શ્રીવલ્લભ વસ્તુતઃ કૃ્ષ્ણ એવ
spacer
spacer

- કંચનભાઈ ગાંધી, વડોદરા

ભગવાન સચ્ચિદાનંદ, રસમય, આનંદમય, આનંદ વિગ્રહ અને અલૌકિક ગુણવાળા છે. જગતમાં જે પ્રાકૃત ગુણો જોવા મળે છે તે ભગવાનમાં નથી. અને આ દ્રષ્ટિએ ભગવાનને નિર્ગુણ કહેવામાં આવે છે. પરમાત્માએ પોતે જ પોતાનામાંથી જગત ઉત્પન્ન કર્યું છે. એટલે પરમાત્મા જગતનું નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ બંને છે. પરમાત્મા જગતરૂપે પરિણામ પામે છે, છતાં તેમનામાં કોઈ જાતનો વિકાર થતો નથી. આને અવિકૃત પરિણામવાદ કહેવામાં આવે છે. લૌકિકમાં દૂધનું દહીમાં રૂપાંતર થાય છે પછી દહીંનું દૂધ થતું નથી, આ વિકૃત્ત પરિણામ છે. જેમ સોનામાંથી બે દાગીના કંકણ અને હાર બનાવીએ પછી એ કંકણ અને હારને ભાંગી-તપાવીએ તો સોનુ જ રહે. આ અવિકૃત પરિણામવાદ. પરમાત્માએ પોતાના ચિત્ત અંશમાંથી અનેક જીવો પ્રકટ કર્યા છે. જગત એ પરમાત્માનો સત્ અંશ છે. જેમ અગ્નિમાંથી વિસ્ફુલીંગ – તણખાઓ નીકળે છે. તેમ બ્રહ્મમાંથી જીવો નીકળે છે. જીવ બ્રહ્મનો અંશ છે. પરમાત્મા સચ્ચિદાનંદ છે. જીવમાં બ્રહ્મના સત્-ચિત્ત બે ધર્મો પ્રગટ થયેલા છે. આનંદ ધર્મ અપ્રગટ છે. ભાવનાના છ ધર્મો જીવનમાંથી તિરોહિત થઈ ગયા છે તેથી જીવને બન્ધ અને વિપર્યય પ્રાપ્ત થાય છે. જીવ પોતાનું સ્વરૂપ ભૂલી જાય છે. અજ્ઞાનથી અહંતા-મમતાવાળો સંસાર ઉત્પન્ન કરે છે. ભગવાને મન વડે પ્રવાહ સૃષ્ટિ, વેદરૂપી વચનથી મર્યાદા સૃષ્ટિ અને પોતાનાં સ્વરૂપમાંથી પુષ્ટિ સૃષ્ટિ ઉત્પન્ન કરી છે. પુષ્ટિ દૈવી સૃષ્ટિ પોતાની લીલા-આનંદ માટે પ્રગટ કરી છે. આમ બ્રહ્મ – જીવ – જગતનો સંબંધ સમજવો જરૂરી છે.
 
ઉપરોક્ત કથન મુજબ બ્રહ્મ – પરમાત્મા – ભગવાન એક જ છે. વેદોમાંથી બ્રહ્મ, પુરાણોમાં પરમાત્મા અને ભાગવતમાં ભગવાન તરીકે ઓળખવામાં આવે છે. “પૂર્ણ બ્રહ્મ શ્રીલક્ષ્મણસુત પુરૂષોત્તમ વિઠ્ઠલનાથ” (વલ્લભાખ્યાન) શ્રી ગુસાંઇજીએ વલ્લભાષ્ટકમાં શ્રીવલ્લભને “વસ્તુતઃ કૃષ્ણએવ” તરીકે ઓળખાવ્યા છે. શ્રીવલ્લભ અને શ્રીકૃષ્ણમાં અભેદ છે. ભગવતી શ્રુતિ એ મૂલ તત્વને રસૌ વૈસઃ કૃષ્ણ તરીકે ઓળખાવે છે. આ પરાત્પર સ્વરૂપ છે. એની ઉપર બીજું કોઈ સર્વોત્તમ તત્વ સ્વરૂપ નથી. આ જગત ભગવાનનું આધિભૌતિક રૂપ છે. અક્ષરધામ આધ્યાત્મિક સ્વરૂપ છે અને આધિદૈવિક કૃષ્ણરૂપ છે. જેમ શ્રીયમુનાજીનાં ત્રણ સ્વરૂપ જલરૂપ આધિભૌતિક, તિર્થરૂપ આધ્યાત્મિક અને આધિદૈવિક શ્રીયમુનાજી સ્વામિનીજી સ્વરૂપ છે. તે જરીતે પુષ્ટિ જીવના ત્રણ સ્વરૂપ પ્રથમ આધિભૌતિક વૈષ્ણવ થતાં પહેલાનું સ્વરૂપ, પછી સેવા-સ્મરણ કરતાં કરતાં દેહભાવ રહિત થતાં આધ્યાત્મિક સ્વરૂપ અને આધિદૈવિક મૂલ સ્વરૂપ લીલા લોકમાં જઈ ભગવદ્ સેવામાં પ્રવેશ થવો. પુષ્ટિ જીવે બ્રહ્મસંબંધ લઈ સેવા, સ્મરણ, ગુણગાન, ધ્યાન દ્વારા પોતાનું આધિદૈવિક સ્વરૂપ પ્રાપ્ત કરવું એ જ તેનું ધ્યેય – પુષ્ટિફલ છે સેવ્ય સ્વરૂપ જ સેવા ફલરૂપ થતાં જીવને આધિદૈવિક સ્વરૂપનું દાન કરે છે.
 
અહીં બે પ્રશ્ન વિચાર માગી લે છે. તેની ચર્ચા કરીએ. (1) “વાક્ એવ બ્રહ્મ” એ મુજબ મંત્ર પ્રધાન્ય બ્રહ્મથી આરસની, પંચધાતુની, માટીની કે કાગળ પર દોરેલી ચિત્રની પ્રતિમાઓ આધિભૌતિકમાંથી આધિદૈવિક બની અચેતનમાંથી ચેતન બની તે પ્રાણ – પ્રતિષ્ઠાથી ફલ દાન કરે છે, તો આપણો આધિભૌતિક દેહ પણ શબ્દ બ્રહ્મથી આધિદૈવિક કેમ ન બને ? (2) “તદ સ્પર્શે તદરૂપ” મુજબ બ્રહ્મનો સ્પર્શ થતાં આધિભૌતિક સામગ્રી આધિદૈવિક બને છે તો શબ્દ બ્રહ્મરૂપ શબ્દથી આપણો આધિભૌતિક દેહ આધિદૈવિક કેમ ન બને ?
 
પ્રથમ પ્રશ્નનો જવાબ – વાક્ એવ બ્રહ્મ છે. તે મંત્રિવિધિ પૂર્વક કરવામાં આવે ત્યારે અસર કરે. તેથી પ્રતિમામાં પૂર્ણ પૂરૂષોત્તમનો આર્વિભાવ કરાય છે. શબ્દ બ્રહ્મ પોતે આધિદૈવિક નથી, તો પછી એ તમારી આધિદૈવિકતા કેવી રીતે સિદ્ધ કરે ? શબ્દ બ્રહ્મ આધ્યાત્મિક છે તે ઉપર જોઇ ગયા. બ્રહ્મ અંશ ના બને, અંશી સેવક જ રહે, બીજો પ્રશ્ન : “તદ સ્પર્શે તદરૂપ” ભૌતિક સામગ્રી પૂર્ણ પુરૂષોત્તમ પરબ્રહ્મના સ્પર્શથી જરૂર આધિદૈવિક થાય છે. મહાપ્રસાદ ભગવદ્ સ્વરૂપ તુલ્ય મનાય છે જ. પરંતુ એ જ પ્રભુના આપણે રોજ ચરણસ્પર્શ કરીએ છીએ તો આપણે કેમ ભગવદ્ તૂલ્ય – આધિદૈવિક નથી થતાં ? આપણે અહંતા – મમતા, સંસાર આસક્તિ –વાળા જીવો છે. અવિદ્યાથી વ્યાપ્ત છે. પ્રભુએ ધરેલી સામગ્રી – અવિદ્યાવાળી નથી – નિર્ગુણ છે. તેમ ચિત્ર-પ્રતિમા નિર્ગુણ છે. તે જરૂર મંત્રથી આધિદૈવિક બની શકે, આપણો દેહ નહીં. આપણે પુષ્ટિમાર્ગમાં તો સેવા દ્વારા ક્રમે-ક્રમે પ્રેમ-આસક્તિ-વ્યસન દશા સિદ્ધ થયે છેલ્લે ફલપ્રાપ્તિમાં આપણે આપણો આધિદૈવિક દેહ પ્રાપ્ત કરી લીલા લોકમાં જઈ શકીએ, તેમ 84/252 ભક્તો થયા તેમ. અત્યારે કલિયુગમાં આ પંચમહાભૂતનો નાશવંત દેહ આધિદૈવિક ન બને !
 
પ્રભુ જ્યારે અવતારકાલમાં પ્રગટ હોય તો પ્રમેય બળથી ભૌતિક દેહને આધિદૈવિક કરી શકે. જેમ સારસ્વત કલ્પમાં શ્રુતિરૂપા ગોપીજનોના દેહને ગિરિરાજધારણ લીલા(આશ્રયલીલા) વખતે 7 દિવસ રાત – દિન સન્મુખ રાખી આધિદૈવિકતા સિદ્ધ કરી હતી. ચીરહરણ લીલામાં ઋષિરૂપા ગોપીજનોના દેહ શ્રીયમુનાજી દ્વારા આધિદૈવિક થયા છે. અત્યારે અનઅવતારકાળ છે. તેમાં તો શ્રીવલ્લભે બતાવેલા માર્ગે 84/252 ચાલ્યા એ રીતે જ ચાલવાથી મૂલધામમાં – ગોલોકમાં જવાય. અન્ય કોઈ રીતે નહીં. છતાં પ્રભુ સર્વ સામર્થ્ય છે. કર્તું, અકર્તું, અન્યથા કર્તું શક્ય છે. પોતે ધારે તે કરી શકે. કંઈ અશક્ય નથી. પ્રમેયબળથી પ્રભુ સર્વ કાંઇ કરી શકે છે. – અવતારકાલમાં પ્રભુ પોતાના સ્વરૂપ અને લીલાથી જીવોનો ઉદ્ધાર કરે અને અનઅવતારકાલમાં સેવા, સ્મરણ, ગુણગાન, ધ્યાન, પુષ્ટિમાર્ગના રસ્તે ચાલી શ્રીમહાપ્રભુજીના સિદ્ધાંતથી જીવવાથી જીવોનો ઉદ્ધાર શક્ય છે જ “શ્રીવલ્લભ ચાહે સોઈ કરે.” સેવા અને સ્મરણથી પ્રભુના ધર્મો આપણા હૃદયમાં પ્રવેશ કરે, હૃદય શુદ્ધ કરે. પછી પ્રભુ સ્વયં તે હૃદયમાં આવી બિરાજે છે. કારણ કે છ ધર્મો એ પ્રભુની ભાર્યાઓ છે. તે જીવમાં પ્રવેશે હૃદયમાં. એટલે જ્યાં સ્વામિજીઓ પધારે ત્યાં સ્વયં પ્રભુ જરૂર પધારે જ.
 
“શ્રીવલ્લભ ચાહે સોઈ કરે,
જો ઉનકે પદ દ્રઢ કરી પકરે,
મહા રસ સિંધુ ભરે ।।1।।
વેદ, પુરાણ, સુઘડતા સુંદર,
ઈન બાતે ન સરે ।
શ્રીવલ્લભ કે પદરજ ભજકે,
ભવસાગર તે તરે ।।2।।
નાથ કે નાથ અનાથ કે બંધુ,
અવગુણ ચિત્ત ન ધરે ।
પદ્મનાભકો અપુનો જાનકે,
બૂડત કર પકરે ।।3।।
 
આ કલિયુગમાં કેવલ શ્રીવલ્લભનો અનન્ય દ્રઢ નિષ્ઠાપૂર્વક આશ્રય કરવાથી પુષ્ટિફલની પ્રાપ્તિ છે.
શ્રીવલ્લ્ભ શરણ થકી સહુ પડે સહેલું...... (શ્રીદયારામભાઈ)

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.