પુષ્ટિમાર્ગમાં ભાવ-ભાવનાનું મહત્વ
spacer
spacer

- કંચનભાઈ ગાંધી, વડોદરા

પુષ્ટિમાર્ગમાં જે કાંઈ મહત્વનું છે તે ભાવ જ છે. પુષ્ટિપ્રભુ ભાવાત્મા છે. પુષ્ટિમાર્ગ ભાવાત્મક છે, ગદ્યમંત્ર ભાવાત્મક છે, પ્રભુનું સ્વરૂપ અને ભાવનું દાન પણ ભાવાત્મક છે. આમ સર્વ કાંઇ છે તે સઘળુ ભાવાત્મક છે. ‘ભજ સખી ભાવ ભાવિક દેવ.’ પ્રભુ સ્મરણ અને સેવા ભાવપૂર્વક કરવામાં આવે તો જ તે ફલરૂપ છે. ભાવ વગરની સેવા ક્રિયાત્મક છે. ભાવ સારા-સ્વરૂપાત્મક છે. ભાવનું સ્વરૂપ જ નિરાલું છે. શ્રીમહાપ્રભુજી ‘સંન્યાસ નિર્ણય’ ગ્રંથમાં આજ્ઞા કરે છે કે ‘ભાવો ભાવનયા સિદ્ધઃ’ શ્રીહરિરાયજી વાંગમુક્તાવલીમાં કહે છે, ‘પુષ્ટિમાર્ગે ભાવ એવ ફલ સર્વોત્તમ મતમ્’ અનુગ્રહ માર્ગમાં ભાવ જ સર્વોપરી ફલરૂપ મનાયો છે. આ પુષ્ટિભાવનું દાન કૃપાસિંધુ શ્રીવલ્લભ જ કરે છે. પુષ્ટિમાં ભાવના માલિક જ શ્રીગોપીજનો છે.
 
હવે ભાવ અને ભાવના શું છે ? તે જોઇએ. પ્રભુના વિષયમાં રાખેલો પ્રેમ એનું નામ જ ભાવ. ભાવ એટલે વિશુદ્ધ પ્રેમ-સ્નેહ. ભાવના એટલે ભગવદ વિષયક ચિંતન. (કીટભ્રમરન્યાએ) પુષ્ટિમાર્ગની સેવામાં સ્વરૂપભાવના, લીલાભાવના અને ભાવભાવનાનું અતિ આવશ્યક અંગ છે. તે જાણ્યા વિનાની સેવા ક્રિયાત્મક છે. એક વાર શ્રીગોકુલેશનાથજી ગુજરાતના પ્રદેશે બિરાજતા હતા. આપે શ્રીજાનકી વહુજીને આજ્ઞા કરી, ‘આપ પ્રભુની સેવા સુખરૂપ પહોંચજો’ શ્રીજનકી વહુજીએ પૂછ્યું. જય કૃપાનાથ, આપનું સેવ્યસ્વરૂપ તે કઇ લીલાનું છે, તેની ભાવના કેમ કરવી, તે કૃપા કરી દર્શાવો. ત્યારે આપશ્રી ગોકુલેશપ્રભુએ કહ્યું. ‘આપણું સેવ્ય સ્વરૂપ શ્રીગોકુલનાથજી છે. તે સારસ્વત કલ્પની ગિરિરાજ ધારણ લીલા (આશ્રય લીલા)નું સ્વરૂપ છે. તે ચત્રભૂજ છે. બે હસ્તથી વેણું ગ્રહણ કરેલ છે. જમણા શ્રીહસ્તથી શંખ ધારણ કરેલ છે. બે સ્વામિનીજીઓ શ્રીરાધાજી અને શ્રીચંદ્રાવલીજી બિરાજે છે. આ રીતે સ્વરૂપ, લીલાને બરાબર સમજી ભાવના કરી સેવા કરજો’ આમ અહીં શ્રીજાનકી વહુજીને નિમિત્ત બનાવી સઘળી પુષ્ટિ સૃષ્ટિને સ્વરૂપ, લીલા અને ભાવના કરવાની પરોક્ષ આજ્ઞા આપે કરી છે. મહાન સ્વરૂપોની વાણીનું હાર્દ સમજવું દુર્લભ છે.
 
શ્રીગુરૂદેવ દ્વારા ભાવનું દાન થાય ત્યારે જ સેવા ફલરૂપ બને છે. પુષ્ટિજીવને બ્રહ્મસંબંધ વખતે જ દાસ્યભાવનું દાન થયેલું છે. પ્રથમ દાસ્યભાવની જ મુખ્યતા છે. દાસ્યભાવ અને દિનતા સિદ્ધ થયે, પ્રભુ-સેવ્ય સ્વરૂપ આપ જે ભાવે જીવ સાથે વિલસવા ઇચ્છા કરશે તે ભાવનું દાન કરશે. જીવ પોતે મનસ્વી કોઇ ભાવ કરી શકતો જ નથી. અને કદી એવી ચેષ્ટા કરી ભાવ કરે તો તે ફલરૂપ થતો નથી. દાસ્ય, સખ્ય, વાત્સલ્ય, માધુરીભાવ આ બધા ભાવો આપશ્રી પોતે શ્રીવલ્લભ કૃપા કરી દાન કરે તો જ ફલરૂપ છે. પ્રથમ દાસ્ય અને દિનતા જરૂરી છે. હવે ભાવનું કેવું સૂક્ષ્મ સ્વરૂપ છે તે એક પ્રસંગ પરથી જોઇએ.
 
શ્રીગુસાંઈજી આપશ્રી દ્વારકા જતા હતા, સાથે ચાચાજી પણ હતા. રસ્તામાં આપશ્રીએ એક પર્વત જોયો, તે જોઇ ચાચાજીએ કહ્યું, ‘દેખો, એ પર્વતકો દેખતે હી મુજે ગિરિરાજકી યાદ આ ગઇ ?’ ચાચાજીએ કહ્યું, ‘એમ ! પછી ચાચાજીએ લીલાભાવ દ્રષ્ટિથી એ પર્વત પર જોયું’ આમ કૃપાશક્તિ અવલોકનથી પર્વત પરના સર્વ પદાર્થો જડ, ચેતન સૌ અલૌકિક બની ગયા. અને તત્કાલ જેમ આકાશમાં વિજળી ઝબકે તેમ તે પર્વત ચમકીને સીધો જ ગોલોક ધામમાં જઇ શ્રીગિરીરાજજીના બ્રહ્મ શીખરમાં સમાઈ ગયો ! કેવલ એક અલૌકિક ભાવદ્રષ્ટિથી જડ પર્વત ચેતન અને એલૌકિક બની ગયો. તો વૈષ્ણવ જેવા ચેતન પ્રાણી પર જો આવી કૃપા શક્તિની દ્રષ્ટિ પડે તો શું ના ્પ્રાપ્ત કરી શકે ? હા, તે માટે સતત ભગવદ સન્મુખ રહેવું જરૂરી છે. શ્રીગુસાંઈજીએ કહ્યું, ‘ચાચાજી, આ તમે શું કર્યું ?’ ‘મહારાજ, હવે એ ભૂતલ પર રહેવા લાયક ના રહ્યો તેથી તે ગોલોક ધામ ગયો’ આ છે પુષ્ટિ ભાવનું સ્વરૂપ. બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં એક ડોશીનો પ્રસંગ છે. જેમને શ્રીબાલકૃષ્ણજીને પોતાના ભાવથી શ્રીમદનમોહનજી થવું પડ્યું છે. પરેની વાર્તામાં પણ ભાવ એ જ પ્રમાણે બતાવ્યો છે.
 
વાર્તા સાહિત્યમાંથી આપણે આવા ભાવો વિચારતા નથી. અને કેવળ ભાવલા વેડા કરીએ છીએ. જ્યાં ત્યાં ભટકીએ છીએ. સેવ્યને જ સર્વસ્વ અને સાક્ષાત માની સેવતા નથી. પણ જરા વિચાર તો કરો કે, શ્રીમહાપ્રભુજીએ સેવામાં જે સ્વરૂપ પધરાવી આપ્યું છે તે શું ઓછું છે ? ખરા ભાવથી અહીં જ રોજ ઝારી ભરો, નૂતની સામગ્રી કરો, મનોરથો કરો, વૈષ્ણવ ભગવદીયોને પ્રસાદ લેવડાવો. પણ આ નથી થતું. પ્રભુને નિવેદીત કરેલ પૈસામાંથી ખર્ચ કરી બહાર જાય તો જ જીવને યાત્રા કરી, જારી ભરી એવો સંતોષ થાય. આ જીવની કેટલી પામરતા છે. જીવને જે પ્રકારનો સત્સંગ પુષ્ટિ પોષણ જોઇએ તે નથી તેથી તે ભટકે છે. જ્યારે આ બધી બહારની ભટકન મટી જશે, સેવ્ય સ્વરૂપને ઓળખશે, ત્યારે જીવ પુષ્ટિ સેવા કરી શકશે. જ્યાં સુધી સેવ્ય સિવાય બીજા સ્વરૂપને નિરખવાની ઈચ્છા થાય છે. ત્યાં સુધી તે ભાવ વ્યભિચાર છે. પુષ્ટિ પ્રભુ પતિવ્રત ભાવથી વશ થાય છે. વ્યભિચારી ભાવવાળાથી કદી પ્રસન્ન નહિ પણ અપ્રસન્ન જ રહે છે. હા ! નાથ, શ્રીવલ્લભ કૃપા કરે તો જ જીવને આ સત્ય સમજાશે.

ઘણા વૈષ્ણવો સેવા ન બની શકતા હોય ત્યારે માનસીમાં જ એક જગ્યાએ બેસી સેવાની ભાવના કરે છે. આ સેવા ભાવનાને જ તે માનસી કહે છે. અરે ભાઈ, માનસી તો ફલરૂપા છે. તનુ વિત્તજા સેવા મન લગાવી કર્યા પછી, તે સિદ્ધ થાયે માનસી થાય છે. સેવા ન બની આવે ત્યારે એકાંતમાં બેસી સેવ્યની મંગળાથી સેન પર્યંત સેવા ભાવના કરવી તે ભગવદ ચિંતન છે, માનસી નહિ. ભગવદચિંતન (ભાવના) અને માનસીમાં આસમાન જમીનનો ફેર છે. પુષ્ટિમાર્ગમાં અન્નદોષ અને દુઃસંગ દોષ એ ભગવદ પ્રાપ્તિ માટે પહાડ જેવા પ્રતિબંધ છે. ભોગ ધરી પ્રસાદીથી નિર્વાહ કરવો. ગુણગાન કરવા, વાણીનો નિરોધ કરવો, ભગવદીયોનો સંગ કરવો. ભગવદીય ન મળે તો માર્ગમાં નાના મોટા ગ્રંથોનું શ્રવણ – મનન ખૂબ કરવું. આ જ જીવનું મુખ્ય કર્તવ્ય છે. પુષ્ટિમાર્ગમાં જીવે સેવા, પ્રકાર ભાવ-ભાવના રીત-પ્રિત બધું પોતાના દીક્ષા ગુરૂ  પાસે નમ્ર ભાવે, વિનંતી કરી શીખી લેવું. શ્રીગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં ગાય છે, ‘શ્રીપુરૂષોત્તમ ઉત્તમ વરને સમય જોઇ શીશ નમવું’ એકાંતમાં પ્રસન્નચિત્તે બિરાજતા હોય ત્યારે દીનભાવે સન્મુખ દ્રષ્ટિ કરી, આજ્ઞા માગી પૂછવાથી, કૃપા જરૂર કરશે. કૃપા કરવા તો ભૂતલ શ્રમ લઈ બિરાજે છે.

શ્રીવલ્લભશરણ થકી સૌ પડે સહેલું રે.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.