પુષ્ટિ જીવ માટે પ્રગટ સ્વરૂપ કયું ?
spacer
spacer

- શ્રી કંચનભાઈ ગાંધી, વડોદરા

સત્સંગ માસિકના માર્ચ માસના અંકમાં પાન – 4 પર પ્રગટ સ્વરૂપનું ભજન કરવું આ વિશે શ્રી ગોકુલેશજીના વચનામૃત છે. જેમાં આપે આજ્ઞા કરી છે કે, કંસ, રાવણ, દ્વિવિદ વાનર વિગેરેએ પ્રગટ સ્વરૂપને નહિ ઓળખવાથી દુઃખી થયા. સર્વનાશ પામ્યા. જે જીવ પ્રગટ સ્વરૂપથી જ વિમુખ રહે છે તેનું સુકૃત સર્વનાશ પામે છે. તેવા જીવને અધમો અધમ જાણવો. પ્રગટ સ્વરૂપ વિશે સમ્યક્ પ્રકારે ભાવ રાખીને સેવન કરે તો આનંદ દાન થાય. આમ પ્રગટ સ્વરૂપોનો મહિમા દર્શાવ્યો. પરંતુ મહત્ સ્વરૂપોની વાણી નિગૂઢ અને પરોક્ષ કથનની હોય છે. ત્યાં આપે પ્રગટ સ્વરૂપ કયું ? તે શ્રીમુખે ન બતાવ્યું. અંગુલીનિર્દેશ જ કર્યો.
 
પ્રભુ પ્રાપ્તિના માર્ગે ચાલનાર શ્રીમહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જ ચાલવું. તે આજ્ઞાનું ઉલ્લંઘન એજ મોટો અપરાધ જીવ માટે છે. શ્રીમહાપ્રભુજીએ જીવને માથે સ્વયં સ્વરૂપ પધરાવી આપ્યું છે એ મૂલધામસ્થ, નિત્યલીલાસ્થ ધર્મિ રસાત્મક સ્વરૂપ જ છે. તેમા નખ-શીખ શ્રીવલ્લભ પ્રભુ સુધા સ્વરૂપે બિરાજે છે. જીવને આ પ્રગટ સ્વરૂપનું જ્ઞાન નહિ હોવાથી બહાર આનંદ અને સુખની પ્રાપ્તિ અર્થે રખડે છે. તેને ખરો આનંદ પ્રાપ્ત થતો જ નથી. અખંડ નિત્યનો આનંદ તો સેવ્ય દ્વારા ઘરમાં જ મળવાનો. જે પ્રગટ આ સ્વરૂપને છોડી બીજાનું ભજન કરે છે તે માયાનું જ ભજન કરે છે તે આસુરી જાણવો. જીવની એક માત્ર અનન્યતા પોતાના જ સેવ્ય વિશે હોવી જરૂરી છે. પેલી ડોકરી કે જે શ્રીમદનમોહન સિવાય બીજા સ્વરૂપને જ ન્હોતી ઓળખતી, જેથી બાલકૃષ્ણજીને તેના ભાવથી મદનમોહનજી થવું પડ્યું. આ છે પુષ્ટિ. એવા ભક્તોના ચરણમાં લોટવાનું મન થઇ જાય. રોજ એવા ભક્તોનું સ્મરણ કરવું જેથી ધ્યેય પ્રાપ્તિથી દૂર ખસી ન જવાય.
 
શ્રીહરિરાયજી આજ્ઞા કરે છે, “વિદ્યમાન આનંદ ત્યજ ચલત કયોં અપાર્થે ?” હે પુષ્ટિ સ્વકીયો, વિદ્યમાન આનંદ ધન તારા સાથે બિરાજતું સ્વરૂપ જ છે તે છોડી તું કુમાર્ગે કેમ ભટકે છે ? એવા જનોને મુરખ કહે છે, અને જે સેવ્યને જ ભજે છે તેને આપશ્રી મહા બડભાગી જન કહે છે. આપ મોટાના વચનોમાં આવુ આલંબન છે. છતાં જીવને એ સમજાતું નથી. તો પછી એવા જીવોનો પુષ્ટિ અધિકાર નથી એમ જ જાણવું જોઇએ. ઘણા વૈષ્ણવ બ્હેનો અજ્ઞાનતાને લીધે મુખરતા દોષ કરી, સ્વરૂપ અનાદર કરે છે. જે અપરાધ છે. શ્રીવલ્લભ કુલના બાળકો માટે એ જ પ્રગટ પુરૂષોત્તમ છે. પ્રગટ વલ્લભ જ છે. આમ કહે છે, તે નરી ઘેલછા, ગાંડપણ છે એમને સ્વરૂપ જ્ઞાન નથી બાળકો પણ સમજાવે છે કે અમે પ્રગટ પૂર્ણપુરૂષોત્તમ કે શ્રીવલ્લભ નથી. તમારે અમારા હૃદયમાં એ શ્રી વલ્લભ અને પૂર્ણપૂરૂષોત્તમ બિરાજે છે એ ભાવ કરવાનો છે.

તમારો ભાવ પૂર્ણ પુરૂષોત્તમ છે. આને સમજો, પરંતુ અમારા બ્હેનો એ સમજે કેમ ? માયાનો પડદો છે તેથી અંધકાર છવાઇ ગયો છે જેથી બીજું દેખાય ક્યાંથી ?“શ્રીવલ્લભ શરણ થકી સૌ પડે સહેલુ રે, દૈવી જન પ્રતિ “દયો” ગાય રે...” (શ્રી દયારામ)

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.