સારસ્વત કલ્પમાં પ્રભુના રાસનું સ્વરૂપ
spacer
spacer

- કંચનભાઈ ગાંધી, વડોદરા

પુષ્ટિમાર્ગીય માસિકોમાં લેખ લખી મોકલનારે એક ખાસ બાબતનું ધ્યાન અવશ્ય રાખવું. લખાણની બાબત પ્રમાણ આધારિત હોવી જોઇએ. શ્રીમહાપ્રભુજીના માર્ગના સિદ્ધાંતોને અનુરૂપ હોય તેવાં જ લેખ, જેમાં વૈષ્ણવોના ભાવની વૃદ્ધિ થાય, માર્ગ નિષ્ઠા, સ્વરૂપ નિષ્ઠા, થાય. કંઇક સાચું પોષણ મળે. તંત્રીએ પણ આ ધ્યાનમાં રાખવાની જરૂર છે. અન્યથા જ્ઞાન કે વિપરીત લખાણથી હાલના સમયના મુગ્ધ વૈષ્ણવો ગેરમાર્ગે દોરવાય. અન્યથા જ્ઞાન બાધક બને. પુષ્ટિમાર્ગના અધિકારીજનો ખૂબ જ ઓછા રહ્યા છે. માટે મોટા વૈષ્ણવ સમૂહને ધ્યાનમાં રાખી માર્ગીય સાહિત્ય લખાય તે જરૂરી છે. કેટલીક વખત વિપરીત લખાણથી વૈષ્ણવો ગેરસમજ કરે તો તેના અપરાધી લખનાર પોતે ગણાય છે, લેખ લખનારને વિશ્વાસ હોવો જોઇએ કે મારું લખાણ શુદ્ધ માર્ગીય અને સંપૂર્ણ છે. શંકા હોય તો બીજા જાણકારને બતાવી, વંચાવી પછી મોકલવા.
 
જૂન માસના ‘સત્સંગ’માં “રાસનો રસાસ્વાદ” લેખ (કાનનબેન દેસાઈ) એવો ગેરસમજ કરનાર અન્યથા જ્ઞાન આપનાર છે. તેની અહીં ચર્ચા એટલા માટે કરૂં છું કે “રાસ” ના સ્વરૂપની સાચી જાણકારી વૈષ્ણવોને થાય અને એ લખાણથી થયેલ ગેરસમજૂતી દૂર થાય. લેખમાં જે લખાણ છે તે જોઈએ. પાના નં 9 વ્રજાંગનાઓ સાથે વર્ષુળાકારે મધ્યરાત્રીએ ઘૂમીને થયેલ રાસના બે પ્રકારો છે. (1)સહસ્ત્ર ગોપી અને એક કાન (2) બે ગોપી વચ્ચે એક કાન. નરસિંહ મહેતાએ શિવજીની કૃપાથી આવા રાસના દર્શન કર્યા હતા. ચૈત્ર પૂનમનો રાસ શ્રીબળદેવજીએ નાગકન્યાઓ સાથે કર્યો હતો. શરદ પૂનમનો રાસ માટે પ્રભુએ વેણુનાદ કર્યો તે પુષ્ટિજીવોએ સાંભળ્યો. શ્રીયમુનાજીમાં ક્રીડા કરી પછી એક ગોપીને અભિમાન થયું. પ્રભુને ખંધા પર લેવા વિનંતી કરી. અંતરધ્યાન થનાર સ્વરૂપ શ્રીવિઠ્ઠલનાથજી, રાસનો આનંદ સારસ્વત કલ્પમાં હતો તે જ આજે કલિયુગમાં છે” આ બધી જ વાતો અન્યથા જ્ઞાન કરાવનાર છે. મૂળ રાસના સ્વરૂપથી વિરૂદ્ધ છે.
 
હવે સત્ય રાસના પ્રકારને જોઈએ. સારસ્વત કલ્પની લીલા ફક્ત શ્રુતિ રૂપા અને ઋષિ રૂપા ગોપીજનોની લીલા છે. શ્રુતિ રૂપાઓએ નિત્યધામમાં જઈ પુ્ષ્ટિ પ્રભુથી વરદાન પ્રાપ્ત કર્યું. તેઓ સાક્ષાત પ્રકારના અંગીકારમાં ગણાય. ઋષિ રૂપાઓએ શ્રીરામચંદ્રજી દ્વારા વરદાન પ્રાપ્ત કર્યું. તેઓ પરંપરાગત અંગીકારના પ્રકારમાં ગણાય. નંદાલયમાં પ્રગટ થયેલ સ્વરૂપે સૌપ્રથમ ધર્મ સ્વરૂપથી શ્રીગોપીજનો સાથે લીલા કરી. જેમ કે માખણચોરી, ગોચારણ, દાન-માન, હોળીખેલ, પનઘટ વગેરે. આ દ્વારા પ્રભુએ તેઓને સ્વરૂપ નિષ્ઠ કર્યા. પછી સ્વરૂપાસક્ત કર્યા. પછી તેઓના દેહને આધિદૈવિક કર્યા. જેથી આગળ રાસ માટે સિદ્ધ થાય. પ્રભુએ તેઓને પ્રેમ, આસક્તિ, વ્યસન પછી ફલ પ્રાપ્તિ રાસમાં કરાવી. આમ ક્રમે ક્રમે પ્રભુએ વિવિધ લીલાઓ દ્વારા દાન કર્યું. ચીરહરણ લીલામા ઋષિ રૂપાઓના અને આશ્રય લીલામાં શ્રુતિ રૂપાઓના દેહ આધિદૈવિક કર્યા. સારસ્વત કલ્પના રાસના બે પ્રકારો. (1) લઘુરાસ (2) મહારાસ. લઘુરાસ એ ધર્મ સ્વરૂપનો રાસ છે. પરક્રિયા ભાવનો રાસ છે. રાસનું સ્વરૂપ ધર્મ સ્વરૂપ છે. શ્રીકલ્યાણરાયજીનું સ્વરૂપ ગણાય છે. બે ગોપી વચ્ચે એક કાન. અનેક મંડળો રચી રાસ કર્યો. પ્રથમ મંડળ 8 કૃષ્ણ – 16 ગોપી. આમ બંને ડબલ થતાં જાય. 16 કૃષ્ણ – 32 ગોપી. આ રાસમાં પ્રભુએ અલૌકિક મન, ચંદ્રમા અને શરદ ઋતુ પ્રગટ કરી રાસ કર્યો. પાંચ પ્રકારનો રાસ છેજે રાસ પંચાધ્યાયીમાં બતાવેલ છે. (સહસ્ત્ર ગોપી વચ્ચે એક કાન આવો કોઈ રાસ પુષ્ટિમાં નથી) છ માસની એક રાત્રી કરી છે. તેથી આસો સુદ પૂનમથી ચૈદ્ર સુદ પૂનમની એક રાતનો રાસ. તેથી આપણે બંને માસમાં મંદિરોમાં રાસના શૃંગાર અને સજાવટના દર્શન કરીએ છીએ ને રાસના પદો ગવાય છે. લઘુરાસમાં માન-મદના મીસે પ્રભુ અંતરધ્યાન થાય છે. સાથે આપ શ્રીરાધા સહચરીને લઈને પધારે છે. આગળ જતાં પ્રભુ રાધા સહચરીને પૂર્ણ રસદાન કરવાનો મનોરથ વિચારે છે. તે જ વખતે એ કહે છે : “પ્રભુ ! હું થાકી ગઈ છું, આપ ખંધા પર બેસાડી લો.” અહીં દાસ્યભાવ ચૂકી ગયા તેથી પ્રભુ તેમને મૂકી અંતરધ્યાન થયા.
 
લઘુરાસમાં પ્રભુએ જોયું કે, આ ગોપીજનો મારા પૂર્ણાનંદને ધારણ કરવાને હજુ પાત્ર નથી થયાં. જેથી વિરહ દાન કરાવી તેઓને પક્વ કરવા અંતરધ્યાન થયા.
 તે વખતે ગોપીઓએ ખૂબ વિરહ કર્યો. ગોપીગીતનું વિરહાત્મક ગાન કર્યું. ત્યારે તેઓની મધ્યમાં મનમથ પ્રભુ પિતાંબર ધારણ કરતા, વેણુ ગ્રહણ કરી, હસતાં મુખારવિંદ પ્રગટ થયાં. પછી મહારાસ થયો ધર્મિ સ્વરૂપ દ્વારા જેમાં એક ગોપી – એક કૃષ્ણ છે.
 
નરસિંહ મહેતાને આ સારસ્વત કલ્પનાં રાસનાં દર્શન નથી થયા. તેમણે બીજા કલ્પની કૃષ્ણની લીલાનાં રાસનાં દર્શન કર્યા છે. પુષ્ટિપ્રભુના રાસનાં દર્શનનો અધિકાર તો શિવ-બ્રહ્માદિને પણ નથી.
 
રાસ એટલે અનેક રસોનો જેમાં સમાવેશ થાય છે. તે રાસ શૃંગાર કલ્પદ્રુમ સ્વરૂપે નાટ્ય શાસ્ત્ર અને કામશાસ્ત્રથી બધી જ ક્રિયાઓ સાથે અલૌલિક રાસ કર્યો છે. પ્રભુ આત્મકામ છે, પૂર્ણકામ છે. જેમ એક બાળક અરિસામા પ્રતિબિંબ સાથે ખેલે – રમે તેમ આ પ્રભુએ ગોપીજનોમાં શ્રીસ્વામિનીજી ભાવનું સ્વરૂપ પધરાવી રાસ કર્યો. આત્મારામી સ્વ આત્મા સાથેનું રમણ એ રાસ છે. લૌકિક જેવી ક્રિયા દેખાય છતાં તે અલૌકિક નિષ્કામ લીલા છે. જેના શ્રવણથી જીવ નિષ્કામ – નિર્ગુણ બની પ્રભુની કૃપાને પાત્ર થાય છે. આ છે સારસ્વત કલ્પના રાસની વાત. નિત્યલીલાના રાસની તો કલ્પના કરવાનો પણ અધિકાર જીવને નથી. તે ગોલોકધામમાં થાય છે. જેનું વર્ણન શ્રીગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં કરે છે. “જ્યાં નિત્ય રાસ બહુ પરે રે, મધ્ય નાયક નૃત્ય ઘેરે રે.” શ્રીગુસાંઇજી રાસ પંચાધ્યાયીના શ્રીસુબોધિનીજીમાં આજ્ઞા કરે છે કે, “વૈષ્ણવ હોવા છતાં જેને આ અલૌકિક રસ સંબંધી જ્ઞાન નથી તેઓએ આ ગ્રંથના દર્શન પણ કરવા નહિં. તો જ્યારે ખુદ શ્રીજી સ્વરૂપ શ્રીગુસાંઈજી સાક્ષાત આવી આજ્ઞા કરે તેમાં કેવું રહસ્ય હશે !”
 
શ્રીવલ્લભ શરણ થકી, સૌ પડે સહેલું. (શ્રીદયારામ)

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.