શ્રીવલ્લભની આજ્ઞાનું ઉલ્લંઘન !
spacer
spacer

- કંચનભાઈ ગાંધી, વડોદરા

પુષ્ટિમાર્ગમાં શ્રીમહાપ્રભુજીએ ચતુશ્લોકીમાં આજ્ઞા કરી છે કે ‘સર્વદા સર્વ ભાવેન ભજનિયો વ્રજાધીપ’ પુષ્ટિમાર્ગમાં જીવે સદા વ્રજાધીપ, શ્રીજી, શ્રીકૃષ્ણની જ સેવા કરવાની છે. આપે પોતાની નીજ સેવકોને કદી પોતાના સ્વરૂપને સેવવાની આજ્ઞા નથી આપી. એમાં કાંઈ રહસ્ય તો હોવું જોઇએ ને કારણ કે પુષ્ટિમાર્ગની સઘળી સેવાનો અંગીકાર શ્રીપૂર્ણ પુરૂષોત્તમ જ કરે છે. આપે ચરણારવિંદ છાપીને પાદુકાજી પધરાવીને, હસ્તાક્ષર, ગદ્યમંત્ર વિની સેવા આપી છે. અરે ખુદના અંતરંગ શેઠ પુરૂષોત્તમદાસે શ્રીમદનમોહનજીની અને રજોબાઈ ક્ષત્રાણીએ શ્રીબાલકૃષ્ણની સેવા, શ્રીવલ્લભના ભાવથી કરી છે. વલ્લભ સ્વરૂપની નહિ. સ્વકીયજનોએ સેવ્યમાં શ્રીવલ્લભની ભાવના જ કરવાની છે. એજ ફલરૂપ છે. શ્રીજી અને શ્રીવલ્લભ અલગ નથી. જે અલગ માને છે તે આસુર ભાવવાળા છે. શ્રીવલ્લભ પરથી પર સ્વરૂપ છે. તેમને આ દેહની પ્રાકૃત જીવથી સેવા કરવાનો અધિકાર જ નથી. આ પુષ્ટિમાર્ગ પરોક્ષ ફલાત્મક છે. આપ પરોક્ષ બિરાજી જીવની સેવાનો અંગીકાર કરે છે. આપશ્રી શ્રીજીના મુખારવિંદ રૂપે બિરાજે છે. શિક્ષાપત્રમાં શ્રીજી, શ્રીયમુનાજી, શ્રીવલ્લભ, શ્રીવિઠ્ઠલ આ ચાર સ્વરૂપોને જ મુખ્ય માન્યા છે. તેમા વસ્તુતઃ કોઈ ભેદ નથી. તત્વતઃ એક જ છે. તેમાં શ્રીજી પૂર્ણ પૂરૂષોત્તમે બિરાજે છે તેથી શ્રીવલ્લભે તેમની સેવા કરવાની આજ્ઞા કરી છે. શ્રીવલ્લભ ગુઢ સ્વામિનીજી છે, શ્રીવિઠ્ઠલ ચંદ્રાવલીજી સ્વરૂપે છે. શ્રીયમુનાજી નિત્ય સિદ્ધા સ્વામીનીજી છે. આમ શ્રીસ્વામિનીજીની સેવા સ્વતંત્ર રીતે કરવાની માર્ગમાં પ્રણાલીકા જ નથી. શ્રીજી સ્વતઃ શ્રીસ્વામીનીજી સહિત બિરાજે છે. જેથી શૃંગારમાં નકવેસર, કર્ણફુલ, ચોટી વગેરે શ્રીસ્વામિનીજીના શૃંગાર ધારણ કરે છે. શ્રીમહાપ્રભુજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર પુષ્ટિ ફલથી વંચીત રહે છે.
 
પુષ્ટિમાં સેવા પ્રકાર પણ, ‘સેવા રીત પ્રિત વ્રજજનકી, જનહીત જગ પ્રગટાઇ’ સેવા રીત પ્રિત નક્કી કરીને જીવને આપ્યા છે. જીવે કદી મનસ્વી સેવા પ્રકાર કરવાનો જ નથી. ગુરૂદેવની આજ્ઞા લઈ સેવા પ્રકાર પહોંચવાનો છે. સ્વયમ્ કરણેન દોષઃ સેવામાં જીવે કદી વેદ મર્યાદાનું ઉલ્લંઘન કરવાનું નથી. આપે વેદમર્યાદા પાળી બતાવી છે ‘આ વેદ વિહિત કૃત સર્વે કીધાં, દીધા બહુપરે ગૌદાન, આ માનુષ સ્વજન સંતોષિયા (વલ્લભાખ્યાન) જ્યાં સુધી જીવનાં દેહાધ્યાસ છૂટ્યા નથી, લોકાતિત થયો નથી ત્યાંસુધી સેવાની મેંડ, મર્યાદા કેમ તોડાય, અપરાધ પડે. કેટલાક ખાસ સંજોગો અને પરિસ્થિતિમાં જ વેદ મર્યાદા ઓળંગી છે. દા. ત. મેહા ઢીમરની સ્ત્રીએ અનેવીહબાઈએ કપુર રાયજીની સેવા સુવાવડમાં કરી છે. પછી અપરસ કાઢી સેવા પહોંચી છે.
 
હાલમાં ઘણી જગ્યાએ મનસ્વી શ્રીવલ્લભની સેવા થાય છે. મેંડ મર્યાદા પાળ્યા વિના અમારા વડોદરામાં એવો એક વલ્લભપંથી પંથ-ટોળી છે, જે સુતકમાંપણ સેવા કરી શકે છે. ધન્ય છે એમની હિંમતને ! સંસાર આસક્તિ છુટી નથી. પ્રપંચ જગતમાં રચ્યા રહે છે. આ કેવો પ્રકાર અરે મને મૂર્ખને એ જોવાનો કોઈ અધિકાર નથી, એવી ચેષ્ટા કરી હું દોષ કરી રહ્યો છું. છતાં એવા પંથ-ટોળીમાં કોઈ નવા મુગ્ધ જીવો ફસાય નહિ. અને અપરાધના ભાગીદાર થાય નહીં. તે જ એક આશયથી આ બાબતનો અંગૂલીનિર્દેશ કરૂં છું. બાકી જેની જેવી મતિ-ગતિ, અધિકાર તે પ્રમાણે કરે. બીજાએ તે જોવાનું નથી. હું એવા જીવોની હૃદયપૂર્વક માફી માગું છું. આમ મૂલભૂત રૂપે શ્રીમહાપ્રભુજીની આજ્ઞાનું જીવ પાલન કરતો નહીં હોવાથી જ ફલ પ્રાપ્તિ, સ્વરૂપાનંદનો અનુભવ પ્રાપ્ત કરી શકાતો નથી. એમાંપણ શ્રીવલ્લભની શી ઈચ્છા છે તે મારા જેવો તુચ્છ જીવ શું સમજે ?

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.