પરોક્ષ ફલાત્મક માર્ગ
spacer
spacer

પુષ્ટિ માર્ગ પરોક્ષ ફલાત્મક માર્ગ છે. અને તે નિઃસાધન ફલાત્મક માર્ગ પણ કહેવાય છે. પુષ્ટિ માર્ગ ભાવાત્મક અને ફલરૂપ છે. જે માર્ગ જ ફલપ્રાપ્તી કરાવે પછી બીજાની શી જરૂર ? શ્રીમહાપ્રભુજી સ્વયં આજ્ઞા કરે છે કે, “દમલા, યહ માર્ગ તેરે લીયે હી પ્રગટ કીયો હે, દમલા મોંસે ન્યૂન નહિ, મમ રસ કે અનુકૂલ ઓર માર્ગ કો મૂલ હી દમલાજી હૈ.” દમલાજીના હૃદયમાં શ્રીમહાપ્રભુજીનું અતિ નિગૂઢ સ્વરૂપ સદા બિરાજે છે. પુષ્ટિ જીવે શ્રીવલ્લભની કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રીદમલાજીને પ્રસન્ન કરવા એ જ ઉત્તમ માર્ગ છે. જીવ કૃત સાધનોથી પુષ્ટિમાર્ગમાં કાંઈ પ્રાપ્ત નહિ થતું હોવાથી જીવ નિઃસાધન છે. એવા નિઃસાધન જીવો માટે આ પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે. પુષ્ટિ માર્ગ સેવા માર્ગ છે. જે ભાવાત્મક અને રસાત્મક છે. અહીં સ્વરૂપ જ્ઞાન, લીલાજ્ઞાન, લીલા પ્રકારો, સ્વરૂપના (ધર્મ-ધર્મિ) પ્રકારો જાણવા જરૂરી છે. તે સિવાય ફલ પ્રાપ્તિ નથી. તમારી સેવા પણ ક્રિયાત્મક બની રહેશે. પુષ્ટિમાર્ગમાં નિજ દૈવી જીવને પોતાના સ્વામીનું સ્વરૂપ અને પોતાના લીલા મધ્યપાંતિ આદિદૈવિક સ્વરૂપને જ પ્રાપ્ત કરવાનું છે. આ ધ્યેય છે. અને તેને અવાંતર ફળ પણ કહેવાય છે. શ્રીવલ્લભ પરોક્ષ રીતે જીવને સાધન રૂપ બની સાધ્ય પ્રાપ્ત કરાવે છે. કારણ માર્ગ પરોક્ષ ફલાત્મક છે. પરોક્ષમાંથી નિજ સેવ્યમાં સુધા સ્વરૂપ આપ બિરાજે છે. અને જીવની સેવા અંગીકાર કરે છે.

સત્સંગ દ્વારા સેવા પ્રકાર જાણવા મળે, અનુભવી ભાવ-સજાતિય વૈષ્ણવ દ્વારા સ્વરૂપ અને લીલા જાણવા મળે, ફલ પ્રાપ્તિ માટે સત્સંગ અતિ આવશ્યક છે. શિક્ષાપત્રમાં શ્રીહરિરાયજીએ વિશે ખૂબ આગ્રહ કરી દર્શાવે છે. (1) જ્યારે સત્સંગમાં રૂચી-સ્નેહ ઉત્પન્ન થાય ત્યારે જાણવું કે પ્રભુની કૃપા થઈ (2) જ્યારે સત્સંગ મળે ત્યારે જાણવું કે વૈષ્ણવની કૃપા થઈ. (3) જ્યારે સત્સંગ ફલરૂપ થાય ત્યારે જાણવું કે શ્રીવલ્લભની કૃપા થઈ. આપશ્રી વલ્લભ જીવના હૃદયમાં બિરાજી પરોક્ષ રીતે ભાવનું દાન કરે છે. જ્યારે જીવ પોતે એમ માને કે સેવા સ્મરણ પ્રભુ જ કરાવે છે, મારી કોઈ શક્તિ નથી. આ ભાવ આવે તેને નિઃસાધનતા કહેવાય છે. ગુણગાન દ્વારા મન ચિત્તનો નિરોધ સિદ્ધ થાય, સંસાર પ્રત્યે સંપૂર્ણ વૈરાગ્ય ઉત્પન્ન થાય ત્યારે જ ભાવનું વિરહનું દાન તાપાત્મક શ્રીવલ્લભ કરે છે. કેવળ શ્રવણ કરવાથી જ્ઞાનમાં વધારો અવશ્ય થશે, પણ જ્યાં સુધી શ્રવણનું મનન કરી તેને જીવનમાં આચરણમાં ન મુકાય ત્યાં સુધી ફલ પ્રાપ્તિ નથી. સત્સંગ આજના સમયમાં મળવો દુર્લભ છે. જેથી શ્રીહરિરાયજીની આજ્ઞા પ્રમાણે શ્રદ્ધાથી માર્ગના ગ્રંથોનું શ્રવણ-મનન કરવું, શ્રીવલ્લભજન વિરહી-રસિક ભક્ત મળવા દુર્લભ છે. કારણ કે એવા વિરહી કોઈનો સંગ કરતા જ નથી, કારણ સંગ જ તેમને બાધક છે. એમનો તો નિજ સ્વામીના સ્વરૂપ સંગ સિવાય અન્યની ગંધ પણ નથી. અદેય દાન એટલે વિપ્રયોગ રસનું દાન. આ દાન કરવામાં શ્રીવલ્લભ જ દક્ષ છે. શ્રીવલ્લભ પ્રભુના તાપાત્મક ગુણગાન દ્વારા જ ભાવની પ્રાપ્તિ છે. જીવને જ્યાં સુધી દુઃસંગ અને અન્ન દોષ લાગેલો છે ત્યાં સુધી ફળમાં વિલંબ રહ્યા જ કરશે. પુષ્ટિ જીવે અસમર્પિત અને દુઃસંગનો ત્યાગ બુદ્ધિપૂર્વક વિચારીને કરવો જોઇએ. જીવને બધું કરવું ગમે છે પરંતુ સ્વદોષ છોડવા જ ગમતા નથી, ભગવદ નામ લેવાનું દુ્ષ્ટ મનને ગમતું નથી. સ્વરૂપ નિષ્ઠ ભક્તો જ વિરહી ભક્તો છે.

- કંચનભાઈ ગાંધી, વડોદરા

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.