અષ્ટાક્ષર મહામંત્રનું રહસ્ય
spacer
spacer

કંચનભાઈ ગાંધી, વડોદરા

મહામંત્રનું પ્રાગટ્ય : ગોલોકધામમાં શ્રીઠાકોરજી અને શ્રીસ્વામિનીજીના ગૂઢ ભાવ સ્વરૂપોનું મિલન થતાં, તે યુગલ સ્વરૂપોની લીલાનો અનુભવ કરનાર સાક્ષી રૂપ શ્રીવલ્લભ પ્રગટ થયા. આપશ્રીએ માન કરી નિકુંજમાં બિરાજતા શ્રીઠાકોરજીને વિનંતી કરી, શ્રીસ્વામિનીજી પાસે પધરાવ્યા. શ્રીસ્વામિનીજી પણ માન છોડી અત્યંત સ્નેહથી શ્રીઠાકોરજી પાસે પધાર્યા. ત્યારે એ બંને સ્વરૂપો તરફ દ્રષ્ટિ કરી શ્રીમહાપ્રભુજીએ ઉચ્ચારણ કર્યું. “શ્રીકૃષ્ણઃશરણ મમ.” અર્થાત શ્રી એટલે સ્વામિનીજી અને કૃષ્ણ આ બંને સ્વરૂપોને હું શરણે છું. આમ આ મંત્રનું પ્રાગટ્ય થયું.
 
લીલાલોકમાં શ્રીવલ્લભ પ્રભુની ઉપસ્થિતિ વિના યુગલ સ્વરૂપો કોઈ પણ લીલા કરી શકતા જ નથી, ભૂતલમાં પણ નિધિ સ્વરૂપો સાથે શ્રીમહાપ્રભુજીની પાદુકાજી અવશ્ય બિરાજે છે. શ્રીવલ્લભ મધુર તાપાત્મક સુધા સ્વરૂપ છે. શ્રીઅષ્ટાક્ષર મંત્રને નામ મંત્ર પણ કહેવાય છે. આપણા પુષ્ટિ સંપ્રદાયમાં શરણાગતીની આ પ્રથમ દીક્ષા છે. નવું જન્મેલું બાળક 10 દિવસનું થાય પછી ગમે ત્યારે નામ દીક્ષા અપાવી શકાય છે. નામ દીક્ષા આપવાનો અધિકાર શ્રીવલ્લભ કુળના બાળકોનો જ છે. બીજા કોઈને નહિ. આ મંત્રનો શબ્દાર્થ તો બધે પ્રચલીત છે. પરંતુ અહીં કંઈક વિશેષ જાણવાનું છે. એમાં અમૃત બીજમંત્ર છે. કોઈ પણ સ્થિતિમાં કોઈ પણ જગ્યાએ એનું રટન કરી શકાય છે. સર્વે મંત્રોનો એ રાજા છે. એમાં ત્રણ સ્વરૂપોની ભાવના કરવી. ગોલોકધામસ્થ મૂલ રસાત્મક શ્રીઠાકોરજી, શ્રીસ્વામિનીજી અને શ્રીવલ્લભ. આ સ્વરૂપો આ મહામંત્રમાં સદા બિરાજે છે. આ જ્ઞાન જરૂરી છે. સ્વરૂપ જ્ઞાન સહિત નામ મંત્રનું રટન – સ્મરણ કરવાથી જ તે ફલરૂપ બને છે. બાકી ક્રિયાવત્ થાય છે. પુષ્ટિમાર્ગમાં સ્વરૂપ જ્ઞાન જરૂરી છે. એ વિના સ્નેહ અને નિષ્ઠા થાય નહિ. આ નામ દીક્ષાથી સાત ભક્તિ-શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન અને દાસ્ય ભક્તિનું દાન કરવામાં આવે છે. શ્રીમહાપ્રભુજી જીવને શરણે લઈ અઢળક કૃપાદાન કરે છે. આપશ્રી “નવરત્ન” ગ્રંથમાં આજ્ઞા કરે છે. – તસ્માત્ સર્વાત્માના નિત્યં, શ્રીકૃષ્ણઃ શરણં મમ । વદદ્-ભિરેવ સતતં, સ્થેય મિત્યેવ મે મતિ ।। તેથી સર્વાત્મ ભાવપૂર્વક હંમેશા ‘શ્રીકૃષ્ણઃ શરણં મમ’ સતત બોલતાં રહેવું એવો મારો અભિપ્રાય છે. શ્રી ગુસાંઈજી આજ્ઞા કરે છે કે –
 
“યદુકતં તાત ચરણૈઃ શ્રીકૃષ્ણઃ શરણં મમ ।
અત મેવાસ્તિ નૈશ્ચિન્ત્ય ઐહિકે પારલૌકિકે ।।”
 
જ્યારથી શ્રીતાતચરણે “શ્રીકૃષ્ણઃ શરણં મમ” કહ્યું છે, ત્યારથી આલોક સંબંધિ અને પરલોક સંબંધી સર્વ કાર્યમાં નિશ્ચિંતતા થઈ ગઈ છે. શ્રીહરિરાયજી આજ્ઞા કરે છે – “અસ્માકં સાધનં સાધ્યં, શ્રીકૃષ્ણઃ શરણં મમ સંપત્સ્વાયત્સવપિ સદા સ્વાચાર્ય ચરણોદિતમ્” અમારે સંપત્તિમાં અને વિપત્તિમાં દરેક સમયે શ્રીઆચાર્યજીએ કહેલા “શ્રીકૃષ્ણઃ શરણં મમ”મંત્ર જ સાધન અને ફલરૂપ છે.
 
પુષ્ટિમાર્ગમાં નામ સેવા અને સ્વરૂપ સેવા એમ બે સેવા બતાવી છે. સેવા-સ્મરણ-ગુણગાન-ધ્યાન જીવના વરણ, અધિકાર અને જ્ઞાન પ્રમાણે બને છે. બંને સેવામાં જીવે સતત સંસાર આવેશ મુક્ત થઈ, અહંતા-મમતા છોડી સેવા કરવાથી જ તે ફલરૂપ બને છે. અન્યથા નહિ. બંને સેવાનું ફલ સરખું છે. શ્રીગુસાંઈજી પાસે ગુજરાતના એક વિદ્વાન વૈષ્ણવ શરણે આવ્યા. આપે નિવેદન કરાવ્યું. વૈષ્ણવે સેવા માટે સ્વરૂપની વિનંતી કરી. આપે કહ્યું, “તમે વિરક્ત છો, અહીં તહીં ફરવાનું. ચપટી માંગી લાવી નિર્વાહ કરવાનો. એમાં સ્વરૂપ પધરાવી આપું તો શ્રમ પડે. પ્રભુ તો સ્નેહનું સ્વરૂપ છે. વાત્સલ્યભાવની સેવા છે. વૈષ્ણવે કહ્યું : “મહારાજ, તો હું સેવા વિના કેમ રહી શકું ? પુષ્ટિ જીવનું એકમાત્ર કર્તવ્ય સેવા જ છે. “કૃષ્ણ સેવા સદા કાર્યા” આ શ્રીમહાપ્રભુજીએ ‘સિદ્ધાંત મુક્તાવલીમાં’ આજ્ઞા કરી છે. આપે કહ્યું, “હું તમને અષ્ટાક્ષર મંત્ર લખીને પધરાવી આપું છું તમે એને ભોગ ધરી સેવા કરજો” વિરક્ત હતા. સંસાર આસક્તિ રહિત હતા. થોડા સમયમાં જ સેવા ફલરૂપ થઈ ગઈ. એક ગામમાં ગયા, ત્યાં એક માજીનો એકનો એક દિકરો મરણ પામ્યો હતો. ત્યાં જઈ તેના કાનમાં અષ્ટાક્ષર મંત્ર બોલી તેણે સજીવ કર્યો. આ મહામંત્રનું માહાત્મય બતાવ્યું. અને ફલ પણ બતાવ્યું. વિરક્તે સર્વ લીલાનો અનુભવ આ નામ મંત્રની સેવા દ્વારા કર્યો. આમ ઉપરોક્ત શ્રીવલ્લભ, શ્રીવિઠ્ઠલ અને શ્રીહરિરાય મહાપ્રભુજી અષ્ટાક્ષર જપ કરવાની આજ્ઞા કરે છે. ખાલી પોપટની જેમ નહિ કરતાં વિરક્તની જેમ કરવાથી એ ફલરૂપ થાય છે.
 
અષ્ટસખા શ્રીકૃષ્ણદાસજીએ અષ્ટાક્ષર પદ કર્યું છે.
“કૃષ્ણ શ્રીકૃષ્ણ શરણં મમ ઉચ્ચરે
રેન દિન નિત્ય પ્રતિ સદા પલ છિન ઘડી
કરત વિધ્વંસ જન અખિલ અધ પરહરે – 1
હોત હરિ રૂપ વ્રજભૂપ ભાવે સદા,
અગમ ભવ સિંધુ કે વિના સાધન તરે,
રહત નિશ દિવસ આનંદ ઉરમેં ભર્યો.
પુષ્ટિ લીલા સકલ સાર ઉરમેં ધરે – 2
રમા, અજ, શેષ સનકાદિ શુક શારદા,
વ્યાસ નારદ રટે, પલક સુખ ના ટરે,
બાલ ગિરધરણ કી, મહિમા અતુલિત જગ મગે,
શરણ કૃષ્ણદાસ નિગમ નેતિ નેતિ કરે – 3”
 
શ્રીચાચાજી મથુરાજી સામગ્રી લેવા ગયા હતા સાથે એક સેવક હતો. જમુનાજીમાં પૂર આવ્યું હતું. આપે સેવકને કહ્યું, “ભાઈ ! હું જ્યાં પગ મૂકી ચાલું ત્યાં તું પગ મૂકી ચાલ” ચાચારી અષ્ટાક્ષર બોલતા જલ પર ચાલતા હતા. પેલા સેવકે જાણ્યું કે એતો મને આવડે છે. પોતે પગમાં પગ ન મૂકતા સ્વતંત્ર ચાલવા માંડ્યો. તેથી તે ડૂબલા લાગ્યો. આપે હાથ પકડી કહ્યું, “ભાઈ, મારો મંત્ર પ્રભુએ સૂણ્યો છે, તારો સુણ્યો નથી. તેથી મારી આજ્ઞા પ્રમાણે ચાલ.” પ્રભુ જ્યારે આપની સેવા અંગીકાર કરે ત્યારે ફલરૂપ થાય.
 
શ્રી વલ્લભ શરણ થકી સૌ પડે સહેલું. (શ્રીદયારામ)

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.