સેવાનું મૂર્તિમંત સ્વરૂપ
spacer
spacer

પુષ્ટિમાર્ગમાં શુદ્ધ દૈવી જીવનું એકમાત્ર કર્તવ્ય ધર્મ સેવા જ છે. એથી અતિરીક્ત કાંઈ જ નહિ. તેમાંએ શ્રી હરિ-ગુરૂ-વૈષ્ણવની સેવાની પ્રણાલિકા છે. અને તેના પ્રમાણો વૈષ્ણવોની વાર્તાઓમાં જોવા મળે છે. વૈષ્ણવની સેવા કરવી દુર્લભ છે. કારણ કે તેમની સેવા કરનારને મનુષ્ય ભાવ રહી આવે છે, જેથી ગુણ દોષો જલ્દી નજરે ચઢે જેથી સેવા ફળરૂપ ન બને. કોઈ વીરલા જ વૈષ્ણવના આધિદૈવિક સ્વરૂપને ઓળખી સેવા કરી શકે. શ્રીવલ્લભ વંશમાં શ્રીવલ્લભ અને વૈષ્ણવમાં શ્રીદમલાજી બિરાજે છે એવો ભાવ રાખવો. ઉચ્ચ ભાવ જ ફળરૂપ છે. એવા એક વિરલ પરમ વૈષ્ણવ જેમને પ.ભ. લખી શખાય તેવાં પૂ. હીરામા-બરડિયાની શ્રીગુસાંઈજીની બેઠકવાળાને મળી તેમના સત્સંગનો લાભ લેવાનો મનોરથ હતો. હાલમાં આપણે જાણે અજાણે ગમે તે વૈષ્ણવ હોય તેને પ.ભ. લખીએ છીએ. આ મોટો અપરાધ છે. મુખરતા દોષ છે. પરમ ભગવદીયના સ્વરૂપનું અવમૂલ્યન કરવાનો અપરાધ છે. ! પ.ભ. તો શ્રીગોપીજનોને જ કહેવાય અગર કોઈ ઉચ કોટીના વિરલાઓને. એવા ભક્તોનાં દર્શન માત્રથી જીવના દોષ દૂર થઈ જાય છે. અપરાધો નિવૃત્ત થઈ જાય છે.

રામદાસજીનું એક પદ છે.
શ્રીવલ્લભ જન કી યહ પહેચાન ।
મિલત હરત દુઃખ જનમ જનમ કે, સહજ પડી યહ બાન
અપને સો કર લેત છીનક મેં, હદેભરે રસખાન ।
‘રામદાસ’ શ્રીવલ્લભ કૃપાતે, દેત અભય પદ દાન ।।
 
અભયપદ એટલે ગોલોક ધામની પ્રાપ્તિ. આવા પૂ. હીરામા છે. એમનો મંત્ર સેવા. હરિ-ગુરૂ-વૈષ્ણવની તન-મન-ધનથી નિષ્ઠાપૂર્વક સેવા ફલરૂપ થાય ત્યારે અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત થાય છે. એ અલૌકિક સામર્થ્યનાં દર્શન કરવા હોય તો હીરામાના દર્શન કરો. ત્યાં શ્રીગુસાંઈજી ધર્મિ સંયોગાત્મક સ્વરૂપ સાક્ષાત બિરાજી માની સેવા અંગીકાર કરે છે. સેવા અને વૈષ્ણવના સ્વરૂપને એમણે ઓળખ્યું છે.
 
સદા પ્રસન્નવદન આવનાર વૈષ્ણવને સૌ પહેલાં જલ પછી ચા-દૂધ અને પછી મહાપ્રસાદ મળે. ગમે ત્યારે ગમે તે સમયે વૈષ્ણવો આવે મહાપ્રસાદ તૈયાર હોય. પૂ. મા મને કહે છે, “કંચનભાઈ, આ તો શ્રીયમુનાજીનો લ્હેરો છે. એક જાય ને બીજી આવે. મા કહે છે ભાઈ, મને બતાવો, એમાં ખોટ ક્યાં જાય છે ? મેં કહ્યું, “માઁ, ખોટ તમારે જતી જ નથી,” તો કહે, ના ભાઈ, આટલા વૈષ્ણવોની સેવા કરતા જો કોઈનું મનદુઃખ થઈ જાય, દુઃખ પામે તો એ મોટી ખોટ ગઈ કહેવાય. મને આશ્ચર્ય થયું માને સૂક્ષ્મ દોષનુ કેટલું સભાનપણું છે. ધન્ય છે, મા તમને. કેવી અલૌકિક દ્રષ્ટિ છે ! એક રૂપિપાની સેવા કરનારા અને લાખની સેવા કરનાર બંને માને મન સરખા. આ સર્વાત્મભાવ. ન્યૂન અધિક નહિ. મા પાસે આ શીખવાનું છે. વૈષ્ણવો પૂછે, માં, અમને કંઇક સત્સંગ કરાવો. ખડખડાટ બાળક જેવું નિર્દોષ હાસ્ય કરી મા કહે, સત્સંગ મને ના આવડે. હું તો સેવા જ જાણું છું. એક અમેરિકન બાઈ આવીને કહે મા, આપને ત્યાં તો વિરહ જ કરવાનું કહ્યું છે ને ! મા મને કહે ભાઈ, તમે મને બતાવો ! આ સવારથી સાંજ સુધી સેવામાંથી સમય જ નથી મળતો પછી હું વિરહ કરવા ક્યારે બેસું ? મેં કહ્યું, “મા, તમને સંયોગાત્મક સ્વરૂપ શ્રીગુસાંઈજીનું સતત સાનિધ્ય છે તો વિપ્રયોગની જરૂર ક્યાં રહી ? ભૂતલ પર આજે પણ 84/252 ભગવદીયો હજી બિરાજે છે. જેના વડે પુષ્ટિમાર્ગ ચાલી રહ્યો છે. એ જોવાની દ્રષ્ટિ શ્રીવલ્લભ કૃપા કરી આપે તો બેડો પાર છે. બડાઈ-પ્રતિષ્ઠાથી પર રહી આ બધું કરવું ખૂબ કઠીન છે. આવા શ્રીવલ્લભના જનની ચરણરજ રદા પ્રાપ્ત થાય એ જ અભિલાષા.
 
- કંચનભાઈ ગાંધી, વડોદરા

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.