પુષ્ટિમાર્ગમાં તાપભાવ જ ફલરૂપ છે
spacer
spacer

મૂળ ગોલોક ધામમાંથી દૈવીજીવ ભૂતલમાં આવી પડ્યો છે. ઘણો સમય થઇ જવાથી તે પ્રભુના સ્વરૂપને, લીલાને, લીલા ધામને અને પોતાના નિજ લીલાના સ્વરૂપને પણ ભુલી ગયો છે. અનેક જન્મોથી સંસારમાં ભટકવાથી તે મૂઢમતિ બની ગયો છે. શ્રીવલ્લભની કૃપાથી આ જન્મે શરણે આવી બ્રહ્મસંબંધ પ્રાપ્ત કર્યું છે. ગદ્ય મંત્રમાં પુષ્ટિ જીવે શું પ્રાપ્ત કરવાનું છે, તેનો અંગૂલીનિર્દેશ કરેલો છે. તાપકલેશ તિરોભાવ થયો છે. સેવા, સ્મરણ, ગુણગાન, ધ્યાન દ્વારા તાપ ભાવની પ્રાપ્તિ કરવાની છે. સેવા ફળરૂપ થતાં જ શ્રીવલ્લભ તાપભાવનું દાન કરે છે. આપ શ્રીવલ્લભ તાપાત્મક સુધા સ્વરૂપ છે. જેવી રીતે પ્રભુ જ્યારે અંતરધ્યાન થયા,ત્યારે શ્રીગોપીજનોએ અનેક સાધન પ્રભુને શોધવા કર્યા, છતાં પ્રભુ ન મળ્યા. છેવટે ખૂબ તાપભાવ, વિરહથી, રૂદન કરતાં ગોપીગીતનું ગાન કર્યું. ત્યારે તેઓની મધ્યમાં પ્રભુ પ્રગટ થયા. આમ પ્રભુ માટે કોઇ સાધન કામ નથી આવતું પણ તાપાત્મક ગુણગાન જ ફલરૂપ છે.

આજના મૂઢ જીવો સંસાર આસક્તિમાં રચ્યા-પચ્યા રહે છે. દૈવી હોવા છતાં પ્રભુ પ્રાપ્તિનો તાપ નથી, આર્તિ નથી. એનું મુખ્ય કારણ સત્સંગનો અભાવ, દુઃસંગ અને દુષ્ટઅન્ન છે. આ બધા મહાન પહાડ જેવા પ્રતિબંધ છે. 20-25 વર્ષથી ભોગ ધરી લેતા વૈષ્ણવો છે, છતાં તેઓમાં તપ કે વિરહ જોવા નથી મળતો. જીવને જે અલૌકિક ચિંતા હોવી જોઇએ એ નથી. કોઇ એવો હરિનો લાલ, વિરલો, રસિકજન કે જેના નેત્રોમાં પ્રભુ મિલનની અર્તિ હોય, અશ્રુની ધારા વહેતી હોય, એવાનાં દર્શન થતાં નથી. ભૂતલ પર જરૂર એવા શ્રીવલ્લભજનો છે, જેઓ સ્વરૂપમાં જ ડૂબેલો રહે છે. તેઓ કોઇનો સંગ કરતા નથી, આવા જનો માટે સંગ પણ બાધક હોય પછી તેઓને સંગ ક્યાંથી પ્રાપ્ત કરી શકીએ ? એવી ભગવદીઓનું સ્મરણ પણ ફલરૂપ બની જાય છે. તેમના સ્મરણથી જીવના પાપોનો નાશ થાય છે.
 
સમય કાળ વહી જાય છે. આ જીવનું આયુષ્ય ક્ષણે ક્ષણે ક્ષીણ થતું જાય છે. કશી જ પ્રાપ્તિ વિના સમય જતો રહે છે ! જ્યારે કોઇ વૈષ્ણવને અકાળે રોગગ્રસ્ત કે પ્રભુશરણ થઈ જતા જોઉં છું ત્યારે હૃદયમાં અપાર વ્યથા અનુભવું છું. અરે, પ્રભુ આ દેહ આવો ક્ષણભંગૂર ! પ્રભુને શરણે આવી, સેવા દ્વારા જો પ્રભુના સ્વરૂપનો સાક્ષાત્કાર ના કર્યો તો આ જીવનનો શો અર્થ ? જીવન ફેરો નકામો જવાનો ? દરેક જાગૃત પુષ્ટિ જીવે આનો વિચાર કરવો જોઇએ એવું નથી લાગતું ? હા નાથ ! હું તારે લાયક ક્યારે બનીશ એવી હાય હૃદયમાંથી ક્યારે ઉઠશે ? દેહ સશક્ત હોય ત્યારે બને તેટલો સમય સેવા-સ્મરણમાં જ કાઢવો જોઇએ નહીં તો કાળથી ઠગાઇ જઇશ ! કાળનો શો ભરોસો ? જ્યારે શ્રીમહાપ્રભુજીને શરણે આવવા જીવ આજ્ઞા માંગતા, ત્યારે પોતે કહેતા, ના હમણાં નહીં,. અમે પૃથ્વી પરિક્રમામાં છીએ. ત્યારે જાગૃત જીવ શું જવાબ આપે. ‘કૃપાનાથ, આ દેહનો શો ભરોસો’ આ દૈવીજીવના તાપભાવનું લક્ષણ જોવા મળે છે. આપ તુર્તજ તે જીવને શરણે લઇ સેવા પધરાવી બધી સેવા રીત શીખવી આજ્ઞા કરતા. ‘જા, હવે તું ઘેર જઇ સેવા કરજે.’
 
જીવને પ્રભુના સ્વરૂપમાં શુદ્ધ સ્નેહ જ નથી થયો. જો સ્નેહ થયો હોય તો સેવ્યને મુકી વ્રજયાત્રા, બેઠકયાત્રા, મનોરથોમાં દોડ મુકે ? અરે વર્ષોથી સેવા કરો છો, કદી તમને સ્વપ્નમાં પણ જો તમારા સેવ્યનાં દર્શન ન થાય તો તમારી સેવા કેવી ? વિચાર કરો. કારણ, ચિત્તમાંથી વાસનાનો ઉકરડો કાઢ્યો નથી. તાપાત્મક શ્રીવલ્લભના ગુણગાન, શ્રીસર્વોત્તમજી, ષોડશગ્રંથના શ્રવણ-મનનથી જ આ પ્રતિબંધો દૂર થશે. જે શ્રીવલ્લભની કૃપાથી સકલ સ્વરૂપાનંદ, લીલા વિ. અનુભવ કરાવવા સેવ્ય સ્વરૂપ બિરાજે છે, તેને જ સર્વસ્વ અને સાક્ષાત માની સેવા કરવી જોઇએ. બીજે ક્યાંય જવાની જરૂર નથી. 84/252 ભગવદીઓએ જે કાંઇ ફલપ્રાપ્તિ કરી છે તે સેવ્યની સેવા દ્વારા જ કરી છે, વાર્તાઓ રોજ વાંચી જવી છે પરંતુ ભાઈ, એ ભગવદ ચરિત્રો ખાલી વાંચવા માટે નથી કર્યા. આપણા જીવનમાં ઉતારવા માટેના એ ચરિત્રો છે. આ વિશે કદી વિચાર જીવને નથી આવતો, શું ?
 
લેખક : કંચનભાઈ ગાંધી, વડોદરા

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.