પુષ્ટિ જીવે સદા ધ્યેય પ્રાપ્તિની ચિંતા કરવી
spacer
spacer

શ્રીકંચનભાઈ ગાંધી (વડોદરા)

પુષ્ટિ દૈવી જીવ ગોલોકધામથી ભૂતલમાં પડ્યો છે. અનેક જન્મોના અંતરાય પછી, શ્રીવલ્લભ પ્રભુએ જીવોના ઉદ્ધાર અર્થે ભૂતલ પ્રગટ થયા. બ્રહ્મસંબંધ કરાવી, તેના માથે મૂ લીલાધામસ્થ સ્વરૂપને સેવાર્થે પધરાવી આપ્યું. બ્રહ્મસંબંધ બધાને થતો નથી, જે જીવો મૂળધામથી ભૂતલ પડ્યા છે તેને જ થાય છે. એનું લક્ષણ બ્રહ્મસંબંધ લઈ તેવા જીવને પ્રભુ પ્રાપ્તિનો તાપ થશે. સૈવા વિના રહે નહિ, અસમર્પિત લે નહિ. આ છે દૈવી જીવ જેને બ્રહ્મસંબંધ થાય છે તેની નિશાની. જ્યાં સુધી આ દેહે સેવ્યની સેવા દ્વારા સ્વરૂપાનંદનો અનુભવ પ્રાપ્ત નથી કર્યો તો મેં શું પ્રાપ્ત કર્યું ? કાલ-માયાના પૂરમાં તણાઈ જઈશ. મન જ મોટા શત્રુ છે. મનને વશ કેવલ તાપાત્મક શ્રીવલ્લભના નામ-સ્મરણ શ્રીસર્વોત્તમજીથી જ કરી શકાશે. જીવ સ્વતંત્ર રીતેસેવા કે નામ-સ્મરણ-ધ્યાન કરી શકતો જ નથી. શ્રીવલ્લભ પ્રભુ જ્યારે ભાવનું દાન કરે ત્યારે જ તે નામ-સ્મરણ-સેવા કરી શકે છે. પુષ્ટિમાં ભાવદાન-કૃપા જ નિયામક છે, જીવની ઈચ્છા નહિ. જીવ એના મૂલ વરણીય સ્વરૂપની કૃપાથી જ ફલ પ્રાપ્ત કરી શકે છે. જીવનો અધિકાર વરણીય સ્વરૂપ દ્વારા થાય છે. જ્યાં સુધી ધ્યેય સ્વરૂપ – આધિદૈવિક હું પ્રાપ્ત નહિ કરૂં તો જ્યાં નીજધામમાં પહોંચવું છે ત્યાં કેવી રીતે પહોંચાશે ? મહત્ સ્વરૂપોની વાણી જ મોટું અવલંબન છે. અહીં દયારામભાઈ નું એક પદ જોઈએ : “હરિ હું શું કરૂં રે, માયા ન મૂકે મારો કેડો. કોટી કલ્પ સુધી એણે ભમાવ્યો, ભમું હજી નહીં છેડો ।। મુજથી ન છૂટે, આપ ન છોડાવો, મારો કિયે કાળ નિવેડો ।। સેવા-સ્મરણ કેમ કરૂં, મારો ક્ષણ એસ ન છાંડે હેડો । શું ગજું મારૂં અવિદ્યા જીતીને કરૂં ચરણમાં નેડો. આપ વિના સહુ એના ચેલા, કોને કહું દુઃખ ફેડો ।। દાસી તમારી જયાય ઘેરો ત્યાં, પાછી ફરે જ્યારે તેડો । કરગરી કહું છું કૃષ્ણ કૃપાનિધિ, ચરણ પડ્યો ન ખસેડો । માયા-કાલ અગ્નિથી બચે, “દયો” કૃષ્ણ કૃપા જલ રેડો ।।

ખરેખર, પુષ્ટિ જીવની વાસ્તવિક પરિસ્થિતિ ઉપરના પદમાં જણાવી છે તેવી જ છે. પ્રભુની રચેલી આ કાળ-માયા તરવી કપરી છે. પ્રભુ કૃપા થાય તો પ્રભુમાં સ્નેહ થવો અઘરો નથી, પરંતુ કાળ-માયાને વશ કરવી કઠિન છે. એ ત્યાગ વિના, તાપાત્મક ગુણગાન વિના નહિ થઈ શકે. અત્યાર સુધી એણે જ જીવને ભટકાવ્યો છે. મનને બધું જ કરવું ગમે છે, પ્રભુનું સ્મરણ કરવું નથી ગમતું. માયા અવિદ્યા પુતના છે. પાણીમાં જળો થાય છે, માનવીના પગે વળગે તો છૂટે નહિ, લોહી ચૂસે છે પણ અગ્નિ ધરીએ તો છૂટી જાય. તેમ સંસાર માયા જીવને ચોંટી છે. શ્રીવલ્લભનામ રૂપી અલૌકિક અગ્નિથી એ છૂટે છે. એટલા માટે નામ-સ્મરણની જ મહત્ સ્વરૂપો જીવને આજ્ઞા કરે છે. કવિ કહે છે કે, મારું જે દુઃખ છે તે સંસાર સાગરને તરવાનું છે. એમાંથી છોડાવવા હું કોને કહું ? જે છે તે બધા માયાના ચેલા છે, સત્સંગ નથી મળતો, દુઃસંગ જ પ્રાપ્ત થાય છે. કેવલ મારી માટે તો આપના ચરણકમળનો આશ્રય છે. આપ જ કૃપા કરો. વિના મૂલની હું તમારી દાસી છું. દીન-હીન અજ્ઞાની છું, આ સંસાર અગ્નિમાં તપું છું. આપ કૃપા જલ રેડી મને ઉગારો. શ્રીવલ્લભે શરણે લીધો છે તેના બળથી આ વિનંતી કરું છું. મારી કોઈ તાકાત કે સામર્થ્ય નથી. નવરત્નમાં આપ જણાવે છે કે, આ સકલ લૌકિક-અલૌકિક જગતના કર્તા-હર્તા પ્રભુ જ છે. નીજ ઈચ્છાથી જ જીવનું કાર્ય કરશે. જીવે સ્વ-કર્તવ્યનું શ્રીમહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે પાલન કરવું એ જ એનો ધર્મ છે. શ્રીવલ્લભ અને એના નીજજનોની કૃપા વિના કાંઈ પ્રાપ્ત થતું નથી. જીવ શ્રીમહાપ્રભુજીની આજ્ઞાનું પાલન નથી કરતો તે જ મોટો અપરાધ છે. શ્રવણનું મનન કરી, જીવનમાં ઉતારવું. 84/252 ભગવદીયોની વાર્તા પ્રમાણે જીવવા પ્રયત્ન કરવો. મન-ચિત્તને બધામાંથી કાઢી સ્વરૂપ ધ્યાન-સ્મરણ-ગુણગાન કરવા, પુષ્ટિમાર્ગમાં પરમ ફલ પ્રાપ્તિ એ જીવનું આધિદૈવિક લીલા મધ્યપાંતિ સ્વરૂપ જ છે. એ ન પ્રાપ્ત થયું તો જીવન નિષ્ફળ ગયું જાણવું. “શ્રીવલ્લભ શરણ થકી સૌ પડે સહેલું.” (દયારામભાઈ)

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.