સ્વરૂપજ્ઞાન વિનાની સેવા ક્રિયાત્મક છે !
spacer
spacer

- શ્રી કંચનભાઈ ગાંધી, વડોદરા

પુષ્ટિમાર્ગમાં રૂપ સેવા અને નામ સેવા બે સેવા પ્રકારો શ્રીમહાપ્રભુજીએ બતાવ્યા છે. બંનેનું ફળ એક જ સ્વરૂપાનંદનો અનુભવ અને આપણા આધિદૈવિક લીલા મધ્યપાતી સ્વરૂપની પ્રાપ્તિ. બંને સેવા કોઈપણ કામની અપેક્ષા રહિત, સંસારાસક્તિ છોડીને જ કરવાથી ફળ પ્રાપ્તિ છે. સેવાની રીત મેંડ-મર્યાદા શ્રીવલ્લભે બતાવેલી રીતે જ કરવાની. સ્વકલ્પીત મનસ્વી રીતથી કરો તો મોટો અપરાધ પડે છે. શ્રીદયારામભાઈ સુંદર વાત સમજાવે છે, “જીવ જાણે હું સૃકૃત્ય કરું છું, પરંતુ કરતો કોટિક અપરાધ રે” પૂ. શ્રીપુરૂષોત્તમજી લેખવાળા આજ્ઞા કરે છે કે સેવાનું જ્ઞાન ન હોય, અને પ્રભુ સ્વરૂપનું પણ જ્ઞાન ન હોય, છતાં શ્રદ્ધા પ્રમાણે સેવા કરે તો તે આધિભૌતિક છે, કારણ કે સ્વરૂપજ્ઞાન વિનાની સેવા ક્રિયાત્મક છે. ક્રિયાત્મક સેવાથી સંસારાસક્તિ નિવૃત્ત થતી નથી. પછી લૌકિક બુદ્ધિ દૂર થતાં બીજે જન્મે યથાર્થ જ્ઞાનપૂર્વક સેવા કરવાથી કૃતાર્થ થવાય. પુષ્ટિમાર્ગમાં પ્રવેશ માટે નામ દીક્ષા (અષ્ટાક્ષર મંત્રથી) લેવી જરૂરી છે. આ દીક્ષાથી સાત પ્રકારની ભક્તિનું દાન થાય છે. જ્યારે આવા વૈષ્ણવને સેવ્ય સ્વરૂપ પુષ્ટ કરાવીને અસમર્પિત ત્યાગ કરી ભોગ ધરીને સેવા કરવાની રુચિ થાય તો તેવા જીવને શ્રીવલ્લભ વંશજ બાળક પાસે નિવેદન દીક્ષા બ્રહ્મસંબંધ જરૂર લેવું જોઇએ. જો આ પ્રકારે સેવા કરવાની તમારી શક્તિ-ઇચ્છા નથી તો પછી બ્રહ્મસંબંધ લેવાની કોઈ જરૂર નથી. બ્રહ્મસંબંધ લેવાથી જ સેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. બ્રહ્મસંબંધ લેવાથી ગૌલોકમાં જવાનો પાસપોર્ટ નથી મળતો. બ્રહ્મસંબંધ પણ પુષ્ટિ દૈવી જીવને જ થાય છે. બધાને નહીં. ભલે બધા બ્રહ્મસંબંધ લેતાં હોય તેનો કોઈ અર્થ કે ફળ નથી. કોઈ કર્મ કે ક્રિયા કશુ ફળ આપે નહીં. ફળ તો સાક્ષાત શ્રીકૃષ્ણ પ્રભુ જ આપે છે. આ પુષ્ટિ સિદ્ધાંતને સમજો.
 
પુષ્ટિમાર્ગમાં અષ્ટાક્ષર – પંચાક્ષર અને ગદ્યમંત્ર આ ત્રણ જ મંત્રો માન્ય છે. બીજા મંત્રો લેવા તે અન્યાશ્રય જ છે. ઘણા વૈષ્ણવો ગોપાલમંત્ર, ગાયત્રીમંત્ર વિ. લેતા હોય છે. અષ્ટાક્ષર શ્રીવલ્લભે અને પંચાક્ષર શ્રીસ્વામિનીજીએ મૂલ ગોલોકધામમાં પ્રગટ કરેલ છે. ગદ્ય ભૂતલ પર શ્રીઠકુરાણીઘાટે સ્વયમ્ શ્રીઠાકોરજીએ પ્રગટ થઈ શ્રીવલ્લભને દૈવીજીવોને શરણે લેવાની આજ્ઞા કરી છે. અષ્ટાક્ષરમંત્રમાં રસાત્મક સ્વામિનીજી અને શ્રીઠાકરોજીના સ્વરૂપ અને શ્રીવલ્લભનું સ્વરૂપ આમ ત્રણ સ્વરૂપો બિરાજે છે. તેમાં અમૃત બીજ મંત્ર છે. એ સિદ્ધ થયે અલૌકિક સામર્થ્ય અને સ્વરૂપાનંદની પ્રાપ્તિ થાય છે. જે ચાચાજીના પ્રસંગથી જાણી શકાય છે. પંચાક્ષરમાં અગ્નિ બીજમંત્ર છે. શુદ્ધ અપરસમાં જ બોલાય. અન્યથા આજની જોવા મળતી અપરસથી મહા અપરાધ પડે. આ મંત્ર કેવળ વિપ્રયોગ ભાવાત્મક છે. અષ્ટાક્ષર સંયોગ ભાવાત્મક છે.
 
આજે પુષ્ટિસંપ્રદાયમાં મોટા ભાગના વૈષ્ણવોને સેવ્ય અને સેવાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન નથી, માર્ગની મેંડ-રીતનું જ્ઞાન નથી. દેખા-દેખી મનસ્વી સેવાપ્રકાર ચલાવે છે. ખાસ કરીને બહેનો. મોટાભાગના આજે કહેવાતા વૈષ્ણવો પ્રવાહી જ છે. જરૂર થોડાક પુષ્ટિ દૈવીજીવો પણ છે. જે ખૂબ જૂજ છે. તેઓ જ શ્રીમહાપ્રભુજીના સિદ્ધાંતો પ્રમાણે સેવા-સ્મરણ, ગુણગાન-ધ્યાન કરી સેવાફળને પ્રાપ્ત કરી શકે છે. આજે મોટાભાગે બહેનો અને બાપાઓની વૈષ્ણવ મંડળીઓ ચાલે છે. મોટેભાગે અન્યથા જ્ઞાન, અંધશ્રદ્ધા અને અજ્ઞાનથી ગ્રસિત છે. માર્ગના સિદ્ધાંતો અને ગ્રંથોનું શ્રવણ – મનન અને સમજણ નથી. સાચું પુ્ષ્ટિ પોષણ અને અધિકારીનો સત્સંગ નથી. સિદ્ધાંત વિરૂદ્ધની સેવાનો પુષ્ટિ પ્રભુ અંગીકાર કરતા જ નથી. તમારી સેવા પ્રભુએ સ્વીકારી છે તેનું પ્રમાણ શું ? શ્રીમહાપ્રભુજી કહે છે. જ્યારે પ્રભુ જીવની સેવાનો અંગીકાર કરે છે ત્યારે પ્રથમ તે જીવના (1) ક્રોધ (2) રાગ અને (3) ભય દૂર થઈ જાય છે. સંસારાસક્તિ છૂટી જાય અહંતા મમતા છૂટી જાય, હવે વિચાર કરો તમે વર્ષોથી ભોગ ધરી સેવા કરો છો ! તમારું શું છૂટ્યું ? તમે ક્યાં છો ? આત્મચિંતન કરો. કેટલીક મુગ્ધ બહેનો મંડળીના મુખ્ય બેનનું આંધળું અનુકરણ કરી સેવા કરે છે. આવા જીવોને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય, તે દર્શાવવા માટે જ કેટલાક પ્રસંગો અહીં રજૂ કરું છું.
 
ઘણા વૈષ્ણવોની મંડળીઓમાં જવાનું થાય છે. ત્યાં જે જોયું તે જ કરૂ છું. એક બહેન કહે છે કે, અમારે પ્રમાણની જરૂર નથી. અમે તો શ્રીવલ્લભના પ્રમેયવાળા ભોગ ધરીને ટેરો નહીં કરવાનો. ટેરો તો માયાનું સ્વરૂપ છે. આ કેવો પ્રકાર ? શ્રીજીએ રામદાસજીને આજ્ઞા કરી. (રામદાસ આંખો મીંચી પંખો કરતા હતા) “રામદાસ, આંખો ખોલ, દર્શન કર. જો હું કે
ટલા બધા વ્રજભક્તો સ્વામિનીજી સહિત ભોગ આરોગું છું” ના મહારાજ, મને શ્રીમહાપ્રભુજીની આજ્ઞા નથી. તમારી અહંતા મમતા છૂટી નથી ત્યાં સુધી ટેરો જરૂરી છે. શ્રીવલ્લભની મેંડ તોડવાથી અપરાધ છે. કેટલાક ભાવલાવેડા કરી સેવામાં કોઈ મેંડ-મર્યાદા પણ પાળતા નથી. શ્યામ સ્વરૂપ શ્રીદ્વારિકાધીશની સેવા કરનાર એક બહેન માસિક ધર્મમાં ત્રીજે દિવસે સ્નાન કરી સેવા કરે છે. બીજા બહેન બહાર રીક્ષામાં બેસી આવેલ એક કિર્તનીયાજીને કહે છે, તમે અમારા શ્યામ સ્વરૂપ શ્રીદ્વારિકાધીશના શૃંગાર કરો. તમે છોવાતા નથી ! આ કયો પ્રકાર છે ? આ જોતાં એમ થાય છે કે પુષ્ટિ ક્યાંય જોવા મળે છે ? હશે, કોઈ તો વિરલા છે જ. અને જ્યારે શ્યામ સ્વરૂપ પધરાવી આપનાર આચાર્ય બાળકને ખબર પડશે કે મેં પધરાવી આપેલ સ્વરૂપની આ પ્રકાર સેવા બહેનો કરે છે ત્યારે તેઓશ્રીને કેટલું અપાર દુઃખ થશે ? મેં કુપાત્રને સ્વરૂપ પધરાવી આપ્યું એનો આઘાત જરૂર લાગશે,.
 
શ્રીઠાકોરજીએ વાઘાજી રાજપુતને ઘી લાવવાની આજ્ઞા કરી, પોતાને તવાપુરીમાં ઘી ઓછું હોવાથી આજ્ઞા કરી. આજ્ઞા પ્રભુની સાંભળીને તેમને દેહશુદ્ધિ ન રહી. જોડાં પહેરી ઘી સમર્પ્યું. પ્રભુએ પ્રેમથી અંગીકાર કર્યું. પછી શુદ્ધિમાં આવ્યા ત્યારે સઘળી અપરસ નવી કરી સેવા પ્રકાર કર્યો. અને શ્રીમહાપ્રભુજીની મેંડ તો ખુદ શ્રીજી શ્રીનિકુંજનાયકે પણ પાળવી પડી છે. મોહનાભંગીની ખાંધે બિરાજી મંદિરમાં પધારતા હતા. ત્યાં ગોવિંદસ્વામીએ શ્રીજીને રોક્યા, કહ્યું, “બાબા, ગોવિંદ કુંડમાં સ્નાન કરી પછી પધારો” પ્રભુએ સ્નાન કર્યું. શ્રીગુસાંઇજીએ ગોવિંદસ્વામીને પૂછ્યું, “ગોવિંદ, બ્રહ્મ કદી છુવાય છે ?” ગોવિંદસ્વામી કહે : “મહારાજ, બ્રહ્મ ન છુવાય પરંતુ આ શ્રીમહાપ્રભુજીના રસાત્મક-ભાવાત્મક માર્ગની મેંડ છુવાય છે તેથી મેં પ્રભુને સ્નાન કરાવી મંદિરમાં પધારવાની વિનંતી કરી છે” આ છે શ્રીવલ્લભના માર્ગની મેંડનું આધિદૈવિક સ્વરૂપ.
 
પ્રભુ સૌને સદબુદ્ધિ આપે અને શ્રીવલ્લભ સિદ્ધાંતોનું અનુસરણ કરે એજ શુભાશયથી આ લખાયું છે. કોઈની ટીકા-નિંદા કરવાનો મારો આશય નથી. શ્રી વલ્લભ શરણ થકી સૌ પડે સહેલું.....

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.