ધર્મ-ધર્મિ સ્વરૂપ નિરૂપણ
spacer
spacer

- શ્રીકંચનભાઈ ગાંધી, વડોદરા

ઘણા વૈષ્ણવો પ્રશ્ન કરે છે કે, તમે શ્રીગોકુલના કૃષ્ણના સેવા સ્મરણ કરો છો પણ શ્રીમથુરા કે શ્રીદ્વારકાના કૃષ્ણના સેવા-સ્મરણ કેમ કરતા નથી, એનું શું કારણ ? શું મથુરા અને શ્રીદ્વારકાના કૃષ્ણ અલગ અલગ છે ? તે બંને એક નથી ? આ બધા પ્રશ્નોના જવાબ શ્રીમહાપ્રભુજીએ શ્રીભાગવતના દશમસ્કંધના જન્મ પ્રકરણના શ્રીસુબોધિનીજીમાં સુંદર રીતે સમજાવ્યા છે.
 
દશમ સ્કંધ પાંચમા અધ્યાયના પ્રારંભમાં શ્રીશુકદેવજી એમ કહે છે કે નંદરાયજીના પોતાના પુત્ર ગોકુલમાં પ્રગટ થતાં ગોકુલમાં આનંદ મહોત્સવ થયો. મોટા ભાગના કૃષ્ણ ભક્તોની એવી સમજ છે કે કૃષ્ણ મથુરામાં વસુદેવ દેવકીજીને ત્યાં પ્રગટ થયા અને વસુદેવજી તેમને ગોકુલ મુકી આવ્યા. અગિયાર વર્ષ અને બાવન દિવસ પછી તે પાછા મથુરા પધાર્યા. અને ત્યાંથી દ્વારકા પધાર્યા. આ બે બાબતોને સ્પષ્ટ કરતાં શ્રીમહાપ્રભુજીએ સમજાવ્યું કે વ્યાસજી અને શુકદેવજીનાં હૃદયમાં બિરાજીને જ્યારે શ્રીકૃષ્ણે દશમ સ્કંધ ગાયો છે, ત્યારે જો એમ કહેતા હોય કે નંદરાયજીના પોતાના પુત્રનું પ્રાગટય ગોકુલમાં થયું, ત્યારે તે વાતનો ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. શ્રીમહાપ્રભુજીએ કૃષ્ણ પ્રાગટયનું રહસ્ય સમજાવતાં આજ્ઞા કરી કે મથુરામાં ચતુર્ભુજ સ્વરૂપે કૃષ્ણે વસુદેવ – દેવદીજીને ત્યાં શ્રાવણ વદ આઠમની મધ્ય રાત્રીએ દર્શન આપ્યા અને પછી તે બાળ સ્વરૂપ બની ગયા. એ કૃષ્ણ ધર્મ સ્વરૂપ હતા. ધર્મ સ્વરૂપના બે મુખ્ય કાર્ય – જગતમાં આસુરી દુષ્ટ તત્વોનો નાશ કરવો અને જગતને ધર્માચરણ લાયક બનાવવું. આમ અધર્મનો નાશ અને ધર્મનું સ્થાપન, ધર્મ સ્વરૂપનાં કાર્યો છે. આ બે કાર્યો કરવા માટે શ્રીકૃષ્ણ સંકર્ષણ, અનિરુદ્ધ અને પ્રધ્યુમ્ન નામના ત્રણ વ્યૂહો સાથે મથુરામાં પ્રગટ થયા. ધર્મ સ્વરૂપ એટલે પુરુષોત્તમ સ્વરૂપ. મથુરામાં ધર્મ સ્વરૂપે શ્રીકૃષ્ણનું પ્રાગટય થયું ત્યારબાદ 40 મિનિટ પછી નંદરાયજીને ત્યાં ધર્મિરૂપ કૃષ્ણ વાસુદેવ વ્યૂહને સાથે લઈને પ્રગટ થયા. ધર્મિ સ્વરૂપ એટલે પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ સ્વરૂપ. તેઓ કેવલ આનંદાત્મક, રસાત્મક, ભાવાત્મક અને ફલાત્મક છે. નિજાનંદ માટે વિવિધ રસમય લીલાઓ કરવી અને નીજ ભક્તોને લીલાનંદ અને પોતાના સ્વરૂપનું દાન કરવું. ધર્મિ સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે, જ્યારે ધર્મ સ્વરૂપ પુરુષોત્તમ કહેવાય છે. જ્યારે વાસુદેવજી ધર્મ સ્વરૂપ કૃષ્ણને ગોકુલમાં પધરાવી લાવ્યા ત્યારે જેમ પાત્રમાં જલ ભરાઈ જાય તેમ તે ધર્મ સ્વરૂપમાં ગોકુલમાં પ્રગટ થયેલું ધર્મિ સ્વરૂપ બિરાજમાન થઈ ગયું. પરિણામે અલગ અલગ પ્રગટ થયેલ કૃષ્ણ એક સ્વરૂપ બની ગયા. એ સ્વરૂપે તેઓ 11 વર્ષ પર દિવસ બિરાજ્યા. ધર્મ લીલાઓ ધર્મ સ્વરૂપ દ્વારા થઈ અને ધર્મિ લીલાઓ ધર્મિ સ્વરૂપ દ્વારા થઈ. જ્યારે શ્રીકૃષ્ણને અક્રુરજી મથુરા પધરાવી ગયા, ત્યારે મથુરામાં પ્રગટ થયેલ સ્વરૂપ પાછું મથુરા પધાર્યું. તે સમયે ગોકુલમાં પ્રગટ થયેલ ધર્મિ સ્વરૂપ વ્રજભક્તોનાં હૃદયમાં બિરાજી ગયું. આ ધર્મિ સ્વરૂપ વ્રજમાં જ પ્રગટ થયું અને સદાય વ્રજમાં જ બિરાજ્યું. તે વ્રજ છોડી ક્યાંય પધાર્યું નથી.

ધર્મ સ્વરૂપ દરેક કલ્પમાં પ્રગટ થતું રહ્યું છે, જ્યારે ધર્મિ સ્વરૂપ કેવળ સારસ્વત કલ્પમાં જ પ્રગટ થયું હતું. આથી શ્રીમહાપ્રભુજીએ સમજાવ્યું કે ધર્મિ સ્વરૂપ શ્રીકૃષ્ણ જ પુષ્ટિમાર્ગમાં સેવનીય છે. જ્યારે ધર્મ સ્વરૂપ શ્રીકૃષ્ણ સ્મરણિય છે. જે લીલા કરતાં પ્રભુને શ્રમ પડે તે ધર્મ સ્વરૂપની લીલા અને જે લીલા કરતાં પ્રભુને આનંદ થાય તે ધર્મિ સ્વરૂપની લીલા કહેવાય છે.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.