શ્રીમહાપ્રભુજીનાં સિદ્ધાંતનું ઉલ્લંઘન એ જ અપરાધ
spacer
spacer

કંચનભાઈ ગાંધી, વડોદરા

શ્રીમહાપ્રભુજીએ નીજ દૈવી જીવોના ઉદ્ધાર અર્થે ભાવાત્મક સેવા માર્ગ – કૃપામાર્ગ પ્રગટ કર્યો. અને માર્ગના સિદ્ધાંતો ભૂતળના જીવો સમજે અને જીવનમાં ઉતારે એ માટે નીજ ચોરાસી ભક્તોની વાર્તાઓમાં તે દર્શાવ્યા છે. એમાંથી આજે રજોબાઈની વાર્તાનો એક પ્રસંગ અવલોકીએ :
 
એકવાર શ્રીલક્ષ્મણ ભટ્ટજીના શ્રાદ્ધનો દિવસ હતો. શ્રીમહાપ્રભુજીએ બ્રહ્મ ભોજન માટે બ્રાહ્મણોને બોલાવ્યા હતા. તે સમયે સામગ્રી માટે ઘી ઓછું હતું. જેથી શ્રીમહાપ્રભુજીએ રજોબાઈને ત્યાં ઘી લેવા માટે એક માણસને મોકલ્યો. રજોબાઈએ એ માણસને કહ્યું, “મારે ત્યાં ઘી નથી.”એ માણસ ત્રણ વાર આવ્યો અને ત્રણેય વાર ઘી આપ્યા વિના રજોબાઈએ તેને પાછો કાઢ્યો. અહીંયા રજોબાઈની પરીક્ષા કરવા અર્થે જ શ્રીમહાપ્રભુજીએ માણસને ઘી લેવા મોકલ્યો છે. ઘી નહીં આપવાનું કારણ એ હતું કે પુષ્ટિ દૈવી જીવોએ વૈદિક, લૌકિક અને કૌટુંબિક આમ ત્રણે પ્રકારના આચરણના નિયમો ક્યારે ઉલ્લંઘન કરી શકાય અને સેવા શુદ્ધ ભાવે કરી શકાય તે દર્શાવ્યું છે. આમ આ ભાવને ભૂતલના અત્યારના જીવો સમજે એવા હેતુથી જ શ્રીમહાપ્રભુજીએ ઘી લેવા મોકલ્યો હતો. ઘી કયા કાર્યમાં લેવાનું હતું, તેનો વિવેકપૂર્વક સમજી અમલ કરવાનો હતો. જો ઘી શ્રીઠાકોરજી માટે મંગાવ્યું હોત તો જરૂર આપત. શ્રાદ્ધ અર્થે મંગાવ્યું જેથી રજોબાઈએ ના પાડી. રજોબાઈ કહે છે કે, ‘હું શ્રીલક્ષ્મણ ભટ્ટજીની દાસી નથી ! હું તો શ્રીમહાપ્રભુજીની દાસી છું’ આમ ખુમારીપૂર્વક જવાબ આપે છે. આ જે પુષ્ટિભક્તનું સ્વરૂપ, કેવલ શ્રીમહાપ્રભુજીએ મંગાવ્યું માટે આપવું જોઇએ એ વાત અહીં નથી. ક્યાં કઇ ઠેકાણે એને વિનિયોગ કરવાનો છે તે મહત્વનુ છે. નિવેદિત જીવનું જે કાંઈ છે, તન-મન-ધન તે સર્વનો વિનિયોગ પ્રભુ માટે જ થવો જોઈએ. એનો અન્ય વિનિયોગ કરાવવો તે જ અપરાધ છે. શ્રીવલ્લભના સિદ્ધાંતો હાલમાં નહીં સમજવાથી મોટો અનર્થ જીવો કરી રહ્યાં છે. સર્વસ્વ પ્રભુને અર્પણ કરનાર જીવનું પોતાનું કશું જ નથી. આ મૌલિક મુખ્ય સિદ્ધાંત પુષ્ટિ માર્ગનો છે.
 
ઉપરના પ્રસંગને હાલમાં ભૂકંપ ગ્રસ્તવિસ્તારના થઈ રહેલા કાર્યોના સંદર્ભમાં વિચારીએ. જેઓએ ત્યાં ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં ગામો દત્તક લીધાં છે, અને લોકકલ્યાણ-જનકલ્યાણના નામે વૈષ્ણવ સૃષ્ટિને ધનનો વિનિયોગ કરવા માટે અપીલ કરી રહ્યા છે ! ત્યાં ઉપરનો રજોબાઈનો પ્રસંગ વિચારણિય થઈ પડે છે. વૈષ્ણવ સૃષ્ટિનું ધન શ્રીહરિ-ગુરૂ-વૈષ્ણવ માટે જ ચે. અન્ય વિનિયોગ માટે નથી. પુષ્ટિ સૃષ્ટિને પ્રભુએ નીજની સેવા અર્થે પ્રગટ કરી છે. નહીં કે અન્ય કાર્યો માટે. કીડીથી કુંજર સુધીના જીવો પર દયા કરવી એ વૈષ્ણવનું કર્તવ્ય છે. શ્રીગુસાંઇજીના માર્ગમાં કુંજરી તરસે મરતી પડી હતી, તેથી ખાસા ઝારીજીનું જલ પાઇ બચાવી લીધી. શ્રીગુસાંઇજી શ્રીહસ્તમાં ઝારીજી લઈ એવી કુંજરીઓને શોધવા કદી નિકળ્યા નથી ! વૈષ્ણવ પરિવારમાં શ્રીમહાપ્રભુજીના ત્રણ બેઠકોને ભૂકંપમાં નુકશાન થયું છે. ત્યાં મદદની જરૂર છે જ. આવી પરિસ્થિતિમાં વૈષ્ણવો દ્વીધામાં પડી જાય છે. જ્યાં જ્યાં પરોપકાર દયાના કાર્યોં થતાં હોય છે તેમાં સૂક્ષ્મ અહમ્ અને પ્રતિષ્ઠા અવશ્ય છૂપી વાસનાની જેમ રહે છે. કોઈ વિરલા જ એમાંથી મુક્ત રહી શકે. જડભરતજી હરણનો જીવ બચાવવા ગયા. દયા-ઉપકાર કર્યો. તેમાં આસક્તિ થવાથી ત્રણ જન્મનો ભગવદ પ્રાપ્તિમાં અંતરાય પડ્યો. તો હાલના જીવોનું શું થાય ? આવા સમયે શ્રીમહાપ્રભુજીના અંતરંગ ભક્તોના જીવનચરિત્રોનું અવગાહન અવલંબન રૂપ છે. કાલની પ્રવાહે સતપુરૂષોની બુદ્ધિ પણ હરિ લીધી છે એમ શ્રીહરિરાયજી શિક્ષાપત્રમાં જણાવે છે, ત્યારે શ્રીવલ્લભનું એક અનન્ય શરણ જ ફલરૂપ છે. દુઃસંગ, પ્રતિષ્ઠા અને અહમથી ભલભલા દોષથી ગ્રસ્ત થયેલ છે. જેથી જીવોને સાચી વસ્તુ નહિ સમજાય. શ્રીવલ્લભ જ નીજજનોની રક્ષા કરી બચાવશે.
 
શ્રીવલ્લભ શરણ થકી સૌ પડે સહેલું (દયારામ)

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.