વિષમકાળ અને પુષ્ટિમાર્ગ
spacer
spacer

- શ્રી કંચનભાઈ ગાંધી, વડોદરા

અત્યારનો સમય અણુ યુગનો છે. ઝડપી યુગ છે. માનવીનું મન પણ ઝડપી અને અતિ ચંચલ છે. આવી વિષમ પરિસ્થિતિમાં પુષ્ટિ જીવે બચવા શું કરવું ? જ્યાં જુઓ ત્યાં શ્રીમહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરૂદ્ધ જોવી મળી રહે છે. દુઃસંગમાં અન્યાશ્રય જોવા મળે છે. અસમર્પિત ખાનપાન વગેરે....
 
દરેક માનવી ઇન્દ્રિયોના સુખની શોધમાં દોડી રહ્યો છે. ક્યાંય સાચા આનંદ સુખની પ્રાપ્તિ થતી નથી. ફક્ત તે આનંદનો આભાસ છે. જાંજવાના નીર જેવું છે. ક્ષણીક અલ્પ સુખ માટે જીવનનો કિંમતી સમય અને તમ, મન, ધન વેડફી રહ્યો છે. પરંતુ પુષ્ટિ જીવ વિચાર કરે તો એને સમજાય કે સાચું સુખ તો તેના અંતરમાં છે. માનવી આંતરમુખી બને તો કાંઈ પણ પ્રાપ્ત કરી શકે છે. હાલમાં પુષ્ટિ જીવ ફક્ત શ્રીમહાપ્રભુજી, શ્રીગુસાંઇજી, શ્રીહરિરાયજી, આદિ મહત આચાર્યોના ગ્રંથોનું જ શ્રવણ-મનન કરે તો કાંઈ પ્રભુકૃપા પ્રાપ્ત થાય. હું શ્રીવલ્લભકૃપાથી વૈષ્ણવ બન્યો, મારું કર્તવ્ય શું ? મારે શું પ્રાપ્ત કરવાનું છે ? હું આ ભૌતિક જગતનો મૂળ વતની નથી. હું નિજ ગોલોકધામમાંથી નાના મોટા અપરાધથી પ્રભુથી અને લીલાધામથી વિછર્યો છું. ભૂતલમાં આવી બધું જ ભૂલી ગયો છું. પુષ્ટિમાર્ગના ગ્રંથોમાં સાક્ષાત શ્રીમહાપ્રભુજી નામાત્મક સ્વરૂપે બિરાજે છે. એમનો જ આશ્રય કરી જીવે દઢ શ્રદ્ધાથી રહેવું. 84/252 ભગવદીયોની વાર્તાઓમાં જે પુષ્ટિ સિદ્ધાંતો બતાવ્યા છે, તેનું જ અનુકરણ-આચરણ સમજપૂર્વક હિત-અહિત-ધર્માધર્મનો વિવેક રાખી જીવનમાં એનું પાલન કરવું. એ સિવાય બીજે ભટકવાથી કાંઈ પ્રાપ્ત કરવાનું નથી. મનથી દ્રઢ નિશ્ચય કરવો કે શ્રીમહાપ્રભુજીના સિદ્ધાંત વિરૂદ્ધ જમા થતું હોય, કહેવાતું હોય ત્યાંથી દૂર ખસી જવું. જે થાય છે, જે થઈ રહ્યું છે એ પણ પ્રભુની જ ઈચ્છાથી થાય છે એમ નિશ્ચય માનવું. મનમાં એ વિશે જરા પણ દોષ બુદ્ધિ લાવવી નહિં. નહિંતો પોતાનો જ બગાડ થશે. જે પ્રાપ્ત કર્યું હશે તે પણ ખોઈ બેસીશું. શ્રીહરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે મહાપુરૂષોની બુદ્ધિને પણ હરી લે તેવો આ કલીકાલ આવ્યો છે, માટે જીવે સાવધાન રહી પુષ્ટિમાર્ગના ગ્રંથોનું જ સેવન કરવું. ચારે તરફ ઘરમાં આગ લાગી હોય અને જીવ બચાવવા જેમ માનવી પ્રયત્ન કરે, તેવી સ્થિતિ પુષ્ટિ જીવની આજે થઈ રહી છે. બધે ભટકવાથી દુઃસંગ જ પ્રાપ્ત થશે. ઘરના ખૂણે પોતાના સર્વસ્વ ધન સેવ્યનિધિની સેવા કરી બેસી રહેવું જ ઉચીત છે.
 
શ્રીમહાપ્રભુજીના સ્વરૂપને સમજવું આ જીવ માટે અત્યંત દુર્લભ છે. આપ સ્વયં કૃપા કરી દર્શાવે તો જ શક્ય બને તેમ છે. કેવલ કૃપા સાધ્ય છે, સાધન સાધ્ય નથી. શ્રીવલ્લભ અને શ્રીજીનો અભેદ છે. શ્રીવલ્લભ અને શ્રીવિઠ્ઠલનો અભેદ છે. શ્રીવલ્લભ અને દમલાજીનો અભેદ છે. શ્રીવલ્લભ પૂર્ણપુરૂષોત્તમ રૂપે સનમનુષ્યાકૃતિ આચાર્યરૂપે ભૂતલ ઉપર દૈવી જીવોનો ઉદ્ધાર અર્થે પ્રગટ થયા છે. આપ હરિવદનાનલ છે, આપ વૈશ્વાનર, તાપાત્મક, સુધા સ્વરૂપ છે. આપશ્રીનું સ્વરૂપ ભાવાત્મક છે એ કોઈ ચોક્કસ ભાવ કે મર્યાદામાં બંધાઈ જાય એવું સ્વરૂપ નથી. અતિ વિલક્ષણ છે. ધોતી ઉપરણામાં બિરાજતા શ્રીવલ્લભ એમાં જ સિમિત નથી. શ્રીવલ્લભ તો એથી પણ પર છે. નીજ અંતરંગ સિવાય એ સ્વરૂપ કોઇને વેદ્ય નથી. આજે તો વિપરિત સ્થિતિ જોવા મળે છે. એના જ જનો શ્રીવલ્લભના પૂતળા બનાવી એ સ્વરૂપને દર્શાવી રહ્યા છે. કારણ કે આજના યુગમાં કંઈક આધુનિક કરવાની મનોકામના, મહેચ્છા રહી આવે તે સ્વભાવિક છે. જીવનો એ ધર્મ છે જે કાળમર્યાદાને આધિન છે. મોટી સંખ્યામાં સભાઓ શોભાયાત્રાઓ કરી પ્રચાર પ્રસાર કરવો. આ શુદ્ધ પુષ્ટિમાર્ગ નથી. પુષ્ટિનો પ્રચાર – પ્રસાર થઈ શકતો જ નથી. જે નીજ જન છે. દૈવી છે, તે તો પ્રભુની ખોજ કરતો જ રહેશે. પ્રાપ્ત કરી લે છે. કૃષ્ણદાસ મેઘનના ગુરૂએ કહ્યું, “કોઈ મહાન ભગવદ્ સ્વરૂપ ભૂતલ પ્રાદુર્ભૂત થયું છે.” બસ, દૈવી હતા તુર્ત દોડી ગયા. શોધ કરી, પ્રાપ્ત કર્યા. આ છે પુષ્ટિમાર્ગ. પોતાના સર્વસ્વ સ્વરૂપનો ઉત્સવ ગુપ્ત રીતે નીજ જનોમાં જ ગૃહમાં કે મંદિરોમાં ઊજવાય. બીજા અન્ય માર્ગીય આચાર્યો કે લોકોના સમૂહ વચ્ચે નહીં. શ્રીવલ્લભનું સ્વરૂપ જગત કે જાહેર માટે નથી. દૈવી જગત માટે જ છે. આપશ્રી વલ્લભનું સ્વરૂપ કેવું છે ? એક પ્રસંગથી જોઇએ.

શ્રીમહાપ્રભુજીનું સ્વરૂપ ચિતરવા માટે બાદશાહની આજ્ઞાથી તે સમયનો મહાન ચિત્રકાર હોનહાર આપશ્રી સમક્ષ આવ્યો. વિનંતિ કરી કે બાદશાહની ઈચ્છા પ્રમાણે આપશ્રીનું ચિત્ર દોરૂં, આપશ્રી કાંઈ બોલ્યા નહિં. ચિત્રકાર ચિત્ર દોરવા માંડ્યો, પણ એ શ્રીવલ્લભનું ચિત્ર દોરી શક્યો જ નહિ. થાકીને શ્રીમહાપ્રભુજીને વિનંતી કરી, કૃપા કરી આપશ્રીનું ચિત્ર હું દોરી શકું તેવી કૃપા કરો. શ્રીમહાપ્રભુજીએ આજ્ઞા કરી, સામે શ્રીયમુનાજીમાં સ્નાન કરી અપરસમાં આવો. ચિત્રકાર સ્નાન કરી આવ્યો, આપશ્રીએ અષ્ટાક્ષર મંત્ર આપી આજ્ઞા કરી, હવે તમે ચિત્ર દોરો. આમ શ્રીવલ્લભની કૃપાથી એ ચિત્રકાર ચિત્ર દોરી શક્યો, તો આજે તેમના પૂતળા બનાવવાની કેવી આજ્ઞા થઈ હશે, પ્રભુ જાણે. કાળ કાળનું કાર્ય કરે છે. સામાન્ય જીવોએ એ વિચારવાનું રહેતું જ નથી. શ્રીમહાપ્રભુજીના સિદ્ધાંતની વિરૂદ્ધ લાગે તો ત્યાંથી ખસી જવું.

“શ્રીવલ્લભ શરણ થકી સૌ પડે સહેલું.”– દયારામ

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.