પુષ્ટિનું ધ્યેય અવાંતર ફલની પ્રાપ્તિ છે
spacer
spacer

કંચનભાઈ ગાંધી, વડોદરા

બ્રહ્મસંબંધ થયા પછી પુષ્ટિજીવને સેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. શ્રીમહાપ્રભુજી તથા શ્રીગોસાંઈજી અધિકારી દૈવી જીવ જોઈને જ બ્રહ્મસંબંધ આપતા, કેટલાકને ફક્ત અષ્ટાક્ષરની શરણમંત્રની દીક્ષા આપતા. 84/252 ભગવદીઓનો વાર્તાઓમાંથી આ બાબત સારી રીતે સમજાવી છે. હાલમાં પરિસ્થિતિ તદ્દન વિપરીત જોવા મળે છે. ઘણા બધાને બ્રહ્મસંબંધ આપી દેવાય છે. એમાંથી ખરેખર જેને બ્રહ્મસંબંધ થયું જ હશે એ જીવો જ શુદ્ધ આચાર્યશ્રીની પ્રણાલીકાથી ભોગ ધરીને સેવ્યની સેવા કરતા હશે. આવા જીવોનું લક્ષણ એ કે તેઓને પ્રભુ પ્રાપ્તિ અને સત્સંગમાં રુચી હશે. સંસાર પ્રત્યે સહજ અરુચી – વૈરાગ્ય વૃત્તિ રહી આવશે. હૃદયમાં કાંઈક આધિદૈવિક પ્રાપ્ત કરવાની તિવ્ર વેદના (વિરહ) હશે. આવાને બ્રહ્મસંબંધ થયું જાણવું. એ સિવાય બ્રહ્મસંબંધ લઈ કશું કરવું જ નથી. બહુ તો મંદિરોમાં મંગલા કરવા દોડવું, “મંગલ મુખિ સદા સુખી.” આવી સકામ ભાવનાથી મંદિરો અને તિર્થોમાં જવાનું પ્રયોજન હોય. શ્રીમહાપ્રભુજી દ્વારભૂત ગુરૂદેવ દ્વારા પુષ્ટિજીવને બ્રહ્મસંબંધ કરાવે છે. જે જીવો મૂળધામથી ભૂતલ વિછર્યા છે તેઓને જ બ્રહ્મસંબંધ થાય છે. આવા જીવોને સેવા-સ્મરણ-ગુણગાન-ધ્યાન પુષ્ટિ સાધનોમાં સહજ રુચી હોય છે.
 
અત્યારે સેવા કરતા સમર્પિત વૈષ્ણવોને પૂછીએ કે ભાઈ, આપણે પુષ્ટિમાં આવ્યા, સેવ્યની સેવા – સ્મરણ કરીએ છીએ. તો પ્રાપ્ત શું કરવાનું છે ? તેઓ તો એક જ ઉત્તર આપશે. “પ્રભુને પ્રાપ્ત કરવા કરીએ છીએ” અરે ભાઈ, શ્રીમહાપ્રભુજીએ શરણે લઈ, ગુરૂદેવે જે સેવ્ય સ્વરૂપ તારા માથે પધરાવી આપ્યું છે તે શું સાક્ષાત પ્રભુ નથી ? ગોલોક ધામનું મૂળ સ્વરૂપ જ તારા ઉદ્ધાર કરવા પધરાવી આપ્યું છે. તારે એને ઓળખવાના છે. એને લાયક બનવાનું છે. અલૌકિક પાત્રતા તારે સિદ્ધ કરવાની છે. સકલધામ સહિત પ્રભુ સેવ્ય તારા જ ઘરમાં બિરાજે છે. 84/252 ભગવદીયોને ઘરના સેવ્ય સ્વરૂપે જ સ્વરૂપાનંદનો અનુભવ કરાવ્યો હતો. એવો તારે અનુભવ કરવાનો છે. તારા હૃદયમાં બ્રહ્મસંબંધ વખતે જે શ્રીમહાપ્રભુજીએ આ ધર્મિ વિપ્રયોગાત્મક સ્વરૂપ ભાવાત્મક પ્રકારે પધરાવી આપ્યું છે. જીવ અજ્ઞાનતાને લીધે એને ઓળખી શકતો નથી. આ સ્વરૂપથી કૃપા થશે, કૃપા માટે બહાર ભટકવાની જરૂરત નથી. બહાર વૃત્તિ રાખવી એ સૂક્ષ્મ અન્યાશ્રય છે. અનન્યભાવે દ્રઢ આશ્રય સેવ્યમાં રાખી. તત્સુખ સેવા તન-મન- ધનથી કરવાની છે. શ્રીશ્રુતિરૂપા અને ઋષિરૂપા ગોપીજનોએ પ્રથમ સ્વરૂપનું એક કલ્પ પર્યંત તપ અને ધ્યાન ધર્યું તું જેથી નંદાલયમાં પ્રભુ પ્રગટ થઈ તેઓના સકલ મનોરથ સિદ્ધ કર્યા. શ્રીમહાપ્રભુજી શ્રીગોપીજનોને ગુરૂસ્થાને ગણાવે છે. શ્રીગોપીજનોના ભાવની સેવા કરવાની આજ્ઞા કરે છે. પ્રપંચ રહિત અહંભાવ રહિત થઈ સેવા-ગુણગાન કરવાથી જ પુષ્ટિફલની પ્રાપ્તિ છે. “સેવકજન દાસ તિહારો રે, તેને રૂપવિયોગ નિવારો રે.” શ્રીગોપાલદાસજી શ્રીગુસાંઇજીને વિનંતી કરે છે કે “મહારાજ, મને મારા લીલા મધ્યપાંતિ સ્વરૂપ અને આપશ્રીના શ્રીસ્વામિની ભાવાત્મક (શ્રીચંદ્રાવલીસ્વરૂપ)નો વિયોગ છે. ચર્વીત તાંબુલનું દાન કરી, અલૌકિક દ્રષ્ટિ આપી એ બંને સ્વરૂપોનાં દર્શન કર્યા અને સારસ્વતકલ્પની તથા નિત્યલીલાના સ્વરૂપના દર્શન કરી વલ્લભાખ્યાન ગાયા.”
 
સેવા – ગુણગાન ફલરૂપ થતાં જ પુષ્ટિ જીવને તેનો આધિદૈવિક – લીલા મધ્યપાંતિ દેહ પ્રાપ્ત થાય છે. તે જ અવાંતર ફલ. એ દેહથી તૂર્ત જ ગોલોકધામમાં પ્રાપ્તિ થતાં ત્યાં નિત્યલીલામાં સેવા મળે તે મુખ્ય ફલ છે. જીવને જે પ્રાપ્ત કરવાનું છે તે, એને જ આધિદૈવિક દેહ છે. આનું જ્ઞાન નહિં હોવાથી જીવ બધે ભટકે છે. કથા-વાર્તા સપ્તાહ, બેઠકયાત્રા, વ્રજપરિક્રમા વિગેરેમાં દોડે છે શું પ્રાપ્ત કર્યું ? તો કહે છે, “ખૂબ આનંદ આવ્યો.” ક્ષણિક મનને મનોરંજન થયું એવું. પ્રભુનાં દર્શનનો આનંદ તો નિત્ય છે. તે કદી ઓછો થતો જ નથી અને એ આનંદની પ્રાપ્તિ તો સેવ્ય સ્વરૂપથી જ છે.
 
તાપભાવ વિના ફલ પ્રાપ્તિ નથી. તાપભાવ-વિરહભાવનું દાન તો શ્રીવલ્લભની કૃપા પર અવલંબે છે. શ્રીવલ્લભની કૃપા વિના શક્ય નથી. તો પછી તાપાત્મક, સુધાસ્વરૂપ, વિરહાગ્નિસ્વરૂપ શ્રીવલ્લભનું જ સદા સતત શરણ ગ્રહણ કરે. “શ્રીવલ્લભ શરણ થકી સૌ પડે સહેલું” કેવળ બધેથી સાંભળી શ્રવણ કરીને જે સમજાયું તેને જીવનમાં નહિં ઊતારીએ તો ઠગાઈ જઈશું. કેવળ જ્ઞાન પુષ્ટિમાં કામનું નથી. જ્ઞાન સાથે સુદ્રઢ સ્નેહ પ્રેમ – સ્વરૂપજ્ઞાન જરૂરી છે. પુષ્ટિ વિરહી ભક્તના લક્ષણ શ્રી હરિરાયજી પ્રભુ શિ-18-4માં બતાવે છે.
 
“વિરહેણ હરિસ્ફુર્ત્યા સર્વત્ર કલેશભાવનાત્ ।
લીલાતિરિક્ત સૃષ્ટોહિ નિરાનંદત્વ નિશ્ચયાત્ ।।

લીલાધામના મહાન સ્વરૂપ અને દિવ્ય વૈભવનું જ્ઞાન જે જીવને થયેલ છે. તેને ભૂતલની લૌકિક અને ભૌતિક અધ્યાસવાળી ભગવદ્, સંબંધી અલૌકિક સૃષ્ટિમાં પણ નિરાનંદતા દેખાય છે. વિરહમાં લીલાધામસ્થ સ્વરૂપ સિવાય સર્વનો ત્યાગ જ હોય છે. શ્રીમત્ પ્રભુચરણ સુ-10-1916 ના ટીપ્પણીજીમાં આજ્ઞા કરે છે કે, લીલાસૃષ્ટિ તો અલૌકિક અજન્ય એટલે નિત્ય છે. પૃથ્વી પર તેનું સ્થાન નથી. કારણ કે તે તો બ્રહ્મવત્ છે. આવા વૈરાગથી જ મન બધેથી નિવૃત્ત થઈ લીલાધામમાં પ્રવેશને યોગ્ય બને છે. માટે જ શ્રીવલ્લભે ‘નિ.લિ.’માં આપણને ગુણગાન અને ધ્યાનની આજ્ઞા કરી છે. શ્રીવલ્લભની નિગૂઢ વાણીનું રહસ્ય સમજી જીવનમાં ઊતારીએ. એકાંત અને અનન્ય ભાવે ઘરના ખૂણે. છુપી રીતે સેવ્યને સુખરૂપ બની હાથ પવિત્ર કરીએ. એ સિવાય બીજે ક્યાંયથી પ્રાપ્ત નથી થવાનું એ નિશ્ચય માનજો. જે કાંઈ પ્રાપ્ત કરવાનું છે તે ગૃહના સેવ્યથી જ છે.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.