શ્રીકૃષ્ણ સ્વરૂપ નિર્ણય
spacer
spacer

- શ્રી કંચનભાઈ ગાંધી, વડોદરા

આજે સંપ્રદાયમાં ત્રણ શ્રીકૃષ્ણના સ્વરૂપનો ઉલ્લેખ જોવા મળે છે. (1) શ્રીગોકુલમાં પ્રગટ થયેલ શ્રીકૃષ્ણ (2) મથુરામાં કારાગારમાં પ્રગટ થયેલ શ્રીકૃષ્ણ (3) શ્રીદ્વારિકાલીલાના કૃષ્ણ, આ ત્રણે શ્રીકૃષ્ણે અલગ અલગ સ્વરૂપે પ્રગટ થઈ લીલા કરી છે. (1) વ્રજમાં શ્રીપૂર્ણપુરૂષોત્તમ કૃષ્ણે 11 વર્ષ બાવન દિવસ લીલા કરી. (2) મથુરામાં મર્યાદા પુરૂષોત્તમે 14 વર્ષ લીલા કરી છે અને દ્વારકામાં 100 વર્ષ કૃષ્ણે લીલા કરી છે. કુલ 125 વર્ષ શ્રીકૃષ્ણની લીલાઓ ભૂતલ પર થઈ.
 
હવે આ સ્વરૂપના પ્રાગટ્યનો વિચાર કરીએ, સૌ પ્રથમ નંદાલયમાં જે શ્રીકૃષ્ણ પ્રગટ થયા તે યોગમાયાને સાથે લઈને ગયા. આ સ્વરૂપ વરદાનિક કહેવાય છે. કારણ કે વેદશ્રુતિઓને અને ઋષિરૂપાઓને પ્રગટ થઈ તેમની સાથે લીલા કરવાનું વરદાન આપ્યું હતું. જેથી વ્રજમાં બાળલીલા, પ્રોગંડલીલા, કિશોર લીલા કરી. તેઓના દેહને અલૌકિક કરી રાસલીલા કરી, પછી એ બંને યૂથનાં શ્રીગોપીજનોને લઈ આપશ્રી ગોલેકધામમાં બિરાજી ગયા. અહીં વ્રજના કૃષ્ણની લીલા પુરી થઈ ગઈ. મૂલધામમાંથી પ્રભુ શા માટે વ્રજમાં પ્રગટ થયા ? વેદશ્રુતિઓ પ્રભુનું ગુણગાન કરતાં કરતાં ઠેઠ ગોલોકધામ સુધી ગયાં. એમના મધુર ગુણગાનથી પ્રિય પ્રભુ પ્રસન્ન થયા, સકળ ધામના પરિકરનાં દર્શન કરાવ્યા, અને વરદાન માગવા આજ્ઞા કરી. શ્રુતિઓએ ગોલોકધામના સ્વામીનીઓને જે સુખ મળે છે તેવા સુખની માગણી કરી. પ્રભુએ કહ્યું, “તમારી આ માગણી ઉચીત નથી” અહિયાં શ્રુતિઓએ સ્વસુખ અર્થે માગણી કરી. જે પરક્રિયા ભાવ ગણાય, તત્સુખનો વિચાર કરી માગણી કરી હોત તો તૂર્ત ત્યાં જ નિવાસ થઈ જાત. શ્રુતીઓ ભૂલ કરી બેઠાં. પ્રભુએ કહ્યું, “તમારો મનોરથ સિદ્ધ કરવા હું વ્રજમાં સારસ્વતકલ્પમાં પ્રગટ થઈશ. અને તમે વ્રજમાં ગોપીઓ તરીકે પ્રગટ થશો.”
 
(2) હવે મથુરાના શ્રીકૃષ્ણ, વાસુદેવ દેવકીને ત્યાં જે કૃષ્ણ પ્રગટ થયા તે જોઇએ. મધ્યરાત્રીએ કારાગારમાં 12 વાગે ચત્રભુજ સ્વરૂપ ત્રણ કાર્યો કરવા પ્રગટ થયા હતા. (1) પૂર્વે દેવકીજીએ પુત્રરૂપે પ્રગટ થવાનું વરદાન આપેલું (2) ભક્તોની રક્ષા કરવા અને (3) ભૂ-ભાર હરણ કરવા. પ્રભુ તો અજન્મા છે. જન્મ ન હોય, મૂળધામમાંથી પોતે ભૂતલ પર અવતરે, અવતાર ધારણ કરે છે. પ્રથમ પ્રભુએ વાસુદેવજીનાં મનમાં પ્રવેશ કર્યો. પછી દેવકીએ ધ્યાન કરી એ સ્વરૂપને પોતાનાં ઉરમાં ધારણ કર્યું. આ સ્વરૂપ મથુરામાં પ્રગટ થયું તે પછી 40 મીનીટ બાદ નંદાલયમાં જશોદાજીને ત્યાં શ્રીકૃષ્ણ-યોગમાયા સહ પ્રગટ થયા છે. મથુરામાં ચાર વ્યૂહ સહિત પ્રગટ થયા. (1) પ્રધ્યુમન વ્યૂહનું કાર્ય વંશ વૃદ્ધિ (2) અનિરુદ્ધ અંશનું કાર્ય ધર્મની રક્ષા કરવા. (3) સંકર્ષણ અંશનું કાર્ય દુષ્ટોનો નાશ કરવા માટે (4) વાસુદેવ અંશનું કાર્ય મોક્ષ આપવા માટે. મથુરામાં પ્રગટ થયેલા સ્વરૂપે વાસુદેવજીને આજ્ઞા કરી, “મને વ્રજમાં નંદાલયમાં લઈ જાવ. જતાં રસ્તામાં શ્રીયમુનાજી પાર કરતાં શ્રીયમુનાજીએ મથુરાના સ્વરૂપને સ્પર્શ કરી પુષ્ટ કર્યું. કારણ કે એ મર્યાદા સ્વરૂપમાં વ્રજના પુષ્ટિ સ્વરૂપનું અધિષ્ઠાન થવાનું હતું. વાસુદેવ નંદાલયમાં આવ્યા. ત્યાં તેમને ફક્ત યોગમાયાનાં જ દર્શન થયા. નંદાલયમાં પ્રગટેલ પ્રભુના નહિ ! એમનો અધિકાર ન્હોતો. માયાનું આવરણ કરી એ સ્વરૂપ બિરાજ્યું હતું. પુષ્ટિ પ્રભુ ભક્તના ઘરમાં પણ માયાના આવરણ સહિત જ બિરાજે છે. જ્યારે જીવની સંસાર આસક્તિમાયા છૂટે ત્યારે સેવા ફલરૂપ થતાં માયાના આવરણને દૂર કરી મૂલ સ્વરૂપે ભક્તને સ્વરૂપાનંદનો અનુભવ કરાવે છે. વાસુદેવજી મથુરાના સ્વરૂપને મૂકી, યોગમાયાને લઈ મથુરા પાછા ગયા. અહીં બે કૃષ્ણના એક કૃષ્ણ થઈ ગયા. હવે બે સ્વરૂપ લીલાઓ થઈ. જે સ્વરૂપની લીલામાં ભક્ત અને ભગવાનને આનંદ થાય તે પુષ્ટિ શ્રીકૃષ્ણની લીલાઓ. બાલલીલાથી રાસલીલા સુધી. જે લીલાઓ કરતાં પ્રભુને અને સામી વ્યક્તિને, ભક્તને શ્રમ પડે તે લીલા મર્યાદા પુરૂષોત્તમની, જેમકે પૂતના મોક્ષ લીલા, અસૂરોને મારવાની લીલા. કંસ, શિશુપાલ વધ લીલાઓ કરી તે.

વાસુદેવ દેવકીજીને ત્યાં જે સ્વરૂપ પ્રગટ થયું તે ત્રણ જન્મ સુધી પુત્ર રૂપે પ્રગટ થવાનું વરદાન પૂર્ણ કર્યું છે. પહેલા જન્મમાં સુતપા અને પુશ્ની હતા. પ્રભુ પુશ્ની ગર્ભ રૂપે પ્રગટ્યા હતા. બીજા જન્મમાં ક્શ્યપ અને અદિતિને ત્યાં વામનરૂપે, ત્રીજા અવતારમાં વાસુદેવ દેવકીજીને ત્યાં શ્રીકૃષ્ણ રૂપે, હવે મથુરામાં જે ચત્રભુજ વ્યૂહ સ્વરૂપ પ્રગટ થયું તેમાં શ્વેતદ્વીપમાં જે બિરાજે છે પ્રભુ તેના એક શ્યામ કેશ બીજા શ્વેત કેશ એ સ્વરૂપમાં પ્રવિષ્ટ થયાં. આમ 6 સ્વરૂપ થયાં. તેમા શ્યામ કેશ તે નારાયણ, શ્વેત કેશ તે નર. જેનો દ્વારકાલીલામાં દ્વારિકાના કૃષ્ણ તરીકે ઉલ્લેખ છે. આમ કૃષ્ણનું મૂલ સ્વરૂપ સપ્તાત્મક થયું. ઉપર મુજબ જોતાં છ ધર્મો અને એક ધર્મિ મળી કુલ સાત થયાં. ગીતાના યોગેશ્વરની વાતો કરનાર પુષ્ટિના કૃષ્ણને ઓળખી શકે નહિ. વાસુદેવ ન ઓળખી શક્યા ત્યાં બીજુ કોણ જાણે ? અધિકાર વિના પુષ્ટિ પ્રભુ ઓળખાય નહિ. શ્વતદ્રીપનું શ્યામ કેશ સ્વરૂપ અને શ્વેત કેશ નર અર્જનનું સ્વરૂપ છે. આમ 11 વર્ષ વ્રજના કૃષ્ણ – 14 વર્ષ મથુરાના અને 100 વર્ષ દ્વારકાના મળી 125 વર્ષ શ્રીકૃષ્ણ ભૂતલ બિરાજ્યા છે.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.