પુષ્ટિ પથ – પથિક
spacer
spacer

- મધુકર

પ્રશ્ન -  પ્રભુની લીલા વૈચિત્ર્યતાની અકળતા મને તો કોઇ વખત ખરેખર અકળાવી મૂકે છે. “મૂનિ હસે હેર હેર હરિ હસે હર હર”- આ ઇન્દ્રમાન ભંગના પદાનુસાર તેને મન તો રમત હશે પણ મને તો મુંઝવણ ઉભી થાય છે. આનું સમાધાન કેમ કરવું ?
 
ઉત્તર –આવા પ્રકારના તમારા આલાપ-પ્રલાપમાં સમાધાન એ છે કે પુષ્ઠિ સૃષ્ટિ પ્રભુએ પોતાના શ્રી અંગમાથી પ્રગટ કરી છે, અને તેથી પોતાના અંગમાં જેમ મનુષ્યને મમત્વ રહેલું હોય છે તેમ પોતાના અંગરૂપ પુષ્ટિ સૃષ્ટિના દૈવી જીવોમાં પ્રભુને ગાઢ મમત્વ રહેલું છે. આવા મમત્વથી પ્રભુ જે જે કરતા હશે તે આપણા હિત માટે જ હોય છે. આપણી અજ્ઞાનતાને કારણે પ્રિય પ્રભુના આવા ગૂઢ મમત્વને પહેચાની શકતા નથી તેથી જ “તેને મન તો રમત હશે” આવા ઉપાલંભના દેવાનો અધિકાર આપણા જેવા જીવોનો નથી. કારણકે આપણું જીવન સંપૂર્ણ પ્રિય પ્રભુને સમર્પીત થયું નથી. પ્રભુ પ્રાણરૂપ-જીવનરૂપ બન્યા નથી, પ્રભુને સુખદ બનીયે તેવી રસ સમ્પતિને પ્રાપ્ત કરી પ્રભુના સુખનાજ મનોરથો થતા નથી. આવી સ્થિતિમાં ઉપાલંભ કેમ આપી શકાય.
 
ઉપાલંભ દેવાનો અધિકાર વ્રજપ્રિયા ગોપીજનોનો છે. તેમણે પોતાનું સર્વસ્વ પ્રિયતમને સમર્પીત કર્યું છે. વિપ્રયોગ કાળમાં પ્રિય પ્રભુ માટે જ જીવન ટકાવે છે. વિપ્રયોગનું દુઃખ એવું પ્રબળ છે કે ક્ષણના વિયોગમાં પ્રાણ રહી ન શકે, દશમી અવસ્થા જ થઇ જાય. આવી દુઃસહ અવસ્થામાં શ્રી ગોપીજનોએ પ્રિય પ્રભુના માટે જ પ્રિયને સુખદ બનશું તેવી આશાએ જ પ્રાણને ધારણ કરી રાખ્યા છે. ત્વયિ ધૃતાસવ ગોપીગીતના બીજા શ્લોકમાં શ્રી ગોપીજન કહે છે કે હે દયિત ! હે પ્રિય ! આપની રસરૂપ સુખદ સેવા કરવાની આશાએ જ અમોએ પ્રાણ ધારણ કરી રાખ્યા છે. આપને જ્યારે અમારા પ્રાણની જરૂર નથી તેમ અમે જાણશું ત્યારે અમારા પ્રાણ અમારા ઉપયોગના નહી રહેવાથી ટકી નહી શકે. (“કંઇ લાખો નિરાશામાં અમર આશા છુપાઇ છે.” આ કથન મુજબ અમરવેલ જેવી પ્રિય મિલનની આશા જ વિરહી જનોના પ્રાણને ટકાવી રાખે છે.)
 
આમ શ્રી વ્રજપ્રિયાઓનું જીવન પ્રિયપ્રભુને સુખ આપવા માટે જ હોવાથી, અને પ્રિય મળતા નથી તેથી ઉપાલંભ આપે છે. આવા ઉપાલંભના શબ્દોમાં પણ રસ જ ભરેલો હોય છે, કેમકે તેમના દિવ્ય વિગ્રહો રસાકારજ બનેલા હોય છે. આપણી આવી સ્થિતિ નથી તેથી ઉપાલંભ દેવાને યોગ્ય નથી. પોતાનું હિત ચાહનારાઓએ અનધિકાર ચેષ્ટાનું સાહસ નહીં કરવું.
 
‘રસિક’ ચરણરજ વ્રજયુવતીનકી,
અતિ દુર્લભ જીય જાન.
 
જેને પ્રિય વશ થઇને રહ્યા છે એવા મહત સૌભાગ્યવાન વ્રજપ્રિયાઓના ચરણરજની અભિલાષા રાખવી. તે સર્વ પુરૂષાર્થ સિધ્ધ કરશે.
 
પુષ્ટિ પ્રભુના કરૂણાળુ સ્વભાવને અથવા નિજ અંગરૂપ પુષ્ટિ સૃષ્ટિમાં પોતાના ગાઢ મમત્વવાળા સ્વભાવનું મહાનુભાવ શ્રી સૂરદાસજીએ નીચેના પદમાં વર્ણન કર્યું છે:-
 
દેખો દેખો હરિજુકો એક સ્વભાવ ।
અતિ ગંભીર ઉદાર ઉદધિ પ્રભુ,
જાન શિરોમણિ રાવ ।।1।।
દાસ અપરાધ જાન સિન્ધુસમ,
બૂંદ ન એકો જાન ।
રાઇ જીતની સેવાકો ફલ,
માનત મેરૂ સમાન ।।2।।
વદન પ્રસન્ન કમલપદ સન્મુખ,
દેખત હી હૈ એસે ।
વિમુખ ભયે કૃપા યા મુખકી,
જબ દેખો તબ તેસે ।।3।।
ભક્ત વિરહ કાતર કરૂણામય,
ડોલત પાછે લાગે ।।
“સૂર” એસે પ્રભુનકો,
ક્યોં દીજે પીઠ અભાગે ।।4।।
 
વિરહી જનોના સિન્ધુ સમાન અપરાધને એક બિન્દુ સમાન પણ માનતા નથી (તેનું કારણ સ્નેહ સંબંધની રીત એવી છે કે પોતાના પ્રીતિ પાત્રના દોષો નજરમાં જ આવતા નથી. દિવ્ય સ્નેહ સંબંધની આવી જ રીત છે.) અને રાઇ જેટલી તત્સુખ સેવાને મેરૂ સમાન માને છે. (તેનું કારણ દિવ્ય સ્નેહમાં નિરપેક્ષતા હોય છે તેથી પોતાના પ્રીતિ પાત્રનો રંચ તત્સુખ સ્નેહભાવ મેરૂ સમાન માને છે, દિવ્ય સ્નેહની રીત અટપટી-વિલક્ષણ પ્રકારની છે, તેમાં ડૂબ્યા હોય તે જ જાણે છે.) વળી વિરહ દુઃખથી દીન બનેલા જનનું રક્ષણ કરવા પાછળ પાછળ જે ડોલી રહ્યા છે એવા મહાકારૂણિક પ્રિય પ્રભુને હે પ્રણયિ ! તું પીઠ ન દઇશ. “પીઠ ન દઇશ” એટલે વિરહ દુઃખથી કાયર બનીને સાધના શીથીલ ન કરીશ અથવા આવા કરૂણાળુ પ્રિય પ્રભુને ઉપાલંભ આપવાની ધ્રુષ્ટતા ન કરીશ ! “પાછળ પાછળ ડોલે છે.” તેનો અર્થ પરમ પુરૂષાર્થ રૂપ વિરહ ભાવનું રક્ષણ અને વિરહભાવની વૃદ્ધિ માટે હૃદયમાં રહી પ્રેરણા કર્યા જ કરવી તેને પાછળ પાછળ ડોલવાનું કહ્યું છે.
 
પ્રશ્ન – હૃદયમાંથી ‘કામ’ શત્રુ ન જાય ત્યાં સુધી (ઇન્દ્રિયો જનીત સુખ ભોગની લાલસા-જીજ્ઞાસા-ઇચ્છાથી પ્રભુ સ્મરણ કે ચિંતનની અખંડીતતા જળવાય કેમ ?
ઉત્તર – આ તમારૂં કથન તમારા મનને ઉપદેશ કરવા માટે જ પ્રભુએ પ્રેરણા કરી સમજાવ્યું છે. “ભાવ સાધક બાધક” નામના ગ્રંથમાં શ્રી હરિરાય પ્રભુ આજ્ઞા કરે છે કે, હે જીવ ! તું પોતે જ કહે કે જો મનથી વૈરાગ્ય અને પ્રભુમાં ચિત્તનો પ્રવેશ ન થાય તો પ્રિય પ્રભુમાં દ્રઢભાવ શી રીતે સ્થિર રહે ? અહીં શ્રી હરિરાય પ્રભુ જીવના પોતાના કર્તવ્યનો બોધ કરે છે. પોતાનું કર્તવ્ય જીવ ન કરે તો પ્રભુ પ્રાપ્તિ કેમ થાય ? પોતાના કર્તવ્યને કૃતિમાં નહી મૂકવું અને પોતાના કર્તવ્યનો બોજ સ્વામી ઉપર મુકવો, આવી સમજ સ્વભાવથી દુષ્ટ થયેલા મનમાં રહેલી છે. આવા દુષ્ટ મનનો પક્ષ કરવાથી સ્નેહ માર્ગથી ચ્યુત થઇ જવાય છે. ઘણા જન્મોની એકઠી થયેલી વાસનાઓના ભોગથી પુષ્ટ થયેલું મન દુષ્ટ સ્વભાવી બનેલું છે. તેને સાંસારિક વિષયમાં પ્રીતિ છે, પ્રભુમાં નથી. આવા મનને પોતાનો શત્રુ જાણી તેનો પક્ષ નહી કરતા બલાત્ પ્રાકૃત વિષયોમાંથી ખેંચીને પ્રભુ સન્મુખ વારંવાર કરતા રહેવું.
 
“મન તેં બહુવિધ પોલ ચલાઇ.” જીવ જ્યારે જાગૃત થઇ જાય છે ત્યારે મનથી પ્રથક થઇ ને મનની કપટ ભરેલી ચાલને સમજી લે છે કે તેને પ્રભુમાં પ્રીતિ નથી પણ વિષયમાં રાચવું છે. જીવ જાગૃત ક્યારે થાય ? એક કમરામાં ગાઢ નીદ્રામાં મનુષ્ય સુતેલો છે ત્યાં આગ લાગી. આ આગની જવાલાનો તાપ લાગતા જ ગાઢ નિંદ્રામાં સુતેલો પણ જાગૃત થઇ જાય છે. તેમ જ્યારે પ્રિય પ્રભુની પ્રાપ્તિની વિરહાગ્નિ હરદમ હૃદયમાં જલતી રહે ત્યારે અવિદ્યારૂપ ગાઢ નિંદ્રામાં સુતેલો દૈવી જીવ જાગૃત થઇ જાય છે.
 
મન લોભી મન લાલચી,
મન કપટી મન ચોર ।
મનકે મતે ન ચાલીયે,
હોત હે ક્ષણ ક્ષણ ઓર ।।
 
મહાનુભાવ ભગવદીયો જીવ ઉપર દયા વિચારીને મનની દુષ્ટતાને ઓળખાવી રહ્યા છે. આસુર ધર્મના આવેશવાળું મન દેખાય નહી તેવો હૃદયમાં રહેનારો શત્રુ છે. તેને અંતર્મુખ રહેનારા ભગવદીયો પહેચાની શકે છે. આવા મનથી પ્રથક રહીને તેને ઓળખી લેવાનો ઉપાય પ્રભુ સંબંધીજ વિચારો જ જો મન કરતું હોય તો તેને દૈવી સમજવું. અને પ્રભુને ભુલાવે તેવા પાકૃત પ્રપંચના વિચારો ઉત્પન્ન કરે તો આસુર ધર્મના આવેશવાળું સમજવું. મહાનુભાવ નંદદાસજી કહે છે કે-
 
“ગરલ અમૃત એકઠા કર રાખે,
ભિન્ન ભિન્ન કર વિરલા ચાખે.”
 
સાધન દશામાં દૈવી જીવના હૃદયમાં પ્રાકૃત પ્રપંચ કે જે અવિદ્યાથી મનમાં ઉત્પન્ન થાય છે તે પણ રહેલ હોય છે. અને દૈવી પ્રભુ સંબંધી વિચારો પણ ઉત્પન્ન થાય છે. આ બન્ને વિચારો મનમાંથી જ ઉત્પન્ન થાય છે, તેથી જ્યારે પ્રાકૃત પ્રપંચના વિચારો ઉત્પન્ન થાય ત્યારે તેમાં ભળી નહી જવું. તેને અનુમોદન નહી આપવું, અથવા એવા વિચારોને આધિન નહી થવું. ભગવદ્ સંબંધી વિચારો ઉત્પન્ન થાય તો તેને આદર આપી કર્તવ્યમાં મુકવા. આ પ્રકારે મનને ઓળખીને કર્તવ્યનો જ જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે ઉપાલંભ આપવાનો રહેતો નથી.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.