શ્રીવલ્લભની વાણી અમૃત અને અગ્નિબીજથી પૂરિત છે.
spacer
spacer

- કંચનભાઈ ગાંધી, વડોદરા

આજે પુષ્ટિ સંપ્રદાયમાં મોટા ભાગના વૈષ્ણવો માર્ગના સિદ્ધાંત, સ્વરૂપ લીલાભાવના અને રહસ્યથી અજાણ છે. પુષ્ટિ પોષણ, સત્સંગ વિના દિશાશૂન્ય છે. પૂ.પા. ગો. શ્રી શ્યામમનોહરજીએ એક વચનામૃતમાં એવી આજ્ઞા કરી છે કે, “ષોડશ ગ્રંથ અને 84 વૈષ્ણવોની વાર્તાઓ, એકએક કરી, બે વર્ષ સુધી જે વૈષ્ણવ અધ્યયન કરશે, એમના પુષ્ટિ સંપ્રદાય સંબધિત લગભગ 80% પ્રશ્નોનું નિવારણ થઈ જશે.” જો ષોડશ ગ્રંથો શ્રીમહાપ્રભુજીની વાણીનો ઉપદેશ છે, તો વાર્તાઓ, વાકપતિના વાકસિંધુનો લીલાત્મક ઉપદેશ છે. એની સામે શ્રીસર્વોત્તમજી અને નામ રત્નાખ્યને સંમિશ્રિત કરવાથી સોનામાં સુગંધ થઈ જાય છે. ભક્તિરસ સિદ્ધાંતના પાત્રમાં ઝલકે છે. ષોડશ ગ્રંથ અને વાર્તાઓનું મિલન કરવાથી પ્રમાણ પ્રમેય બની જાય છે અને પ્રમેય પ્રમાણરૂપ. ગ્રંથ અને વાર્તાઓનો આવો શુદ્ધાદ્વૈત છે.
 
શ્રીઆચાર્યચરણે જે ષોડશ ગ્રંથ જે વૈષ્ણવ માટે પ્રગટ કર્યા છે. અથવા તો જ વૈષ્ણવની વાર્તા જે ગ્રંથ સાથે સંકળાયેલી છે, તે ભગવદીયના અતઃકરણમાં, એ ગ્રંથના સર્વભાવો અને લીલા રહસ્યો વિદ્યમાન છે. કારણ કે, એ વૈષ્ણવ આચાર્યચરણના એ ગ્રંથને ઝીલવા અને જીવવાનું સંપૂર્ણ માત્ર છે. તેમજ પ્રત્યેક ચોરાશી વૈષ્ણવના મૂલ સ્વરૂપમાંથી સાત્વિક, રાજસ અને તામસ એવા ત્રણ આવિર્ભાવ 252 પ્રગટ થયા છે. અર્થાત્ 252 વૈષ્ણવોના આવા આવિર્ભાવમાં તદ્ તદ્ 84 વૈષ્ણવોના ભાવ વિદ્યમાન છે. એટલે જ શ્રીગોકુલેશ પ્રભુ પ્રત્યેક 252 વૈષ્ણવ માટે આજ્ઞા કરે છે કે, “વે ઈનતે પ્રગટી, તાતે ઈનકે ભાવરૂપ હૈ.” બધાય ષોડશ ગ્રંથોમાં ભક્તિનું જ પ્રાચુર્ય છે. તેથી આચાર્યચરણ સિદ્ધાંતના રૂપમાં ષોડશ નથી સમજાવતા, પણ પુષ્ટિ ભક્તિમાર્ગ પર અભિસરણ કરતી વખતે જે-જે સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, તેનું સમાધાન શ્રીમહાપ્રભુજી ષોડશ ગ્રંથમાં કરે છે. 84/252 વૈષ્ણવની વાર્તાઓમાં પુષ્ટિ ભક્તોનો પ્રભુ માટે જે પ્રગાઢ સ્નેહ છે, તેને અભિવ્યક્ત કરે છે. શ્રીમહાપ્રભુજી સ્વયં પોતાના ભક્તોના અનંત ગૂઢભાવોનું વર્ણન ગૂઢ રીતે કરે છે. એમ ન હોત તો દરેક વાર્તાના અંતમાં શ્રીગોકુલેશજી એમ આજ્ઞા ન કરત કે, “ઇનકી વાર્તા કહાં તાઈ કરિયે.” તેથી શ્રીગોકુલનાથજી વિચારે છે. કે, “હું આ ભગવદીયની વાર્તા વિશેષ ક્યાં સુધી કહું ?” એમ કહી પ્રત્યેક વાર્તામાં ઈશારો કરી રહ્યા છે કે, આ ભવદીયોના ભાવ-તરંગનો સમ્યક અનુભવ કરવો હોય તો ષોડશ ગ્રંથોનો આશ્રય લેવો અનિવાર્ય છે.
 
શ્રીમહાપ્રભુજીની વાણી વેણુ નાદાત્મક છે, સુધા સભર છે. સારસ્વત કલ્પમાં રાસનો અધિકાર એમને જ મળ્યો છે જેમણે વેણુનાદની સુધાનું પાન કર્યું. અદ્યતન કાલમાં આચાર્યશ્રીની વાણી વેણુ સુધા પ્રચુર હોવાથી, વેણુનાદાત્મક જ હોવાથી, આપની વાણીના અવગાહનથી જ પુષ્ટિ સંપ્રદાયનો જીવ, રાસલીલાનો અધિકારી બની શકે છે.
 
શ્રીપદ્મનાભદાસજીનું પદ એનું પ્રમાણ છે. “તબ વેણુનાદ દ્વાર અબ શ્રીલક્ષ્મણ ભૂપકુમાર.” આચાર્યશ્રીની વાણી રાસસ્થલીનું દ્વાર છે. અને આપશ્રી રાસ સ્ત્રીભાવ પૂરિત વિગ્રહ છે. આપશ્રીની વાણી અમૃત અને અગ્નિ બીજથી પૂરિત છે.
 
શ્રીઆચાર્યશ્રીના પ્રત્યેક શબ્દ ભીતર એનો અર્થ છે, એમાં ગૂઢાર્થ બિરાજે છે – અને એમાં નિગૂઢાર્થ બિરાજે છે. આપશ્રીની વાણી સ્વરૂપાત્મક છે. ભજનાનંદ અને સ્વરૂપાનંદમાં ઓતપ્રોત કરાવનારી છે. તેથી જ ગવાય છે. “વેણુગીત પુનઃ યુગલ ગીતકી રસબરખા બરખાઈ.” આપશ્રીની વાણી અનંત  લીલાઓનું ઉદ્બોધન કરાવનારી છે. નિત્યલીલામાં ઉદ્દીપન વિભાવ અને તન્મયતાનું ચક્ર ચાલે છે, ત્યારે જે ગોપાળદાસજી ગાય છે કે, “નિત્યલીલા નિત્યનૌતમ શ્રુતિ ન પામે પાર રે.”
 
આજે આપણો સંપ્રદાય કેવી કપરી કસોટીમાંથી પસાર થઈ રહ્યો છે. તે વાત સ્વયં પૂ.ગો. શ્રીશ્યામુબાવાશ્રીના કથનથી જોઈએ : “આજે એક તરફ આપણે મૂલ આચાર્યોના ઉપદેશથી સર્વથા વિપરીત એવા જાહેર સેવા – કથા પ્રણાલિના પ્રદર્શનોને અને ભાગવત સપ્તાહોને આપણા સંપ્રદાયના પ્રમુખ ધર્માનુષ્ઠાન માની લેવાની ભ્રમણામાં ભટકી રહ્યા છે, તો બીજી તરફ કહેવાતા નાનાવિધ પેટા પંથો, નામશઃ વલ્લભ પંથ, યમુના પંથ, ગિરિરાજ પંથ, દામોદર પંથ જેવા કઢંગા સિદ્ધાંત વિહોણા – વેવલાવેડાઓમાં આપણે આપણી સમજ અને શ્રદ્ધાને વેડફી રહ્યા છીએ.”
 
“શ્રીવલ્લભ શરણ થકી સૌ પડે સહેલું.” (શ્રીદયારામભાઈ)

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.