પુષ્ટિમાર્ગ તત્સુખાત્મક છે
spacer
spacer

- શ્રી કંચનભાઈ એમ. ગાંધી, વડોદરા

પુષ્ટિમાર્ગ સ્વરૂપાત્મક – ભાવાત્મક છે. જેમાં સાધન રૂપ સેવા જ ફલરૂપ છે. સાધન અને ફલનો અભેદ છે. સેવામાં જ ફલ રહેલું છે. એમાં પ્રભુના તત્સુખનો ભાવ જ મુખ્ય છે. ભાવ જ પરમ ફલરૂપ છે. ભૂકંપ ગ્રસ્ત વિસ્તારમાંથી એક સ્નેહી વૈષ્ણવે પ્રશ્ન કર્યો કે, “ભાઈ, ભૂકંપ વખતે પ્રભુને ઝાંપીમાં પધરાવી બહાર નીકળી જવું કે, ઘરમાં જ પ્રભુ પાસે બેસી નામ સ્મરણ કરવું ? ઘણા કાંઈ કહે છે, કોઈ પ્રભુ પાસે જ બેસી રહેવાનું કહે છે. શું કરવું ?” મેં કહ્યું, “ભાઈ, શ્રીમહાપ્રભુજીએ સારસ્વત કલ્પની ‘આશ્રય લીલા’ વખતે જ્યારે ઇન્દ્રે ખૂબ વૃષ્ટિ કરી, ત્યારે એ પ્રલયકારી વર્ષાથી બચવા શ્રીગોપીજનોએ પ્રભુને વિનંતી કરી, “કૃપાનાથ, આપ અમારી રક્ષા કરો” અહીં શ્રીમહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શ્રીગોપીજનો અહીંયા સ્નેહમાર્ગથી ખસી ગયાં ! સાત વર્ષનો કુંવર કનૈયો ગોપીઓનું રક્ષણ કરે કે ગોપીઓએ એમનું રક્ષણ કરવું જોઈએ ! સ્નેહમાર્ગમાં તો પ્રિયના જ સુખનો પ્રથમ વિચાર કરવો જોઈએ. સ્નેહની એ જ રીત છે. તેમ ભૂકંપ વખતે પ્રભુને ઝાંપીમાં પધરાવી ઘરની બહાર નીકળી જવું. પ્રભુ તો ઘરમાં અને બહાર તમારી રક્ષા કરવાના જ છે. પરંતુ સેવકનો ધર્મ સ્વામીના સુખનો વિચાર કરવો તે છે.

એકવાર શ્રીમહાપ્રભુજી અને શ્રીચૈતન્ય પ્રભુના સેવકો જગન્નાથજી જઈ રહ્યા હતા. માર્ગમાં બે રસ્તા આવ્યા. એક જંગલમાં થઈ જવાનો, બીજો લાંબા રસ્તે જવાનો. ચૈતન્ય પ્રભુના સેવકોએ જંગલ રસ્તો લીધો. મહાપ્રભુજીના સેવકો લાંબા રસ્તે ગયા, બંને મુકામે પહોંચી ગયા. ત્યાં ચૈતન્ય પ્રભુના સેવકોએ શ્રીમહાપ્રભુજીને વિનંતી કરી કે, “પ્રભુ, તમારા સેવકો કેવા છે ? અમારી સાથે ટૂંકા રસ્તે ન આવતાં લાંબો રસ્તો લીધો. આપશ્રી સ્વામીએ હસીને જવાબ આપ્યો, “ભાઈ, અમારા સેવકો સ્વામીને પરિશ્રમ ન થાય તેથી લાંબો રસ્તો પકડયો. તમે જંગલ રસ્તે આવ્યા, તેમાં હિંસક પશુ વિગેરેથી તમારી રક્ષા કરવા માટે તમારી પાછળ પ્રભુને આવવું પડયું. તેમાં પ્રભુને શ્રમ કરવો પડયો. આ સાંભળી સૌ પ્રસન્ન થયા. હાલમાં જીવો નાના-મોટા દુઃખોમાંથી મુક્ત થવા પ્રભુને શ્રમ આપે છે. શ્રીગિરિરાજ બાવાની માનતા માને છે. આ ઉચીત નથી, કંઠે પ્રાણ આવે છતાં પ્રભુને શ્રમ ન અપાય. પ્રભુ અંતરયામી છે. શું તમારાં દુઃખને નથી જાણતા ? શ્રીવલ્લભની આજ્ઞા છે પુષ્ટિ જીવે ત્રણે પ્રકારના દુઃખોને દ્રઢ આશ્રય અને વિવેક પૂર્વક સહન કરવા. એમાં જ જીવનું કલ્યાણ છે. “અશક્યમાં સુશક્યમાં શ્રીહરિનું જ શરણ લેવું એવી આજ્ઞા છે. જે શ્રીગિરિરાજજીની બાધા રાખે છે, તેઓએ એ પણ ખાસ ધ્યાન રાખવું કે શ્રીગિરિરાજજી ભક્ત સ્વરૂપ-હરિદાસવર્ય છે. એની બાધા રાખે, ગિરિરાજજી જે સ્વયમ્ પુષ્ટિ પુરુષોત્તમ સ્વરૂપે બિરાજે છે તેમની નહીં. આ ભેદ સમજીને કરવું. પુષ્ટિમાર્ગના નિગૂઢ સિદ્ધાંતો 84 / 252 ની વાર્તાઓમાં સમાયેલ છે. ત્યાંથી પ્રમાણ મળી રહેશે. બીજે ફાંફા મારવાની કે પૂછવાની જરૂર જ નથી. સ્વામી શ્રીવલ્લભ અતિ કરૂણાસાગર છે. આપ જ જીવના સાધન રૂપ થઈ સાધ્યને પ્રાપ્ત કરાવી આપી છે.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.