અલૌકિક સામર્થ્ય
spacer
spacer

મધુકર

વિશુદ્ધ પ્રેમ પ્રાપ્ત થતાં પ્રભુ સાથે તાદામ્યતા થાય છે, ત્યારે અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત થાય છે. આ વિશુદ્ધ પ્રેમને સ્વાધીના અર્થાત સ્વતંત્ર ભક્તિ કહેવાય છે. શ્રી આચાર્યચરણનો મત છે કે, જ્યાં સુધી શ્રીકૃષ્ણની આધિનતા રહે, ત્યાં સુધી મર્યાદા છે. અને સ્વાધીનાવસ્થાને જ પુષ્ટિ કહે છે. જે પ્રકારે એક પ્રસિદ્ધ યોગી યોગબળથી પોતાની ભીતરમાંથી અનેક ઐશ્વર્યો પ્રકટ કરે છે અને એના આનંદનો ઉપભોગ કરે છે, અને પુનઃ એ ઐશ્વર્યને અંતઃકરણમાં રાખીને આન્તર સુખનો અનુભવ કરે છે, એવી જ રીતે સ્વતંત્ર ભાવસંપન્ન ભક્ત પણ ભાવબલથી અનેક પ્રકારના લીલાત્મક કૃષ્ણને પ્રગટ કરીને આન્તર અને બહાર પ્રકારથી એની સાથે વિલાસ કરે છે. એ ભક્તને સંયોગ અને વિપ્રયોગાત્મક બન્ને પ્રકારનાં સુખોની અનુભુતિ થાય છે.

આ પ્રકારના ભક્તિયોગથી તે ભક્તનો ભૌતિક દેહ અપ્રાકૃત થઇ જાય છે. એનાં નેત્રોમાં, વાણીમાં, મનમાં, હૃદયમાં, તનમાં સર્વત્ર શ્રીકૃષ્ણની જ સ્થિતિ રહે છે. તે સ્વયં ભાવ (પ્રેમ) રૂપ થઇ જાય છે. આ ભાવને જ નિર્ગુણ પ્રેમસ્વરૂપ, પરબ્રહ્મસ્વરૂપ અને અચિન્ત્ય અનંત શક્તિયુક્ત કહેવાય છે. સ્વતંત્ર ભક્તિ પ્રાપ્ત ભક્ત નિર્ગુણ પ્રેમ સ્વરૂપમાં તદાત્મક થયેલા હોવાથી પરબ્રહ્મ સમાન જ સામર્થ્યવાળો થઇ જાય છે. અને ભાવમાં જ નિરંતર વિલાસ કરે છે. આ અવસ્થાને જ શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ વિશુદ્ધ પ્રેમની અવસ્થા માની છે, અને આવા પ્રકારના અચિત્ય અને અનંત સામર્થ્યને જ “અલૌકિક સામર્થ્ય” કહેવામાં આવે છે.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.