સ્વરૂપ નિષ્ઠા
spacer
spacer

- શ્રી કંચનભાઈ ગાંધી, વડોદરા

પુષ્ટિ જીવનું એકમાત્ર કર્તવ્ય – પ્રભુની સેવા જ છે. શ્રીમહાપ્રભુજી ‘ચતુઃશ્લોકી’માં આજ્ઞા કરે છે “સર્વદા સર્વભવેન ભજનિયો વ્રજાધીપ” પ્રથમ જીવને માર્ગ નિષ્ઠા અને માર્ગમાં રુચી હોવી જરૂરી છે. જો આ નહિ હોય તો પુષ્ટિમાં એ જીવ કશું જ પ્રાપ્ત કરી શકશે નહીં. માર્ગના ગ્રંથો અને સત્સંગ દ્વારા રુચી અને નિષ્ઠા દ્રઢ થાય છે. પુષ્ટિમાર્ગમાં અનન્યતા, આસક્તિ અને સ્વરૂપનિષ્ઠા એ માર્ગનો પ્રાણ છે. સ્વરૂપ નિષ્ઠા દ્રઢ કરવાનો ઉપાય સેવા જ છે. માર્ગની મેંડ મર્યાદાથી શ્રીમહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલીને સેવા કરવાથી જ ફલરૂપ થાય, અન્ય કલ્પીત ભાવનાઓથી નહિ. દાસ્યભાવનું દાન બ્રહ્મસંબંધ વખતે જીવને શ્રીમહાપ્રભુજીએ કરેલું છે. દાસ્ય અને દિનતા સિદ્ધ થયે જીવ સાથે પ્રભુને ભાવે વિલસવું હોય તે ભાવનું દાન ઘરના સેવ્ય પ્રભુ જ કરે છે. બીજુ કોઈ નહિ. આજે તો જીવો આનંદ માટે બહાર મંદિરો, ઉત્સવોમાં દો઼ડે છે. ત્યાંથી શું પ્રાપ્ત કરી લાવે છે ? બે ઘડી આભાસી આનંદ થયો. આનંદનું સ્વરૂપ તો પ્રભુનું છે તે નિત્ય છે. અખંડ છે. તેનો નાશ થતો નથી. એવા અખંડ આનંદનો અનુભવ કરાવવા શ્રીવલ્લભે વૈષ્ણવને માટે તેનો ઉદ્ધાર કરવા સેવ્ય સ્વરૂપ પધરાવી આપ્યું છે. સકલ ગોલોક ધામનીસંપત્તિ સહિત જીવના ઘરમાં જે સ્વરૂપ બિરાજે છે. છતાં જીવને એની પહેચાન નથી. તેથી બહાર ભટકે છે ! સેવ્ય સ્વરૂપમાં સાક્ષાત પૂર્ણ પુરૂષોત્તમ, ગુરૂઘરનું નિધિ સ્વરૂપ અને નખશિખાંત સુધા સ્વરૂપે શ્રીવલ્લભ બિરાજે છે. આવા અલૌકિક પ્રભુને ત્યજી જીવ બહાર સુખ-આનંદની લાલસાએ દોડે છે. પુષ્ટિમાર્ગમાં સેવા એકાંતમાં એકલાએ જ કરવાની હોય છે. સમૂહમાં નહિ. લૌકિકમાં યુવક-યુવતી પરણીને ઘરના ખૂણે એકાંતમાં સંસાર સુખ માણે છે, બહાર ગ્રુપમાં, ટોળામાં નહિ. તેમ પુષ્ટિ જીવનું છે.

પુષ્ટિમાર્ગમાં દરેક અવસ્થાએ સાધન કે ફલ અવસ્થાએ દાસ્ય ભાવ મધ્યસ્થ રાખવાનો છે. જો દાસ્યભાવ ચૂકી ગયા તો પ્રભુ અંતરધ્યાન થઈ જશે. વાત્સલ્ય કે માધુરી ભાવના ભાવલાં વેડાં કરવાથી અનઅધિકાર ચેષ્ટાથી અપરાધના ભાગીદાર થવાય છે. સંસાર આવેશ છૂટ્યો નથી ત્યાં સુધી દાસ્યભાવ સિદ્ધ કરો. રાસપંચાધ્યાયીમાં પ્રભુ જ્યારે ગોપીજનોને માન-મદ થયો ત્યારે અંતરધ્યાન થઈ ગયા. પ્રભુએ આ ગુણાતીત ગોપીને લઈને પ્રભુ બિરાજી ગયા. પ્રભુએ આ ગુણાતીત ગોપીને (રાધા-સહચરી)  સ્વામિની ભાવનું દાન કર્યું. પોતે સ્વરૂપાનંદનો – રસદાન કરવાનો વિચાર કર્યો. એટલામાં એ ગોપીએ પ્રભુને વિનંતી કરી, “હું થાકી ગઈ છું. પ્રભુ, આપ મને કંધા પર લઈ લો.” પ્રભુએ વિચાર કર્યો, આ ગોપી રસદાનને પાત્ર નથી. તેથી આપ અંતર ધ્યાન થઈ ગયા. પછી એ ગોપીને સ્વદોષનું જ્ઞાન થયું. ખૂબ રુદન કર્યું, “હે નાથ ! ક્યાં છો ? ક્યાં છો ? હું તમારી દાસી છું મને ત્યજી ના દેશો.” જોયું ? દાસ્ય ભાવ વિસરાઈ ગયો જેથી પ્રભુ અંતરધ્યાન થઈ ગયા. વિચાર કરો વૈષ્ણવો કે મનસ્વી ભાવલા વેડા કરવાથી પ્રભુ તમારા ઘરમાંથી જતા રહે કે નહિ ?


સારસ્વત કલ્પમાં નંદાલયમાં અવતાર કાલનું સ્વરૂપ પ્રગટ થયું. શ્રુતિરૂપા અને ઋષિરૂપા ગોપીજનોને આપે વરદાન આપ્યું હતું કે તમારો મનોરથ હું સારસ્વત કલ્પમાં વ્રજમાં પૂર્ણ કરીશ. પ્રભુએ પ્રગટ થઇ બાલ લીલાથી લઘુરાસ પર્યંત અનેક લીલાઓ કરી, જેમકે માખણ ચોરી, ગોચારણ, દાન-માન, પનઘટ, હોરીખેલ વગેરે. આ બધી લીલાઓ દ્વારા પ્રભુએ ગોપીજનોને સ્વરૂપનિષ્ઠ કર્યા. આ બધી લીલાઓ ધર્મ સ્વરૂપે કરી. પછી તેઓના આધિદૈવિક દેહ સિદ્ધ કરી આપે રાસમાં તેમનો અંગીકાર કર્યો ધર્મી સ્વરૂપથી. આવું શ્રીગોપીજનોના જેવું સુખ પ્રાપ્ત કરાવવા શ્રીમહાપ્રભુજીએ આ કલિકાલમાં જીવને શરણે લઈ સેવ્ય સ્વરૂપ પધરાવી આપ્યું. જેથી સેવા દ્વારા, ગુણગાન, સ્મરણ, ધ્યાન દ્વારા જીવ પ્રભુ સન્મુખ રહે. ક્રમે ક્રમે પ્રેમ, આસક્તિ, વ્યસન અને ફલની પ્રાપ્તિ કરે. શ્રીમહાપ્રભૂજી મહા કારુણિક છે. અદેયદાની છે., નીજ દૈવી જીવો પર કરુણાકરી સાક્ષાત ધર્મિ સ્વરૂપનો સંબંધ બ્રહ્મસંબંધ દ્વારા કરાવી આપ્યો છે. સેવાના 360 દિવસોમાં ઉત્સવો આદિમાં એ જ સારસ્વત કલ્પની લીલાને પ્રસ્થાપિત કરી આપી છે. જેથી શ્રીગોપીજનોના જેવું પરમ ફલ પ્રભુના સ્વરૂપાનંદનો અનુભવ પુષ્ટિ દૈવીજીવ કરી શકે, જ્યાં સુધી અન્યમાં સ્નેહ થાય છે ત્યાં સુધી સેવ્યમાં સ્નેહ થયો નથી. એકવાર શ્રીગોકુલનાથજી પોતાના એક સેવકને ત્યાં પધાર્યા હતા. એ સેવકે આપશ્રીને વિનંતી કરી, “કૃપાનાથ ! અમારા ગામમાં એક વૈષ્ણવ સ્ત્રી-પુરૂષ અનન્ય રહે છે.” શ્રીગોકુલેશે અનન્ય જાણી મળવા જવાની ઇચ્છા કરી ત્યાં પધાર્યા. પેલી સ્ત્રી શ્રીગોકુલનાથજીના સ્વરૂપમાં આસક્ત થઈ ગઈ. શ્રીગોકુલેશ ત્યાંથી પાછા પધાર્યા. પહેલા સેવકને કહ્યું, “આ સ્ત્રીમાં અનન્યતા – સ્નેહ દ્રઢ નથી.” જો એના સ્વરૂપમાં એને અનન્યતા, સ્વરૂપનિષ્ઠા હોય તો મારામાં એને સ્નેહ-આસક્તિ કેમ થાય ? જુઓ અનન્યતાનું લક્ષણ, સ્વરૂપ શું છે તે શ્રીગોકુલનાથજીના આ પ્રસંગથી સમજી શકાય છે.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.