પરમ ફલરૂપ વિરહ
spacer
spacer

- કંચનભાઈ ગાંધી, વડોદરા

નિજ ગોલોકધામમાંથી દૈવી જીવ ભૂતલ પર આવ્યો. ઘણાં સમયકાળના પ્રતાપે અનેક જન્મોના ચક્કરમાં પડી એ પોતાના અને પ્રભુના મૂલ સ્વરૂપને ભૂલી ગયો છે. પુષ્ટિનું બીજ તો હતું જ. બ્રહ્મસંબંધ તેઓને જ થાય છે, કે જેમાં પુષ્ટિ બીજ છે અને મૂલ ધામથી ભૂતલ આવ્યા છે. દેખાદેખી ભલે બ્રહ્મસંબંધ લેવાય પરંતુ અધિકારી પુષ્ટિવરણીય જીવોને જ તે ફલીત થાય છે, અન્યને નહીં. અનેક જન્મોના ફલરૂપ મનુષ્ય દેહ મળ્યો. શ્રીવલ્લભે નીજ દૈવી જાણી શરણે લીધો. સેવા માટે સેવ્ય સ્વરૂપ પધરાવી આપ્યું. છતાં માયા-મોહના અંધકારને લીધે ધ્યેય પ્રાપ્તિની ચિંતા, કલેશ નથી. શ્રીવલ્લભની આજ્ઞા પ્રમાણે નિવેદનનું સ્મરણ સતત નહીં કરતો હોવાથી, વિરહ ભાવનાથી વંચિત રહી આવે છે. વિરહ ભાવના વિના પુષ્ટિ પરમ ફલની પ્રાપ્તિ જ નથી. જીવ સ્વયં વિરહ ભાવના કરી શકતો જ નથી. સતત શ્રીમહાપ્રભુજીની આજ્ઞામાં મર્યાદા સહિત સેવા-સ્મરણ, ગુણગાન, ધ્યાન કરતા રહેવાથી અને સંતપુરુષોનો સત્સંગ કરવાથી સ્વરૂપ અનુસંધાન સહિત તાપાત્મક ગુણગાન કરવાથી જ તાપાત્મક સુધા સ્વરૂપ શ્રીવલ્લભ વિરહ તાપભાવનું દાન કરશે. સેવા અને સ્મરણ પણ ધર્મી સાક્ષાત્ સ્વરૂપાનંદની પ્રાપ્તિના માર્ગે ચાલનારને જ થાય છે. કારણ તે અધિકારી જીવો છે. પુષ્ટિવરણીય છે. માટે જીવનું અવાંતર ફલ ધ્યેય સ્વરૂપ તેનું જ લીલા મધ્યપાંતિ આધિદૈવિક સ્વરૂપ છે, જે સેવા દ્વારા પ્રાપ્ત કરવાનું છે. આ જ દેહે અહીં જ આ આધિદૈવિક સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે. બ્રહ્મસંબંધ વખતે જ આ જીવનું આધિદૈવિક સ્વરૂપ અને પ્રભુનું ભાવાત્મક સ્વરૂપ તેના હૃદયમાં પધરાવી આપ્યું ચે. બીજે કાંઈથી પ્રાપ્ત નથી કરવાનું. શ્રીહરિરાયજી આજ્ઞા કરે છે “સુધા સિંધુ કે નિકટ બસત હે, ક્યાં રહત મૂઢ પ્યાસા.” આ સુધા સિંધુ સ્વરૂપ પ્રભુનું જીવના હૃદયમાં જ છે. એને ઓળખવાની, માનવાની, અનુભવવાની જ જરૂર છે. ભગવદીયોની કૃપાથી સત્સંગ દ્વારા તાપભાવની વૃદ્ધિ થવાથી એની પ્રાપ્તિ છે.
 
મનને સતત પ્રયત્નપૂર્વક પ્રપંચ જગતમાંથી કાઢી એકાંત અને એકાગ્રતા સાધી સંગરહિત થઈ, નીજગૃહમાં જ રહી સ્વરૂપ ધ્યાન અને ગુણગાન કરવાથી વિરહભાવની પ્રાપ્તિ થાય છે. આપશ્રી વલ્લભ રહઃ પ્રિય છે. જ્યારે જીવ એકાંતમાં એક ધ્યાનથી ગુણગાન કરે તો તેના હૃદયમાં આપ બિરાજે છે. “જે કરે પોતાના ગુણગાનનું ગાન, તેના હૃદયકમલે રહેવાનું સ્થાન.” શ્રીસર્વોત્તમજીના ધોળમાં બતાવ્યું છે. નિરોધલક્ષણમાં પણ આપે ગુણગાન-ધ્યાનની જ આજ્ઞા કરી છે.
 
ગીતામાં ભગવાને અર્જુન પ્રતિ આજ્ઞા કરી છે કે, જે જીવ મારા એકલાને શરણે આવે છે તે જ મારી દુસ્તર માયાને તરી શકે છે. શ્રદ્ધાપૂર્વકનું અનન્ય શરણ જ માયા તરવાનું સાધન છે. શ્રીમહાપ્રભુજી સુ. 1-7-6 માં આજ્ઞા કરે છે કે આ જ્ઞાન જેવી દેખાતી માયાથી મોહ ઉત્પન્ન થાય છે. તેથી તેમાં (જ્ઞાન-પંડિતાઈમાં) વિશ્વાસ રાખી શકાતો નથી. શબ્દબ્રહ્મનો નિષ્ણાંત રસાત્મક બ્રહ્મને પામી શકતો નથી. તેથી તેનું જ્ઞાન ભારરૂપ છે. જેમ વસુકી ગયેલી ગાય તેના માલિકને બોજારૂપ છે, તેમ પ્રભુના કેવલ ધર્મી સ્વરૂપના શરણથી જ વિરહમાં બધા પ્રતિબંધો દૂર થઈ જાય છે. કેવલ વિરહ સ્વરૂપ સિવાય અન્ય કોઈ સંબંધ રહે તો વિરહનો અનુભવ થઈ શકતો જ નથી. વિરહી ભક્તનું ‘અહં’ વિરહમાં દગ્ધ થઈ જાય પછી ભાવ સ્વરૂપ સાથે અદ્વૈત પ્રાપ્ત થાય છે. પ્રભુની સમાન ઐશ્વર્ય તાદાત્મકતા સિદ્ધ થાય છે ત્યારે જ તનુનવત્વતા પ્રાપ્ત કરી અગણિતાનંદ સ્વરૂપને ધારણ કરવાની પાત્રતા સિદ્ધ થાય છે.
 
તાપાત્મક વિરહના માર્ગે ચાલનારા જ સ્વતંત્ર ભક્તિમાં પ્રવેશ પામે છે. મધુર તાપાત્મક સ્વરૂપ શ્રીવલ્લભ ચરણકમલનો અનન્ય આશ્રય કરનારામાં આપનું તાપાત્મક સ્વરૂપ બિરાજે છે. તે સ્વરૂપ જ વિરહનો આનંદ કરાવે છે. અગણિતાનંદને ધારણ કરવાનું પાત્ર આપશ્રીનું તાપાત્મક સ્વરૂપ જ છે. “રાજ યહ માર્ગ તાપ-કલેશ કો હૈ ।” આ ધ્રુવ વચનથી દમલાજી દ્વારા પુષ્ટિ સૃષ્ટિ પ્રતિ કરેલ છે. બિંદુ અને નાદ બંને સૃષ્ટિને તાપાત્મક માર્ગનું સૂચન કરેલ છે. વિરહની કાષ્ઠાપન્ન અવસ્થાને ભોગવીને અગણિતાનંદને ધારણ કરવા શ્રીગોપીજનો પાત્ર બન્યાં, પ્રભુની સ્તુતિના વિષય બન્યાં. અને પ્રભુએ તેવા ભક્તોનું ઋણ સ્વીકાર્યું. તેની પુષ્ટિ નીચેના શ્લોકથી થાય છે. “ન પારયેડહં નિરવદ્ય સંયુજાં સ્વસાધુકૃત્યં વિબુધાયુષાપવિ ।” (સુ. 10-29-22) “શ્રીવલ્લભ શરણ થકી સૌ પડે સહેલું.” (દયારામભાઈ)

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.