પુષ્ટિજીવનું કર્તવ્ય
spacer
spacer

- કંચનભાઈ ગાંધી, વડોદરા

પુષ્ટિમાર્ગમાં આવ્યા પછી જીવને પોતાના કર્તવ્યનું જ્ઞાન ન હોય તો તે જીવ કશું જ પ્રાપ્ત કરી શકે નહીં. મોટા ભાગના વૈષ્ણવો સેવા કરે છે, કેટલાક મેંડ-મર્યાદાથી ભોગ ધરીને લે છે. દર વર્ષે વ્રજયાત્રા કરે, ચારે ધામની યાત્રા. દરેક બેઠકમાં જારીજી ભરે છે. જ્યાં ત્યાં થતા મનોરથો, ઉત્સવોમાં દોડાદોડી કરે છે. બધાની કથાઓ, ભાગવતજી સાંભળે છે. આમ બધુ જ કરે છે. ઠેર ઠેર સત્સંગ કરવો. છતાં આપણે પૂછીએ કે, ‘તમને પ્રભુનો કાંઇ અનુભવ થયો ?’ તો કહેશે ના. હતા ત્યાંના ત્યાંજ છીએ. જીવનમા કોઈ પરિતાપ કે ચિંતા પણ થતી નથી. કેવળ ક્રિયામાત્ર કરે છે. જીંદગીના અમૂલ્ય વર્ષો આમ જ વહી ગયા, બાકીના વહી જાય છે. આ છે આજના મોટા ભાગના વૈષ્ણવોની સાચી પરિસ્થિતિ.
 
પ્રભુથી વિખૂટા પડે ઘણો કાળ વહી ગયો. અનેક જન્મ મરણના ફેરામાં જીવ પોતે પોતાનું મૂલ ધામ, પ્રભુનું સ્વરૂપ, લીલા અને પોતાનું લીલા મધ્યપાતિ સ્વરૂપ આ સર્વ કાંઇ વિસરી ગયો ! અનેક જન્મોના પૂણ્યથી વૈષ્ણવને ત્યાં જન્મ થયો. વળી શ્રીવલ્લભ પ્રભુનું શરણ મળ્યું. છતાં કોઈ પૂરૂષાર્થ કે ધ્યેયનો વિચાર કર્યા વિના, નિશ્ચય કર્યા વિના જીવન પસાર કરી રહ્યા છે. જીવનું પ્રથમ કર્તવ્ય છે, દ્રઢ નિશ્ચય કરવો. જીવનમાં પુષ્ટિ પ્રભુની પ્રાપ્તિ કરવી છે, તેવો નિશ્ચય. સંકલ્પ કરવો. જીવને મનમાં આવો દ્રઢ નિશ્ચય થતા જ કરૂણાનિધિ શ્રીવલ્લભ પ્રતિબંધો નિવૃત્ત કરી ભગવદ વિષયક સઘળી સામગ્રી, સેવા, રીત-પ્રીત, ભગવદીયોનો સંગ, એમ જે કાંઈ પુષ્ટિ પોષણની જરૂર છે તે પ્રાપ્ત કરાવશે. માટે જ શ્રીદયારામભાઈ કહે છે કે, ‘નિશ્ચયના મહેલમાં વસે મ્હારો વાલમો, જે રે જાયે તે ઝાખી પામશે જી રે.’ નિશ્ચયનો મહેલ ક્યાં છે ? પુષ્ટિ જીવના હૃદયમાં જ એ છે. બ્રહ્મસંબંધ વખતે જ શ્રીવલ્લભે તેના હૃદયમાં પ્રભુનું ભાવાત્મક સ્વરૂપ અને તે જીવનું મૂળ લીલા મધ્યપાતિ સ્વરૂપ પ્રસ્થાપિત કરી અલૌકિક કૃપા શક્તિનું દાન કર્યું છે. આ બાબતની પહેચાન જીવને નથી. છે તો તેનો નિશ્ચય કર્યો નથી. સેવા, સ્મરણ, ગુણગાન, ધ્યાન દ્વારા તે પ્રભુની પ્રાપ્તિનો પુરૂષાર્થ કર્યો નથી. અને જીવ નિઃસહાય બની ભવ-સાગરમાં ભટકી રહ્યો છે. જીવને અસમર્પિત અને દુઃસંગથી નિશ્ચય થતો નથી. કર્તવ્યનું ભાન થતું નથી. શ્રીમહાપ્રભુજીની આજ્ઞાનું પાલન જીવ નથી કરતો. પછી ફલની આશા કેવી રીતે રાખી શકાય ?
 
પુ્ષ્ટિ જીવને નથી પ્રાપ્ત થયું તેનો પ્રચુર તાપ હોવો અતિ આવશ્યક છે. પુષ્ટિજીવને શિથિલભાવ નહિ ચાલે. કેટલાક વૈષ્ણવો કહે છે, ભાઈ, આ તો કૃપામાર્ગ છે. પ્રભુ કૃપા કરશે ત્યારે બધુ જ થશે. પ્રભુ કૃપા તો કરી રહ્યા છે, કરે છે, પણ જીવ પ્રભુથી વિમુખ રહેવાથી એ અદ્રષ્ટ કૃપાને જાણી શકતો નથી, શરણે લઈ સાક્ષાત પ્રભુસેવાનો અધિકાર આપી દીધો એ શું ઓછી કૃપા છે ? કઈ લાયકાતે પુષ્ટિ પુરૂષોત્તમની સેવા માથે પધરાવી આપી ? સેવ્યને ઓળખવા પ્રયત્ન નથી કરવો. સેવ્યને સાક્ષાત માની તત્સુખ સેવા નથી કરવી. અને પોતાની જવાબદારી સ્વામી પર ઢોળી દેવી તે તો કૃતઘ્નતા છે. અપરાધ છે. આપે સતત અષ્ટાક્ષરની આજ્ઞા કરી છે. કોણ એને પાળે છે ? આજે પળે નિશ્ચય કરો કે મારે આ જન્મમાં જ પ્રભુ પ્રાપ્તિનો આનંદ લેવો છે. તો કાંઈ દુર્લભ નથી. સાચી દિશાનો તાપ હશે તો તાપાત્મક શ્રીવલ્લભ અવશ્ય કૃપા કરશે જ.. કરે છે જ. જીવને આપ સાધનરૂપ બની સાધ્ય પ્રાપ્ત કરાવે છે. આ સમય તેના માટે એક દ્રષ્ટાંત જોઈએ. જર્મની દેશના એક શહેરમાં એક સુથાર રહેતો હતો. ખુબ મહેનત કરી તેણે સુંદર ખુરશી બનાવી. તેનું રંગ રોગાન કરવા માટે તેના દીકરા વેટને કહ્યું, દીકરાએ પણ રાત દિવસ મહેનત કરી સુંદર રંગથી કારીગરી કરી ખુરશી તૈયાર કરી. પછી તેણે પોતાના પિતાજીને પૂછ્યું : આ ખુરશી પર કોણ બેસશે ? પિતાએ કહ્યું : ‘આ શહેરના ન્યાયાધીશ બેસી ન્યાય કરશે’ છોકરાએ કહ્યું, ‘પિતાજી, આ ખુરશી પર ન્યાયાધીશ બની હું જ બેસીશ. એ વેચશો નહિ’ દ્રઢ નિશ્ચય કર્યો. સંકલ્પ કર્યો, ખૂબ અભ્યાસ કરી ન્યાયાધીશ બન્યો એ જ ખુરશી પર બેસી ન્યાય કરવા લાગ્યો. આમ લૌકિકમાં આ છોકરાએ દ્રઢ નિશ્ચય કર્યો તો સફળ થયો.
 
તો પછી પુષ્ટિ જીવ નિશ્ચય કરે તો શું પ્રાપ્ત ના કરી શકે ? જીવના સાચા નિશ્ચય, સંકલ્પમાં અગાધ શક્તિ રહેલી છે. જીવે આળસ તજીને પોતાની ધ્યેય પ્રાપ્તિમાં લાગી જવું જોઇએ. સંસારના કાર્યો કરતાં છતાં ચિત્ત-મનને ધ્યેય સ્વરૂપમાં જોડી સતત ગુણગાન કરતાં રહેવાથી શ્રીવલ્લભ પ્રભુ નીજ સ્વકીયો ઉપર કૃપાવૃ્ષ્ટિ કરશે જ. જીવકૃત પ્રતિબંધો જીવે જ પુરૂષાર્થથી દૂર કરવાં જ પડે. તે સિવાય કાંઇ પ્રાપ્ત થઇ શકે નહિ. જીવને બધું કરવું ગમે છે, પણ પ્રભુનું નામ લેવાનું નથી ગમતું. અધિકાર વિના નામ પણ લેવાતું નથી. નામ દુર્લભ છે. નામ ધર્મ રૂપ છે તેમાં ધર્મિ પ્રભુ સાક્ષાત બિરાજે છે.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.