પુષ્ટિ જીવે આચરવા જેવી વાતો
spacer
spacer

- શ્રીકંચનભાઈ ગાંધી, વડોદરા

આજનો જમાનો ચિંતાનો છે. આપણા જીવનમાં રાત-દિવસ ચિંતાનો ચરખો ચાલ્યા જ કરે છે. તેથી બુદ્ધિ હંમેશા તનાવમાં રહે છે. તેથી માનવ મનનો રોગી બને છે. આવા સંજોગોમાં દરેક સમજદાર વિચારક એકજ સલાહ આપે કે, ચિંતા થાય એવુ કંઈ પણ કરશો નહિ. ચિંતાથી દુર રહો. અંતઃકરણ ચાર તત્વોનું બનેલ છે (1) મન (2) બુદ્ધિ (3) ચિત્ત અને (4) અહંકાર, મનનો ધર્મ સારી-ખોટી ઇચ્છાઓ કરવાનો છે. ચિત્તમાં ઇચ્છાઓની બાબતમાં સંકલ્પ વિકલ્પ કરવાનો છે. ચિત્ત જ્યારે કોઈ નિર્ણય પર આવી શકતું નથી ત્યારે બુદ્ધિ નિર્ણય કરે છે. બુદ્ધિના નિર્ણયનું અમલીકરણ કરવાનું કાર્ય અહંકાર તત્વ કરે છે.
 
દુનિયામાં બહુ થોડા માણસો તદ્દન જુદી માટીના હોય છે. તેમને ફીકર હોય છે કે પ્રભુ ક્યારે મળે ? આ આધિદૈવિક ચિંતા છે. આ ચિંતા દરેકને હોવી જોઈએ. ચિંતા અને ચિંતન બંને જુદાં છે. ચિંતાનો સ્થુળ અર્થ જગતના વિષયોનું વારંવાર સ્મરણ કરવું એવો છે. તેમાં કંઈક મેળવવાની ઇચ્છા હોય છે. તેથી ચિંતા સકામ છે. જ્યારે ચિંતન શબ્દનો અર્થ ભગવદ સ્મરણ કરવું એવો થાય છે. જ્યારે માણસનો વિચાર જગતના પદાર્થોમાંથી હટીને ભગવદ સ્વરૂપના સુક્ષ્મ વિચારમાં મળી જાય છે ત્યારે તેને ચિંતન કહેવાય. ચિંતન નિષ્કામ છે. બીજા શબ્દોમાં એને ભાવના કહેવાય. ભાવના એટલે ભગવદ વિષયક ચિંતન.
 
શ્રીમહાપ્રભુજીએ સુબોધિનીજીમાં ચિંતન, સ્મરણ, અને ધ્યાનની સુંદર સમજણ આપી છે. જ્યારે આપણે પ્રયત્ન પૂર્વક આપણા ચિત્તને પ્રભુના નામ સ્મરણમાં લગાડીએ ત્યારે તેને ચિંતન કહેવાય. આવો ચિંતનનો પ્રયત્ન ટેવ બની જાય, તેમાં થોડો પ્રેમ ઉમેરાય એટલે વિના પ્રયત્ને ચિત્ત પ્રભુનું નામ સ્મરણ કર્યા કરે. આમ નામ સ્મરણની ક્રિયા સતત આપો આપ ચાલે ત્યારે તે સ્મરણ કહેવાય. આ સ્મરણની ક્રિયા સાથે જે ભગવદનામનું રટન થતું હોય ત્યારે નામમાં બિરાજેલ (નામી) પ્રભુ સ્વરૂપ અને લીલા અને ભાવના પણ થવા લાગે ત્યારે તેને ધ્યાન કહેવાય. શ્રીવલ્લભ ‘નવરત્ન’ ગ્રંથમાં આજ્ઞા કરે છે કે ચિંતા કદી કરવી નહિ. તાદ્રશીજન સાથે મળી નિવેદનનું સતત સ્મરણ કરવું.
 
અંગ્રેજીમાં કહેવત છે : માણસ કામથી નથી મરતો પણ ચિંતાથી મરે છે. આપણે જાણીએ છીએ કે આ જગત પ્રભુનું બનાવેલું છે. એની ઇચ્છાથી જ સર્વ કાંઈ થાય છે. જીવનું ધાર્યું કશું જ થતું નથી. છતાં મુર્ખ જીવ ખોટી ચિંતાઓ કરે છે. શ્રીદયારામભાઈ પણ કહે છે કે, ‘જીવ તું શીદને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે.’ છતાં આપણે જગતની ચિંતા કરીને ફરીએ છીએ.
 
શ્રીહરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે આ મનુષ્ય અવતાર પરમ દુર્લભ છે. કલીયુગમાં ઘણા દોષો છે, પણ એક ઉત્તમ ગુણ પણ છે. આ દેહથી પ્રભુની સેવા કરવી. અનેક છિદ્રોવાળા ઘડામાંથી પાણી ટપકી જાય તેમ આપણું આયુષ્ય પણ ક્ષણે ક્ષણે ઘટતું જાય છે. એ સ્થિતિમાં જે આયુષ્ય મળ્યું છે તેનો પુરેપુરો ઉપયોગ ચતુર વૈષ્ણવે ભગવાનના ચરણારવિંદમાં ચિત્ત લગાડી સેવા, સ્મરણ કરવા જોઈએ. (1) પ્રભુ કૃપા (2) આત્મ નિવેદન સહિત સેવા (3) ભગવદીયોનો સંગ અને (4) પ્રભુમાં દ્રઢ શરણાગતિ. ચિંતા દુર કરવા આ ચાર બાબતો શ્રીમહાપ્રભુજીએ બતાવી છે. પ્રભુ કૃપાનિધિ છે. જેમાં જીવનું કલ્યાણ હોય તે જ કરે છે. પ્રભુ ભક્તના સકલ દોષ હરિ લે છે. કારણ કે તે હરિ છે. શરણાગતનું રક્ષણ કરવું હરિનો ધર્મ છે. ભગવદીઓનો સંગ કરી, સેવા સ્મરણ કરતાં જે જીવન વિતાવે છે તેની સર્વ ચિંતાઓ શ્રીહરિ હરિ લે છે.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.