શ્રી મહાપ્રભુજીના બેઠકજીમાં ઝારીજી ભરી આવ્યા !
spacer
spacer

શ્રી કંચનભાઈ ગાંધી, વડોદરા

આજે પુષ્ટિમાર્ગમાં વૈષ્ણવો માર્ગના સિદ્ધાંત, મૂલ ગ્રંથોના શ્રવણ-મનન અને સાચા સત્સંગથી વંચિત છે. જેથી ફલપ્રાપ્તિમાં અતિ વિલંબ રહી આવે છે. શ્રી ભાગવતજીનું શું સ્વરૂપ છે. દશવિધ લીલાયુક્ત હરિ અને હરિની લીલાઓ એટલે શ્રીમદ્ ભાગવત. શ્રીજીનું નામાત્મક સ્વરૂપ. એનું શ્રવણ, કિર્તન, મનન થાય તે જરૂરી છે. પુષ્ટિ જીવ જે કરે તે સેવા અને પ્રભુ જે કરે તે લીલા છે. પ્રભુમાં અનન્યતા જરૂરી છે. સેવ્ય સ્વરૂપનું જ્ઞાન હોવું અને તેમાં નિષ્ઠા હોવી જરૂરી છે. નિષ્ઠા એટલે ડગે નહિ, અચલ રાખે, સ્થિર રહે તેનું નામ નિષ્ઠા છે. સ્વાભાવિક સ્થિરતા એનુ નામ શ્રદ્ધા અને વિચારપૂર્વકની સમજણ એનું નામ વિશ્વાસ.
 
પુષ્ટિ પ્રભુની ભક્તિ શોક, મોહ અને ભયને દૂર કરનારી છે. વૈષ્ણવે પુષ્ટિમાર્ગ પર ચાલવા માટે ઉપરોક્ત બાબતો ગ્રહણ કરવી જરૂરી છે. આજે વૈષ્ણવોને ગૃહસેવાનું મહત્વ જ સમજાતું નથી. મંદિરોની દોડાદોડી વધી છે. પુષ્ટિમાર્ગ ગૃહસેવાનો જ છે. મંદિર સેવાનો નહિ. આ મૂલ પાયાની સમજણ નહિ હોવાથી જેમ લૌકિક સંસારમાં લોકો પીકનીક પર જાય, મોજમજા કરે છે તેમ વૈષ્ણવો બેઠકજીઓમાં અને તીર્થોમાં જાય છે. શું પ્રાપ્ત કરવું છે તેની ખબર નથી. બધા જાય છે તેમ અમે કરીએ છીએ. બેઠકજી અને બેઠકજીમાં બિરાજતા સ્વરૂપનું જ્ઞાન નથી. એક બેઠકજીમાં શ્રીમહાપ્રભુજી બિરાજે છે. તેમ એ જ સ્વરૂપે બીજી બેઠકોમાં પણ બિરાજે છે. છતાં બધી જ બેઠકજીમાં ઝારી ભરવાની. ઝારી ભરવાની અને ઠાલવવાની એ જ ક્રિયા કરવાની. ત્યાં શ્રીમહાપ્રભુજી સાક્ષાત બિરાજે છે. ત્યાંથી હૃદયમાં કશું ભરી લાવવાનુ નહિ. એક બેઠકજીમાં શ્રીમહાપ્રભુજી સમક્ષ નામ, રૂપ, ગુણ શ્રીસર્વોત્તમજી શ્રીવલ્લભાષ્ટક, સપ્તશ્લોકીના પાઠ કરો. શ્રીભાગવતજી અગર શ્રીસુબોધિનીજીની કારીકાના પાઠ કરો. ખરી ઝારી તો આનાથી જ ભરવાની છે. જળથી નહિં. ત્યાં શ્રીમહાપ્રભુજી સિદ્ધાંતરસનો ભોગ કરે છે. આપશ્રી ગુસાંઇજી સર્વોતમજીમાં કહે છે, “સ્વયશોગાન સંહૃષ્ટ હૃદયામ્બોજ વિષ્ટરઃ યશઃ પીયુષ લહરી પ્લાવિતાન્ય રસઃ પરઃ ।” ઝારીજીનું સ્વરૂપ જ શ્રીદમલાજી છે. તેમાં યશોગાનરૂપ રસ ભરો તેથી શ્રીદમલાજી દ્વારા તમારી સેવા શ્રીવલ્લભ અંગીકાર કરે છે. આનું ભાન નથી. પ્રભુ અતર્ધ્યાન થયા ત્યારે શ્રીગોપીજનોએ વિરહાત્મક ગોપીગીતનું ગાન કર્યું. જેથી પ્રભુ પ્રગટ થઈ ગયા.
 
વૈષ્ણવોને સાધન અને ફલનો ભેદ નથી ખબર. શ્રીગુંસાઇજીનો એક સેવક. તેને રોજ શ્રીગિરિરાજજીની પરિક્રમા કરવાનો નિયમ. એક વખત પગમાં વાગ્યું તેથી પરિક્રમા કરવા ના જવાયું. પરંતુ ભંડારમાં જઇ સેવા કરવા બેઠો. એટલામાં ત્યાં ગુસાંઇજી પધાર્યા. આપે પૂછ્યું કેમ વૈષ્ણવ, આજે પરિક્રમા કરવા ના ગયો ? વૈષ્ણવે આશ્ચર્યથી આનંદપૂર્વક કહ્યું : “મહારાજ ! આટલા દિવસથી હું અહીં રહું છું. છતાં આપ કોઇ દિવસ મારી સાથે બોલ્યા નથી ! આજે કૃપા કરી.” આપે કહ્યું : “ભાઈ ! આજ દિન સુધી તું દેહનું સાધન કરતો હતો. આજે તેં પ્રભુની સેવા કરી તેથી તારી સાથે બોલ્યો.” વિચાર કરો વૈષ્ણવો ! મંદિરોમાં દર્શને જવું, બેઠકોએ જવું એ સાધન છે. ગૃહમાં પ્રભુની સેવા કરવી એ જ ફલ છે. આજે તો ફલ છોડી સાધનમાં દોડવું છે. ઘરના પ્રભુના સવારમાં ઉઠી, મીસરીની કટોરી ધરવી નહીં અને મંદિરમાં મંગલા કરવાનો નિયમ ! પછી ઘરના ઠાકોરજી કેવી રીતે બોલે ?
 
વૈષ્ણવો બેઠકજીમાં જઈ શું શું કરે છે તે જોઈએ. બેઠકજીમાં તુલસીની કંઠીઓ, ગુંજામાળા, ગૌમુખી વિ. લઈ જવાનું. શ્રીમહાપ્રભુજીને કંઠી-માળા ધરવાની. વિચાર કરો, ગુરૂ શિષ્યને કંઠી બાંધે કે શિષ્ય ગુરૂને ? પણ આજે બ્હેનો તો ગુરૂને કંઠી બાંધે – ધન્ય છે ! આવું બધું કરવાનું કોણે કહ્યું છે ? ખબર નથી, ફલાણાં કહે છે તેમ કરીએ છીએ. આંધળું સમજણ વિનાનું અનુકરણ. અરે, એટલું જ નહિ. સૈયા મંદિરમાં જઈ શૈયાનીએ ગુપ્ત દાન કરે ! વાહ બ્હેનો ! આ શો તમાસો ? તમને ભાન છે ? ખાસાની અપરસમાં શૈયા મંદિર પાસે પાકીટ કાઢી તેમાંથી નોટો લઈ મૂકવી. નોટો મોઢાં વાળા હાથથી ગણેલી હોય ! મહાપ્રભુજીની અપરસ છોવાઈ જાય એનું ભાન છે ખરું ? કોણ સમજાવે આવી અન્યથા – અજ્ઞાનયુક્ત ચાલતી પ્રથાને ! ક્યાં છે પુષ્ટિની સમજણ ? ત્યાં મુખ્યાજી ગદ્યમંત્ર બોલાવે. મુખ્યાજીને એવો અધિકાર નથી. શ્રીમહાપ્રભુજી આગળ ગદ્યમંત્ર શા માટે ? શું કારણ ? ખબર નથી ?
 
અરે, ઘણી બેઠકજીમાં ચોતરીજી પર શ્રીમહાપ્રભુજી સાક્ષાત બિરાજે છે. છતાં તેમની પાછળ શ્રીમહાપ્રભુજીનાં ચિત્રજી પધરાવે છે. કેમ ? શા માટે ? ચાલે છે. માધવપુર (ઘેડ) ત્યાં મુખ્યાજી કહે છે, અહિંયા શ્રીમહાપ્રભુજીને સાડી જ ધરાય છે, ધોતી – ઉપરણાં નહિ, મેં કહ્યું, કેમ ? તો કહે અહિંયા શ્રીકૃષ્ણે રૂક્ષ્મણીજી સાથે લગ્ન કરેલા, તે પ્રસંગમાં ગોપીઓએ કૃષ્ણને સાડી પહેરાવેલી ! મેં કહ્યું, ભાઈ, એ દ્વારિકાલીલાના કૃષ્ણે સારસ્વત કલ્પમાં દ્વાપર યુગમાં સાડી પહેરી હશે. પરંતુ આજે શ્વેતવરાહકલ્પમાં કલિયુગમાં શ્રીમહાપ્રભુજી પધાર્યા છે. એમણે શો ગુનો કર્યો કે તમારે સાડી પહેરાવવી પડે ? કેવું બધુ ચાલી રહ્યું છે ? સૌરાષ્ટ્રની ઘણી બેઠકજીમાં વૈષ્ણવો માટે રહેવાની અને પ્રસાદ લેવાની વ્યવસ્થા છે. જૂનાગઢ, જામનગરમાં વૈષ્ણવ મંડાણ ચાલે છે. શું દરેક જગ્યાએ આવી વ્યવસ્થા ન થઈ શકે ? આવડી મોટી વૈષ્ણવોની સંખ્યા છે. આ કાર્ય વૈષ્ણવોએ જ ઉપાડી કરવું પડશે. બીજા નહિ કરે. નવા મંદિર બે-ચાર ઓછા થશે કે છપ્પનભોગ નહિ થાય તેથી શ્રીમહાપ્રભુજી કદી અપ્રસન્ન નહિ થાય. પરંતુ વૈષ્ણવો માટે ઉતરવાની અને પ્રસાદ લેવાની વ્યવસ્થા થશે તેથી શ્રીવલ્લભને ઘણી જ પ્રસન્નતા થશે.

શ્રીવલ્લભ શરણ થકી સૌ પડે સહેલું..... (શ્રીદયારામ)

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.