વર્તમાન સમયમાં 84/252 વાર્તાઓની ઉપયોગીતા
spacer
spacer

- શ્રી કંચનભાઈ ગાંધી, વડોદરા

આ 84 વૈષ્ણવની વાર્તાઓમાં શ્રીઆચાર્ય-ચરણના રૂપ, ગુણ, જ્ઞાન, સામર્થ્ય આદિ ધર્મો, વાણીમાધુર્ય, નિત્યક્રમ, સેવા કથાની પ્રણાલિકા, સેવા અને કથાની તત્પરતા, વિરહ આદિ નિગુઢભાવો વિ. અનેક ચરિત્રોનો સમાવેશ થયેલો છે. તેમાં શ્રીઆચાર્યચરણનું સાંગોપાંગ આંતરબાહ્ય સ્વરૂપ અને તેના ધર્મો તથા અનેક તત્વો અને ભાવનાઓ આ વાર્તાઓમાં પ્રત્યક્ષરૂપે વિદ્યમાન છે.
 
પુષ્ટિ સંપ્રદાયમાં દ્વિવિધ સાહિત્ય ઉપલબ્ધ છે. એક શબ્દપ્રમાણવાળું સિદ્ધાંતાત્મક, બીજું આત્મપ્રમાણ વાળું ફલાત્મક સાહિત્ય, આત્મ-પ્રમાણવાળા સાહિત્યમાં લોક વેદાદિતશ્રીપૂર્ણ પુરૂષોત્તમ શ્રીકૃષ્ણ અને તેના અલૌકિક આસ્વાદરૂપ સુધાસ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ યથાર્થ રૂપે રહેલો છે. અહીં આપ્તના અર્થમાં શ્રીકૃષ્ણના તાદ્રશ ભક્તો જાણવા. શ્રીઆચાર્યચરણે સ્વયં પોતાના નિગૂઢ સ્વરૂપનો પ્રગટ અનુભવ પોતાના સેવકોને કરાવ્યો છે. તેમાં મુખ્ય શ્રીદમલાજી, પ્રભુદાસ જલોટા અને પદ્મનાભદાસ છે. શ્રીહરિરાયજીના મતે આ વાર્તાઓ શ્રીમહાપ્રભુજીનું જ સ્વરૂપ છે. તેમાં એક એક અક્ષરમાં શ્રીઆચાર્યજી ઓતપ્રોત રૂપે બિરાજે છે. ભક્ત કવિ શ્રીદયારામભાઈના મતે આ વાર્તામાં ‘સકલ તત્વનું તત્વ છે, એ સારમાંહે સાર, પાઠ કરતાં માત્રથી વશ થાયે નંદકુમાર’ આ વાર્તાઓ અમારૂં ગૌરવ છે. તેમાં અમારા પૂર્વજો સાથે પરબ્રહ્મ શ્રીનાથજી એક સંબંધીની માફક બોલતા, ચાલતા, માગતા અને આરોગતા હતા. આથી વિશેષ ગૌરવ બીજું શું હોઈ શકે ? ગોસ્વામી શ્રીગોવિંદલાલજી મહારાજ (સુરત-વાળા) આમ કહેતા. આથી વાર્તાઓ રૂપી શ્રીમહાપ્રભુજીનો આધિદૈવિક નિર્ગુણ ભાવાત્મક વિલાસ, એ ફલનું પણ ફલ, રસનો પણ રસ, ગાયત્રીની એ ગાયત્રી, દર્શનનું પણ દર્શન, અને તત્વનું પણ તત્વ છે. જેથી શ્રીગોકુલેશ વાર્તાને શ્રીસુબોધિનીજીના કથાના પણ ફલરૂપે વર્ણવી છે. આમ શ્રીઆચાર્યજીએ પોતાના જ સ્વરૂપ રૂપની જ અંતરંગ વૈષ્ણવોને પ્રગટ કરી, ભૂતલના વૈષ્ણવોના ઉદ્ધાર્થ માટે કરૂણા કરી છે.
 
ઉપરોક્ત વાર્તાઓના સ્વરૂપને જાણ્યા પછી, અધુના વૈષ્ણવોએ એ બોધ લેવાનો છે કે, આ વાર્તાઓ ફક્ત વાંચી જવાની નથી. શ્રવણ-મનન-ચિંતન કરી, વાર્તાઓમાં દર્શાવેલ પુષ્ટિના સિદ્ધાંતો, ભાવનાઓ, સ્વરૂપ, લીલાના પ્રસંગો દ્વારા પોતાનું જીવન જીવનનો પુષ્ટિ પંથ નક્કી કરી, એ પર ચાલવાનું છે. એમાં સત્સંગનું અતિ મહત્વ રહેલું છે. શ્રીવલ્લભના નિગૂઢ આશયને ભગદીયો દ્વારા જ જાણી શકાય છે. આજના સમયમાં એવા ભગવદીયો અતિ દુર્લભ છે. ત્યારે સત્સંગ માટે જેનો સંગ કરવો છે, તેની પણ પરખ કરવી જરૂર છે. નહિ તોદુઃસંગ જ પ્રાપ્ત થાય. અગર કંઈ પુષ્ટિના સિદ્ધાંતોથી વિપરીત પ્રકારમાં ભટકી જવાય. આવા સમયમાં જે કોઈ શ્રીમહાપ્રભુજીના સિદ્ધાંતોને પ્રમાણ સહિત, આધાર દ્વારા રજુ કરે તેને જ ગ્રાહ્ય રાખવી. કેવળ મનસ્વી ભાવલા વેડામાં તણાઈ જઈને કપોલ કલ્પિત અગર મનના ભાવો દ્વારા અપાતા જ્ઞાનમાં સાવધાની રાખવી. સત્સંગ જોઈને કરવો, નહિતો દુઃસંગ જ પ્રાપ્ત થશે. જ્યાં શ્રોતા નિશ્વાર્થ હોય, જરાયે પણ અહમ ના હોય, અનન્ય શ્રીવલ્લભનો જ દ્રઢ આશ્રયવાળો હોય તો જ તેનો સંગ ફલરૂપ બને છે. નહીં તો ઘરના ખૂણે ગ્રંથોનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ-મનન કરવું. આપણી યોગ્યતા અને અધિકાર પ્રમાણે આપશ્રી વલ્લભ સ્વકીયને પોષણ પ્રાપ્ત કરાવશે. એ માટે શ્રીસર્વોત્તમજીના ખૂબ પાઠ કરવા.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.