પુષ્ટિમાર્ગિય સેવા પ્રભુને પ્રગટ કરવા માટે છે
spacer
spacer

- કંચનભાઈ ગાંધી, વડોદરા

શ્રીમહાપ્રભુજીએ ભાવાત્મક ફલરૂપ પુષ્ટિમાર્ગમાં ‘રાગ, ભોગ અને શૃંગાર’ને પ્રાધાન્યતા આપી છે, જેથી પુષ્ટિ જીવની સકલ ઇન્દ્રિયો અને દેહનો વિનિયોગ સેવામાં થઈ જાય છે. પ્રભુ જીવને સેવા દ્વારા પોતાની સન્મુખ રાખે તેનું નામ નિરોધ. બ્રહ્મસંબંધ કરાવી જીવને સેવા માટે સ્વરૂપ પધરાવી આપે છે. જીવને માથે પ્રભુ સાક્ષાત બિરાજે છે એવો દ્રઢ ભાવ થઈ જવો જોઈએ. એ પ્રભુ જ મારું સર્વસ્વ છે. પુષ્ટિમાં પ્રભુ પ્રથમ મળી જાય છે, જ્યારે મર્યાદામાં સાધના કર્યા પછી પ્રભુ મળે છે. હવે એ મળેલા પ્રભુ સાક્ષાત છે તે પ્રગટ થઈ અનુભવ કરાવે તે પુષ્ટિમાર્ગિય ફળ છે. ઠાકોરજી મળે તે પ્રમાણ અને રસાનુભવ કરાવે તે ફળ. શ્રીમહાપ્રભુજીની મેંડ-મર્યાદાથી સેવા સ્વીકારે છે. જ્યારે પ્રગટ થઈ જાય ત્યારે ફલાનુભવ કહેવાય.
 
જ્યાં સુધી જીવત્વ છે ત્યાં સુધી દાસત્વ માટે સેવા કરવી, દાસત્વ છે તો પ્રિયત્વ માટે સેવા કરવી, પ્રિયત્વ છે તો સ્વરૂપાનંદના આનંદ માટે સેવા કરવી. પ્રથમ દાસત્વ સિદ્ધ થાય તે જરૂરી છે. ફલ દશામાં પણ દાસત્વ જરૂરી છે. બધા ભાવો દાસત્વને અવલંબે છે. દાસત્વમાં દેહભાવ નિવૃત થઈ જાય. ભગવદ્ ભાવ દ્રઢ થાય. વરણ પરસ્પર છે. પહેલું વરણ પ્રભુ જીવનું કરે છે. પ્રભુ કહે છે, “આ જીવ મારો છે. હું એને પ્રાપ્ત કરાવીશ.” પછી જીવનું પ્રભુમાં વરણ થાય છે. પ્રિયત્વ ત્રણ પ્રકારનું સખ્ય, વાત્સલ્ય કે માધુર્ય. સ્વરૂપ નિષ્ઠા ખૂબ જરૂરી છે. નિષ્ઠામાં સ્નેહ હોય છે. જ્યાં ભક્તિ છે ત્યાં સ્નેહ અને સહનશિલતા છે જ. સાક્ષાતમાં પ્રભુને જોઈ શકો. પણ અનુભવ ના કરી શકો. પ્રગટમાં અનુભવ કરી શકો. પુષ્ટિમાર્ગમાં સેવા પ્રભુને પ્રગટ કરવા માટે છે. પુષ્ટિ દૈવી જીવને ત્યાં પ્રભુ છે જ, ક્યાંયે ગયા નથી. સમજીને શોધવા માંડો. જેમ શ્રીગોપીજનોએ પ્રભુ અંતરધ્યાન થયા પછી શોધ કરી પ્રભુને પ્રગટ કર્યા. બસ, એ જ શ્રીગોપીજનોના ભાવથી સેવા કરો તો ફલ પ્રાપ્તિ થશે.
 
શ્રીમહાપ્રભુજીએ જીવના અધિકાર અને વરણ પ્રમાણે રૂપ સેવા અને નામ સેવા બતાવી છે. બંને સેવા દ્વારા મન-ચિત્તનો નિરોધ સિદ્ધ થતાં પુષ્ટિ ફલની પ્રાપ્તિ થાય છે. સેવામાં ક્રમે ક્રમે પ્રેમ, આસકિત, વ્યસન અને ફલ સુધી પહોંચાય છે. ફલ શું ? પુષ્ટિ પ્રભુના સ્વરૂપાનંદનો અનુભવ. ફલમાં સ્વરૂપ સેવા એટલે કે સાધનની અપેક્ષા રહેલી છે, જ્યારે પ્રમેય બળથી શ્રીમહાપ્રભુજી જીવને તાપાત્મક ગુણગાન કરવાનું કૃપાદાન કરે છે ત્યારે સીધો જ વ્યસનાત્મક ભાવ સિદ્ધ થઈ જાય અને માનસી સહજ પ્રાપ્ત થાય છે. પુષ્ટિ પુરુષાર્થ પ્રાપ્તિમાં સાધનની અપેક્ષા નથી. સુધા સ્વરૂપ શ્રીવલ્લભની કૃપા જ નિયામક છે. તેથી સ્વામીએ નિ. લક્ષણ ગ્રંથમાં ગુણગાન અને સ્વરૂપ ધ્યાનની આજ્ઞા કરી છે.

જ્યાં સુધી જીવને પ્રભુમાં સ્નેહ નથી થયો ત્યાં સુધી બધુ નકામું છે. જ્યાં સુધી જીવને સંસાર આસકિત છે, રાગ છે, ત્યાં સુધી પ્રભુમાં અનુરાગ થવો કઠીન છે. સ્વરૂપજ્ઞાન પુષ્ટિ જીવ માટે જરૂરી છે. સેવા દ્વારા શું પ્રાપ્ત કરવાનું છે ? જીવે પોતાના લીલા મધ્યપાંતિ આધિદૈવિક દેહ (સ્વરૂપ)ને પ્રાપ્ત કરવાનું છે. એ અવાંતર ફલ છે, એની પ્રાપ્તિથી જ સ્વયમ્ જીવ ગોલોક ધામમાં જઈ ફલરૂપ પુષ્ટિ પ્રભુની સેવા યોગ્ય થાય છે, તે મુખ્ય ફલ, શ્રીહરિરાયચરણ આજ્ઞા કરે છે કે, “સર્વ દોષ અને ચિંતાથી રહિત જે ભગવદિય છે, તેની સાથે મળીને શ્રીગોકુળાધીશ પ્રભુ સદા નિશ્ચય સ્મરણ કરવા યોગ્ય છે. જે અહર્નિશ ભગવદ્ સેવા-સ્મરણ, ગુણગાન, ધ્યાન કરે તેનો ભગવાન નિરોધ કરે છે.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.