સેવાફલ
spacer
spacer

લે. શ્રી કંચનભાઈ ગાંધી, વડોદરા

શ્રીમહાપ્રભુજી એક સમયે આગ્રા પધાર્યા, તે વખતે વિષ્ણુદાસ છીપા સુંદર છીંટનો તાકો લઇ આગરા વેચવા આવ્યા. તે વેળા આચાર્યજીએ કૃષ્ણદાસને કહ્યું, “આ છીપા પાસે છીંટ બહુ સુંદર છે. તું લે. જે માંગે તે આપ.” કૃષ્ણદાસે જે માગ્યા તે દામ આપી છીંટ લઇ લીધી. વિષ્ણુદાસને લાગ્યું કે આ  કોઇ મહાપુરૂષ છે. થાનનું મૂલ્ય ન કર્યું. અને આખું થાન લીધું તેના ચાર ગણા પૈસા આપ્યા. માટે એમને છીંટ આપવી યોગ્ય નથી. તેથી વિષ્ણુદાસે કહ્યું, “પૈસા તમારા પાછા લો, મારી છીંટનો તાકો મને પાછો આપો.”
 
કૃષ્ણદાસે કહ્યું, “ના, તાકો શ્રીમહાપ્રભુજીએ શ્રીમુખથી વખાણ કરી લેવા કહ્યું. તેથી મેં તને ચાર ઘણા દામ આપી લીધો. હવે તું પાછો માગે તે ના મળે” વિષ્ણુદાસે કહ્યું કે આચાર્યજી ક્યાં છે ? કૃષ્ણદાસે કહ્યું. આ પીપળાના વૃક્ષ નીચે બિરાજે છે. વિષ્ણુદાસ ત્યાં ગયા. દંડવત્ કરી કહ્યું. “આપ તો ભગવાન છો.” અહીં વિચાર કરો, શ્રીમહાપ્રભુજીનું સ્વરૂપ તેમણે કેવી રીતે જાણ્યું ? હજુ શરણે પણ આવ્યા નથી. શ્રીમહાપ્રભુજીએ એની છીંટ પર દ્રષ્ટિ કરી, તે જ વખતે છીપાજીની અવિદ્યા દૂર કરી દીધી હતી. પછી શરણે આવ્યા. વિનંતી કરી મહારાજ હું મહામૂર્ખ છું. તેથી એવી કૃપા કરો જેથી શ્રીભાગવત્ વગેરે શાસ્ત્રનું જ્ઞાન થાય. અને માર્ગનો સિદ્ધાંત સમજાય. સ્વ દોષોનું ભાન થયું એ પ્રભુ કૃપાનું લક્ષણ છે. આપે ‘સેવાફલ’ ગ્રંથ  કરી સંભળાવ્યો. જેથી સાંભળી સકલ શાસ્ત્રોનું જ્ઞાન થયું. પણ સેવા ફલનો અભિપ્રાય ન સમજાયો તેથી વિનંતી કરી. આપે કહ્યું, સારું કર્યુ કે તેં પૂછ્યું, એ ગ્રંથ કઠિન છે. આપે તેની ટીકા કરી સંભળાવી. જેથી સઘળો માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થયો. આ ગ્રંથમાં સેવામાં ત્રણ પ્રતિબંધ ઉદ્વેગ, ભોગ અને પ્રતિબંધ છે. તેમ અહીં સેવામાં નિહિત ત્રણ ફળ બતાવ્યા છે. અલૌકિક સામાર્થ્ય, સાયુજ્ય, અને વૈકુંઠાદિમાં સેવાપયોગી દેહ અહીં ત્રણ ફલ વિશે જોઇએ.
 
(1) અલૌકિક સામર્થ્ય : જીવાત્માની સાથે શરીરમાં સૂક્ષ્મ દેહ હોય છે. જ્યારે દેહ છૂટી જાય છે ત્યારે લીંગ દેહ પણ શરીર છોડી જીવાત્મા સાથે જાય છે. જ્યાં સુધી પાપ-પૂણ્ય ભોગવાઇ ન રહે ત્યાં સુધી જીવાત્માને ફરી ફરી જન્મ લેવો પડે છે. જીવાત્માનો મોક્ષ થાય ત્યારે લીંગ દેહનો પણ મોક્ષ થઈ જાય છે. પછી તેનું અસ્તિત્વ રહેતું નથી.
શાસ્ત્રો કહે છે જ્યાં સુધી જીવાત્માની અહંતા મમતા સંપૂર્ણ ન છૂટે ત્યાં સુધી તેનો મોક્ષ થતો નથી. શાસ્ત્રોમાં અહંતા – મમતા છોડવાના જે માર્ગો બતાવ્યા છે. તે ઘણા મુશ્કેલ અને ખૂબ કપરા છે. આજના કાળમાં તે શક્ય નથી,. આથી શ્રીમહાપ્રભુજીએ ખૂબ સરળ માર્ગ – પુષ્ટિ – અનુગ્રહ માર્ગ બતાવ્યો છે. માર્ગ જ ભાવાત્મક અને ફલપ્રાપ્તિ કરાવનારો છે. સ્નેહ માર્ગ છે. પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ છે જે માર્ગે ચાલી શ્રીગોપીજનોએ શ્રીકૃષ્ણ પ્રભુને પ્રાપ્ત કર્યા. તે માર્ગ દૈવી જીવોને શરણે લઇ બતાવ્યો છે. બ્રહ્મસંબંધી જીવની અહંતા – મમતા શ્રીઠાકોરજીને સોંપી દો, સેવ્ય પ્રભુની પુષ્ટિ રીતે સમર્પિત થઇ સેવા કરો. મારું લૌકિક – અલૌલિક સર્વ પ્રભુનું છે. હું દાસ છું, જે કંઇ થાય છે તે સર્વ પ્રભુ ઇચ્છાથી થાય છે. આવો દૃઢ વિશ્વાસ પુષ્ટિ વૈષ્ણવોનો હોવો જોઇએ. તો જ સેવા ફળની પ્રાપ્તિ થાય. દાસ અને દીનતાથી સેવા કરવાથી અહંતા – મમતા નાશ પામે અને કર્મનું બંધન છૂટી જાય. મારું જે કાંઇ થાય છે, થયું છે, અને થશે તે સર્વ પ્રભુ કૃપાથી જ છે. પુષ્ટિ પ્રકારે સેવ્યની સુખરૂપ સેવા કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે. ત્યારે તે જીવાત્માને તેના મૃત્યુ બાદ અલૌકિક સેવા ઉપયોગી દેહ પ્રાપ્ત કરાવે છે. એકવાર સ્વરૂપનો અનુભવ થઇ ગયો તો જીવ કૃતાર્થ થઈ જાય છે. આધિદૈવિક દેહ પ્રાપ્ત થતાં જ જીવ ગોલોકધામમાં ચાલ્યો જાય છે. કારણ એના આધિદૈવિક દેહમાં શ્રીવલ્લભ પ્રભુ ભાવાત્મક બિરાજે છે. એને નથી કોઇ લઇ જતું, કે નથી કોઈ સામે તેડવા આવતું. શ્રીવલ્લભ ભૂતલ લેવા આવ્યા. તેમની જ કૃપાથી મૂલધામમાં જવાનું છે. સેવા, સ્મરણ, ગુણગાન, ધ્યાન દ્વારા આ અલૌકિક દેહની પ્રાપ્તિ એ જ મુખ્ય ધ્યેય પુષ્ટિ જીવનું છે. પુષ્ટિમાં ત્રણ પ્રકારના અધિકારી જીવો : ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ – સાધારણ. તે જ પ્રકારે ત્રણ ફલ : અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને વૈકુઠાદિમાં સેવાપયોગી દેહ.
 
(2) સાયુજ્ય : કેટલાક જીવાત્માઓનો અધિકાર અલૌકિક સામર્થ્યનો હોતો નથી. તેવા મધ્યમ અધિકાર વાળાને શ્રીઠાકોરજી સાયુજ્ય ફલ, પુષ્ટિમાર્ગીય મોક્ષ આપે છે. – આ મોક્ષ મર્યાદા મોક્ષથી જુદો, ઉત્તમ છે. આવા જીવાત્માઓને પ્રભુ પોતાના ચરણાવિંદ અથવા હૃદયમાં કે શ્રીમસ્તકના વાળમાં વિલીન કરી રાખે છે. જીવાત્મા કાયમ ત્યાં જ રહે છે. શ્રીઠાકોરજી ક્યારેક પોતાની સ્વેચ્છાથી આવા જીવોને અલૌકિક દેહ આપી અમૂક પૂરતો સ્વરૂપાનંદનો અનુભવ કરાવે છે. પાછા તેઓને મૂલ સ્થાનમાં વિલિન કરી દે છે. અંતરગૃહતા ગોપીજનોને આ સાયુજ્ય મળ્યું છે. કેમ કે તેઓનો પ્રભુ પ્રત્યે જાર ભાવ હતો. જેથી સ્વરૂપાનંદના અનુભવથી વંચિત રહી ગયા.
 
(3) વૈકુંઠાદિમાં સેવાપયોગી દેહ : કેટલાક પુષ્ટિ જીવાત્માઓ કનિષ્ટ – સાધારણ અધિકારવાળા હોય છે, તેઓને ગૌલોક ધામમાં – પશુ, પક્ષી, વૃક્ષ લતા, જલચર વિગેરેમાંથી કોઇપણ યોનીમાં જન્મ મળે. લૌકિક કરતાં આ યોની તો અલૌકિક છે. નિત્ય છે. કાયમ ગોલોકમાં જ વાસ. પ્રભુના દર્શાનાદિનું સુખ મળે. પ્રભુની પરોક્ષ સેવાનો આનંદ પણ મળે, સ્વરૂપાનંદનો આનંદ નથી મળતો. આવા પુષ્ટિ જીવો 252 ની વાર્તામાં અમદાવાદવાળા શેઠ જે કીડો થયા, વિરક્ત ડબ્બામાં મૂકી ગોકુલ લાવ્યા. શ્રીગુસાંઇજીએ શ્રીયમુનાજીમાં એને પધરાવી દેવાની આજ્ઞા કરી. લીલામાં જળચર છે. 84 ની વાર્તામાં મથુરાના નારાયણદાસ ભાટ લીલામાં વાનર યોની હતી. તેથી શ્રીવલ્લભે કહ્યું, “તમને સ્વરૂપ સેવાનો અધિકાર નથી. તમે પશુ યોનીના જીવ છો.”

સેવાફલ ગ્રંથમાં બતાવેલ આ ત્રણ ફલ છે.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.