પુષ્ટિ વૈષ્ણવ અને શ્રાદ્ધ
spacer
spacer

લેખક – કંચનભાઈ ગાંધી, વડોદરા

આજે વૈષ્ણવો સંપ્રદાયમાં નિવેદન દીક્ષા લઈ ગૃહ સેવા કરે છે. પરંતુ પુષ્ટિ સેવાના સ્વરૂપ, આચાર, વિચાર, મેંડ-મર્યાદાથી મોટા ભાગના અજાણ છે, દિશાશૂન્ય છે. ગમે તેમ દેખા-દેખી મનસ્વી પ્રકારે કરે છે. એનું મુખ્ય કારણ ખોટી સમજ અને અન્યથા જ્ઞાન છે.જેથી અપરાધો – પ્રતિબંધોથી ગ્રસ્ત થાય છે. આમ કેમ ? શ્રીમહાપ્રભુજીએ ગુરૂના લક્ષણો બતાવ્યા છે તેમ શિષ્યોના પણ લક્ષણ બતાવ્યા છે. “કૃષ્ણ સેવા પરં વિક્ષ્ય દમ્ભાદિરહિતં નરમ્ શ્રીભાગવત તત્વજ્ઞં ભજે તં.” અને સાથે શિષ્ય પાસેથી પણ અપેક્ષા રાખવામાં આવી છે કે, “જીજ્ઞાસુરાદરાત્” શિષ્યમાં ‘જિજ્ઞાસા’ હોવી જોઈએ. જીવનમાં આત્મ-કલ્યાણના માર્ગે ચાલવું જ છેતો તેની જાણકારી પૂરી રીતે મેળવવી જ જોઈએ. 84/252 વાર્તાઓ જુઓ. શરણે આવી સૌપ્રથમ ગુરૂદેવને પૂછતાં : “કૃપાનાથ ! હવે મારું કર્તવ્ય શું ?” અને વૈષ્ણવોને સેવાની સઘળી રીત-પ્રણાલી શિખવવામાં આવતી હતી. આજે પ્રાયઃ આ પરંપરા લુપ્ત થઈ છે.
 
જ્યાં સુધી દેહ ધર્મની મુખ્યતા છે. ત્યાં સુધી વર્ણાશ્રમ ધર્મનું પાલન કરો. જ્યાં ભગવદ્ ધર્મની મુખ્યતા છે તો આત્મધર્મનું પાલન કરો. 252 વૈષ્ણવોની વાર્તામાં એક મોચીની વાર્તા છે. શ્રીગુસાંઈજી પાસે એ બ્રહ્મસંબંધ લઈ સેવા કરે છે. એ કહે છે હવે મારો નવો જન્મ થયો છે, હું મોચી નથી ! સાબિતી માટે રાજા સમક્ષ છાશને દૂધ બનાવી નવા જન્મની સાબિતી આપે છે. તેમ બીજી એક શાહુકારની વાર્તામાં એક બ્રાહ્મણ વૈષ્ણવ દશ હજાર રૂપિયા શાહુકારને ત્યાં મૂકી યાત્રાએ જાય છે. પછી શાહુકાર શ્રીગુસાંઈજીનો સેવક થાય છે. બ્રાહ્મણ પાછો આવી પૈસાની માંગણી કરે છે. શાહુકાર વૈષ્ણવ કહે છે, “મેં તારા પૈસા આ જન્મમાં નથી લીધા, પહેલા જન્મે લીધા છે.” દરબારમાં ન્યાય થાય છે. શાહુકાર વૈષ્ણવ ગરમ કરેલી લોખંડની પાંચ શેરી એક પ્રહર હાથમાં રાખી સાબિતી કરાવે છે. બ્રહ્મસંબંધથી મારો બીજો જન્મ થયો છે.
 
વૈષ્ણવો, આ શું બતાવે છે ? શું તમે બ્રહ્મસંબંધ નથી લીધું ? કે લીધું છે છતાં થયું નથી ? ક્યાં ગરબડ છે ? ધ્યાનથી વિચાર કરો. બ્રહ્મસંબંધ લીધું છે પરંતુ તેમા શ્રદ્ધા-નિષ્ઠા નથી.
 
એક સ્ત્રી-પુરૂષ વૈષ્ણવ બ્રહ્મસંબંધ લઈ ગૃહ સેવા કરે છે. એકવાર એક વૈષ્ણવ તેમને ત્યાં આવ્યો. પૂછે છે : “બાઈ ! તમારા ધણી ક્યાં છે ?” સ્ત્રી જવાબ આપે છે : “આત્માના ધણી ઘરમાં જ બિરાજે છે અને દેહના ધણી બહાર કામ અર્થે ગયા છે. !” અરે, આજના પ્રિય વૈષ્ણવો, આવી સેવ્ય પ્રભુમાં આપની નિષ્ઠા ક્યારે થશે ? આજે સાચુ જ્ઞાન, પુષ્ટિ પોષણ અને સત્સંગનો અભાવ છે.
 
જોઈને દુઃખ થાય એવી સ્થિતિ છે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ઘરમાં ભોગ ધરી સેવા કરનારા માજીઓ શ્રાદ્ધ પક્ષમાં સેવ્યને શ્રાદ્ધ નિમિત્તે કાગ-વાસનો ભોગ પ્રભુને ધરે છે. પછી કાગવાસ નખાવે છે. આ કેવો ઘરો અપરાધ છે. વૈષ્ણવ થઈ કાગવાસ નાખી પાછુ શ્રાદ્ધનું ભોજન કરવાથી સઘળો પુષ્ટિભાવ અને સેવા નિષ્ફળ થઈ જાય છેચ. જો તમને ભગવદ્ ધર્મમાં શ્રદ્ધા-નિષ્ઠા નથી. અને વૈષ્ણવ છો ને શ્રાદ્ધ કરવું છે તો તેનો પણ પ્રકાર છે. શ્રાદ્ધ નિમિત્તે બ્રહ્મભોજન બહાર કરાવી શકો છો. અગર ઘરમાં પણ, પરંતુ તેમાંથી તમે કશું ખાઈ શકો નહિં. એ શ્રાદ્ધ નિમિત્ત થયું. અરે કાગવાસની ખીર-પુરી જુદી બનાવી, વાસ નાખી કપડાં સહિત સ્નાન કરી શુદ્ધ થવું પડે. એમ ના કરો, જો વૈષ્ણવ જાણી કોઇ તમારે ત્યાં પ્રસાદ કે જલ લે તો તમને અપરાધ લાગે. વૈષ્ણવો, કમસે કમ તમે શ્રાદ્ધ ખાવ છો ભોગ તમારા. પરંતુ બિચારા ઠાકોરજીને એ નિમિત્તનું શા માટે પરાણે ધરો છો ? પ્રભુએ શો ગુ્ન્હો કર્યો છે ? ત્રિદુઃખ સહન કરવાની આજ્ઞા શ્રીમહાપ્રભુજીએ તમને કરી છે,તે આજ્ઞા તમે પ્રભુને પળાવી રહ્યા છો. આ છે આજના મોટા ભાગના વૈષ્ણવો. દુષ્ટ અન્ન અને દુઃસંગ મોટા અંતરાયો છે. વૈષ્ણવથી મરણની ક્રિયાનું, શ્રાદ્ધ-સમચરીનું, શ્રીમંત-વાસ્તુનું ખાઈ શકાય નહિં. આ ઉપરાંત કિર્તનીયા અને બેટીજીઓના ઘરનું અન્ન લઈ શકાય નહિં. એનું પ્રમાણ વાર્તા-સાહિત્યમાં છે. અરે, ભોગ ધરી, મરજાદ લઈ સેવા કરતાં વૈષ્ણવોએ પણ વર્ણભેદ પાળવો પડે. તમે એટલી ઉચ્ચ કક્ષાએ દેહ ભાવથી પર હોય તો વર્ણભેદન પાળો તો ચાલે. બાકી એક પંગતમાં બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય સાથે બેસી પ્રસાદ ન લઈ શકે. બ્રાહ્મણ વૈષ્ણવ, ક્ષત્રિય વૈશ્યની સખડી-પ્રસાદ ન લઈ શકે. અત્યારે પ્રાયઃ આ પ્રણાલીનું પાલન વૈષ્ણવો કરતા નથી.
 
અમારા વડોદરામાં શ્રીકલ્યાણરાયજી મંદિરના પૂ. ગો. શ્રીકૃષ્ણાવતી વહુજી મહારાજ પોતે બાવાશ્રીનું શ્રાદ્ધ બ્રહ્મભોજન કરાવી કરતા, પરંતુ પોતાની સેવામાં રહેલા બ્હેનોને આજ્ઞા કરતાં કે આજે તમે શ્રીકલ્યાણ – રાયજીનો પ્રસાદ ખાશો નહિં. શ્રાદ્ધ નિમિત્તનું છે. આગલે દિવસે વાટનો પ્રસાદ લેવડાવી રાખે તે બ્હેનો લેતા. આમ પ્રગટ પ્રમાણ આ છે. પછી વૈષ્ણવો આંખો મીંચી ચાલે તો એમના ભાગ્ય ! અત્યારના વૈષ્ણવોને પોતાની સગવડ અને સુખ અર્થે કરવું ગમે છે. માર્ગ અર્થે કરવું નથી,. પછી ફલથી વંચિત રહી ભટકે તેમાં દોષ કોનો ? પુષ્ટિ અધિકારી જીવનું લક્ષણ સૌપ્રથમ ભગવત્ પ્રાપ્તિનો તાપ અને સેવા – સ્મરણમાં રુચી, સંસાર પ્રત્યે ઉદાસીનતા. અહંતા – મમતાની નિવૃત્તિ. આટલું હોય તે જ પુષ્ટિ વૈષ્ણવ કહેવાય. એવા થવા માટે ત્રણ બાબતો જરૂરી છે.
 
(1) તિક્ષ્ણ બુદ્ધિ, (2) નિર્મળ હૃદય અને (3) મન-ચિત્તની શુદ્ધિ.
 
“શ્રીવલ્લભ શરણ થકી સૌ પડે સહેલું....” (શ્રીદયારામભાઈ)

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.