શ્રી રજોબાઈનું આધ્યાત્મિક સ્વરૂપ
spacer
spacer

શ્રીમહાપ્રભુજી દૈવીજીવોના ઉદ્ધાર અર્થે ભૂતલ પર પ્રગટ થયા. અને પુષ્ટિ-કૃપા-અનુગ્રહ માર્ગ પ્રગટ કર્યો. માર્ગ ભાવાત્મક અને રસાત્મક છે. માર્ગના સ્વરૂપને સમજવું અતિ દુર્લભ છે. શ્રીવલ્લભની કૃપા વિના તે જાણી શકાય નહિ. શ્રીહરિરાયજી એક પદમાં માર્ગને સમજાવે છે. : “રતિપથ પ્રગટ કરનકું પ્રગટ ભયે, કરુણાનિધિ શ્રીવલ્લભ ભૂતલ” રતિપથ એટલે સ્નેહમાર્ગ, પુષ્ટિ પ્રભુ રસાત્મક છે. ભાવાત્મક છે. ભાવથી જ પ્રસન્ન થાય છે. ભાવનું દાન શ્રીવલ્લભ કરે તો જ. ભાવનું સ્વરૂપ સાકાર, વ્યાપક અને સ્વરૂપાત્મક છે. પ્રભુ સ્વરૂપ “રસો વૈ સઃ” છે. એ અનુભૂતિનો વિષય છે. મન-વાણીથી જાણી કે કહી ન શકાય. અગોચર છે. તેમ કેટલાક ગ્રંથોને સમજવા માટે કૃપા થવી જરૂરી છે. દા.ત. “વેણુગીત” ના સુબોધિનીજી માટે શ્રીગુસાંઇજી આજ્ઞા કરે છે : “વૈષ્ણવ હોવા છતાં જે આ રસથી વંચીત છે, જાણતો જ નથી, તેણે કૃપા કરી આ ગ્રંથ વાંચવો – જોવો નહિં.” કેટલું રહસ્ય આ શબ્દોમાં છે તે વિચારો. જ્યાં સુધી અહંતા – મમતા અને સંસાર આસક્તિ છૂટી નથી ત્યાં સુધી 84ની વાર્તાના નિગૂઢ પ્રસંગો પણ સમજી નહિ શકાય. પછી કલ્પિત અર્થ કરી, લૌકિક ભાવનું આરોપણ કરવું તે મોટો અપરાધ છે. અલૌકિકમાં લૌકિક ભાવ કરવાથી અપરાધ થાય છે એ વાત શિક્ષાપત્રમાં કરેલી છે. ‘કામ શિખર’ ગ્રંથમાં શ્રીગુસાંઈજીએ ‘કામાનંદ’ અને ‘પ્રેમાનંદ’ ના સ્વરૂપને સમજાવ્યું છે. દરેકના ત્રણ સ્વરૂપ : ભૌતિક કામાનંદ ઇંદ્રિયોથી ભોગવાય તે જગતનો (2) આધ્યાત્મિક કામને સ્વર્ગના લોકો જ ભોગવે છે અને આધિદૈવિક રાસમાં એનો અનુભવ શ્રીકૃષ્ણે કરાવ્યો. આની અનુભૂતિ માટે આધિદૈવિક અલૌકિક દેહ – ઇંદ્રિયો વિ. જોઈએ. આ ભૌતિક દેહથી એનો અનુભવ ન થાય. કૃષ્ણ ભટ્ટજીએ શ્રીજીને વિનંતી કરી. “મને રાસના દર્શન કરાવો.” ત્યારે શ્રીજીએ કહ્યું, “આ દેહથી તે શક્ય નથી”ત્રણવાર આમ જવાબ મળ્યો. પછી કૃપા કરી શ્રીગુસાંઈજીએ અલૌકિક દ્રષ્ટિનું દાન કરી દર્શન કરાવ્યા. કેમ કે આપશ્રી મૂળ શ્રીચંદ્રાવલીજી સ્વામિનીજી છે.

આજે સંપ્રદાયમાં કેટલાક ભાવલા વૈષ્ણવો સમજ્યા વિના અલૌકિક બાબતોનો લૌકિક અર્થ કરી અનર્થ કરી રહ્યાં છે. અમેરિકાથી એક પત્ર અહીં આવેલ તે વાંચી મને આઘાત અને આશ્ચર્ય થયું. તેમાં રજોબાઈ તથા શ્યામદાસ સુથારની વાતોનો મનસ્વી અર્થ કરેલો. રજો રોજ પાક સામગ્રી શ્રીમહાપ્રભુજીને અંગિકાર કરાવતા. તેની જગ્યાએ રજોને નિત્ય રસદાન થતું. શ્યામદાસને સર્વાંગે રસદાન થતું. આમ જોયું. મને થયું કે આ લોકોને અલૌકિક રસ શું છે ? દાનનો અર્થ શું છે ? તેનું જ્ઞાન જ નથી ! સંસારિક આસક્તિથી ગ્રસીત બીજું શું વિચારી શકે ? ઘણા બાપા-માજીઓએ અનિષ્ટ ફેલાવ્યું છે. અમારે ત્યાં એક બહેન છે. તેઓ ઘરના પ્રભુને સખડી રોજ નથી ધરતા. એ તો જુદી જાતની સખડીનો ભોગ બીજે કરાવે છે. અને અન્ય બહેનોને પણ તેમાં જોડે છે. આ કેટલું અન્યથા જ્ઞાન, અંધશ્રદ્ધા અને અજ્ઞાન છે ! ઘણાં વૈષ્ણવોને સેવ્ય સ્વરૂપ અન ગુરુદ્વારનું જ્ઞાન નથી. અમારે ત્યાં એક ભાઈ વૈષ્ણવ ભોગ ધરીને સેવા કરે છે. તેઓ મને કહે છે કે, “મને તો 13 દિવસે સૂતક ઊતરી જાય એવી મારા ગુરુએ આજ્ઞા આપી છે.” મેં કહ્યું, “શાસ્ત્રના વિધાન મુજબ વૈશ્યને 15 દિવસ સૂતક, સોળમે દિવસે શુદ્ધ થવાય.” છતાં ગુરુ આજ્ઞાને વળગી રહ્યા છે. માર્ગની વિરૂદ્ધ આ કેમ સંભવે. શાસ્ત્ર કે વેદ વિરૂદ્ધ આચરણની આજ્ઞા કોઈની ના માની શકાય.
 
હવે રજોબાઈનું આધિદૈવિક સ્વરૂપ લીલામાં રતિકલાનું છે. રતિ એટલે વિશુદ્ધ સ્નેહ – દિવ્ય પ્રેમ તત્વ છે. પોતાની દિવ્ય પ્રેમની કલાઓથી શ્રીઠાકોરજી અને શ્રીસ્વામિનીજીને રીઝવે છે. રજો શ્રીમહાપ્રભુજીના ચરણકમલની રજમાંથી પ્રગટ થયેલ છે. મહાઅલૌકિક છે. પદ્મનાભદાસજી શ્રીમહાપ્રભુજીની નાભિમાંથી પ્રગટ થયેલ છે. આવા સ્વરૂપોની વાર્તાઓ દિવ્ય છે. જીવ બુદ્ધિ ન સમજી શકે. જેમ સૂર્યના હજારો કિરણો પ્રકાશ અને ગરમી ફેલાવે છે તેમ રસાત્મક સ્વરૂપમાંથી રસના અનેકવિધ કિરણો નીકળે છે. જે કૃપાપાત્ર નિજજનોના રોમ (શરિરના છિદ્રો) દ્વારા પ્રવેશ કરે છે, તેથી તે રસાનંદનો અનુભવ કરે છે. આ છે રસ અને રસદાન. પુષ્ટિજીવે સેવ્યને સાક્ષાત્ ગણી કશાની અપેક્ષા રાખ્યા વિના સેવા કરવાથી ફળ પ્રાપ્તિ છે. એ જ સેવા મુખ્ય, બીજી બધી સેવા ગૌણ છે.
 
- શ્રી કંચનભાઈ ગાંધી, વડોદરા

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.