પુષ્ટિ માર્ગમા તાપાત્મક ગુણગાન ફલરૂપ છે
spacer
spacer

આધુનિક સમયમાં પુષ્ટિ જીવોનો ઉદ્ધાર પ્રભુના નામ દ્વારા થાય છે. નામ ધર્મરૂપ છે. તેમાં નામી ધર્મિ પ્રભુ બિરાજે છે. જેમ બીજમાં વૃક્ષ તેમ. કલિકાલમાં સેવા માટે કોઈ સાધન શુદ્ધ નથી. દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ છએ શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત નથી એમ શ્રીમહાપ્રભુજી આજ્ઞા કરે છે.નામ સ્મરણ કરનારના હૃદયમાં સ્મરણ અને સ્વરૂપધ્યાનથી પ્રભુના ગુણો પધારે છે. તે અવળા ક્રમથી, જેમ કે પહેલાં વૈરાગ્ય ગુણ આવે, પછી જ્ઞાનગુણ. ગુણો એ પ્રભુની ભાર્યાઓ છે. તેથી ગુણોના પ્રવેશ દ્વારા પ્રભુ સ્વયં બિરાજે છે. નામ સ્મરણ પણ શુદ્ધ મન-ચિત્તના નિરોધ સહ લેવાય તો તે ફલરૂપ છે. પ્રપંચ જગતના આવેશથી મુક્ત થઈ અલૌકિક નામ સ્મરણ કરવું. લોકાતિત થયા વિના અલૌકિક ફલ દુર્લભ છે. નામની ભીતર અલૌકિક અગ્નિ રહ્યો છે. જેથી તે જીવના જન્મ જન્મોના પાપના ઉકરડાને બાળી નાખી હૃદય શુદ્ધ કરે છે. તેથી જ નિરોધ લક્ષણ ગ્રંથમાં આપશ્રી વલ્લભે ગુણગાનની આજ્ઞા કરી છે.

શ્રીમહાપ્રભુજી આપ તાપાત્મક સુધાસ્વરૂપ વિપ્રયોગ ભાવાત્મક છે. એજ જીવને વિરહ ભાવનું દાન કરે છે, ત્યારે જીવ ફલરૂપ ગુણગાન પણ કરી શકે છે. જીવ સ્વયં કાંઈ પણ કરવા અસમર્થ છે. “તસ્માત્ સર્વ પરિત્યજય નિરૂદ્ઘૈઃ સર્વદા ગુણા:સદાનંદ પરૈર્ગેયાઃ સચ્ચિચતાનંદતા તતઃ” ગુણગાન દ્વારા આપણો અલૌકિક દેહ સિદ્ધ થાય છે. માટે જીવે પ્રભુને સામગ્રી ધરાવી અધરામૃત લેવું અને ગુણગાન કરવા. અધરામૃતના સેવનથી હૃદય-બુદ્ધિ નિર્મળ થાય છે. જે ગુણગાનમાં ફલરૂપ છે. ગુણગાન દ્વારા વિપ્રયોગાત્મક ચાર સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તેનું નિરૂપણ શ્રીહરિરાયજીએ શ્રીયમુનાજીની ટીકામાં કરેલું છે (1) પરાવૃત ચક્ષુષદન્તરા વિર્ભૂત પ્રભુલીલા અવલોકન શક્તિ (2) ભાવાત્મક સ્વરૂપેણ તદાત્મક તદ્ રસાનુંભવ સિદ્ધિ (3) વિરહ સામયિક સર્વાત્મભાવ સિદ્ધિઃ (4) સ.ચિ. બહિ ભગવદ પ્રાગટ્યાપેક્ષા રહિત્યેનાઉન્તર તદ્ ભાવના રૂપા વૈદ્ય શ્રીમહાપ્રભુજી નીજ જનોને વિપ્રયોગ ભાવને દાન કરી તેના નિત્ય સિદ્ધ લીલા મધ્યપાતિ દેહને સિદ્ધ કરવામાં ગુણગાનમાં સ્થિત કરે છે. શ્રીમદાચાર્યના ધર્મિ વિપ્રયોગાત્મક સ્વરૂપમાં જે સ્વક્રીયોનું વરણ થયું છે. તેના વરણના સ્વભાવનુસાર તેના હૃદયમાં ગુણગાન દ્વારા વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપનો પ્રાદુર્ભાવ થાય છે. જેમ ગોપીજનોએ પ્રભુ વિયોગમાં ‘ગોપીગીત’ ગાયું જેથી તાપાત્મક ગુણગાન દ્વારા તેમના અસ્તિત્વનું (અહંમ)નું વિસ્મરણ થયું, ત્યારે તેમનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કર્યું. શ્રીગોપીજનોએ ઉપરોક્ત ભગવાન સમાન ઐશ્વર્યવાળા સ્વરૂપને ગુણગાન દ્વારા પ્રાપ્ત કર્યું. તેમ સ્વકીયોને તેવાજ પુષ્ટિ પુરૂષાર્થને સિદ્ધ કરવા નિ.લિ. માં ગુણગાન અને સ્વરૂપ ધ્યાનની આજ્ઞા કરી છે. ગુણગાન માનસી સેવામાં પ્રવેશ કરાવે છે.
 
એક સાત્વિક ગોપી કહે છે. “તવ કથામૃતમ.... હે પ્રભુ અમારું જીવન જે ટકી રહ્યું છે તે અમારી કૃતિથી નહિ, પરંતુ આપનું કથામૃત અમારા જીવનને ટકાવી રાખે છે. જેવું આપનું સામર્થ્ય ઐશ્વર્ય, વિર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, એમ ષડગુણયુક્ત છે. તેમ આપની કથા પણ ષડગુણયુક્ત છે. આપના નામકથામાં એટલું બધું અલૌકિક સામર્થ્ય છે કે સ્વતંત્ર વ્યાપ્ત થઈ રહે છે. આ પ્રકારે શ્રીસુબોધિનીજીમાં ભગવદ કથા પણ ષડગુણયુક્ત હોઈ ભગવદરૂપ છે, તેથી જ ભક્તજનોના પ્રાણ ટકાવી રાખે છે એવું નિરૂપણ કર્યું છે. આટલું ગુણગાનનું મહત્વ આપ શ્રીવલ્લભ દર્શાવી રહ્યા છે. છતાં જીવથી એ પણ બનતું નથી. નામ – ગુણગાન કરવા માટે પણ પ્રભુ કૃપા અને અધિકાર જરૂરી છે. દુઃસંગ અને દુષ્ટ અન્નના ત્યાગ વિના નામ સ્મરણ દુર્લભ છે.
 
- કંચનભાઈ ગાંધી, વડોદરા

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.