કહો, કૌનપે જૈયે હો…
spacer
spacer

 

શ્રીવલ્લભ તજ અપુનો ઠાકુર, કહો કોનપે જૈયે હો ।
સબગુણ પુરણ કરૂણા સાગર, જહાં મહા રસ પૈયે હો ।।1।।
સુરત હી દેખ અનંગ વિમોહિત, તન-મન પ્રાન બિકૈયે હો ।
પરમ ઉદાર ચતુર સુખ સાગર, અપાર સદા ગુણ ગૈયે હો ।।2।।
સબહીન તે અતિ ઉત્તમ જાની, ચરન પર પ્રીત બઢૈયે હો ।
કાનન કાહુકી મન ધરીયે, વ્રત અનન્ય એક ગહિયે હો ।।3।।
સુમર સુમર ગુણરૂપ અનુપમ, ભવ દુઃખ સબે વિસરૈયે હો ।
મુખ વિધુ લાવણ્ય અમૃત એકટક, પીવત નાંહી અદ્યૈયે હો ।।4।।
ચરન કમલ કી નિશદિન સેવા, અપને હૃદે વસૈયે હો ।
‘‘રસિક’’ સદા સંગીનસો ભવોભવ, ઇનકે દાસ કહૈયે હો ।।5।।
‘‘શ્રીવલ્લભ તજ અપુનો ઠાકુર’’
 
શ્રીવલ્લભ શબ્દનો ભાવાર્થ, ‘‘અતિ વ્હાલા’’ એવો થાય છે. નિત્ય લીલાધામમાં અનંત કોટિ શ્રીસ્વામિનીજીઓમાં જે દિવ્ય પ્રેમનો પ્રતિક્ષણ નૂતન-નૂતન વિલાસ થઈ રહ્યો છે તે અનંત કોટિ સ્વામિનીજીઓના દિવ્ય પ્રેમના સમૂહાત્મક, ઘનીભૂત, સાકાર, દિવ્ય પ્રેમ-સુધાનું સ્વરૂપ શ્રીવલ્લભ છે. તેથી શ્રીહરિરાયચરણ એક પદમાં કહે છે કે, ‘‘શ્રીવલ્લભ મહાસિન્ધુ સમાન.’’ જેમ અનેક સરિતાઓનો પ્રવાહ સમુદ્રમાં સમાઈ જાય તેમ અનંત કોટિ સ્વામિનીજીઓ દિવ્ય પ્રેમના સમુદ્ર રૂપ છે, તે અનંત દિવ્ય પ્રેમના સમુદ્રનો પ્રવાહ મહાસમુદ્ર રૂપ શ્રીવલ્લભમાં સમાવિષ્ટ થઈ જાય છે. તેથી શ્રીવલ્લભને ‘દિવ્ય પ્રેમના મહાસિન્ધુ’ કહ્યા છે. અને જેમ મહાસમુદ્રના અનંત તરંગોનું અનંત ભક્તો સેવન કરે તો પણ મહાસમુદ્રના અનંત તરંગોમાં કાંઈ ન્યૂનતા થતી નથી. અનંત ભક્તો આ દિવ્ય પ્રેમના મહાસમુદ્રના તરંગોથી સુખ પ્રાપ્ત કરે તો પણ મહાસમુદ્ર તેટલો ને તેટલો જ ભરેલો રહે છે અને પ્રતિક્ષણ અનંત તરંગો તેમાંથી પ્રક્ટ થયા જ કરે છે. તેવી જ રીતે દિવ્ય પ્રેમના મહાસિન્ધુ શ્રીવલ્લભ સ્વરૂપમાંથી અનંત કોટિ સ્વામિનીજીઓ દિવ્ય પ્રેમનો અનુભવ કરે છે. છતાં મહાસિન્ધુ પૂર્ણ જ ભરેલો રહે છે.
 
અહીં શ્રીવલ્લભ મહાસિન્ધુના અનંત તરંગો જ અનંત કોટિ સ્વામિનીજીનાં સ્વરૂપો છે. એક-એક તરંગ દિવ્ય પ્રેમના સમુદ્ર સમાન છે, તે સમુદ્રરૂપ સ્વરૂપ પ્રત્યેક સ્વામિનીજી છે. આવો કલ્પનામાં ન આવી શકે તેવો મહિમા શ્રીવલ્લભનો હોવાથી ‘‘શ્રીવલ્લભ મહાસિન્ધુ સમાન’’ અને ‘‘શ્રીવલ્લભ તજ અપુનો ઠાકુર, કહો કોનપે જૈયે હો ।’’ એમ શ્રીહરિરાયચરણ કહી રહ્યા છે.
આવા શ્રીવલ્લભને છોડીને કોની પાસે આનંદની ભિક્ષા માગવા જવું ? એમ કરૂણા ભરેલા હૃદયથી શ્રીહરિરાયચરણ શ્રીવલ્લભના જનોને સૂચવી રહ્યા છે. અનંત સ્વામિનીજીઓના દિવ્ય પ્રેમ-વિલાસની પૂર્ણતા મહાસિન્ધુ સ્વરૂપ શ્રીવલ્લભમાંથી જ થાય છે. તેવા શ્રીવલ્લભને છોડીને કોની પાસે દિવ્ય આનંદની ભિક્ષા માગવા જઈએ ? આ પદમાં શ્રીહરિરાયચરણે દિવ્ય પ્રેમ સ્વરૂપ શ્રીવલ્લભના અનિર્વચનીય, અકથનીય મહીમાને જણાવેલો છે. આ મહિમા દિવ્ય પ્રેમ રૂપ જ સમજવો. જેમ મીઠા સમુદ્રનું જલ પણ મીઠું જ હોય છે, તેમ દિવ્યપ્રેમના મહાસમુદ્ર રૂપ શ્રીવલ્લભનો મહિમા પણ દિવ્ય છે.
 
હવે બીજી પંક્તિમાં કહ્યું છે કે, ‘‘સબગુણ પૂરણ કરૂણા સાગર, જહાં મહા રસ પૈયે હો.’’ ‘‘સબગુણ પૂરણ’’ એટલે સૌંદર્યતા, લાવણ્યતા, માધુર્યતા, સુકુમારતા, મૃદુલતા, કમનીયતા આદિ દિવ્ય પ્રેમના અનંત ગુણોની સીમા શ્રીવલ્લભ સ્વરૂપમાં જ રહેલી છે. વળી પ્રત્યેક ગુણ, સાગર સમાન પૂર્ણ છે. આવા અનંત ગુણોની સીમાવાળા શ્રીવલ્લભ સ્વરૂપને ભક્તજન હૃદમાં કેમ ધારણ કરી શકે તેવી કોઈને શંકા થાય, તેના સમાધાનમાં કહે છે કે, ‘‘કરૂણા સાગર.’’ કરૂણા એટલે વાત્સલ્યતા. માતાને વાત્સલ્યપ્રેમ પોતાના બાળક પ્રત્યે હોવાથી માતા પોતે જ નિરાધાર બાલકનું લાલન-પાલન કરે છે, બાલક તરફની કોઈ અપેક્ષા માતા રાખતી નથી. આવા વાત્સલ્ય પ્રેમના સાગરરૂપ શ્રીવલ્લભ હોવાથી પોતાના અનંત દિવ્ય ગુણોને ભક્ત ધારણ કરી શકે તેવી પાત્રતા પોતાના સામર્થ્યથી જ આપ સિદ્ધ કરે છે. ‘‘વિભુ’’ નામવાળું આપનું સ્વરૂપ હૃદયમાં પધારે, ત્યારે ભક્ત હૃદયને પણ ‘‘વિભુ’’ એટલે વ્યાપક ધર્મવાળું બનાવે છે. સર્વાત્મભાવી ભક્તમાં ભગવાન જેવું જ સામર્થ્ય હોય છે. (આ કથનમાં પ્રમાણની અપેક્ષા રહે તો સુ. 3-28-24માં જોવું.)
 
હવે ‘‘મહારસ પૈયે’’ તેમ પદમાં કહ્યું છે. તો રસ અને મહારસના અનુભમાં આનંદનું તારતમ્ય હોવાથી, શ્રીવલ્લભરસને ‘‘મહારસ’’ કહ્યો છે. સંયોગના આનંદને રસ કહેવાય છે, અને વિપ્રયોગના આનંદને મહારસ કહેવાય છે. શ્રીવલ્લભનું સ્વરૂપ વિપ્રયોગાત્મક છે તેથી આપ મહારસરૂપ છે. સંયોગનો આનંદ એક સ્વરૂપથી અનુભવાય છે, જ્યારે વિપ્રયોગનો આનંદ અનંત સ્વરૂપથી અનુભવાય છે. તેથી વિપ્રયોગ સ્વરૂપ શ્રીવલ્લભને મહારસ રૂપ કહેલ છે.
 
‘‘સુરત હી દેખ અનંગ વિમોહિત, તન-મન પ્રાન બિકૈયે હો.’’ આ પંક્તિમાં કહ્યું છે કે, શ્રીવલ્લભ સ્વરૂપનું સૌંદર્ય દેખિને, ‘‘અનંત’’ કામદેવ વિશેષે કરીને મોહિત થઈ જાય છે ! લીલા લોકમાં કામદેવ શ્રીજી છે ! તે શ્રીજી શ્રીવલ્લભની સૌંદર્યતાના દર્શનથી વિશેષે કરીને મોહિત થઈ જાય છે ! મોહિત શબ્દનો અર્થ જેમાં મોહ થયો હોય તેના વિના બીજું કોઈ જ્ઞાન રહે નહીં, બીજું બધુંય ભૂલાય જાય તે મોહિત શબ્દનો અર્થ છે ! તો અહીં શ્રીવલ્લભ સ્વરૂપની સૌંદર્યતા, લાવણ્યતા, માધુર્ય સુધાનું પાન કરીને શ્રીજી તેમાં નિમગ્ન થયા છે ! પ્રેમામૃત રસાયન ગ્રંથમાં એક નામ છે ‘‘શ્રીવલ્લવી વદનામ્ભોજ મધુમત્ત મધુવ્રત’’ વલ્લવી એટલે શ્રીગોપીજન, તેના વદન કમલના લાવણ્ય, માધુર્ય પાનમાં જેની મત્ત અવસ્થા છે, અને તે લાવણ્ય મધુનું પાન કરવું તે જ જેનું વ્રત છે તેવા શ્રીજી છે ! અહીં ‘‘મત્ત’’ અવસ્થા કહી છે તો મત્ત અવસ્થા વાળાને અન્યનું વિસ્મરણ હોય છે ! જેમ મદિરા પાન કરનારને તેના નશામાં પોતાનું કે અન્યનું જ્ઞાન રહેતું નથી, તેમ શ્રીસ્વામિનીજીનાં વદનામ્ભોજ મધુનું પાન કરીને શ્રીજી મત્ત થઈ ગયા છે ! શ્રીવલ્લભ મુખામ્ભોજનાં લાવણ્ય માધુર્યમાં તો અનંત કોટિ સ્વામિનીજીઓનાં શ્રીમુખનું લાવણ્ય મધુ એકત્રીત થયેલું છે, તેવા શ્રીવલ્લભનાં શ્રીમુખની સૌંદર્યતાનાં પાનમાં શ્રીજી વિશેષ મોહિત થાય તેમાં શું આશ્ચર્ય હોય ? શ્રીસર્વોત્તમજીમાં ‘‘ત્રિલોકી ભૂષણ’’ આપનું નામ છે. ‘‘ત્રિલોકી’’ એટલે રાજસ-તામસ-સાત્વિક ભાવવાળા કોટાનકોટિ સ્વામિનીજીઓમાં જે સૌંદર્યતા રહેલી છે તે સર્વ સૌંદર્યતા શ્રીવલ્લભના સ્વરૂપમાં રહે છે. અથવા કોટાનકોટિ સ્વામિનીજીઓને સૌંદર્ય લાવણ્યામૃતથી ભૂષિત કરનાર શ્રીવલ્લભ છે. શ્રીવલ્લભના મહાન સૌંદર્ય સ્વરૂપમાંથી જ કોટાનકોટિ સ્વામિનીજીઓની સૌંદર્યતા પ્રગટ થઈ છે. તેથી ‘‘ત્રિલોકી ભૂષણ’’ નામ કહ્યું છે. આવા મહાન સૌંદર્ય સ્વરૂપમાં તન-મન-પ્રાન ન્યોછાવર કરવા શ્રીહરિરાયચરણ ઉત્સાહિત થઈ રહ્યા છે.
 
‘‘પરમ ઉદાર ચતુર સુખ સાગર, અપાર સદા ગુણ ગૈયે હો.’’ આ પંક્તિમાં ‘‘પરમ ઉદાર’’ કહ્યા. ‘‘પરમ’’ શબ્દનો અર્થ જેનાથી બીજું કોઈ તત્વ શ્રેષ્ઠ ન હોય તેને ‘‘પરમ’’ કહેવાય છે. તો શ્રીવલ્લભથી કોઈ તત્વ શ્રેષ્ઠ નથી અને શ્રીવલ્લભ સમાન બીજું કોઈ ઉદાર નથી. સંસાર સાગરમાં ડૂબેલા અને પતિત થયેલા જીવને એક કૃપા-કટાક્ષ માત્રથી ઉદ્ધાર કરી પોતાના મહાન અલૌકિક સ્વરૂપના આનંદનું દાન કરે છે. પાત્ર કે અપાત્રનો વિચાર કર્યા વગર પોતાના અદભૂત સામર્થ્યથી જીવને યોગ્ય બનાવી તે જ ક્ષણે દિવ્ય પ્રેમ સાગરમાં નિમગ્ન કરે છે, તેથી કહ્યું કે, શ્રીવલ્લભ પરમ ઉદાર છે. હવે ‘‘ચતુર સુખ સાગર’’ કહ્યા. તેનો ભાવાર્થ આપની ચાતુર્યતા ભૂતલનાં ભક્તોને નિત્યલીલા સ્વરૂપનો અનુભવ કરાવવામાં રહેલી છે. નિત્યલીલામાં બિરાજતું પ્રભુનું સ્વરૂપ નિત્ય સિદ્ધા સ્વામિનીજીઓમાં જ આસકત છે. તેવી આસકિત ભૂતલના અંગીકૃત જનોને તત્સુખી પ્રેમનું દાન કરીને શ્રીજીને નિજ્જનોમાં આસકત કર્યા છે. તત્સુખ પ્રેમમાં માધુર્યતા રહેલી છે, અને આ માધુર્ય પ્રેમના જ શ્રીજી ભોક્તા છે. તેથી જેમ ભ્રમરને કમલ મકરંદની સૌરભતા દૂર-દૂરથી પ્રાપ્ત થતાં ભ્રમર સ્વયં ચાલીને કમલ મકરંદ પાનમાં લુબ્ધ થઈ જાય છે, કમલ ભ્રમરને બોલાવવા જતું નથી, ભ્રમરની અપેક્ષા પણ કરતું નથી, પરંતુ સ્વયં ભ્રમર જ કમળ પુષ્પ મકરંદ સૌરભતા તરફ આકર્ષાય છે. તેથી એક કવિએ કહ્યું છે કે :
 
કમલ બુલાવન કબ ગયે, કબ કીનો સન્માન ।
નેહ નિમંત્રણ કે સગે, અતિ અધિર ઉલટાન ।।
 
મકરંદ પાનનો લોભી ભોંરા સ્વયં અધિર બનીને કમળ પાસે જઈને તેની મકરંદ પાનમાં લુબ્ધ બને છે. તેમ નિજ્જનોને શ્રીવલ્લભે તત્સુખી પ્રેમનું દાન કરેલું હોવાથી શ્રીજી સ્વયં નિજ્જનોનાં હૃદયમાં બંધાઈ જાય છે. જેમ નારાયણદાસ બ્રહ્મચારીના પ્રસંગમાં શ્રીચંદ્રમાજીએ તત્સુખ સેવાથી પ્રસન્ન થઈ નારાયણદાસજીને આજ્ઞા કરી કે, તું માંગ, હું તારી ઉપર પ્રસન્ન છું. પ્રભુના આવા વચનો શ્રવણ કરીને કહે છે કે, આપ શ્રીગુસાંઈજીના ઘેર પધારો, આપને અપાર સુખ ત્યાં મળશે. આવી નારાયણદાસજીની તત્સુખ ભાવવાળી ભાવનાથી શ્રીચંદ્રમાજી પરવશ થઈને નારાયણદાસને માથે જ 50 વરસ વધારે બિરાજ્યા. આવું તત્સુખી માધુર્ય પ્રેમનું દાન નિજ્જનોને ચાતુર્યતા પૂર્વક કરેલું છે. શ્રીમદનમોહનજી શ્રીરૂક્ષ્મણિજીના ઋણી થઈ ગયા તે પણ તત્સુખી પ્રેમનો જ પ્રભાવ છે. આપની ચાતુર્યતા પૂર્વકની મહોદારતા આ તત્સુખી માધુર્ય પ્રેમ દાનમાં જ રહેલી છે. આ તત્સુખી માધુર્ય પ્રેમ તે આપનું સ્વયંનું શ્રીસ્વામિની ભાવાત્મક સ્વરૂપ છે. તે સ્વરૂપનું દાન શ્રીવલ્લભ અતિ ઉદારતાથી નિજ્જનોને કરે છે. ચતુઃશ્લોકીમાં અને શ્રીસર્વોત્તમજીમાં ‘‘અંગિકૃત્યૈવઃ ગોપીશઃ વલ્લભી કૃત માનવઃ’’ આ નામમાં પણ આપની ચાતુર્યતાના દર્શન થાય છે. આપનું નિગૂઢ સ્વરૂપ, નિગૂઢ ચાતુર્યતા, નિગૂઢ દાન, નિગૂઢ વિલાસ. આ સર્વ નિગૂઢ જ રહેલું છે. તેનો અનુભવ અનન્ય જનો જ જેવા કે કોટિમાં વિરલા શ્રીપદ્મનાભદાસદિ જ કરી શકે છે.

‘‘સુખ સાગર.’’ આપને સુખના સાગર કહ્યા. તેનો ભાવાર્થ એ છે કે, સંયોગ લીલામાં ભક્તોને પ્રભુના સંયોગ પછી વિયોગ દુઃખનો અનુભવ કરવો પડે છે. તેવું દુઃખ શ્રીવલ્લભ ચરણકમલના આશ્રિત જનમાં માધુર્ય પ્રેમનો સિન્ધુ ભરેલો છે, તેમાંથી પ્રતિક્ષણે મધુર પ્રેમના નૂતન-નૂતન ભાવ-તરંગો પ્રગટ થતાં જ રહે છે, તેના આસ્વાદમાં શ્રીજી સદા અતૃપ્ત રહે છે ! તૃપ્તિ થઈ જાય ત્યારે જ બીજા ભક્તનું સદન શોધે. પણ જ્યાં મધુર સુધા-પાનની તૃપ્તિ જ નથી થતી ત્યાં બીજા સદનમાં પધારવાનું રહેતું નથી. અથવા માધુર્ય સુધા આસ્વાદનમાં શ્રીજીને અન્યનું વિસ્મરણ થયેલું છે. તેથી ભાગવતમાં ભગવદ્ વાક્ય છે કે, ‘‘હું મારા ભક્ત વિના બીજું કંઈ જાણતો નથી. અને ભક્ત મારા વિના બીજું કંઈ જાણતો નથી.’’ આ ઊભયની દુનિયા જ નિરાલી રચાય છે. શ્રીવલ્લભનાં મહા ઉદાર ચરિત્રમાં આથી વિશેષ શું કહેવું ? માધુર્ય પ્રેમ અપાર સિન્ધુ સમાન હોવાથી તે કથનમાં કેટલો આવી શકે ? ‘‘શરણ વલ્લભ ગહી, ભાગ્યકો પાર નહિં, ભજો ‘કૃષ્ણદાસ’ અંતર્જામી.’’

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.