પુષ્ટિ આશ્રય અને સર્વાત્મ ભાવ
spacer
spacer

- કંચનભાઈ ગાંધી, વડોદરા

શ્રીમદ્ ભાગવતમાં કહેલા સર્ગાદી નવ લક્ષણોથી લક્ષ્ય એવો આ આશ્રય ભગવાનનું સ્વરૂપ છે. માટે પ્રત્યેક ભક્તિમાર્ગમાં આશ્રયની સમુપલબ્ધિ આવશ્યક છે. શ્રીઆચાર્યચરણે અનુગ્રહનો એક અર્થ આશ્રય પણ કર્યો છે. તેથી આશ્રય અનુગ્રહની જેમ ભગવાનના એક ધર્મરૂપ પણ છે. પુષ્ટિમાર્ગમાં ધર્મ-ધર્મિનો સૂર્ય અને એના કિરણોની જેમ અભેદ મનાયો છે. આશ્રય સિદ્ધિ વિના પુષ્ટિ ભક્તિનો પ્રવેશ જીવમાં થતો નથી. પુષ્ટિ ભક્તિના પ્રવેશ વિના આત્મા બલિષ્ઠ થઈને ભગવત્ પ્રાપ્તિ નથી કરી શકતો. તેથી આશ્રયનું મહત્વ વિશેષ છે. શિક્ષાપત્રમાં શ્રીહરિરાયજી મહાપ્રભુ શ્રીમહાપ્રભુજીના દ્રઢ ચરણાશ્રય કરવાની આજ્ઞા કરે છે. આશ્રય અનન્યભાવ વાળો હોય છે. તે વિના આશ્રય દ્રઢીભૂત થતો નથી. શ્રીગીતામાં શ્રીકૃષ્ણે અનન્યભાવનો ઉલ્લેખ અનેક સ્થાનો પર કર્યો છે. “અપિચેદ સુદુરાચારો ભજેતમામ્ અનન્યભાક્” “સર્વર્ધમાન્ પરિત્યજય મામેકં શરણં વ્રજ” એક શ્રીકૃષ્ણને શરણે જવાથી અનન્યભાવ સિદ્ધ થાય છે. એનાથી ભગવાનનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે. અનન્ય ભાવની પ્રાપ્તિ ત્યારે જ સિદ્ધ થાય છે જ્યારે જીવ મન, વાણી તેમજ ક્રિયાથી આ બધા પદાર્થો અને તેના ધર્મો પ્રભુને સમર્પણ કરે. એમાં લોકવેદ બધા ધર્મોનું સમાધાન થઈ જાય છે. ત્યારે આ જીવ ધર્મોના આશ્રયથી મુક્ત થઈ એકમાત્ર ધર્મિના આશ્રયમાં આવી જાય છે.
 
સર્વાત્મભાવ : ઉપર કથેલ પ્રકારની અનન્યતાથી સર્વાત્મભાવની પ્રાપ્તિ થાય છે. ભાગવતના તૃતિય સ્કંધના 32મા અધ્યાયના શ્લોકમાં સર્વાત્મભાવનું સ્વરૂપ કહેવાયું છે. એનો મર્મ એ છે કે દેહાદિથી માંડીને પતિ-પત્નિ, પુત્ર વિગેરે જેટલા છે તે જે જે ભજનીય છે તે બધા ભાવ પ્રભુમાં જ કરવા એને સર્વાત્મભાવ કહે છે. આ પ્રકારના સર્વાત્મભાવથી હરિ પ્રત્યે સંપૂર્ણ પ્રિયત્વભાવ સિદ્ધ થાય છે. સર્વાત્મભાવ સાધન અને ફલદશાવાળો બે પ્રકારનો છે. ફળદશા તો વ્રજભક્તોની જેમ વિયોગાનુભવ રૂપ સર્વાત્મભાવનું શ્રીઆચાર્યચરણે આ પ્રકારે વર્ણન કર્યું છે. ભક્તના દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ, પ્રાણ જીવમાં સદા સર્વાત્મભાવે રહ્યો આવે એવા વિયોગાનુભવનું નામ સર્વાત્મભાવ છે. આ સર્વાત્મભાવ સિદ્ધિ માટે અણુભાષ્યમાં “લિંગનામ સત્યાધિકરણમાં” જોવા મળે છે. “આહાર શુદ્ધો સત્ય શુદ્ધિઃ- સત્વ શુદ્ધૌઃ ધ્રુવા સ્મૃતિ, સ્મૃતિ લભ્યે સર્વ ગ્રંથીના વિપ્રમોક્ષઃ” સેવા અને વિરહાત્મક ગુણગાનથી સર્વગ્રંથીની અવિદ્યા દૂર થઈ જાય, સઘળા બંધનોથી જીવ મુક્ત થઈ જાય ત્યારે સર્વાત્મભાવ સિદ્ધ થાય છે. એની પ્રાપ્તિથી મૂલધામ સ્વરૂપની સાક્ષાત તત્સુખાત્મક સેવા પ્રાપ્ત થાય છે. આ ભાવની પ્રાપ્તિનું બીજું નામ ફલરૂપ નિરોધ – સ્વતંત્ર ભક્તિ અને શ્રીસ્વામિનીભાવનું દાન. આ છે પુષ્ટિનું પરમ ફલ.

આજકાલ વૈષ્ણવો આ પુ્ષ્ટિના સર્વાત્મભાવને સમજ્યા વગર ગમે તે મનસ્વી અર્થ કરે છે. પહેલાં એ સમજો કે જ્ઞાન માર્ગમાં બ્રહ્મભાવ છે. આ ભાવ પણ વૈષ્ણવોએ અવશ્ય કેળવવાનો છે. આ જગતમાં જે કાંઈ સુખ કે દુઃખ, સારું કે ખરાબ જોવા મળે છે તે બ્રહ્મની ઈચ્છાથી જ બને છે એમ જાણવું. મારનાર પણ બ્રહ્મ છે તો મરનાર પણ બ્રહ્મ જ છે. જેથી પુષ્ટિ જીવ તેમાં ચલિત થાય નહીં. ભક્તિમાર્ગમાં બીજો એક ભાવ છે તે છે ભગવદભાવ – ભગવદીય દ્રષ્ટિ કેળવવી તે. જેમ કે કોઈની નિંદા કે સ્તુતી પણ કરવી નહીં. જે અનુકૂળ છે તે ગમે છે પરંતુ જે પ્રતિકૂળ છે તેન પ્રત્યે પણ તિરસ્કાર કે દ્રોહ કરવો નહિં, તેના પ્રત્યે ઉદાસીનતા ન કેળવવી,, આ છે ભગવદીય ભાવ. ઘરમાં બધા જ સેવામાં અનુકૂળ ના પણ હોય તેમ પ્રતિકૂળ પ્રત્યે પણ તમે કુભાવ ના લાવો, તેમાં પણ મારા પ્રભુનો કોઈ મારા જ હિતનો આશય હશે એવો વિચાર કરવો. મનને એ રીતે ધીરે ધીરે કેળવવું પડે. જો આપણે ભગવદ્ પ્રાપ્તિ કરવી છે તો આ ભગવદીય દ્રષ્ટિ કેળવવી જ પડશે. નહિં તો લક્ષ્ય પ્રાપ્તિમાં અંતરાય થશે. પુષ્ટિમાંસેવા, સ્મરણ, ગુણગાન, ધ્યાન કરનારને શ્રીમહાપ્રભુજી સર્વાત્મભાવનું દાન કરે છે. સેવા ફલરૂપ થતાં સર્વાત્મભાવની પ્રાપ્તિ થાય છે. એ પ્રભુદત્ત છે. જીવ પ્રયત્ન કરી સર્વાત્મભાવ કદી પ્રાપ્ત કરી શકે જ નહિં.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.