પ્રભુ પ્રાપ્તિ કેમ થતી નથી ?
spacer
spacer

પુષ્ટિમાર્ગમાં 30-40 વર્ષ સુધી સમર્પીને લે છતાં પણ સ્વરૂપનો કોઈપણ પ્રકારે અનુભવ નહીં ! તેનું શું કારણ ? જીવને સેવ્ય સ્વરૂપનું જ્ઞાન નથી. સૌ પહેલાં જીવને પ્રભુમાં સ્નેહ જ નથી થયો. જો પ્રભુમાં સ્નેહ થાય તો આ સંસારના કોઈ પદાર્થમાં સ્નેહ કરી શકાય જ નહિ. જેમ કોઈ વ્યક્તિ સાથે સ્નેહ થાય તો તેને મળવાની આતુરતા રહે, સદા સ્મરણ રહે, તેના વિના રહી ન શકાય. આવી આર્તી સેવ્યમાં થઈ છે ? હા, મંદિરમાં આરતી કરવા દોડા દોડી જરૂર કરીએ છીએ. માટે જ કહ્યું છે કે પ્રભુમાં સ્નેહ થવો અશક્ય નથી પરંતુ આ સંસારની માયા છોડવી અશક્ય છે-કઠીન છે. એ છુટે તો જ સેવ્યમાં સ્નેહ થાય. સ્વરૂપજ્ઞાન અને સ્નેહ વિનાની સેવા ક્રિયાત્મક છે, ફલરૂપ નથી. ભગવદ શ્રવણ કરી હૃદયમાં ભાવ ધારણ કરવા. વાણીનો નિગ્રહ ખુબ જરૂરી છે. વાણી શુદ્ધ હશે તો જ ભગવદ નામ ફલરૂપ થશે. દુઃખ દોષથી વાણી વ્યભિચારીણી બને છે એવી વાણી દ્વારા લેવાતું નામ છોવાઈ જાય છે.

રસાત્મક બ્રહ્મના સ્વરૂપને જાણ્યા વિના બ્રહ્મસંબંધ ફલરૂપ કેમ થાય ? સૌ પ્રથમ સેવ્યને જાણો પછી એકાંકી અનન્ય સ્નેહ બાંધો. તે માટેના પુષ્ટિ સાધનો સેવા-સ્મરણ-ગુણગાન –ધ્યાન શ્રીઆચાર્યચરણોએ બતાવ્યા છે. નિરોધ લક્ષણ ગ્રંથમાં આપશ્રી ગુણગાનની જ આજ્ઞા કરે છે. શ્રીગુસાંઈજી સર્વોત્તમજીમાં આજ્ઞા કરે છે. ‘સ્વયશોગાન સંતુષ્ટ હૃદયા ભોજ વિસ્ટરઃ યશ પિયુષ લહરી પ્લાવિતાન્યરસ પરઃ’ જ્યાં સુધી આ ચંચલ મન અનેક જન્મોની વાસનાથી ઘેરાયેલું છે ત્યાં સુધી નામ સ્મરણ ફલરૂપ નહિં થાય. મનને વશ કરવું ખુબ કઠીન છે તે પ્રલંબાસૂર જેવું છે. પ્રબળ વેગવાળું – શક્તિવાળું છે. તેને વશ કરવાનું અમોઘ શસ્ત્ર શ્રીસર્વોત્તમજી જ છે. મનની વાસનાઓને દગ્ધ કરવા માટે તાપાત્મક ગુણગાન જરૂરી છે. આપશ્રી વલ્લભ તાપાત્મક સુધા સ્વરૂપ છે. ‘જે કોઈ શ્રદ્ધા કરી નિત્ય ગાયેરે, તેનું મન પહેલું સ્થિર થાય રે અધરામૃતની સિદ્ધિ પામે રે, તેના સંશયનો નહિ નામે રે’ આમ ફલશ્રુતીમાં શ્રીગુસાંઈજી આજ્ઞા કરે છે.
 
જીવ પ્રમાદ કરી કશું કરી શકતો નથી. કાળ ઝડપથી વહી જાય છે અને જીવનું આયુષ્ય હરતો જાય છે. છતાં જીવ આ નાશવંત પદાર્થોના મોહમાંથી છુટતો નથી. આ જગત બ્રહ્મનું જ સ્વરૂપ છે જે કાંઈ થાય છે, થયું, થશે તે એની ઈચ્છાથી જ છે. આમ સમજી જીવે બ્રહ્મભાવ કેળવવો. રોજ મનમાં વિચાર કરવો કે આજે મેં શું પ્રાપ્ત કર્યું ? મન વાણીનો વિનિયોગ મેં ભગવદ સેવામાં કેટલો કર્યો ? અને સંસારમાં કેટલો કર્યો ? આમ વિચાર કરી, મંથન કરી આંતરમુખી બનો. હું મારા પ્રભુને લાયક ક્યારે બનીશ ? એની જ ચિંતા કરો. જો ભગવદ સ્મરણ નહિં કરીએ તો આ કાળ આપણને ઠગી જશે. દેહ ક્ષણ ભંગુર છે. એનો ભરોસો નથી. જ્યાં સુધી ‘આત્મ તત્વ ચિંતવ્યો નહિ ત્યાં સુધી સાધના સર્વ જુઠી’ આત્મામાં બિરાજતા પ્રભુના સ્વરૂપને જાણો પુષ્ટિ જીવને બ્રહ્મસંબંધ વખતે જ તેના હૃદયમા પ્રભુનું ભાવાત્મક સ્વરૂપ શ્રીવલ્લભે પધરાવી આપ્યું છે. પુષ્ટિમાં પ્રભુના અને પોતાના આધિદૈવિક સ્વરૂપને જાણવું જરૂરી છે. આ બધાનું મૂળ સત્સંગ છે.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.