સખડી ભોગ ધરશે. પ્રાચીન બાળકો આમ જ આજ્ઞા આપતા હતા. બ્રહ્મસંબંધ અધિકારી જીવોને જ થાય છે – અપાય એ શ્રીવલ્લભનો સિદ્ધાંત છે. સેવા – સ્મરણમાં રૂચિ, પ્રભુ પ્રાપ્તિનો તાપ-ભાવ અને આ સંસાર પ્રત્યે અરૂચિ આ ત્રણ બાબત જેમાં છે તે જ વૈષ્ણવ પુષ્ટિમાર્ગ પર ચાલી શકે છે. પુષ્ટિમાર્ગ ભાવાત્મક-ફલાત્મક છે બધા માટે નથી. નિજ દૈવી જીવો માટે જ શ્રીવલ્લભે પ્રગટ કર્યો છે – શ્રીવલ્લભ શરણ થકી સૌ પડે સહેલું.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.