“સેવ્ય, સેવક અને સેવા”
spacer
spacer

- શ્રી કંચનભાઈ ગાંધી, વડોદરા

શ્રીમહાપ્રભુજીએ દૈવિ પુષ્ટિ જીવને શરણે લઈ, બ્રહ્મસંબંધ કરાવી તેના હૃદયમાં પુષ્ટિ પુરૂષોત્તમનું સ્વરૂપ અને દૈવી જીવનું આધિદૈવિક સ્વરૂપ ભાવત્મક પ્રકારે પધરાવી આપ્યું છે. સેવ્યમાં આ જ પુષ્ટિ પુરૂષોત્તમનું મૂલ ગોલોક ધામસ્થ સ્વરૂપ જે સકલ પરિકર ધામ સહિત છે. તેને પધરાવી આપેલ છે. આ છે શ્રીવલ્લભનું અદેયદાન. સેવ્યમાં ત્રણ સ્વરૂપની ભાવના કરવાની આજ્ઞા મહત્ સ્વરૂપોએ કરી છે. (1) ધર્મી પૂર્ણ પૂરૂષતોત્તમનું સ્વરૂપ (2) ગુરૂદ્વારના ઘરનું નિધિ સ્વરૂપ ધર્મ અને (3) નખશિખાંત સુધા સ્વરૂપ શ્રીવલ્લભ બિરાજે છે. સેવ્ય સ્વરૂપને સેવાની ક્રિયા દ્વારા અનુભવવાનું છે. ભાવ સ્વરૂપને અંતરમાં ભાવાત્મક પ્રકારે અનુભવ કરવાનો છે. સેવા-સ્મરણ ગુણગાન-ધ્યાન દ્વારા પુષ્ટિ જીવે તેના આધિદૈવિક સ્વરૂપને જ પ્રાપ્ત કરવાનું છે. પ્રભુ તો શ્રીવલ્લભને શરણે લઈ પ્રાપ્ત કરાવી દીધા છે જ. સેવા ફલરૂપ થતાં તેનો અનુભવ લેવાનો છે. 84/252 ની જેમ ઘરમાં રહી સેવા કરવાથી જ ફલ પ્રાપ્તિ છે. બહાર મંદિરો – તિર્થોમાં જવાથી કશુ પ્રાપ્ત નથી થવાનું, સેવ્યને ગૌણ કરનારા વૈષ્ણવ પુષ્ટિમાર્ગથી વંચીત થઈ જાય છે. શ્રીહરિરાયજી પ્રભુ આજ્ઞા કરે છે, “કાહેકો દેહ દમન, સાધન કર મુરખજન વિદ્યમાન આનંદ ત્યજ ચલત ક્યોં અપાથે” વિદ્યમાન આનંદ એટલે સાક્ષાત સેવ્ય સ્વરૂપ છે. તેને છોડી બીજાને નિરખવા તે પણ ભાવ-વ્યભિચાર છે. પુષ્ટિમાર્ગ પતિવ્રત ધર્મનો છે. પુષ્ટિપ્રભુ સેવકને માથે તેનો ઉદ્ધાર કરવાનો સંકલ્પ લઈને બિરાજે છે. જીવ એ છોડી બહિર્મુખ રહે તો તેના ભાગ્યનું શું કહેવું ?
 
શ્રીમહાપ્રભુજીની આડીથી સેવ્ય પ્રભુ જીવની સેવાનો સ્વીકાર કરે છે. જેથી જીવને અધરામૃતની પ્રાપ્તિ થાય અને મન ચિત્તનો નિરોધ થતાં એનો આધિદૈવિક સત્વરે સિદ્ધ થાય છે. પુષ્ટિ પ્રભુની અલૌકિક લીલાના દર્શન આ દેહથી ન થાય. કૃષ્ણ ભટ્ટની વાર્તમાં એનું પ્રમાણ છે. શ્રીજીને આપે વિનંતી કરી : રાસના દર્શન કરાવો. શ્રીજીએ કહ્યું, કૃષ્ણ ભટ્ટ, આ દેહથી ન થાય અલૌકિક દેહથી જ થઈ શકે. શ્રીગુસાંઇજીએ કૃષ્ણ ભટ્ટને અલૌકિક દ્રષ્ટિનું દાન કર્યું. તેથી દર્શન થયાં. પછી એ દ્રષ્ટિ પાછી ખેંચી લીધી. આપ શ્રીચંદ્રાવલીજી સ્વામિનીજી છે. પુષ્ટિમાર્ગીય ફલનું દાન શ્રીસ્વામિનીજી દ્વારા જ થાય છે. ભગવદ સેવા ફલરૂપ થવા માટે આટલી બાબતો જરૂર જોઈએ. (1) નિર્મળ હૃદય (2) પ્રપંચની વિસ્મૃતિ (3) મન-ચિત્તની સ્વસ્થતા – તંદુરસ્તી.
 
સેવ્ય સ્વરૂપ સેવકને વ્યસનાત્મક અવસ્થાએ લઈ જાય છે. શ્રીગોપીજનોને પ્રભુ વ્યસનાત્મક અવસ્થાએ સિદ્ધ કરી પછી મથુરા પધારી ગયા. પછી શ્રીગોપીજનોએ હૃદયમાં રહેલા ધર્મિ સ્વરૂપનો જ અનુભવ કર્યો છે. સેવ્યની સેવા ફલરૂપ થતાં પછી સેવા આપો આપ છૂટી જાય છે. વ્યસનાત્મક અવસ્થાએ સેવા માટે શ્રીગોપીજનોના ભાવની ભાવના કરવાની આજ્ઞા છે. “સેવા રીત પ્રિત વ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ” મનસ્વી રીતે સેવા ન થાય. ગુરૂ આજ્ઞા જરૂરી છે. પોતાના બ્રહ્મસંબંધ દાતા ગુરૂની. અન્ય બાળકની આજ્ઞા ન ચાલે. દોષ લાગે. પુષ્ટિમાં જ્યાં શ્રીવલ્લભે આજ્ઞા કરી છે તેનું પાલન ન કરીએ તો મોટો અપરાધ લાગે છે. જ્યાં આજ્ઞા છે તેનું સંપૂર્ણ પાલન જરૂરી છે. જ્યાં ઉપદેશ કર્યો છે તે જીવના વરણ, અધિકાર પ્રમાણે, શક્તિ, પરિસ્થિતિ પ્રમાણે પાળે તેમાં બાધ-અપરાધ નથી. શ્રીમહાપ્રભુજીએ સેવકને સેવ્યનું સ્વરૂપ અને સેવા પ્રકાર નક્કી કરીને જ આપ્યો છે. સિદ્ધાંત મુક્તાવલીમા, “કૃષ્ણસેવા સદા કાર્યા.” સર્વ માટે આ નીજ સ્વકીય પુષ્ટિ જીવોને આપે ચતુઃશ્લોકીમાં, “સર્વદા સર્વ ભાવેન, ભજનિયો વ્રજાધિપ”ની આજ્ઞા કરી છે. જીવના અધિકાર પ્રમાણે ઉત્તમ, મધ્યમ, સાધારણ (કનિષ્ઠ) ફલ પ્રાપ્ત થાય છે. પુષ્ટિમાં જીવનું વરણ અને અધિકાર મુખ્ય છે.
 
સેવ્યની સેવા ફલરૂપ થતાં સેવક ગોલોકમાં જાય છે. પછી સેવ્ય સ્વરૂપ જો એના ઘરના વૈષ્ણવોને સેવા કરવી હોય તો તે કરી શકે છે. તે માટે પ્રભુને ગુરૂ પાસે ફરી લઈ જવાની જરૂર જ નથી. પુષ્ટ કરેલ છે પછી શી જરૂર કે લઈ જવા પડે ? હા, જ્યારે બીજા ઘરના સેવકને માથે એ સેવા પધરાવી આપવાની હોય તો તે વૈષ્ણવ કે જે સેવા પધરાવવા માગે છે તે એ સ્વરૂપ લઈ એના ગુરૂ ઘરની કરવાની છે તેથી તેને આજ્ઞા લેવા જવું પડે. સેવ્ય સ્વરૂપ જે ને માથે પધરાવી અપાય તેની સાથે પ્રભુની સઘળી વસ્તુ ભાવ પ્રભુ સાથે સોંપાય ગુરૂ ઘેર નહિ. ગુરૂદેવને ભેટ જરૂર કરવી પડે. આ બધાની ચિંતા સેવક કે જે ઉતરાવસ્થાએ છે તેની કદી કરવી નહી. કારણ કે શ્રીહરિરાયજી (શિ.41) માં આજ્ઞા કરી છે. ‘તરદીયનકી ચિંતા હરિ કરત હૈ, તો હું જો જીવ ચિંતા કરે સો મૂર્ખ હૈ’ સેવ્ય પ્રભુને જેની સેવા લેવી હોય તે જીવને પ્રેરણા કરે છે. તેનું પ્રમાણ 84ની વાર્તા 26મી શ્રીગુસાંઇદાસજી મથુરામાં રહેતા ત્યાં જુઓ. પ્રભુ ભાવાત્મા છે. જીવના અધિકાર એના ભાવ પ્રમાણે સ્વરૂપ ધારણ કરી તેને દાન કરે છે. પદમારાવલ દ્વારકા લીલાના જીવ છે. શ્રીમહાપ્રભુજીએ શ્રીદ્વારકાધિશ સ્વરૂપે દર્શન આપ્યા અને એ જ સ્વરૂપથી તેમને શરણે લીધા. અહીં આપે વ્રજલીલામાં કેમ ના અંગીકાર કરાવ્યા ? આપશ્રી મહાપ્રભુજી છે. ના, જેનું વરણ જે સ્વરૂપથી થયું તે જીવ ત્યાં જ જાય. વરણ કદી બદલી ના શકાય. એ જ શ્રીમહાપ્રભુજીએ હનુમાનજીને શ્રીરામચંદ્ર સ્વરૂપે દર્શન આપ્યા અને દમલાજીને વ્રજમાં પૂર્ણ પૂરૂષોત્તમના સ્વરૂપે દર્શન કરાવ્યા.
 
ભાવનું દાન શ્રીવલ્લભ દ્વારા થાય છે. જીવ સ્વયમ્ કોઈ ભાવ કદી કરી શકતો નથી. કરે તો તે અન અધિકાર ચેષ્ટા છે. તેનો અપરાધ લાગે. પહેલાં દાસ્યભાવ અને દીનતા સિદ્ધ કરો. સંસાર આસક્તિ છૂટી જતાં દાસ્ય સિદ્ધ થાય. પછી સેવ્યને જે ભાવે સેવક સાથે વિલસવું હોય તે ભાવ સાખ્ય, વાત્સલ્ય કે કાંત ભાવનું દાન કરે છે.
 
‘શ્રી વલ્લભ શરણ થકી સૌ પડે સહેલું’ (શ્રીદયારામ)

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.