પુષ્ટિમાર્ગમાં કેવલ સ્વરૂપ જ્ઞાન જ ફલરૂપ છે
spacer
spacer

- કંચનભાઈ ગાંધી, વડોદરા

આજે પુષ્ટિમાર્ગમાં વૈષ્ણવો બ્રહ્મસંબંધ લઈ ગૃહસેવા કરતા હોય છે. કોઈ મિશ્રી દૂધગર, અનસખડી કે સખડી ભોગ ધરતા હશે. પરંતુ તેઓને સેવ્ય સ્વરૂપનું પ્રાયઃ જ્ઞાન નથી હોતું, થોડાક અધિકારી જીવોને એ જ્ઞાન હશે. ગદ્યમંત્ર દ્વારા જીવ શું પ્રાપ્ત કરે છે ? સેવા દ્વારા એને શું પ્રાપ્ત કરવાનું છે ? ખબર નથી, ઘણાં બ્હેનો કહેતા હોય છે કે, “અમારે ત્યાં તો ગુરુભાવે ઠાકોરજી બિરાજે છે. તેમની સેવા દ્વારા પ્રભુને પ્રાપ્ત કરવાના છે.” કેટલું અજ્ઞાન છે ! ગુરુભાવે એ વળી શું છે ? સેવ્ય સ્વરૂપમાં ત્રણ સ્વરૂપની ભાવના કરવાની છે. નિકુંજનાયક શ્રીજી, ગુરુ ઘરના નિધિ સ્વરૂપની અને શ્રીવલ્લભની. સેવા માટે સાક્ષાત્ પ્રભુ તો તમને મળી ગયા છે, પછી પ્રાપ્ત કરવાના છે તેમ કેવી રીતે કહો છો ? પ્રાપ્ત છે જ, તેથી તો તેમની સેવા કરો છો. પરંતુ સેવા દ્વારા સાક્ષાત બિરાજતાં સ્વરૂપને બહાર પ્રગટ કરવાના છે. સેવ્યને પ્રથમ જાણો પછી સેવો પછી માનો, અનુભવ કરો. સેવા દ્વારા જીવને પોતાનું આધિદૈવિક મધ્યપાંતિ સ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે. જેથી સેવા સિદ્ધ થયે એની પ્રાપ્તિ દ્વારા ગોલોકમાં જઈ શકાય છે. સેવ્યમાં સુધા સ્વરૂપે શ્રીવલ્લભ જ વ્યાપ્ત છે એ ભાવ દ્રઢ કરો. મારા સેવ્ય નિધિ સાક્ષાત ગોલોક ધામસ્થ સ્વરૂપ છે. આ જ્ઞાન દ્રઢ નહિ હોવાથી વૈષ્ણવો બીજે બધે ભટકે છે, શાની પ્રાપ્તિ માટે ? ખબર નથી. ઘરના શ્રીજીની કરેલી સેવા તો શ્રીનાથદ્વારામાં બિરાજતાં શ્રીનિકુંજનાયક અંગિકાર કરે છે. પ્રમાણાં શ્રીકૃષ્ણ ભટ્ટજીએ ઉજ્જૈનમાં વસંત પંચમીના આગલા દિવસે પ્રભુને ખેલાવ્યાં, તો ત્યાં શ્રીજીએ રંગવાળા સ્વરૂપે શ્રીરામદાસજીને દર્શન આપ્યા છે. શ્રીગુસાંઈજીના સેવકે દક્ષિણમાં એક લાખ રૂપિયાનું ગુલાબનું ફૂલ ધર્યું તો શ્રીજીનું મસ્તક ઝૂકી ગયું ! શ્રીગુસાંઇજીએ પૂછ્યું, “બાવા ! કેમ આજે ખૂબ ઝૂકી રહ્યા છો ?” ત્યારે શ્રીજીએ કહ્યું, તમારા સેવકે એક લાખનું ફૂલ ધર્યું તેથી”આ પરથી વિચાર કરો વૈષ્ણવો ! તમે પ્રેમપૂર્વક કરેલી સેવા ક્યાં પહોંચે છે ? ત્યાં શ્રીજીદ્વારમાં જઈ તમને આવી સેવા કરવાનો અધિકાર નથી. પરંતુ શ્રીવલ્લભે ઘણો મોટો અધિકાર ઘરમાં સેવ્ય શ્રીજીને સોંપીને આપી દીધો છે. આ જ સ્વતંત્ર ભક્તિનું દાન આપે કર્યું છે. સ્વરૂપ જ્ઞાન વિનાની સેવા ક્રિયાત્મક જ છે. ફલરૂપા નથી. સ્વરૂપ જ્ઞાન વિના જીવો ફલથી વંચિત રહી આવે છે.
 
પૂ. ગૌસ્વામી શ્રીપુરૂષોત્તમજી લેખવાળા “નામવાદ”વાળા ગ્રંથમાં આજ્ઞા કરે છે કે, “સ્વરૂપ જ્ઞાન પૂર્વક જો ભગવન્નામનો ઉચ્ચાર ભક્તિપૂર્વક કરવામાં આવે તો ભગવન્નામ મુખ્ય ફલ આપે છે, અન્યથા નહિ.” શબ્દ અને અર્થ પ્રભુના સ્વરૂપ જ્ઞાનમાં જરૂરી છે. ભક્તિ વિના સ્વરૂપ જ્ઞાન થવું સંભવ નથી. ભગવાને સ્વયં શ્રીમદ્ ગીતાજીમાં આજ્ઞા કરી છે કે, “મારા ભક્તો જે મને જાણે છે તેથી નક્કી છે કે શબ્દ અને અર્થ દ્વારા ભક્તિથી જ પ્રભુને યથાર્થ જ્ઞાન સંભવિત છે. વિચારપૂર્વક ઉચ્ચારેલું નામ જ પ્રભુના સ્વરૂપનો અને લીલાનો બોધ કરાવે છે. તેનાથી વિપરીત વગર વિચાર્યે લીધેલું ભગવદ નામ ફલરૂપ બનતું નથી.” આ કથનને આ રીતે સમજી લઈએ. લૌકિકમાં માનો કે હરિદાસ નામે કોઈ વ્યક્તિ મૃત્યુ થયું. તે ઘણાં દયાળુ અને પરોપકારી હતા. જે-જે વ્યક્તિ હરિદાસના સંપર્કમા આવી, તેના પર હરિદાસે કંઇક ને કંઇક ઉપકાર કર્યો હતો. આ વ્યક્તિ જ્યારે હરિદાસની વાત કરે છે, નામ લે છે ત્યારે તે વ્યક્તિના હૃદયમાં હરિદાસ પ્રત્યે શ્રદ્ધા અને કરૂણા પ્રગટે છે. તેનાથી વિરૂદ્ધ હરિદાસથી સર્વથા અપરિચિત વ્યક્તિ તેનું નામ બોલે તો તે વ્યક્તિ માટે ‘હરિદાસ’ નામનું કોઇ મહત્વ નથી રહેતું.
 
આજે વૈષ્ણવોમાં અજ્ઞાન, અન્યથા જ્ઞાન અને સંશય જોવા મળે છે. કારણ કે, તેઓને સાચો સત્સંગ અને માર્ગિય ગ્રંથોનું શ્રવણ-મનન નથી. મૂલ ગ્રંથો જ શ્રવણ કરવા અતિ આવષશ્યક છે. મોટા ભાગના વૈષ્ણવો શ્રીજીના સ્વરૂપને અન્યથા સમજે છે. તેઓ દેવદમન, ઇંદ્રદમન અને નાગદમન ત્રણેને જુદા સ્વરૂપો માને છે. આ એક જ નિકુંજનાયક શ્રીજીના જ ત્રણ નામ છે. જેમ કોઈ એક વ્યક્તિ ત્રણ નામે ઓળખાય તેમ. શ્રીજી જ શ્રીગિરિરાજજીમાંથી પ્રગટ થયા છે. ઇંદ્રદમન નાગદમન ગિરિરાજજીમાંથી નથી પ્રગટ થયા એવો કોઈ ઉલ્લેખ પુષ્ટિ સંપ્રદાયના ગ્રંથોમાં નથી જ. માર્ગના સિદ્ધાંતોના જ્ઞાનનો મોટો અભાવ છે. ત્રણ જુદા સ્વરૂપો છે એવો બ્રહ્મ ઊભો કરવામાં આવ્યો છે. વસ્તુતઃ એક જ શ્રીજી નાથદ્વારામાં બિરાજે છે. તે જ સ્વરૂપે સારસ્વત કલ્પમાં જે લીલા કરી તે પરથી ત્રણ નામ પડ્યા. દેવોનું દમન-દેવદમન, ઇંદ્રનું દમન કર્યું તેથી ઇંદ્રદમન અને કાલીનાગનું દમન કર્યું તેથી નાગદમન નામ પડ્યું આ વાતને નીચેના પ્રમાણોથી સમજી લઈએ. (1) શ્રીદ્વારકેશજી મહારાજ કૃત મૂલ પુરૂષના ઘોળમાં આજ્ઞા કરે છે. “મિલેંગે હરિદાસ પેં જહાં તીન દમન કહાકહી – ઇંદ્ર નાગ જુ દેવદમન મેરો નામ ધરાવહી.” બીજું પ્રમાણ સુરત ઘરના શ્રીયશોદા બેટીજી કૃત શ્રીગોવર્ધનનનાથજીના પ્રાગટ્યનું ઘોળ છે. તેમાં જણાવે છે કે, ત્રીજી પરિક્રમા વખતે શ્રીજીએ શ્રીવલ્લભને જતાવ્યું, “હું પર્વત પર છું, મને પ્રગટકરો.” જ્યારે વ્રજવાસીઓએ ગિરિરાજની શિલા ઊંચકી જોયું તો સુંદર સ્વરૂપના દર્શન થયાં. વ્રજવાસીઓએ પૂછ્યું, “હે પર્વતના દેવતા ! આપશ્રીનું નામ શું છે ?” ત્યારે પ્રભુએ કહ્યું, ‘દેવદમન’ મારૂ નામ છે અને ઇંદ્ર અને નાગદમન રૂપે પણ હું જ છું.
 
શ્રીવલ્લભ ચરણ થકી સૌ પડે સહેલું રે..... (શ્રીદયારામ)

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.